ગદ્યસુર

Entries from July 2007

કારની ચાવી

July 31, 2007 · 7 Comments

        સવારના દસેક વાગ્યા હશે. હું એક ભારતીય ગ્રોસરી સ્ટોરના પાર્કીંગમાં સ્ટોર ખુલવાની રાહ જોઇને બેઠો હતો. ગાડીમાં બેસીને મારા ગમતા પુસ્તક  ‘વીણેલાં ફુલ’  ના એક ભાગની વાર્તા વાંચી રહ્યો હતો. વાર્તા બહુ જ કરુણ હતી. સમાજના કહેવાતા ઉજળીયાત અને ઉચ્ચ લોકોની લઘુતાનું વર્ણન હતું. અને સામાજીક રીતે સાવ નાના માણસની માણસાઇ ઉજાગર થતી હતી.

       વાર્તાના કથાવસ્તુથી મન ક્ષુબ્ધ થઇ ગયું હતું. ત્યાં મેં સ્ટોરના બારણે બે ત્રણ લોકોની હીલચાલ જોઇ. હવે સ્ટોર ખુલશે એ આશાએ મેં ગાડીનું બારણું લોક કર્યું અને સ્ટોર તરફ જવા નીકળ્યો. તરત જ ખબર પડી કે ચાવી તો ગાડીની અંદર જ રહી ગઇ હતી. બધા બારણા ખટખટાવી જોયા. પણ બધા બરાબર બંધ હતા. મારું રહેઠાણ 26 માઇલ દુર હતું. હવે?    

     પેલા ઉભેલા ભાઇઓ પાસે પહોંચ્યો. મારી વીતક સમજાવી. તેમાંના એક, મેક્સીકોના ડેનીયલે કહ્યું ” ચીંતા ન કરો. કદાચ હું તમને મદદ કરી શકીશ.” બાજુના એક નાના સ્ટોરમાં જઇ કપડાં લટકાવવાનું હેન્ગર અમે લઇ આવ્યા. દ્સેક મીનીટની મથામણ બાદ ડેનીયલે ચાવી કાઢી આપી.

    કઇ રીતે ચાવી નીકળી તે અગત્યનું નથી, પણ ડેનીયલે અમારી વાતચીત દરમીયાન કહેલા શબ્દો મારા ચીત્તમાં વજ્રલેપ થઇ ગયા છે.

      ડેનીયલે અમેરીકન લશ્કરમાં કામ કરેલું હતું અને વીયેટનામ યુધ્ધની ભયાનકતાઓ અનુભવેલી હતી. તેણે કહ્યું હતું ” મુશ્કેલી તો જીવનમાં આવે. પણ એ વખતે કદી આશા ન છોડવી અને ધીરજ રાખવી. પરીસ્થીતી જ આપણને ઉકેલ બતાવી દેતી હોય છે -  આપણે આંખ અને કાન ખુલ્લા રાખીએ અને મનને વીક્ષુબ્ધ ન થવા દઇએ તો. “

Categories: અમેરીકા · સ્વાનુભવ

મહેન્દ્ર મેઘાણી સાથે એક મુલાકાત

July 30, 2007 · 1 Comment

      સત્વશીલ વાંચન, સંપાદન અને પ્રસાર જ જેમનો જીવનધર્મ રહ્યો છે તેવા, વીનમ્ર અને વયોવૃધ્ધ શ્રી. મહેન્દ્ર મેઘાણીને સાંભળવાનો સુઅવસર સાંપડ્યો -  28 જુલાઇ – 2007 , હ્યુસ્ટન ખાતે , શ્રીમતી સરયુબેન પરીખના ઘેર. તેમણે શ્રી. રવીન્દ્રનાથ ઠાકુરની રચનાઓના કેટલાક અનુવાદ અને શ્રી.  ઝવેરચંદ મેઘાણીના કેટલાક લખાણોનું મનનીય અને રોચક વાંચન કર્યું હતું.

     તેમની વીનમ્રતાનું એક ઉદાહરણ -

     એક શ્રોતાનો પ્રશ્ન ” શ્રી. ઝવેરચંદ મેઘાણીનું તમારા જીવનમાં એક પીતા અને સાહીત્યકાર તરીકે શું પ્રદાન રહ્યું?   

