ગદ્યસુર

Entries from June 2007

સંશય – માનવ પ્રગતીનું મુળ ( ભાગ -2 ) – સુનીલ શાહ

June 27, 2007 · 2 Comments

            એક વીદ્વાન ગણાતા વડીલે હમણાં જ ચમત્કારોની અનુભુતીની અન્ય મીત્રની વાતને શ્રધ્ધાથી જોઈ…‘આ મીત્રતો જુઠું બોલે જ નહીં’ એવી મીત્ર પ્રત્યેની કેવળ શ્રધ્ધા! શંકાની સ્વીચ જ ઓફ! શ્રધ્ધાના નામે પોતાની સ્વતંત્ર વીચાર–વાણીની શક્તીને અંધારા ઓરડામાં પુરી દઈ તેને ગળે ટુંપો દેવાની વાતથી જ અંધશ્રધ્ધાના બીજ રોપાઈ જાય છે એ વીકાસ પામી ક્યારે વીરાટ વૃક્ષ બની જાય છે તેનું ભાન રહેતું નથી. જ્ઞાનની પ્રગતી–પ્રાપ્તી માટે શ્રધ્ધા નહીં, કેવળ શંકા–સંશય જ અનીવાર્ય છે. શ્રધ્ધા વૈચારીક પ્રગતી સ્થગીત કરી દે છે, જયારે શંકા જ માનવજાતને સત્યની દીશા તરફ દોરી જવાની પુર્વભુમીકા પુરી પાડે છે.

            ગૌતમ બુધ્ધના શબ્દો યાદ કરીએ….‘તમે ગમે ત્યાં વાંચ્યું હોય તો પણ માનશો નહીં, અને મેં કહ્યું એટલા માત્રથી જ સાચું એમ માનશો નહીં, માત્ર તમારી તર્કબુધ્ધી (વીવેકબુધ્ધી) અને તમારી સહજબુધ્ધીથી સ્વીકાર્ય હોય તો જ માનજો…!’ આ દેશના બધા જ ગુરુઓ પોતાના ચેલાઓને આવો ઉપદેશ આપે તો?

           માનવ સમાજે સાચુ સુખ માણવું હોય, સંસ્કૃતીને વીકાસશીલ રાખવી હોય તો જીવનને સ્પર્શતી તમામ બાબતોના સારાસારનો વીવેક કરવો પડશે, જે મુલ્યો–પરંપરાઓ સુખ, આનંદના માર્ગે અડચણરુપ લાગે તેનો સતત પડકાર કરવાની અને તેને બદલવાની પ્રક્રીયામાં ભાગ ભજવવો પડશે. હજારો વર્ષો પુર્વે જે જીવનમુલ્ય ગણાયું હોય તેને શ્રધ્ધાના જોર પર સ્વીકાર્યા કરવાની અંધશ્રધ્ધા ત્યજવી પડશે. જેને આપણે ધર્મ કહીએ છીએ તે મહદ્અંશે પાખંડ, ક્રીયાકાંડ, દંભ આડંબર, રુઢીચુસ્તતા, ચમત્કાર જેવા દુષણોનું મહામીશ્રણ નથી શું..? વીચારવાનો પ્રશ્ન છે.

           ધાર્મીક–અંધશ્રધ્ધાળુ વાતાવરણમાં ઉછરેલા માણસો વીવેકબુધ્ધીનો પુરતો ઉપયોગ નથી કરી શકતા, બહુધા તેનાથી દુર જ રહે છે. સલામતી, શાંતી માટે ધર્મ, ધર્મગુરુઓ તરફ દોડતાં વર્ગ માટે આ યાત્રા સત્યદર્શનની અવરોધક બને છે, કેમ કે તેના પાયામાં શ્રધ્ધા, વહેમ, સ્થગીતતા હોય છે. તેથી જ વીવીધ, વીશીષ્ટ માન્યતાઓ–વીધીઓથી ભરપુર ધર્મને જે. કૃષ્ણમુર્તીએ સર્કસ તરીકે, પલાયનવાદ તરીકે, સત્યના અવરોધક તરીકે, માનવીઓ વચ્ચેના વીભાજક તરીકે કે ઘેનમાં નાંખનારા અફીણ તરીકે ઓળખાવ્યો છે.

