ગદ્યસુર

Entries from September 2007

બંધીયાર હવા - એક અવલોકન

September 30, 2007 · 3 Comments

     અહીં અમેરીકામાં પર્યાવરણની અનીશ્ચીતતાના કારણે મોટા ભાગના ઘરો, ઓફીસો, જાહેર જગ્યાઓ - અરે આખા ને આખા એરપોર્ટોની હવા બંધીયાર હોય છે. ( Closed air circulation syatem)  એની એ જ હવા અંદર ને અંદર ફર્યા કરે. મોટા પંખા અને ડક્ટો વડે આમ હવાને ફરતી રાખવાની પદ્ધતી હોય છે. સાથે એરકંડીશનીંગ મશીન અને ગરમી માટે હીટર પણ હોય જ. પંખામાં પાછી જતાં પહેલાં હવા એક ફીલ્ટરમાંથી પસાર થાય, જેથી ધુળના રજકણો તેમાં ચોંટી જાય અને ફર્યા ન કરે. આમ હવા પ્રદુશણોથી ચોક્ખી રહે અને તાપમાન સમધાત. 

      પણ જ્યાં હોઈએ ત્યાં, દીવસ રાતના મોટે ભાગે બંધીયાર હવા જ શ્વસવાની. થોડી ઘણી, બહારની તાજી હવા બારણાં બંધ ઉઘાડ થતાં અંદર પ્રવેશે  એટલું જ.  આમ કરવાથી ફાયદો તો ખરો, પ્રદુશણ રહીત થવાનો અને ગરમી ઠંડીથી બચવાનો.  પણ બહારની ચોક્ખી હવાની મજા ક્યાં?

     વીકસેલા દેશોમાં રહેતાં લોકોને આ સ્વાભાવીક લાગે. પણ….

      ગાંધીજી   કહેતા હતા કે મારા મનની બધી બારીઓ હું ખુલ્લી રાખીશ, જેથી બધી દીશાના વીચારો તેમાં પ્રવેશી શકે. પણ હું ક્લુશીત વીચારોને મારા મનમાં ઘર નહીં કરવા દઉં. 

     અહીં ભલે બારી- બારણાં બંધ છે અને ઘર- ઓફીસની હવા બંધીયાર છે, પણ વૈચારીક મુક્તતા પણ છે. આપણે ત્યાં ખુલ્લા બારી- બારણાં માટે આપણે ગૌરવ જરુર અનુભવીએ, પણ એ ન ભુલીએ કે મનની બારીઓ ગાંધીજી કહેતા હતા તેમ ખુલ્લી રાખવાની પરીપક્વતા મેળવવી આપણા સમાજ માટે હજુ બાકી છે.

      અને પેલા ફીલ્ટરની તો આપણે બહુ જ જરુર છે. ઘણી બધી મલીનતા અને દંભ આપણા વ્યક્તીગત અને સામાજીક માનસમાં ઘર કરીને બેઠાં છે. તેમની શુદ્ધી માટે આવાં કોઈ કામગરાં ફીલ્ટરો આપણે વસાવીશું?

Categories: અવલોકન

એક મંદીરની શોધમાં ભાગ -3

September 29, 2007 · 5 Comments

ભાગ -1  :       ભાગ -2  

હવે આગળનો રસ્તો એટલો કઠણ ન હતો કારણકે, મંદીરમાંથી પાછળની બાજુનો દરવાજો અને આગળ  જતો રસ્તો, બન્ને ઘણા મોટા હતા.  રસ્તો પણ રાજમાર્ગ જેવો લાગતો હતો. આ રસ્તા ઉપર પણ ઝાડીઓ તો છવાયેલી જ હતી. બે જ માઈલ ચાલ્યા બાદ  તેઓ એક બીજા મોટા દરવાજાની સામે આવી પુગ્યા.

      દરવાજાની બન્ને બાજુ એક કીલ્લાની મસ મોટી દીવાલ હતી. તેની અંદર એક  મોટું શહેર, અતીતના ગર્ભમાં લપાઈને ઘોરતું હતું. તેની આ કુમ્ભકર્ણ નીદ્રાનો પ્રકૃતીએ પુરો લાભ ઉઠાવ્યો હતો. અહીં સંસ્કૃતી ઉપર પ્રકૃતીએ આક્રમણ કર્યું હતું !  વીશુવવૃત્તીય આબોહવાથી વકરેલી વનસ્પતી સૃશ્ટીએ માનવ ગેરહાજરીનો પુરો લાભ ઉઠાવ્યો હતો !

       ખ્મેર પ્રજાનું આ  ‘ અંગકોર થોમ ‘ શહેર હતું.  40 ચોરસ માઈલ વીસ્તારમાં ફેલાયેલું આ શહેર, કદાચ તેના સમયગાળાના વીશ્વમાં સૌથી મોટા શહેરોમાંનું એક હતું.  પણ સર્વનાશની સુનામી તેની ઉપર મન મુકીને ફરી વળેલી હતી. ચારે બાજુ ખંડેરોના ઢગના ઢગ ખડકાયેલા હતા. સેંકડોની સંખ્યામાં મંદીરો, મોટા મહાલયો, અને હજારો નાનાં મોટાં ઘરો , આ બધાંની ઉપર સર્વનાશનું ઘોડાપુર ફરી વળેલું હતું. પાંચસો વર્શ સુધી વનરાજી આ બધા ઉપર વકરી અને વીફરી હતી. મકાનોની આખી ને આખી દીવાલો મદમસ્ત વૃક્ષોએ પાડી નાંખી હતી. મસ મોટાં વૃક્ષો ઘરોની છતને તોડી ફોડીને ઉપર વીલસી રહ્યાં હતાં.  અનેક તુટેલાં શીલ્પો કકડા થઈને બાજુમાં પડ્યાં હતાં.

     અહીં પણ, ધોળે દહાડે વાઘોની ત્રાડો અને જંગલી હાથીઓની ચીઘાડો સંભળાતાં હતાં. 

     સ્તબ્ધ બનેલી આ ટુકડી પાછી વળી. ગણતરીના દીવસોમાં જ  બધા ગામમાં સહીસલામત પાછા આવી ગયા. ગરીબડી પ્રજાએ તેના ગજા પ્રમાણે મુહોત અને પીટરનું સન્માન કર્યું. મુહોત નોમ પેન્હ પાછો ફર્યો. ત્યાંની ફ્રેન્ચ સરકાર પણ આ શોધને આગળ ધપાવે તેવી સક્ષમ કે દુરંદેશી વાળી ન હતી, અને તેમની નજર તો વ્યાપાર, ધર્મ અને શાસનના પ્રસારથી વધારે આગળ જોઈ શકે તેમ ન હતી.

    થોડા સમય બાદ મુહોત વતન જવા પાછો  ઉપડ્યો. તેણે  લાઓસમાંથી પસાર થઈને બર્મા જવાનું હતું. પણ લાઓસના જંગલોમાં જ તેનું મેલેરીયાના કારણે મૃત્યુ થયું. સદ્ ભાગ્યે તેનો સામાન તેના સાથીદારોએ સ્થાનીક ફ્રેન્ચ હકુમતને સુપ્રત કર્યો. છેવટે તેનો બધો સામાન 1861 ની સાલમાં પારીસ પાછો ફર્યો. તેની નોંધપોથીઓ પરથી આ બધી ઘટના પ્રકાશમાં આવી.