     તેમનો જવાબ ” ઘડો તો છલોછલ ભરેલો હોય , પણ આપણી હથેળીમાં આપણે કેટલું લઇ શકીએ તે તો આપણી પાત્રતા પર જ આધાર રાખે ને? “

     જે ખરેખર ઉંચાઇએ પહોંચેલા હોય છે તે આટલા વીનમ્ર હોય છે, તેનો બહુ જ યાદગાર સ્વાનુભવ  થયો.

તેમના જીવન વીશે વાંચો.

Categories: સ્વાનુભવ

વીંટીનું મુલ્ય

July 28, 2007 · Leave a Comment

          ઈજીપ્તના સુફી સંત ઝુ નુ પાસે એક માણસ ગયો અને તેમના લઘરવઘર વેશ પર ટીકા કરતાં કહ્યું. ” તમે જીવનની આટલી સારી ફીલસુફી સમજો છો તો સારાં કપડાં કેમ નથી પહેરતા?”

         ઝુ નુ બોલ્યા “ જો ! પહેલાં આ વીટીં લઇ બજારમાં જા; અને તેના બદલામાં એક સોનામહોર માંગ.”

          તે તો બધે ફરી વળ્યો, પણ કોઇ આવી ગંદી વીંટી માટે એક દોકડો પણ આપવા તૈયાર  ન થયું. તે પાછો આવ્યો.

          ઝુ નુ એ કહ્યું ” જા, હવે પાછળ સોનીની દુકાને જઇ આની કીમ્મત કરાવી આવ. “

           તે તો ગયો તેવો જ પાછો આવ્યો અને કહ્યું ” અરે, આની તો તે હજાર સોનામહોર આપવા તૈયાર છે.”

           ઝુ નુ એ કહ્યું “ભાઇ, કીમ્મત બહારના દેખાવની નહીં તેની અંદર રહેલા સોના અને હીરાની છે. ઝવેરાતની કીમ્મત ઝવેરી જ કરી શકે.  બહારના રુપકડા દેખાવને ન જો. અંદરની સમૃધ્ધીને પારખ. “

Categories: લઘુકથા

પુરસ્કાર

July 27, 2007 · Leave a Comment

એક સંવેદનશીલ વાતની ઝલક

પાત્ર – સંગીતાચાર્ય વેદમુર્તી – નાના શહેરમાં રહેતા સંગીતસાધક અને શીક્ષક

પ્રસંગ – રાજ્ય સરકાર તરફથી જાહેર સન્માન- રાજ્યના મુખ્ય શહેરમાં

અનુભવો -  ત્રણ વ્યક્તીઓ સાથે વેદમુર્તીની મુલાકાત થાય છે.

  1. કીટ્ટુ  -  જુનો અને શ્રેશ્ઠ શીશ્ય - હાલ નાટક કંપનીમાં માંડ ગુજારો કરે છે.
  2. ત્યાગરાજન – જુનો, મધ્યમ કક્ષાનો શીશ્ય  – હાલ સુગમ સંગીતનો જાણીતો કલાકાર; કર્ણાટકી સંગીત સાથે જાઝની મીલાવટનો જાણકાર, તેને પણ ગુરુની સાથે ‘સુગમ સંગીત શીરોમણી’ની ઉપાધી મળી રહી છે.
  3. એક સુરદાસ – અવ્વલ દરજ્જાના ગીતની સુરાવલી રેલાવતો આંધળો ભીખારી

કોઇ અજાણી વ્યક્તી બોલી -” આ રોજ અહીં બેસીને ગાય છે. આબેહુબ વેદમુર્તી જેવો કંઠ છે.

વેદમુર્તી અધ ભીક્ષુકને નમસ્કાર કરી પ્રસન્ન વદને ચાલવા માંડે છે. તેમનો શ્રેશ્ઠ પુરસ્કાર તેમને આ ભીક્ષુકે આપી દીધો હતો.

————————

સાભાર – વીણેલાં ફુલ – ગુચ્છ – 5 પા.નં. 15

Categories: લઘુકથા

અભીનેત્રીની સંવેદનયાત્રા

July 26, 2007 · Leave a Comment

1916માં જન્મેલા કાનનદેવી લગ્નબહારનું સંતાન હતાં.

