કાલે સવારે વહેલો પુલમાં તરવા ગયો. કોઇ હાજર ન હતું. પુલની સપાટી સાવ તરંગ-રહીત હતી. સામેની દીવાલ પરના ત્રણ દીવા, બારીઓ અને બાજુએ રાખેલા થાંભલાના પ્રતીબીંબ પાણીની સપાટી પર યથાવત્ ઝીલાતા હતા. અરીસામાં ઝીલાય તેમ.
હું પુલમાં દાખલ થયો. પાણી ડહોળાયું. એ સ્વચ્છ પ્રતીબીંબ રોળાઇ ગયું. બધું ધુંધળું થઇ ગયું. થોડી વાર શાંત ઉભો રહ્યો અને પાણી પરના તરંગો શાંત થવા લાગ્યા. થોડી વારમાં પાછું સ્વચ્છ દેખાવા લાગ્યું.
વીજ્ઞાનની દ્રશ્ટીએ આ સાવ સામાન્ય ઘટના હતી, પણ……
———————————————————————–
આપણું મન જડ અરીસા જેવું નથી હોતું. તે તો પાણીની તરલ સપાટી જેવું હોય છે. સહેજ સંવેદનાની લ્હેરખી આવી અને માનસપટ પરનું ચીત્ર ડહોળાઇ જાય. દ્રશ્ય રોળાઇ જાય.
કાશ આપણે ગીતાના સ્થીતપ્રજ્ઞ જેવા બની શકીએ. પ્રચંડ પ્રભંજન પણ તેની સમતાને વીખેરી ન શકે તેવા.