    ત્રણ જ વર્શમાં આ નોંધપોથીઓ ફ્રાન્સ અને બ્રીટીશ જર્નલોમાં છપાઈ. ત્યારે પશ્ચીમના જગતને આ ભુલાયેલા મહાન સ્થાપત્યોની જાણ થઈ. ફ્રેન્ચ સરકાર સફાળી જાગી. આ સ્થળના સંશોધન અને વીકાસ માટે યોજનાઓ ઘડાઈ, અને અમલમાં મુકાઈ. સો વર્શ કામ ચાલ્યું અને પુરાણા સ્થાપત્ય અને ઈતીહાસના મહાન વારસા તરીકે, બન્ને સ્થળોનો  થઈ શકે તેટલો સર્વાંગ વીકાસ કરવામાં આવ્યો.

    આજની તારીખમાં ‘ અંગકોર વાટ’ અને ‘ અંગકોર થોમ ‘ કપુચી (કમ્બોડીયા) ના સૌથી વીશીશ્ટ  સહેલાણી ધામો બની ગયાં છે અને અબજો ડોલરની કમાણી કમ્બોડીયાને કરાવે છે.

—————————————————————

     ફ્રેન્ચ અને ડચ વીદ્વાનોએ દક્ષીણ ભારતના તજજ્ઞોની મદદથી, પ્રાપ્ત બધાં લખાણોનો અભ્યાસ કરી, અંગકોરના સામ્રાજ્યનો વીગતવાર ઈતીહાસ ખંખોળી નાંખ્યો છે ; અને તેને તવારીખવાર સંશોધીત કર્યો છે. ટુંકમાં તેની વીગત નીચે પ્રમાણે છે -

  • ઈ.સ પુર્વે 800  -  ભારતના વેપારીઓ અને સાગર ખેડુઓએ ત્યાંની જંગલી પ્રજાને હીન્દુ ધર્મ આપ્યો.
  • ઈ.સ. 800 - ખ્મેર રાજા  જયવર્મન બીજાએ 50 વર્શ રાજ્ય કરી અંગકોરના સામ્રાજ્ય અને રાજવંશની ની સ્થાપના કરી. તેણે પોતાની જાતને  ખ્મેર પ્રજાના રાજા અને ઈશ્વરના અવતાર તરીકે સ્થાપીત કરી. તેના વંશજોએ અંગકોરમાં 600 વર્શ રાજ્ય કર્યું.
  • ઈ.સ. 899 - તેના પુત્ર યશોવર્મને ’ અંગકોર થોમ ‘ શહેર બનાવવાની શરુઆત કરી.   
  • ઈ.સ. 1100 -   અંગકોર થોમ શહેરની વીધીવત સ્થાપના
  • ઈ.સ. 1200 - રાજા સુર્યવર્મને ‘ અંગકોર વાટ મંદીર’ બનાવવાની શરુઆત કરી.
  • જયવર્મન સાતમાએ અંગકોર થોમ શહેરને ફરતો કોટ બનાવ્યો.
  • ઈ.સ. 1400 - ગજા ઉપરાંતના મહાન સ્થાપત્યના ખર્ચા અને સીયામ ( અત્યારનું થાઈલેન્ડ ) ના આક્ર્મણ સામે અંગકોર ટકી ન શક્યું. ખ્મેર રાજા અને બધી વસ્તી ભાગીને ‘નોમ પેન્હ’ જઈને વસ્યા.
  • બે વર્શ બાદ સીયામના આક્રમકો પાછા આવ્યા, પણ શહેર અને મંદીર બન્ને વેરાન બનેલાં હતાં.
  • જંગલોમાં ઘેરાયેલી બન્ને જગાઓમાં પછીના કોઈ શાસકોને રસ ન હતો.
  • લગભગ 1500 - પોર્ચુગીઝ લોકોએ પહેલી વાર ખંડેરો જોયાના સમાચાર આપ્યા, પણ આ પ્રદેશ વેપારી દ્રશ્ટીએ અગત્યનો ન હોવાથી આ વાત ભુલાઈ ગઈ.
  • 1860 - કમ્બોડીયા, લાઓસ અને વીયેટનામ  ફ્રેન્ચ શાસન નીચે આવ્યા. મુહોતનું સાહસ અને શોધ.
  • 1863 - અંગકોરના જીર્ણોદ્ધારની શરુઆત.
  • 2007 - અંગકોર વાટનો વીશ્વની સાત અજાયબીઓમાં સમાવેશ.

Categories: પુરાતત્વ · સત્યકથા

કરુણા - જિગીષ પરીખ.

September 28, 2007 · 8 Comments

        મારું હાલનું નીવાસસ્થાન  ટેક્સાસ રાજ્યની રાજ્ધાની ઓસ્ટીન છે. અને તે “હીલ કન્ટ્રી ઓફ ટેક્સાસ”  તરીકે નામે પ્રખ્યાત છે. આમ તો અમેરીકામાં ચોક્ખાઈ આંખે ઉડીને વળગે એવી હોય છે; પણ રાજ્ધાની હોવાના કારણે ઓસ્ટીનની રોનક કંઈ ઓર જ છે. આ ઓસ્ટીનમાં ઠેક-ઠેકાણે ‘ રનીંગ ટ્રેઈલ ‘ , એટલે કે દોડવા માટેના ખાસ નાના રસ્તા છે. શાંત અને રમણીય કોલોરાડો નદીના કીનારે બન્ને બાજુએ, શહેરના એક છેડેથી બીજા છેડે સુધી, દોડવાના આવા રસ્તા હોય છે; અને ઘણી જગાએ સરસ મજાના, ગીચ ઝાડોની વચ્ચેથી પસાર થતા હોય છે. પાછાં વચ્ચે વચ્ચે પીવાના પાણીના ‘ફાઉન્ટન ’ અને નહાવાના ‘ ઓપન શાવર’  પણ હોય.  દોડ્યા પછી પહેરેલ કપડે જ પાણીની ચકલી ચાલુ કરીને, નીચે ઉભા રહીએ, એટલે ઠંડક લાગે અને થાક ઉતરી જાય.

       મજાની વાત એ કે, દોડવું હોય ભલેને ૨ માઈલ; પણ એના માટે થઈને ૨૦ માઈલ દુરથી ગાડી ચલાવીને, ગેસ ( પેટ્રોલ!) બાળીને લોકો આવે. આટલી બધી સ્વાસ્થ્ય અંગે સભાનતા. અને પાછું બીજું એ કે, અહીં તમે ગમે તે રસ્તાની બાજુમાં દોડી ન શકો. અમુક રસ્તાઓ પર તો સ્પશ્ટ લખેલું હોય કે ‘ વોકીંગ, રનીંગ કે સ્કેટીંગ કરવા મંજુરી નથી. ભંગ કરનારની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. ‘ એટલું જ નહીં, પોલીસ તમને એ રસ્તા પર ચાલવા બદલ ટીકીટ ( કોર્ટમાં જવાની કંકોતરી! ) આપી શકે . અને હા, બધાય માળા દોડવા માટેના ખાસ ફીટમ્-ફીટ કપડાં પહેરીને જ આવે.