        તેમની આત્મકથા ‘ સર્વને મારા નમસ્કાર’માં ( અનુ. ચન્દ્રકાન્ત મહેતા) તેમણે તેમના જીવનની કોઇ પણ બાબત ( ઉપરની સમેત ) ગોપીત રાખી નથી. આખા પુસ્તકમાં કોઇ જ આપવડાઇભર્યા પ્રસંગો નથી કે એક વાર પણ તેમણે આત્મશ્લાઘા કરી નથી.  બાલ્યાવસ્થા કારમી ગરીબીમાં પસાર થઇ. 1976માં ફીલ્મજગતનું સર્વોચ્ચ સન્માન – દાદાસાહેબ ફાળકે એવોર્ડ તેમને મળ્યો હતો. નીબીડ દુર્ગન્ધ અને અંધકારથી ભરેલા જીવનમાંથી યશ અને કીર્તીની ચમક ધમક ભરેલી દુનીયામાં તે પહોંચી શક્યા હતા.

      કાનનબાલામાંથી કાનનદેવી બનવાની યાત્રા તેમના આંતરમનની સંવેદનાને પણ ઉજાગર કરે છે.   

સાભાર -  રજનીકુમાર પંડ્યા ( અરધી સદીની વાચનયાત્રા – ભાગ-1 પાન- 289 )

Categories: અવનવું

ગુજરાતનું પહેલું અંદાજપત્ર

July 25, 2007 · 2 Comments

તારીખ – 23 – જુન – 1960

સ્થળ – કામચલાઉ વીધાનસભા, અમદાવાદ

મુખ્ય પ્રધાન/ નાણાં પ્રધાન – ડો. જીવરાજ મહેતા

————————————————————

         લાકડીનો ટેકો અને આજુબાજુ બે ડોકટરો સાથે 74 વર્શના મુખ્ય પ્રધાન વીધાનસભામાં પ્રવેશે છે. રોજ તેમના પ્રીય ધોતીયાના સ્થાને પાટલુન પહેરવું પડ્યું છે. સચીવાલયમાં યુવાનને શરમાવે તેવી ધસમસતી ચાલને બદલે તાવથી ધગધગતી અને લથડતી કાયા છે. 45 મીનીટ ભાશણ કરી પહેલું અંદાજપત્ર રજુ કરે છે.

     પાછા વળતાં ચાલવાની હામ નથી.  પત્ની શ્રીમતી હંસાબેન અને ડોક્ટરોના સહારે વીધાનસભાની બહાર રાખેલી વ્હીલચેર સુધી માંડ પહોંચે છે, અને ઢગલો થઇને તેમાં ઢળી પડે છે.

——————————————————————

     આ હતી એ પ્રખર ગાંધીવાદી, સક્ષમ વહીવટકર્તા અને ધ્યેયલક્ષી અને સાધનશુધ્ધીના આગ્રહી વ્યક્તીની કર્તવ્યનીશ્ઠા. આજે એકવીસમી સદીમાં અનેક સુવીધાઓ છે, પણ એ કર્તવ્યનીશ્ઠા ક્યાં?

Categories: અવનવું

રાક્ષસની ચોટલી

July 24, 2007 · 9 Comments

    પુજ્ય શ્રી મહારાજે તેમની કામ કરવાની શક્તી બાબતમાં વીચારો લખેલા છે.

    મહી નદીના કોતરોમાં રખડતાં રાતે માઇલોના માઇલો અડધા ઉંઘતાં ચાલતા. એક વાર તો હોડી ન મળતાં ભરતીમાં ભરાયેલી  મહી નદી તેમણે તરીને  પાર કરેલી.

    બીજા એક પ્રસંગે જેલમાં તેમને 25 શેર અનાજ દળવાનું કામ સોંપાયેલું. પણ તેમનાથી તે પુરું ન થયું. તેનું તેમને બહુ જ દુખ થયું. બીજા દીવસે ઘંટીનો ખીલડો પકડી ભગવાનને પ્રાર્થના કરી, મનોમન સંકલ્પ કર્યો. ત્રણ જ કલાકમાં તેમણે આ કામ પતાવી દીધું.  

    તેમનાજ શબ્દોમાં -

    ” આજે હવે હું પોતે વિચારું છું, તો મને ય આ બધું માન્યામાં નથી આવતું. પણ એ હકીકત છે. શરીર તો રાક્ષસ છે, રાક્ષસ. કહો તે કામ કરી આપે. પણ એની ચોટલી તમારા હાથમાં હોવી જોઇએ.

