એક રાજયની ચુંટણી જીતવા એક ઉમેદવારે તાંત્રીકની મદદ લીધી. તાંત્રીક પાસે ચમત્કારીક શક્તી હોવાની વાત ગામ આખામાં ફેલાયેલી. એ શક્તીને કારણે લોકો પણ તેનાથી ડરે.ચુંટણીમાં જીતવા તાંત્રીકે માતાજી સમક્ષ નરબલી ચડાવવાની વાત પેલા ઉમેદવારને જણાવી. બલી માટે માણસની શોધખોળ શરુ થઈ. બલી માટે તૈયાર પણ કોણ થાય? છેવટે તાંત્રીકની નજર એક ભોળા–ગભરુ ખેડુત પર પડી. તેને ખેતી માટે જરુરી રુપીયા પેલા ઉમેદવાર પાસેથી અપાવ્યા. તાંત્રીકે પોતાના પ્રભાવથી ખેડુતને બલી માટે તૈયાર કર્યો. ગામની સીમમાં યજ્ઞની વીધી આરંભાઈ. ગરીબ ખેડુતના ગળા પર તીક્ષ્ણ છરીનો ઘા કરી તેનું લોહી કુંડમાં ચડાવાયું…તે સાથે જ તેનો દેહ નીસ્તેજ થઈ ગયો!
આઝાદીની અડધી સદી વીતાવનાર ભારત દેશમાં અંધશ્રધ્ધાના ખપ્પરમાં હોમાતાં માનવીઓના આવા સેંકડો કીસ્સા અવારનવાર પ્રકાશમાં આવે છે. આવી ઘટનાઓને શું કહીશું? અજ્ઞાનતા, મજબુરી, વહેમ, અંધશ્રધ્ધા, ડરપોકપણું કે ધર્મભીરુતા? સ્વામી સચ્ચીદાનંદજીએ કહ્યું છે ‘અંધશ્રધ્ધા એ આપણી સંસ્કૃતીને લાગુ એવો પડેલો સંધીવા છે, જે જડમુળથી કદી નાબુદ નહીં થાય. ’ સાચે જ વહેમો અને અંધશ્રધ્ધા નામના હાનીકારક જીવાણુઓ આપણી સંસ્કૃતીની નસેનસમાં ‘નહીં હટવાના’ સોગંદ ખાઈને બેઠા છે.
આદીકાળથી સુર્ય, ચંદ્ર, વરસાદ, વીજળી, વાદળોનો ગડગડાટ, ગરમી, ઠંડી જેવી ઘટનાઓ સમજવા માટે માણસે જાતજાતની કલ્પનાઓ દોડાવેલી. આ બધી કુદરતી ઘટનાઓથી ડરીને તેણે પોતાને બચાવવા અનેક ઉપાયો કર્યા. કોઈ ચોકકસ ‘શકતી‘ની કલ્પના કરી.આગળ જતાં માણસ–માણસ વચ્ચે ચોક્કસ પ્રકારની સમજ વીકસે, સમાજ સારી રીતે ચાલી શકે, ટકી શકે તેવા ખ્યાલ સાથે કેટલાક નીયમો બનાવ્યા, જેને ધર્મનું નામ અપાયું.
કેટલીક ધાર્મીક અને પરંપરાગત માન્યતાઓ માનવીની પ્રાથમીક કક્ષાની સમજ અને તેના અલ્પજ્ઞાનની નીપજ હતી તે, આજના વીકાસશીલ યુગમાં સમજાઈ ગયું છે. છતાં, જડતાએ માણસને પરીવર્તન સ્વીકારતાં રોક્યો છે. હજુ એ જ ડર, અલૌકીક શકતીમાં વીશ્વાસ, મુશ્કેલી અને દુઃખના તાર્કીક કારણો શોધવાને બદલે તાંત્રીક–માંત્રીક, ભગત–ભુવાને શરણે જવાની મનોસ્થીતી આવી દુર્ઘટનાઓ સર્જે છે. દુરાચાર અને અનીતીની કમાણી ખાનારો તાંત્રીક–ભુવાનો ચોક્કસ વર્ગ લોકોની આ માન્યતાઓનો લાભ ઉઠાવવા સદાય તત્પર બેઠો હોય છે.