       આ મારા બેટા ધોળીયાઓ દોડે બહુ હોં !  મારી એક અમેરીકન મીત્ર ‘શાના’ એ મને આ દોડવાના ‘ ટ્રેઈલ ‘  બતાવ્યા. એ તો મારી બેટી, સતત ૧૦-૧૦ માઈલ દોડે. અંદાજે ૧૬  કીલોમીટર!  મને થાય કે, ‘ધન્ય છે આ દેશને, જ્યાંની સ્ત્રીઓ પણ આટલી મજબુત છે!’  આપણાં દેશમાં કદાચ છોકરાઓ પણ આટલું ના દોડે. વાંક એમનો નથી.  વાંક ઉછેરમાં રમત-ગમતને પુરતું પ્રાધાન્ય ન આપવાનો છે. મને યાદ છે - મારી મમ્મીએ મને ઘણી વાર ‘ હોમવકૅ બહુ છે; પતશે નહીં’  એમ કરીને સાંજે રમવા જવાની ના પાડી જ હોય. શીક્ષકો એક રમત રમીને ‘ સ્કોર કાર્ડ ‘ લાવવાનું  હોમવકૅ આપે તો કેવું ?! 

          હશે, એ વાત જવા દો.

          આ અમેરીકન ચીઝ મારા શરીરને બરાબર માફક આવી ગઈ છે. સાચું કહો તો, કોને માફક નથી આવતી ? ઈન્ડીયામાં ભરપેટ, અને વજનની ચીંતા કર્યા વગર, બીન્ધાસ્તપણે દેશી ઘી ખાનારા કંઈ એમને એમ અહીં આવીને કેલરી-કોન્શીયશ નથી થઈ જતા !એક’દી આ વણનોતર્યા મહેમાન એવા, ચરબીના થરને દુર કરવા, મેં નીયમીત રીતે દોડવા જવાનું નક્કી કર્યું.  શાનાએ મને સાથ આપ્યો. હું કે શાના દોડવામાં એક્લા નહોતા. બીજા સેંકડો લોકો પણ આ  ટ્રેઈલ પર દોડવા આવેલા હતા. 

         હું જ્યારે પહેલી વખત ગયો’તો ત્યારે, ઘરમાં પહેરવાનું ધોયેલું ટી-શટૅ અને બરમુડા ચડ્ડી પહેરીને ગયો હતો. આપણને એમ થાય કે  ‘માળું હારું; દોડવા માટે કંઈ મુળાના પતીકા જેવા, મોંઘા પાડનાં ૪૦-૫૦ ડોલરના  કપડાં તે લવાતાં હશે ?  એટલામાં તો દેશમાં ઘરમાં બધાને સારું એક-એક જોડ દીવાળીનાં કપડાં આવી જાય !  ‘

        પણ ભાઈ,દેશ એવો વેશ, અહીં રહેવું તો અહીંનાંની જેમ રહેવું. તો જ તમે હળી મળી શકો; નહીં તો એકલા અટુલા પડી જાઓ.

        એક દીવસ દોડતાં દોડતાં એક નાનો પ્રસંગ આંખે ચઢી ગયો, અને યાદ રહી ગયો.

         એક જુવાન સ્ત્રી-પુરુષ રસ્તાની બાજુમાં ઉભા હતા. પતી-પત્નીના બદલે સ્ત્રી-પુરુષ શબ્દ હું સમજીને વાપરુ છું.  કારણકે અહીંની સંબંધોની સીસ્ટમ, આપણી સમજની બહારની હોય છે. જ્યાં સુધી પાકે-પાયે ખબર ના હોય ત્યાં સુધી પતી-પત્ની કરતાં, સ્ત્રી-પુરુષ કહેવું વધુ ઉચીત ગણાય !  બન્ને જણાએ રનીંગ સુટ પહેરેલાં હતાં.  સ્ત્રીને જોતાં જ જણાઈ આવતું હતું કે તે ગર્ભવતી  હતી. પુરુશના હાથમાં પટ્ટો હતો; અને એના બીજા છેડે એક નાનું કુતરું બાંધેલું હતું. નાનું એટલે કેવડું?  ત્રણ વેંતથી વધારે નહીં હોય.  વજન બે કીલોગ્રામ તો હદ થઈ ગઈ! 

       હવે બન્યું એવું કે બન્ને જણા વાતોમાં મશગુલ થઈ ગયા હશે, તે એ ભાઈશ્રીની પટ્ટા પરની પકડ ઢીલી થઈ ગઈ.  કુતરાભાઈ માટે તો ‘ ભાવતું’તું ને વૈદે કીધું’  એના જેવો ઘાટ થયો.  તે તો પકડ છોડાવીને ફટાક કરતા દોડ્યા રસ્તા પર. માંડ ૫૦ ફુટ દુરથી એક ગાડી ખાસ્સી ઝડપથી આવતી હતી,. અહીં તો પાછા બધા માઈકલ શુમાકરના પીતરાઈ ભાઈઓ નહીં? ! પેલા ભાઈ દોડયા કુતરાને બચાવવા. સમયસર ઉંચકીને તેને બીજી જ ક્ષણે બાજુ પર ખસી ગયા. કુતરા પર ખીજ કાઢવા માટે એને જોરથી બે ત્રણ ટપલીઓ મારી દીધી. 

           મારી બાજુમાં ઉભેલી શાના કહે, “પુઅર ડોગ,આઈ ફીલ સોરી ફોર હીમ.”

           બરાબર એજ વખતે મારી નજર પેલી સ્ત્રી ઉપર પડી. જ્યારે એનો મીત્ર પેલા કૂતરાને બચાવી રહ્યો હતો,  ત્યારે એણે ખીસ્સામાંથી સીગારેટ કાઢીને સળગાવી. મને થયું - ‘ આ અમેરીકન માતાને એના ઉદરમાં ઉછરતા બાળકની ચીંતા નહીં થતી હોય?’  મેં શાનાને આ વાત કહી. અને પછી ઉમેર્યું -  “આઈ ફીલ સોરી ટુ ફોર ધ ચાઈલ્ડ.”

           અને શાનાએ હકારમાં માથું ધુણાવ્યું.

           હતી તો બન્ને કરુણા જ - એક ભારતીય અને એક અમેરીકન.

- જિગીષ પરીખ

     જિગીષ ૨૪ વર્ષીય, ઈલેક્ટ્રીકલ એન્જીનીયર છે. (મારો ધંધાકીય પીતરાઈ! ) એક મીત્રની પ્રેરણાથી તેણે પોતાના જાત અનુભવનો આ પ્રસંગ ટાંક્યો છે. અમેરીકન સમાજ અને રહેણીકરણી વીશે આપણે દેશમાં બહુ ઓછું જાણીએ છીએ. અને જે જાણીએ છીએ, તે પણ ઘણા પુર્વગ્રહો અને ખોટી માહીતીના આધાર પરથી હોવાને કારણે બહુ સીમીત હોય છે.

      આવા પ્રસંગો વધુ વાંચવા મળે તે બહુ જરુરી છે. બીજા મીત્રોને પણ પોતાના અનુભવો સૌની સાથે વહેંચવા ઈજન છે. 

Categories: અમેરીકા · જિગીષ પરીખ · સ્વાનુભવ

એક મંદીરની શોધમાં - ભાગ-2

September 27, 2007 · 3 Comments

 ભાગ -1   :   ભાગ - 3         

        તળાવ ઘણું મોટું હતું. આરામ કરી બીજા દીવસની સવારે આગળ પ્રયાણ માટે બાથ ભીડી. સાથે માત્ર બે જ કનો હતી. આથી એમ નક્કી કર્યું કે કાફલો ત્યાં જ રહી પડાવ નાંખે, અને મુહોત, પીટર, એક ભોમીયો અને એક સશક્ત મજુર એટલા જ આગળ વધે. સાથે જરુરી ખોરાક અને ઝાડી ઝાંખરા કાપવાનો સામાન લીધો.