- સાભાર :  ‘અરધી સદીની વાચનયાત્રા’ – શ્રી. મહેન્દ્ર મેઘાણી ભાગ -1 પાનું – 338

    આપણે નાની નાની બાબતોમાં મન અને શરીરથી થાકી જતા હોઇએ છીએ, ત્યારે મહારાજશ્રીની આ વાત મનમાં રાખીએ.

Categories: સત્યકથા

સ્વાગત

July 24, 2007 · 11 Comments

આજે તા. 24 - જુલાઇ,  2007 ના રોજ મને ગમતા પ્રેરક પ્રસંગો, સત્યકથાઓ, અને જીવનસ્પર્શી લેખો અને મારા વીચારો રજુ કરતો આ બ્લોગ શરુ કરતાં મને આનંદ થાય છે.

ગુજરાતના મુઠ્ઠી ઉંચેરા માનવી વંદનીય સ્વ. શ્રી. રવીશંકર મહારાજને સાદર આ પ્રયત્ન અર્પણ છે. તેમના જીવનના એક અનુભવથી આ પ્રયત્નની શરુઆત કરું છું.  

તેમના જીવન વીશે વાચો   -

Categories: પ્રકીર્ણ · સમાચાર

લ્યો, અમે તો આ ચાલ્યાં – તુષાર શુકલ

July 14, 2007 · 4 Comments

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું
સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને
લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું
યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને
લ્યો, અમે તો આ ચાલ્યાં
.

તુષાર શુકલ ( આખું ગીત વાંચો અને સાંભળો )

       ગુજરાતીમાં સર્વાંગ સુંદર વીદાયગીતો લખાયાં છે. આવા ગીતોમાંનું આ એક ગીત છે. આને તમે કોઇ પણ વીદાય પ્રસંગે ગાઇ  અને માણી શકો. પણ મને તે એક મૃત્યુગીત વધારે લાગે છે. જીવનની અંતીમ સંધ્યાએ જીવન માટેનું આવું દર્શન, મૃત્યુને છાજે તેવી ગરીમા આપી જાય છે.

     આપણું જીવન અનેક ચઢાવ-ઉતારની કથા હોય છે. દરેકની પોતાની આગવી કથા. ” …  દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.” એવી જીંદગીને આ રીતે પણ તેના અંતીમ ચરણમાં જોઇ શકાય.

     જીવનનું ગીત… ગીત જેવા જીવનનું ગીત. જે કાંઇ ગમ્યું છે તે આપીને, મહેંક પસારીને ગાયેલું ગીત. ઘનઘોર રાત્રીમાં ય ચાંદની નીહાળીને મલપતા જીવનનું ગીત.  
    જીવવા કાંઇક ધાર્યું હોય અને કાંઇક જુદું જ જીવી જવાય. અને છતાં ય એ વ્યથા માટે, એ ઉચાટ માટે એક જ આંસુ.  બસ એક જ આંસુ.  જીવનકથાની એ ડાયરીના પાનાંને સમેટતાં માત્ર એટલુ જ કહેવાનું -
“  લ્યો, અમે તો આ ચાલ્યાં.
    અને જીવન તરફનો અભીગમ – ફુલ અને ઝાકળ જેવો આ સંબંધ.  બે જ ઘડીમાં ઉડી જાય, પણ ત્યાં સુધી ઝળકતું જીવન. અને છતાંય એ બે આત્મસાત તો ન જ થાય ! અંતર તો રહે, રહે ને રહે જ. બસ એ અંતર થોડું મપાયું ન મપાયું અને …
લ્યો, અમે તો આ ચાલ્યાં.”
    જીવનના પોત ઉપર આ દ્રશ્ટી આપણે રાખી  શકીએ? આવું ગીત છેલ્લા શ્વાસે ગાઇ શકીએ ?  અંતરની વાણીમાં ? જો એ ગવાય તો જીવ્યા.  ગુંજતા ગીત જેવા , રાતરાણીની સુગંધની જેમ મહેંક ફેલાવતા જીવ્યા.  

    અને બીજા કોઇ સંદર્ભમાં ય આ ગીત ગાઇએ – કોઇનાથી છુટા પડીએ તો પણ આવું જ ગીત અંતરમાં ઉભરે. તો સાચી રીતે છુટા પડ્યા.

