ગદ્યસુર

ઘાસ પરનું ઝાકળ – એક અવલોકન

August 7, 2007 · 7 Comments

        આજે સવારે મારી દીકરીના દીકરાને સ્કુલ-બસમાં બેસાડીને પાછો ઘરમાં આવતો હતો, ત્યારે આગળની લોનમાં, ઘાસ ઉપર ચળકી રહેલા, ઝાકળબીંદુઓ પર  ધ્યાન ગયું. સુર્ય મારી સામે હતો. અનેક બીંદુઓ રુપેરી રુઆબમાં ઝગમગી રહ્યાં હતાં.

        જરા પુંઠ ફેરવીને પાછળની લોન તરફ નજર કરી. બહુ જ ઓછા બીંદુઓ દેખાતા હતા, પણ એક બેમાંથી લાલ રંગનાં કીરણો નીકળતાં હતાં.  માથું થોડું  આડું અવળું કરતાં, તે બીંદુઓના રંગ બદલાતા જણાયા.

        પરાવર્તન અને વક્રીભવનના નીયમોથી કદાચ આ ઘટના સમજાવી શકાતી હશે પણ ….

——————————————————————————-

       જ્યારે સુર્ય સામે હતો, આંખને નડતો હતો, ત્યારે  ઘણા બધા ઝાકળ-રત્નો હાજર થઇ જતા હતા, અને બધાંય સુર્યપ્રકાશને આખેઆખો રજુ કરતા હતા.

       અનુકુળતાવાળી, સુર્ય ન દઝાડે તેવી પરીસ્થીતીમાં સુર્યનો બહુ નાનો ખજાનો જ પ્રાપ્ય હતો, અને તે ય તેના કીરણોના એક બે અંશ જ રજુ કરતો હતો.

Categories: અવલોકન