    પણ આટલા મોટા તળાવમાં ક્યાંથી કીનારે ઉતરવું? ભોમીયો હોંશીયાર હતો.

     તેણે કહ્યું - ” જો કોઈ મોટી જગ્યા હશે તો તેના લોકોએ તળાવમાંથી પાણી ત્યાં સુધી લઈ જવાની નીક કે નહેર બનાવી હશે.”

      મુહોતને આ વાત ઠીક લાગી. આથી તળાવની ઉત્તર દીશાના છેડે પહોંચી, આવી કોઈ નહેરની તપાસ શરુ કરી. ભાગ્યવશાત્  આવી એક સાંકડી નહેર મળી આવી પણ ખરી. તેમાં બન્ને કનો હંકારી. માંડ એક કનો જાય તેટલી પહોળાઈ હતી. કો’ક ઠેકાણે તો તે કચરાથી પુરાઈ ગયેલી પણ હતી. ત્યાં તો ચાલીને કનો ખેંચવી પણ પડી. ઘણે ઠેકાણે બે ય  કાંઠાં પરનાં ઝાંખરાં ભેગાં થઈ ગયા હતાં. તે કાપવા પણ પડ્યા.

      પણ થોડેક જ આગળ ગયા અને નહેર તો પુરી થઈ ગઈ. અને ત્યાંથી જ પત્થરથી લાદેલો દસેક ફુટ પહોળો રસ્તો શરુ થતો હતો. ચારે જણ ઉત્સાહમાં નાચી ઉઠ્યા. પણ એ આનંદ ક્ષણજીવી જ નીવડ્યો. રસ્તાની બન્ને બાજુથી દુર્ગમ ઝાડીઓ કેલાઈ ગયેલી હતી.એ ઝાડીઓ કાપતાં કાપતાં ચારેક કલાક પછી સાંજના સમયે તે લોકો  એક મોટા દરવાજા તરફ આવી પહોંચ્યા.

      મુસાફરી શરુ કર્યે એક મહીનો થઈ ગયો હતો. પણ આ શોધે તેમનામાં નવી આશાનો સંચાર કર્યો. દરવાજાની બન્ને બાજુ એક ખાસી મોટી માનવસર્જીત ખાઈ હતી. 200 વાર પહોળી તે ખાઈ બન્ને તરફ એક માઈલ સુધી વીસ્તરેલી હતી. પણ તેમને તો દરવાજાની અંદર શું છે તે જોવામાં વધારે રસ હતો. ખાઈ ઓળંગીને બધા આગળ વધ્યા, હવે રસ્તો વધારે વ્યવસ્થીત હતો, થોડે આગળ જતાં એક અદ્ ભુત દ્રશ્ય નજરે પડ્યું. પાંચ ઉંચા શીખરો વાળા  અને અત્યંત ઉંચી દીવાલોથી ઘેરાયેલા એક ભવ્ય મંદીરની સામે તેઓ આવી  પહોંચ્યા હતા. બહારની દીવાલો પર જાતજાતના શીલ્પ કોતરેલા હતા.  દીવાલ પર થોડે ઉપર નૃત્યાંગનાઓનાં સુમધુર શીલ્પો દેખાતાં હતા. મંદીરનો દરવાજો ઓળંગી તેઓ અંદર પેઠા.

     - નકશો

   -  મંદીર

                                            
      જગતના સૌથી મોટા મંદીરમાં પાંચસો વર્શ પછી કોઈ માનવે પગ મુક્યો હતો. આ અંગકોર વાટનું મહાન મંદીર હતું.  બધા ઉત્સાહમાં નાચી ઉઠ્યા. એક મહીનાની મહેનત અને મુશ્કેલીઓ સફળ નીવડી હતી. કમ્બોડીયાના ‘ તોન્લે સેપ ‘ તળાવની નજીક આવેલા આ મહાન મંદીરને ભુતકાળની કરાળ કંદરામાંથી તેમણે બહાર આણ્યું હતું.

( અર્વાચીન યુગની સાત અજાયબીઓમાંની એક,
ભારતના ભવ્ય ભુતકાળને ઉજાગર કરતા,
રાજા સુર્યવર્મન બીજાએ જેને બનાવવાની શરુઆત કરી હતી તે 
‘ અંગકોર વાટ ‘ ના મંદીર માટે વધુ માહીતી માટી અહીં ‘ક્લીક’ કરો )

     જગ્યાનું વીગતે અવલોકન કરતાં તેમને આ મંદીરની ભવ્યતાનો ખ્યાલ આવ્યો. ફુટબોલના નવ મેદાન થાય તેટલી મોટી જગ્યામાં આ મંદીર બનાવેલું હતું. ચારે બાજુ એક એક માઈલ લાંબી દીવાલો હતી અને તેની બહાર ચારે બાજુ ખાઈ. મંદીરની દીવાલો પર ઘણાં બધાં લખાણો કોતરેલાં હતાં. મોટા ભાગનાં લખાણો સંસ્કૃત ભાશામાં હતાં. જો કે, કોઈને પણ એ ભાશા આવડતી ન હતી. મુખ્ય ભાગમાં હીન્દુ દેવતાઓની મોટી મુર્તીઓ હતી. ક્યાંક ક્યાંક તો મુર્તીઓ પર સોનાના અવશેશો પણ દેખાતા હતા. વચ્ચે એક રાજાની મુર્તી પણ સ્થાપેલી હતી. કદાચ તે પણ દેવોની જેમ પુજાતી હશે તેમ લાગ્યું. કોઈ પણ ગ્રીક કે રોમન સ્થાપત્યને ઝાંખું પાડી દે તેટલી તેની ભવ્યતા હતી. બુદ્ધ સાધુઓ પણ આ જગ્યાનો  સાધના અને પુજા માટે તેનો ઉપયોગ કરતા હશે તેમ જણાયું.

    મદીરની પાછળની બાજુએ બીજો વધુ મોટો દરવાજો હતો; અને તેમાંથી આગળ વધારે મોટો રસ્તો જતો હતો. હજુ તેમને માટે વધારે રહસ્યો ખુલવાના બાકી હતા! 

     તેમણે ફરી આગળ પ્રયાણ શરુ કર્યું.

- વધુ આવતા અંકે

Categories: પુરાતત્વ · સત્યકથા

જેકુઝી - એક અવલોકન

September 26, 2007 · 1 Comment

        ફરી પાછી સ્વીમીંગ પુલની વાત!

         અમારા પુલની એક બાજુએ સરસ મજાનું જેકુઝી છે. ગરમ પાણીનું ટબ. ચાર ફુટ ઉંડું અને બાજુ અને નીચેથી ઘણી બધી જગ્યાઓએ ઘણા બધાં કાણાંમાંથી દબાણપુર્વક હવા છુટતી હોય. એમાં ચારે બાજુ, એક સાથે વીસેક જણા બેસી શકે તેવી પાળી પણ છે.

         મારી બધી કસરત અને તરવાનું  પતે એટલે છેલ્લે હું આ જેકુઝીમાં પાંચ-સાત મીનીટ બેસું , અને બધો થાક ઉતરી જાય. આખી સપાટી હવાના પરપોટાઓથી ખળભળતી હોય. શરીરને સરસ મજાનો મસાજ પણ થઈ જાય. રોજની આ મજા અને રોજનો આ અનુભવ.