—————————————————————————————————— 

ધર્મો અને ધર્મગુરુઓનું સર્જન તમે પોતે જ સલામતી મેળવવા કર્યું છે, અને એ જ તમારું શોષણ કરે છે.
જે. કૃષ્ણમુર્તી

(વીવેક)બુધ્ધી માત્ર એકજ વીજ્ઞાનને સ્વીકારે છે, એ વીજ્ઞાન જે સમસ્ત સૃષ્ટીને સમજાવે છે, અને એ સૃષ્ટીમાં મનુષ્યના સ્થાનને..’
ટૉલ્સટૉય.

————————————————————————————————-          

લેખ વીશેના તમારા પ્રતીભાવો અહીં મોકલશોઃ

sunras22266@gmail.com

Categories: આધુનીક ભારતીય · ગદ્ય/ અછાંદસ · સુનીલ શાહ

સંશય – માનવ પ્રગતીનું મુળ ( ભાગ -1 ) – સુનીલ શાહ

June 26, 2007 · 3 Comments

            ઠેરઠેર નાનાં મોટાં ટોળાં દેખાય છે…મનગમતાં ગુરુની પાછળ દોડતાં, ગુરુની વાહ વાહ પોકારતાં, તેમના દર્શન કે શ્રવણ માત્રથી સ્વર્ગ–મોક્ષ પ્રાપ્ત થશે તેવી ભ્રમણામાં રાચી તેને જ અંતીમ સત્ય માની, અન્યોની વાત સાંભળવાની તસ્દી લીધા વીના….બસ, વફાદારીનો ઉત્તમ નમુનો પુરો પાડવાની ભક્તી કરતાં ટોળાં…! ગુરુના શબ્દો…વીશીષ્ટતાઓનો પ્રચાર તો ખરો જ. અમારા ગુરુનું તો ભારે તેજ..અમારા ગુરુ તો ૭૦–૮૦ વર્ષે પણ સ્વસ્થ છે..(કેવો ચમત્કાર.!) અમારા ગુરુ ભારે જાણકાર, પળવારમાં મન પારખી લે, ઝટ ઉકેલ સુચવી દે..તેમના ચાહકો પણ કેટલાં…!

           વૈજ્ઞાનીક અભીગમની પણ વાત થાય. હમણાં એક નવું પ્રચારતંત્ર ગોઠવાયું છે, વીજ્ઞાનનો સ્વીકાર..વૈજ્ઞાનીક અભીગમની વાતો કરવી અને સાથે સાથે મોક્ષ–સ્વર્ગ–નર્ક કે પુનર્જન્મની વાતોમાં પ્રજાને ચકરડીએ ફેરવવાની તરકીબ…! ‘અમારા ગુરુ તો વૈજ્ઞાનીક અભીગમ ધરાવે છે’ એમ કહેનાર એક મીત્રને પુછયું કે, તમારા ગુરુ વીજ્ઞાન જેનો અસ્વીકાર કરે છે તે સ્વર્ગ–મોક્ષ–જન્મજન્માંતર જેવી બાબતો સ્વીકારે છે? તો કહે, ‘આપણા શાસ્ત્રોમાં આપણા વીદ્વાન અને જાણકાર મહાપુરુષોએ જે બોધ આપ્યો છે તેને સ્વીકારવો એ જ તો સાચો ધર્મ છે! મેં કહ્યું, તો પછી આમાં વૈજ્ઞાનીક અભીગમની વાત જ સામા છેડાની. ઉત્તરમાં જાણીતું વાક્ય ટાંકયું..‘ સંશયાત્મા વીનશ્યતી’..!

                 જો માણસે શંકા ન કરી હોત તો આટઆટલી પ્રગતી કરી જ નહોત.