અભણ–પછાત વર્ગ તો ઠીક; સુ(!)શીક્ષીત વર્ગની ધાર્મીક(!) આસ્થાએ પણ કોહવાયેલા ગુમડાંનું સ્થાન લીધું છે. જેની દુર્ગંધથી સમાજ ચોક્કસ દીશાના અધઃપતન તરફ જઈ રહ્યો છે. અંધશ્રધ્ધાયુક્ત વીચારસરણીને ધાર્મીક પ્લેટફોર્મ પરથી વધુ વીકાસ સાધવાની તક મળી છે. આપણાં ‘ગુરુઓ’ પણ જુની–પુરાણી કથાઓ, ચમત્કારની વાતો કરીને લોકોની અંધમાન્યતાઓને વધુ વેગમાન બનાવે છે. સ્વામી આનંદ, પુ.રવીશંકર મહારાજ કે સ્વામી સચ્ચીદાનંદ જેવા આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ સંતો વૈજ્ઞાનીક અભીગમ પર, માનવધર્મ પર ભાર મુકે છે. બાકી તો એ જ ચવાયેલી કથા વાર્તાઓ, સમય–શક્તીનો વ્યય…પરીણામ..? કશું નહીં.
હરદ્વારના કુંભમેળામાં ગંગામૈયા સામે એક દંપતી પોતાના નવજાત શીશુને મૈયાને ચરણે (લહેરો પર) ભેટ ધરી દે છે..પોતે નીઃસંતાન હોવાનું કારણ કોઈ આત્માની બલીની ભુખ હોવાનું માની પડોશીના દીકરાની હત્યા કરી તેનો બલી ચડાવાય છે..પોતાના દુઃખના નીવારણ અર્થે પશુઓનો વધ કરાય છે…માતાજી મેન્સીસમાં આવ્યાછે કહીને તેના લોહીવાળા કપડાં(પવીત્ર..!) વેચનાર પુજારી જયાં પૈસા કમાઈ લે છે, ડાકણ માનીને નીર્દોષ સ્ત્રીઓની આડેધડ હત્યાઓ કરાય છે…અને આ તમામ ધર્મના નામે, ધાર્મીક માર્ગના ઓથા હેઠળ..!
આ ઘટનાઓ જ આપણા માનસીક પછાતપણાનો ખ્યાલ આપતું બેરોમીટર છે. કયા માર્ગે જઈ રહ્યા છીએ આપણે? મૃત્યુ પછી મોક્ષ કે પુનઃજન્મની માન્યતા, આત્મા–પરમાત્મા, પ્રાર્થના, પુજા, જપ, હોમહવન જેવા કર્મકાંડ, પાપ–પુણ્ય, કર્મફળ વગેરેનો સરવાળો એટલે જ ધર્મ? ખરેખર તો ‘ધર્મ’ એ લોકોને તેની ફરજો, ન્યાય, સદગુણો, સદવર્તન શીખવવા રચાયેલું માળખું છે. પરંતું આપણા ધર્મગ્રંથો હજારો વર્ષો પુરાણા છે. તે સમયે રોજીંદા જીવનમાં બનતી ઘટનાઓ સમજવાનું વીજ્ઞાન વીકસ્યું ન હતું પરીણામે પોતીકી સમજ મુજબ કારણો અપાયા, ઘટનાના વીષ્લેષણ થયાં તે પછી વીજ્ઞાનના વીકાસની સાથે સાથે તેમાં પરીવર્તન કરવાને બદલે સ્થગીતતા આવી ગઈ. તેને લીધે વૈજ્ઞાનીક વીકાસની સાથે વૈજ્ઞાનીક માનસ ન ઘડાયું.
જો આપણે જીવનની બધી બાબતોને વીજ્ઞાનની એરણ પર ચકાસતાં જઈશું, વીચારધારામાં વૈજ્ઞાનીક દ્રષ્ટીકોણ લાવીશું તો રીત રીવાજો હોય કે ક્રીયાકાંડ, તેની નીરર્થકતા જાહેર થયા વીના રહેશે નહીં. બાકી તો વોહી રફતાર..જાહેર માર્ગ પર ધાર્મીક સરઘસ કાઢો, નમાજ પઢો, આરતી ઉતારો – ટ્રાફીકની ઐસી તૈસી. રસ્તો આપણા દાદાનો જ છે ને! ટીલાં–ટપકાં કરો, ભજન કરો, વરસાદ માટે યજ્ઞો કરો કે પુણ્ય કમાવાના ચક્કરમાં પોતાને લુંટાવી દો.
આપણે જીવન સાગરને ખરેખર તરવો છે કે માત્ર છબછબીયાં કરી સંતોશ માનવો છે? હા, એટલું તો ચોક્કસ છે કે, આપણે ડુબી જવાનો જ નીશ્ચય કર્યો હોય તો આપણા નીશ્ચયનો વાળ વાંકો નહીં થાય એ લખી રાખીએ!
—————————————————————-
એક સુવીચાર
અંધશ્રધ્ધાને તીલાંજલી આપશો અને કુદરતનો અભ્યાસ કરશો, તો તેમાં તમને અદભુત સુસંગતતાના દર્શન થશે.
– સ્વામી વીવેકાનંદ