     એક’દી આ જણને મનમાં થયું -

    હવાનો એક પરપોટો, કેવો ક્ષુદ્ર, કેવો નાચીઝ !  તેની હસ્તી શું, તેની ક્ષમતા શું અને તેનું આયુશ્ય કેટલું ? એક ક્ષણમાં તો તે ઓગળીને હવામાં ભળી જાય. તેની તાકાત પણ કેટલી? “

    પણ આવા બધા અનેક પરપોટાઓ ભેગા થાય અને,  આટલા મોટા જેકુઝીની સપાટીને, તેના અંતસ્તલને, આપણા સ્નાયુઓને ખળભળાવી નાંખે.

     જો તે બધાંયને કોઈ કોમ્પ્રેસર વડે શક્તી આપવામાં આવે, તો તે શક્તીમાન હવા, મસ મોટી શીલાઓને પણ તોડી ફોડી નાંખે.

    આ તાકાત છે - સંઘબળની, સામુહીક પ્રયત્નોની. બધા પ્રયત્નો એક જ  દીશામાં હોય, સંચીત શક્તીથી અભીભુત હોય તો, કેટલાં આશ્ર્યર્યજનક  પરીણામો અને પરીમાણો હાંસલ થઈ શકે છે? ભારતની ગરીબ, રાંકડી પ્રજામાં આવા જ એક કોમ્પ્રેસરે એવી તો તાકાત ભરી દીધી કે, ત્રીસ જ વરસમાં રાક્ષસી વીશ્વસત્તા ધરાવતી અંગ્રેજ હસ્તીને ઉચાળા ભરી જવા પડ્યા.

     

Categories: અવલોકન

કારના વીન્ડ સ્ક્રીન પર પાણી - એક અવલોકન

September 26, 2007 · 1 Comment

       એક દીવસ કાર પાર્ક કરીને બેસી રહેવું પડ્યું. બહાર ઠીક ઠીક વરસાદ આવતો હતો, અને મારી પાસે છત્રી ન હતી. હું વાઈપર ચલાવીને કાચ સાફ રાખતો હતો. જેવો કાચ સાફ થાય કે તરત જે જે ટીપાં ઠીક ઠીક મોટાં હતાં તે હીમ્મતભેર નીચે સરકવા માંડતાં. બે ટીપાં ભેગાં થઈ જાય અને એક મોટું ટીપું બને, તેની નીચે સરકવાની ઝડપ પણ વધે. આમ નીચે જતાં કોઈ જુનો રેલો મળી જાય તો ટીપું પોતાનું અસ્તીત્વ ગુમાવી તેના પ્રવાહમાં ભળી જાય.

      વળી એ રેલો નીચે જતાં બીજા રેલામાં ભળી જાય અને એક મોટો રેલો બને - જાણે એક વહેળો. પછી નીચે તો આવા વહેળા  આપણે જુદા પણ ન પાડી શકીએ. જાણે એક જ નાનો શો જળરાશી!

    સતત, એકધારી આ પ્રક્રીયા ચાલુ ને ચાલુ જ. પણ તેમાંય કેટલું બધું વૈવીધ્ય? કયું ટીપું ક્યાં, ક્યારે અને કેવો આકાર લેશે; કયો માર્ગ ગ્રહણ કરશે, તેના કોઈ નીયત નીયમ જ નહીં. હર ક્ષણે  જુદી જુદી ગતી અને જુદી જુદી દીશા.

    ફરી પાછું વાઈપર ચાલુ કરું અને આખી ઘટના નવેસરથી શરુ.  જાણે ધરતીના ઉંચા નીચા સ્તરો ઉપર વાદળ વરસતાં થતી પાણીની અખંડ લીલાની નાની શી પ્રતીકૃતી મારી કારના વીન્ડ સ્ક્રીન પર આકાર લઈને કાંઈક કહી રહી હતી.

——————————————-

        કુદરતની ઘટના, નાની હોય કે મોટી - કશુંક તત્વ સામાન્ય નથી હોતું?  જ્યાં સુધી કાળચક્રનું વાઈપર ન ચાલે  ત્યાં સુધી આ ઘટમાળ ચાલુ જ રહે. વરસાદની માત્રા અને દીશા બદલાતી હોય; એ જ રીતે પવનનું પ્રમાણ અને દીશા પણ બદલાતાં રહે.   ઘટનાનું સ્વરુપ ભીન્ન ભીન્ન હોય પણ સતત વહેતો પ્રવાહ એ એક સામાન્યતા.

     પર્વતો, નદીઓ,  સરોવરો, સમુદ્ર, વાદળ, પવન, વરસાદ - વર્શો વર્શ એ જ ઘટમાળ. અને કોઈ ક્ષણે કોઈ પ્રચંડ ધરતીકંપ અને બધું રમણભમણ. નવા પર્વતો, નવી નદીઓ, નવું પર્યાવરણ.  

     સુર્ય, ગ્રહો, તારાઓ, ધુમકેતુઓ, નીહારીકાઓ - એજ હર ક્ષણ વીસ્તરતું વીશ્વ. અને કોઈ ક્ષણે કોઈ પ્રચંડ વીસ્ફોટ ( Big Bang)  અને બધું જ તહસ નહસ; નવી જ સૃશ્ટીની શરુઆત.  

      જીવનનો પ્રવાહ, જીવની ઉત્પત્તી, બે જીવોનું ભળવું , એકાકાર થઈ જવું, કોઈ નવા જીવનું પ્રાગટ્ય, અને કોઈક અજાણ્યા, બળીયા પ્રવાહમાં તેનું વીલીન થઈ જવું.  એને મૃત્યુ  પણ કહી શકાય અથવા પરમ ચૈતન્યના એક ભાગ જેવું  એક નાના બીદુ જેવું જીવન.  

     વીન્ડ સ્ક્રીન પરનાં પાણીનાં ટીપાં હોય કે પૃથીનું પર્યાવરણ હોય કે અતી વીશાળ બ્રહ્માંડ હોય કે એક નાનકડું જીવન હોય …..  

    વાત તો એની એ જ.

    અંતે તો હેમનું હેમ હોયે.

Categories: અવલોકન

ચીપીયો - માનસી પટેલ

September 25, 2007 · 7 Comments

       દરેકના જીવનમાં નાના-મોટા પ્રસંગો બનતા હોય છે, અને એમાંના કેટલાક ખુબ ઉંડી છાપ છોડી જતા હોય છે.  કેટલાક પ્રસંગો હસાવનારા, કેટલાક રડાવનારા તો કેટલાક જીંદગીના પાઠ શીખવાડનારા પણ હોય છે. મારા જીવનનો એક પ્રસંગ મારે અહીં બધાંને જણાવવો છે. 

        આ ત્યારની વાત છે, જ્યારે હું દસમા ધોરણમાં ભ­ણતી હતી. દસમાના વેકેશનમાં હું મારા કાકાના ઘરે પીતરાઈ ભાઈબહેનો સાથે થોડા દીવસ રહેવા અને રમવા ગઈ હતી. મારાં કાકા-કાકીને ચાર બાળકો - જોડીયાં ( દિવ્ય અને દ્રષ્ટિ) અને  બે નાની દીકરીઓ (આકૃતિ અને હાર્દિકા)  છે. એમની સાથે પાંચમી હું. અમે બધાં  ભેગાં મળીને મોજ-મસ્તી કરતાં હતાં.  નાનપણથી જ મને વાળ સાથે જુદી જુદી હેર-સ્ટાઇલના પ્રયોગો કરવાનો ખુબ જ શોખ. એટલે હું મારી બહેનના વાળ સાથે અખતરા કરતી’તી.