  1. ઝાડ પરથી નીચે પડતાં સફરજનને જોઈને કોઈ ચોક્કસ બળ કામ કરતું હશે એવી ન્યુટનને શંકા ન ગઈ હોત તો ગુરુત્વાકર્ષણ વીશે જાણી શકાયું હોત?
  2. પૃથ્વીના અસ્તીત્વ અને સજીવ સૃષ્ટીના આગમન વીશેની ધાર્મીક માન્યતાઓને અંતીમ માની ચાલ્સ ડાર્વીન હાથ જોડીને બેસી રહ્યો હોત તો ઉત્ક્રાન્તી વીશેનો મહત્વનો મુદ્દો હાથ લાગ્યો હોત…? તે વીશેના આશ્વર્યજનક પુરાવા અને તે પરથી પૃથ્વી પર કાળક્રમે ભીન્નભીન્ન સજીવોની ઉત્પત્તીની વાતો આજે પણ એટલી જ સાચી મનાય છે, તે જાણી શકાઈ હોત..?
  3. શીતળામાતાના પ્રકોપથી જ શીતળાનો રોગ થાય છે ને દર વર્ષે પૃથ્વી પટે લાખો બાળકો મરે છે કે નેત્રવીહીન થાય કે કદરુપા થાય છે એમ માનીને એડવર્ડ જેનર બેસી રહ્યો હોત તો શીતળાની રસી જ ના શોધાઈ હોત અને આજે વીશ્વ શીતળા મુકત જ ના બન્યું હોત.
  4. સુર્ય–ચંદ્ર–તારા વીશેની અનેક પ્રાચીન માન્યતાઓ વીજ્ઞાનના વીકાસની સાથે સાથે ખોટી ઠરતી ગઈ. ખગોળશાસ્ત્રના વીકાસે જ્ઞાનની નવી ક્ષીતીજો ખોલી.

               જાતજાતના રોગોના ઉપચારની વાત હોય કે ઉર્જાની કટોકટી નીવારણનો મુદ્દો હોય, જરુરીયાત તો ખરી જ.  તે સાથે શંકાના મહત્વના પરીબળે માનવ કલ્યણાર્થે મહત્વની સીધ્ધીઓ પ્રાપ્ત કરી છે. ‘શંકા કરવી નહીં, શાસ્ત્રોક્ત વાતોને જ સત્ય માની લેવી..’ આવા વીધાન સામે પણ શંકા જાગે અને અનેક તર્ક–સંશોધનો વડે પરંપરાગત માન્યતાઓની સત્યતા ચકાસવાના નવા દ્વાર ખુલે ત્યારે તે સાથે જ આવી અંધ માન્યતાઓનું વસ્ત્રાહરણ થઈ જાય એ ઓછી આનંદદાયક ઘટના નથી.
————————————————————————————————-          

લેખ વીશેના તમારા પ્રતીભાવો અહીં મોકલશોઃ

sunras22266@gmail.com

Categories: આધુનીક ભારતીય · ગદ્ય/ અછાંદસ · સુનીલ શાહ

ચાલો અભણ થવાનું શીખીએ

June 1, 2007 · 5 Comments

Hello friends,

       You have come here, spending 2500/- Rs, your precious money, Just for listening to me for three days. You naturally have lots of expectations to get something from this discourse, and it is quite reasonable too.

     So, ladies and gentleman! It is my earnest and most sincere promise to you, and I will fulfill it with my best possible might – that. ‘ YOU WILL GET NOTHING FROM THIS SEMINAR.’

     Shocked? Disillusioned? You think that this seemingly decent looking man is a cheat?

     I earnestly  request  you all to listen to me carefully  for one hour. And after that, if you still feel  the same way, my friends at the back will return your precious 2500/- Rs. BUT, you will lose nothing !  