———————————————–

    શ્યામલ – સૌમીલના ગીત સમારંભના અંતે, તુષારભાઇની અત્યંત મધુર વાણીમાં, આ કાવ્યના રસદર્શન સાથે જ્યારે છુટા પડવાનું થયું; ત્યારે તખ્તા પરના સૌ અને સાંભળનાર સૌની વચ્ચે જે આત્મીયતા – ફુલ અને ઝાકળ જેવી આત્મીયતા સ્થપાઇ તે આ વીચારનો , આ ભાવનો પ્રતીસાદ પાડતી હતી.

Categories: આધુનીક ભારતીય · ગદ્ય/ અછાંદસ · તુષાર શુકલ · સુરેશ જાની

જીવનના પાઠ

July 5, 2007 · 6 Comments

( અંગ્રેજી પરથી – ભાવાનુવાદ )  

મને ભય હતો…….

એકલતાનો

  • જ્યાં સુધી મને મારી જાત માટે પ્રેમ ન થયો.   

નીશ્ફળતાનો

  • જ્યાં સુધી મને પ્રતીતી ના થઇ કે, હું પ્રયત્ન નહોતો કરતો ત્યારે જ હું નીશ્ફળ જતો હતો.

સફળતાનો

  • જ્યાં સુધી મને પ્રતીતી ન થઇ કે, મારી જાત સાથે સુખી થવા માટે પણ મારે પ્રયત્ન કરવા જોઇએ.

લોકોના મંતવ્યોનો

  • જ્યાં સુધી મને ખબર ન પડી કે, લોકોને તો હમ્મેશ મારા વીશે મંતવ્યો રહેવાના જ છે.

ફેંકાઇ જવાનો

  • જ્યાં સુધી મને મારા પોતાનામાં વીશ્વાસ પેદા ન થયો હતો.

દર્દનો

  • જ્યાં સુધી મને ખબર ન હતી કે, વીકાસ માટે તે જરુરી છે.

સત્યનો

  • જ્યાં સુધી મને અસત્યમાં રહેલી કુરુપતા ન દેખાઇ.

જીવનનો

  • જ્યાં સુધી મને તેમાં રહેલું સૌન્દર્ય ન દેખાયું.

મૃત્યુનો

  • જ્યાં સુધી મને ખબર ન હતી કે, તે અંત નહીં પણ એક નવી શરુઆત છે.

ભાવીનો

  • જ્યાં સુધી મારું જીવન બદલી શકવાની મારામાં ક્ષમતા  છે તેની મને ખબર ન હતી.

ધીક્કારનો

  • જ્યાં સુધી મને ખબર ન હતી કે, તે અજ્ઞાન સીવાય બીજું કાંઇ ન હતું.

પ્રેમનો

  • જ્યાંસુધી તે મારા હૃદયને સ્પર્શી ન ગયો અને તેણે મારા અંધકારને અનંત ઉજાસમાં પલટાવી ન નાંખ્યો.

ઉપહાસનો

  • જ્યાં સુધી મને મારી જાત પ્રત્યે મજાક કરતાં ન આવડ્યું.

વૃધ્ધત્વનો 

  • જ્યાં સુધી મને ખબર ન હતી કે, પ્રત્યેક દીવસે મારું શાણપણ વધતું જાય છે.  

ભવીશ્યનો

  • જ્યાં સુધી મને ખબર ન હોતી કે જીવનની ગુણવત્તા દીન પ્રતીદીન વધતી જ જાય છે.

ભુતકાળનો

  • જ્યાં સુધી મને ખબર ન હતી કે તે મને હવે કોઇ નુકશાન કરી શકે તેમ નથી.

અંધકારનો

  • જ્યાં સુધી મને આશાના ટમટમતા તારલાઓના સૌંદર્યની ખબર  ન હતી.

પ્રકાશનો

  • જ્યાં સુધી મને ખબર ન હતી કે, તે જ મને સાચી શક્તી આપી શકે તેમ છે.

પરીવર્તનનો

  • જ્યાં સુધી મને ખબર ન હતી કે, અતીસુંદર પતંગીયાને ઉડતા પહેલાં કોશેટાના અંધકારમાં સબડવું પડે છે.

Categories: આધુનીક ભારતીય · ગદ્ય/ અછાંદસ · સુરેશ જાની