       મને થયું કે, લાવ આજે હું અંબોડાનો પ્રયત્ન કરું. એટલે મેં કાકીને કહ્યું, ” મારે અંબોડો વાળવો છે, તમારી પાસે ચીપીયા( અંબોડા માટે વપરાતા)  છે? મારે જોઇએ છે.”  કાકીએ કહ્યું , “ હશે આટલાંમાં કશેક. જો જરા. “

      હું તો આસપાસમાં શોધી વળી. હું નવી નવી જગ્યાઓ જોતી જાઉં, અને એ કહેતા જાય કે , “અહીં હશે;  અરે અહીં નહીં હોય તો ત્યાં હશે.” અડધો કલાક સુધી શોધ્યા પણ કંઈ પતો ના પડ્યો; એટલે કાકીએ કહ્યું, “ માળું,યાદ નથી આવતું. ક્યાં મુકી દીધા, અત્યારે તો નથી મળતા, બેટા ! ” એટલે હું થોડી નીરાશ થઈ ગઈ, અને ગણગણાટ કરવા લાગી કે “એક તો બાર વર્ષે બાવો બોલ્યો, જા બચ્ચા, દુકાલ પડેગા !”

      અમારા વચ્ચેની વાતો મારાં બીજાં ભાઈ બહેન સાંભ­ળતાં હતાં. એમાંથી એકે  પુછ્યું, ” દીદી, તમારે શું જોઇએ છે, ચીપીયો? મને ખબર છે કે ક્યાં છે એ.  હું હમણાં જ જઈને લઈ આવું છું .” અમે બધાં વીચારમાં પડી ગયાં કે, ’આણે વળી ચીપીયા કયાં જોયા હશે?’

       એટલામાં  રસોડામાંથી દિવ્ય  આવ્યો.  અને બોલ્યો, ” આ રહ્યો ચીપીયો.  અહીં રસોડામાં તો હતો. તમને લોકોને તો કશું શોધતાં જ નથી આવડતું! “   ભાઈ  મારો ચીપીયો તો લાવ્યો, પણ રોટલી શેકવાનો !  તે હાથમાં મોટો ચીપીયો લઈને બલ્લવ રસોઈયાની જેમ ઉભો હતો.

       અમે બધાં પેટ પકડીને જે હસ્યાં છીએ, જે હસ્યાં છીએ, કે ના પુછો વાત!

~ માનસી પટેલ

       ઈલેક્ટ્રીકલ એન્જીનીયર, અને હાલ અમેરીકાના કેલીફોર્નીયામાં માસ્ટરનું ભણતી,  ચી. માનસીને મારું ઉંઝામાં લખાણ વાંચવું ગમતું તો નથી, પણ બહુ જ ખેલદીલીપુર્વક, તેણે મને તેની આ અનુભવકથા અહીં પ્રગટ કરવા અનુમતી આપી છે.

       ( સાચ્ચું કહું? શરુઆતમાં આ ચોંસઠ  વરસના ડોહાને પણ નહોતું ગમતું;  પણ હવે વાંચવાની ટેવ અને લખવાની  સરળતા થઈ ગઈ છે ! ઘણાં બધાંય ઉત્સાહથી અહીં અપાતાં લખાણો વાંચવા માંડ્યા છે, હોં ! )

Categories: માનસી પટેલ · સ્વાનુભવ

એક મંદીરની શોધમાં - ભાગ -1

September 25, 2007 · 9 Comments

પુરાતત્વની એક સત્યકથા પર આધારીત

      શનીવારની એક સાંજે, જંગલમાંથી આવીને તે થાક ઉતારી રહ્યો હતો; અને ભેગા કરેલા અવનવી વનસ્પતીના નમુના વીભાગવાર જુદા પાડી રહ્યો હતો. વીશુવવૃત્તીય વીસ્તારના એક દેશના એક તળાવની થોડે દક્ષીણે આવેલા એક નાના શા શહેરમાં તે હજુ બે એક અઠવાડીયા પહેલાં જ આવ્યો હતો. હેન્રી મુહોતને પેરીસથી એ દેશના વીશુવવૃત્તીય જંગલોની વનસ્પતીઓની શોધખોળ કરવા, એક વર્શ પહેલાં નીયુક્ત કરવામાં આવ્યો હતો. આ નાના’શા ગામમાં તે સાવ કંટાળી ગયો હતો. આમ તો તે ધાર્મીક ન હતો, પણ બીજાં ફ્રેન્ચ ભાશા બોલતાં લોકોને મળાશે, તે આશાએ તેણે રવીવારની ચર્ચની સભામાં જવાનું નક્કી કર્યું.

          બીજા દીવસે તે ચર્ચમાં ગયો. પીટર નામનો પાદરી મોટે ભાગે તો સ્થાનીક ભાશામાં જ બાઈબલમાંથી વાંચી રહ્યો હતો; પણ થોડાએક શબ્દો, થોડાં ઘણાં ફ્રેંચ સાંભળનારાં માટે પણ બોલી રહ્યો હતો. સભા પતી ગઈ, પછી પીટરે બીજી ઔપચારીકતા પતાવી, બધા ફ્રેન્ચ લોકોને પોતાના કમરામાં આવવા નીમંત્ર્યાં. સ્વાભાવીક રીતે જ તેનું ધ્યાન નવાગંતુક મુહોત પર વધારે રહ્યું. ઘણી બધી વાતો થઈ. મુહોતને સ્થાનીક ઈતીહાસ , ભુગોળ, રીતરીવાજ વીગેરે વીશે જાણવાની ઘણી ઉત્કંઠા હતી. કાળી ચા અને બીસ્કીટની સાથે વાતોના ગપાટા પણ ખાસ્સા ચાલ્યા.  વાતવાતમાં પીટરે એક લોકવાયકાની વાત કરી. ગામથી પચાસેક માઈલ દુર, તળાવની ઉત્તરે ભયંકર જંગલની વચ્ચે ઘણાં જુનાં ખંડેરો છે અને એક મસ મોટું મંદીર પણ છે. પરંતુ દુર્ગમ જંગલને કારણે કોઈ ત્યાં જઈ શકતું નથી. તે કોણે બનાવ્યાં અને શા કારણે તુટી ગયાં તે પણ કોઈ જાણતું ન હતું.

           મુહોત ઘેર ગયો, પણ આ વાત તેના મગજમાં ઘુમરાતી રહી. તેને વનસ્પતીશાસ્ત્ર ઉપરાંત ઈતીહાસમાં બહુ જ રસ હતો. આ પ્રદેશ વીશે તેને આવું બધું જાણવાની બહુ ઈચ્છા હતી, પણ સ્થાનીક લોકોમાં ભણેલા ગણેલા લોક ખાસ ન હતા. જે હતા તે પણ આવી વાયકાઓ સીવાય કશું જ જાણતા ન હતા. તે  આ દેશના પાટનગરમાં આવ્યો ત્યારે તેને એટલું  જાણવા મળ્યું હતું કે, 1500 ના અરસામાં પહેલવહેલા પોર્ચુગીઝ લોકો આ બાજુ આવ્યા, તેના સો એક વરસ પહેલાં, અહીં બહુ જ જાહોજલાલી વાળી સંસ્કૃતી અને સામ્રાજ્ય હતાં, પણ દુશ્મનોના  આક્રમણમાં તે સામ્રાજ્યનો અંત આવ્યો હતો. અહીંની સ્થાનીક પ્રજા બહુ જ ગરીબ હતી. પીટર પણ વર્શો પહેલાં આવી ગયેલા પોર્ચુગીઝ લોકોના અહેવાલો, લોકવાયકાઓ વી, સીવાય કાંઈ જાણતો ન હતો. રાત્રે તેને સપનાંમાં ચીત્રવીચીત્ર પહેરવેશ પહેરેલા, કો’ક અજાણ્યા લોકો કોઈ અવનવી, ભગવાનની મુર્તીની પુજા કરતાં, ઢોલના ધબકારે નાચતાં અને તેની તરફ ધસી આવતા દેખાયા. પસીને રેબઝેબ તે ઝબકીને જાગી ગયો. સવારની ચા પીતાં તેણે સંકલ્પ કર્યો કે તે ખંડેરોની ભાળ ગમે તે ભોગે કરવી જ.