       Because if you get NOTHING  here,  you will have access to EVERYTHING ……”

-          ‘Debu‘

——————————————————————————————————-

           ઉપરોક્ત શબ્દો 1996ની સાલમાં અમદાવાદમાં, હું જેમાં ભણવા ગયો હતો તેવા, એક સ્વ-સુધારણાના સેમીનારના શીક્ષકના હતા. હું તે સેમીનાર કરનાર સંસ્થાનું નામ નહીં આપું, કારણકે હું અહીં કોઇનો પણ પ્રચાર નથી કરતો. અહીં તો માત્ર ‘અંતરની વાણી’ જ મળશે.

ચાલો! ‘કશું નહીં’ મેળવવાનું શીખીએ, અભણ થવાનું  શીખીએ !!

         ભણવું બહુ દુર્ગમ છે. આપણે જન્મ્યા ત્યારે સાવ અભણ, ભોટ, ‘ઢ’ હતા. માત્ર ભાવ જગતમાં જ રહેતા હતા. રુદન, સ્મીત અને કીલકારીઓ જ આપણી ભાષા હતી. આપણે દરેક અનુભુતીમાંથી ભણતા હતા. દરેક અનુભવમાં આગળ ધપવાનો, પા પા પગલી ભરવાનો, પડવાનો, આખડવાનો આનંદ હતો. કોઇના ફફડતા હોઠ પણ આપણને ‘બ’ અને ‘મ’ કેમ બોલાય તે શીખવતા હતા. ‘ઢ’ હોવામાં કોઇ લઘુતા નહોતી.

         પછી તો બાપુ, આપણે ભણવા  માંડ્યા! બહુ ભણ્યા, અને એટલે ગણવા પણ માંડ્યા. ક્યાં નફો અને ક્યાં નુકશાન, તે સમજવા માંડ્યા! આખી  દુનીયાને આપણા ખીસ્સામાં કેદ કરવાના ખ્વાબ સેવવા માંડ્યા.

         અને હવે તો આપણે બહુ ભણેલા, ગણેલા, સુસંસ્કૃત,પંડીત બની ગયા.

         પણ એ અનુભુતીનો આનંદ તો ગયો તે ગયો જ, એ કીલકારીઓ ગઇ. એ સ્મીત ગયું. અરે દીલ દઇને હવે રોઇ પણ શકતા નથી. જે જંજીરો જગતને જેર કરવા ઘડી હતી તેમાં આપણે જ બંદીવાન બની ગયા. જીવન ઝેર બની ગયું.

          ફરી એ આનંદ મેળવવો છે? પ્રત્યેક પળ જીવવાનો આનંદ? તો ફરી પાછા અભણ બનો. ભણવા કરતાં ભણેલું ભુલવું બહુ કઠણ છે. પણ જે જવાંમર્દ કે જવાંજનાના (!) હોય તે જ કઠણ કામ કરે.  અભણ થઇશું તો જ નવું શીખી શકીશું.

          મેં પેલા સેમીનારમાં આ અભણ થવાની રીત શીખી. અને હું ફરી પાછો બાળક બનવા માડ્યો. દેશ છોડ્યો, અને દીકરીના બાળકો જોડે રમતાં રમતાં પાછો બાળક બની ગયો. ‘જે કંઇ બની ગયો એ બરાબર બની ગયો!’  સાત નવી હોબી શીખ્યો, ગુજરાતી સાહીત્ય શીખવા માંડ્યો. મારી માન્યતાઓ, સુગ અને અણગમાને તીલાંજલી આપી, નવી જોડણી ય શીખ્યો અને જોડણીદોષથી મુક્ત બન્યો. અંતરની વાણી પ્રગટવા માંડી.

         માટે  ચાલો! મારી સાથે સાથે અભણ થવાનું શીખવા આવશોને? બહુ મજા આવશે, છુક છુક ગાડી રમવાની, ગીલ્લીદંડા અને લખોટીઓ રમવાની મજા. ‘બા’ને વીતાડીને રીઝવવાની મજા.

—————————————————–

મને સૌથી વહાલી એવી મારી કવીતા વાંચો

Categories: આધુનીક ભારતીય · ગદ્ય/ અછાંદસ · સુરેશ જાની