          બીજા રવીવારે ફરી પાછો આ જ ક્રમ ચાલ્યો.

         મુહોતે કહ્યું –“ પાદરી સાહેબ, મારે ગીચ જંગલોમાં, છેક અંદરના ભાગમાં મારા કામ અંગે જવું છે. જો તમે તૈયાર હો તો, આપણે તે જ વીસ્તારમાં મારી શોધખોળ માટે જઈએ. ખંડેરોની તલાશ પણ થશે, અને મારી વનસ્પતીની પણ. એક સાથે બે કામ થશે.”

          પીટરે કહ્યું “ ચર્ચ માટે બીજી કોઈ વ્યવસ્થા થાય તો હું આવું. મને પણ આવું સાહસ કરવાનું ગમે. આવા કામમાં એકાદ બે અઠવાડીયા તો થઈ જ જાય ને.”

           બન્ને યુવાન હતા, અને બહુ આસાનીથી મીત્રો તો બની જ ગયા હતા. આ કામ અંગે સાથે રહેવાની તક મળશે તેવું બન્નેને મન થયું.

             પછીના અઠવાડીયે તે દેશના પાટનગરમાં આવેલી, દેવળની મોટી કચેરીમાંથી આ માટેની વ્યવસ્થા થઈ ગઈ. બીજા પાદરીને એક મહીના માટે નીમવામાં આવ્યો. આમ 1860 ના માર્ચ મહીનામાં પુરતી સાધાન સામગ્રી, અને માણસોનું હાઉસન જાઉસન બે ગાડાંઓમાં ભરીને બન્ને મીત્રો ઉપડ્યા. સાથે સ્થાનીક જંગલોના બે ભોમીયા પણ લીધા હતા.

           ગામ અને ખેતરો પુરાં થયાં, અને ભયંકર જંગલની શરુઆત થઈ. ઉત્તર દીશા જાળવી રાખી કાફલો આગળ વધ્યો. અડાબીડ મોટાં વૃક્ષોની વચ્ચે બકરાં ચરાવનાર ગોવાળીયાઓએ બનાવેલી, નાનીશી કેડી તેમણે પકડી. બે ત્રણ માઈલ તો મુસાફરી ઠીક ઠીક ચાલી. પણ પછી એકાએક કેડી બંધ થઈ ગઈ. હવે શું કરવું?

               હવે તો જંગલને કાપીને જ રસ્તો કરવો પડે તેમ હતું. યાહોમ કરીને ઓછાં ઝાડ કાપવા પડે તે રીતે, તેમણે આવા કામના જાણકાર, સ્થાનીક મુખીયાની મદદથી રસ્તો કરવા માંડ્યો. ગીચ ઝાડી કાપવી પણ કાંઈ રમત વાત ન હતી. નીચે ઘણી જગ્યાએ છીછરા પાણીનાં ખાબોચીયાં કે કાદવ પણ હતાં. ઘણીવાર તેમની સાથેનાં ગાડાંઓનાં પૈડાં કાદવમાં અડધા ખુંચી જતા. માંડ માંડ મજુરો ગાડાંને ઘાંચમાંથી બહાર કાઢતા. હવે રસ્તો સીધો ઉત્તર તરફ ન રહ્યો. વાંકાંચુંકા થતા , મંથર ગતીએ તેઓ આગળ વધતા ગયા. રાતે વાઘોની ડરામણી ત્રાડો અને દીવસે જંગલી હાથીઓની ચીંઘાડો હૈયું વીદારી નાંખતી હતી. ખાવાપીવામાંય રસ્તામાં જે કાંઈ મળે, તેનાથી ચલાવી લેવાનું હતું, કારણકે લોટ વી, સામગ્રી બહુ મર્યાદીત હતી. સ્થાનીક રસોઈયાની સમજ અને આવડત સ્વીકારી લીધા વીના બીજો કોઈ વીકલ્પ ન હતો. રસ્તે ચાલતાં સ્થાનીક મજુરો તેમની કર્ણપ્રીય પણ સમજ ન પડે તેવી ભાશામાં ગીતો ગાઈ રહ્યા હતા. પીટરે સમજાવ્યું કે તેમની જુની વાયકાઓની કથાઓ, અને યુદ્ધમાં કામ આવી ગયેલા યોદ્ધાઓની શુરાતન કથાઓનાં આ ગીતો હતાં. મુહોતને તો હવે દીવસે પણ પેલાં સ્વપ્નો દેખાવાં માંડ્યાં !

         ઘણી જગ્યાઓએ તો મોટાં ઝાડ એટલાં અડાબીડ ઉગેલાં હતાં કે, બે ચાર ઝાડ કાપ્યાં સીવાય છુટકો જ ન હતો. આમ થાય ત્યારે કાફલો સાવ રોકાઈ જતો. માત્ર એક બે ભોમીયા જ આગળ જાતમાહીતી મેળવવા જઈ આવતા. મેલેરીયામાં પટકાઈ ન જવાય તેનો હમ્મેશ ભય પણ માથે સવાર રહેતો. પીટરને થતું કે ‘ક્યાં આ જંજાળ વહોરી’ ;  પણ મુહોતના જ્ઞાનથી તે બહુ જ પ્રભાવીત થયો હતો, અને નવી દોસ્તી બરાબર જામી ગઈ હતી. એકલા પાછા જવામાં વધારે મોટાં જોખમો હતાં. હવે તો આગળ ધપવા સીવાય બીજો કોઈ જ આરો ન હતો. મુહોત તેની અજાણ એવી જાતજાતની વનસ્પતીઓની જાણ પેલા ભોમીયા અને દુભાશીયા પીટરની સહાયથી લઈ રહ્યો હતો. તેની સ્કેચબુક સુંદર વનસ્પતી ચીત્રોથી ભરાવા માંડી હતી.

         આમ સફરને ત્રણ અઠવાડીયાં તો જોતજોતામાં થઈ ગયાં. જંગલ તો ક્યાંય ટસનું મસ થતું ન હતું. ક્યાંક હાથીઓએ  કરેલા રસ્તા મળતા, પણ તેમની દીશા ભાગ્યે જ અનુકુળ આવતી. આશાનો દીપક બુઝાવાની તૈયારી કરી રહ્યો હતો. મજુરો પણ થાકથી લોથ પોથ થઈ ગયેલા હતા. બધા ઘેર પાછા જવાની લ્હાયમાં પડી ગયા હતા.

        પીટરે હીમ્મત કરીને કહ્યુ, ” મુહોત! પાછા ફરવામાં જ ડહાપણ છે. “

        મુહોતે કહ્યું , ” આપણે ત્રણ દીવસ રાહ જોઈએ. જો આ જ ક્રમ ચાલુ રહે અને તળાવ ન મળે તો પાછા.”

        આમ બે મીત્રો વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી હતી; ત્યાં એક ભોમીયો ભરેલા શ્વાસે દોડતો આવ્યો અને કહ્યું ” હાથીઓએ બનાવેલો એક જુનો રસ્તો મળ્યો છે, અને તે બરાબર  તળાવ તરફ જ જાય છે. ” બન્ને મીત્રોમાં આશાનો સંચાર થયો. કાફલો પણ ઉત્સાહમાં આવી ગયો. બેળે બેળે ભોમીયાએ કહ્યું હતું તે કેડી સુધી તો પહોંચ્યા. કેડી મળ્યા પછી કામ થોડું સરળ બન્યું. ઝાડ કાપવાની નોબત ફરી ન આવી. એ જ દીવસે સાંજે તો આખો કાફલો તળાવના કાંઠે આવી પુગ્યો.

- વધુ આવતા અંકે

 ભાગ -2     :   ભાગ - 3    

Categories: પુરાતત્વ · સત્યકથા

કારનો વીન્ડ સ્ક્રીન – એક અવલોકન

September 24, 2007 · 3 Comments

       રાતે પડતી ઝાકળ અને હવામાંથી ઠરતી ઝીણી રજકણો - આ બે મળીને કારનો વીન્ડ-સ્ક્રીન ગંદો થઈ ગયેલો હતો. બટન દબાવ્યું અને ખાસ પ્રવાહીના મીશ્રણવાળા પાણીની સેર છુટી. પછી વાઈપર ફેરવ્યું. અને કાચ એકદમ ચોક્ખો ચંદન જેવો.

       લે કર વાત ! એમાં તે શી મોટી ધાડ મારી?!
——————-

         ક્યાં ક્યાંથી આપણા માનસપટલ પર ઝાંખ આવી જતી હોય છે – ઝાકળનાં બીંદુઓ અને સાવ નાની અમથી રજકણ જેવાં પરીબળો આપણા વીચાર પટલને આવી ઝાંખ અર્પી જતા હોય છે.  બધું જ ધુંધળું દેખાય. કાંઈ સ્પશ્ટ ન દેખાય. ખાસ તો જ્યારે સામેથી તીવ્ર પ્રકાશનો પુંજ આપણી નજરને ચલીત કરી દેતો હોય ત્યારે તો આપણો રસ્તો પણ આપણને ન દેખાય.

      આવી ઝાંખ, વીચારોની અસ્પશ્ટતા, ધુંધળાપણું દુર કરવા ખાસ પ્રવાહી જેવી વીવેક સભર વીચારસરણીથી તેને ધોવું પડે. વાઈપર જેવા પ્રયત્નોથી એ બધો કચરો ઉશેટી નાંખવો પડે.

      તો જ આપણો માર્ગ આપણે સ્પશ્ટ રીતે જોઈ શકીએ.

Categories: અવલોકન

પાંજરામાં ‘રોન’

September 23, 2007 · 9 Comments

                                parakeet.jpg

     અમે દોઢેક વરસથી એક બજરીગર પાળ્યું છે.  એનું નામ છે ‘ રોન’ . ઘરના બેય બાળકોને તે બહુ જ ગમે. અમને મોટાંઓને તો તેને આમ પાંજરામાં કેદી બનાવીને રાખવાનું જરાયે ન ગમે. પણ બાળકોને ખાતર તેને જાળવવું પડે છે. અત્યારે છે તે પક્ષીની પહેલાં પાંજરામાં બીજું પક્ષી હતું. મારી ભુલને કારણે તે ઉડી ગયેલું. પણ બાળકોની જીદને કારણે આને ખરીદી વસાવવું પડેલું.  તેને ઠીક લાગે તે માટે અમે તેને આખો દીવસ બેકયાર્ડમાં રાખીએ છીએ.

    મને ઘણી વાર થાય કે પાંજરાની મર્યાદીત જગ્યામાં તેને કેવું લાગતું હશે? તે કેવું હીજરાતું હશે? કોઈ સાથી નહીં. કોઈ પ્રવૃત્તી નહીં.

    પણ એક વાત અમે જોઈ. તે મોટે ભાગે આનંદમાં રહે છે. વચ્ચેના સળીયા પર તે ઠુમ્મક ઠુમ્મક ચાલે ચાલતું હોય; દીવસમાં અનેક વાર પોતાના પીંછાં ઠીક કરતું હોય; કોઈ પક્ષી કે પડતાં પાંદડાંને જોઈ ઉત્તેજીત થઈ ચીં ચીં કરતું હોય. કોઈ મોટો અવાજ કે બાજુના મકાનના કુતરાના ભસવાથી થોડુંક ગભરાતું પણ હોય. કદીક મારી બેદરકારીને કારણે તેના દાણા ખલાસ થઈ ગયા હોય તો પાંજરાની નીચેની સપાટી પર ચાલી ઢોળાયેલા દાણાય ખાવા માંડે. પણ જેવું મને જુએ કે તરત, ચીં ચીં કરી મારી ફરજની મને યાદ દેવડાવે !

    રોજ રાતે મારે તેને ઘરમાં લઈ આવવાનું અને સવારે ઘરની બહાર કાઢવાનું.  જેવું બહાર કાઢું કે તરત તેના હાવભાવ પરથી તેની ખુશી પારખી શકાય. દસ પંદર દીવસે તેનું પાંજરું મારે સાફ કરવાનું. એ કામ પતે ત્યારે ચોખ્ખા થયેલા પાંજરામાં તેની ખુશી તરત વરતાય. એક વખત અમે બધા બહાર ગયેલા અને ભુલથી પાંજરું બહાર જ રહી ગયેલું. પછી તો બહુ વરસાદ પડ્યો. આ રામ તો પલળીને લોચા જેવા બની ગયેલા. અંદર લીધું અને એમ થયું કે, તે બચે તો સારું. પણ બીજા દીવસે સુકાઈને ફરી પાછા કડકા જેવા એ તો બની ગયા. પછી તો જેવા વરસાદના છાંટા શરુ થાય કે વાદળ બહુ ઘેરાયા હોય કે તરત અમે તેને ઘરની અંદર લઈ લઈએ. તેય પરીસ્થીતી સમજીને, ઘરની અંદર મને કમને ચલાવી લે ! બેકયાર્ડમાં જવાના કાચના બારણા આગળ હું તેને મુકું , તેમાંથી તે તેની મનગમતી દુનીયા જોયા કરે. પણ જો તડકો પધારી જાય તો તરત ‘ચીં ચીં’ કરી બહાર કાઢવાની આડઈ કરે ! 

     આવા છે અમારા બજરીગર કુમાર !!   

     એક વખત અમને તેને મર્યાદીત સ્વતંત્રતા આપવા વીચાર થયો.  એક બંધ ઓરડામાં પાંજરાના ત્રણેય દરવાજા ખુલ્લા મુકી દીધા. દસેક મીનીટ થઈ, પણ તે બહાર નીકળવાનું નામ જ ન લે. અમને થયું કે અમારી હાજરીથી તે ગભરાય છે. અમે બહાર નીકળી ગયા અને ઓરડાનું બારણું થોડું અધખોલું રાખી અવલોકન કરતા રહ્યા. પણ આ રામ તો સાવ આળસુ. ‘ અઠે દ્વારકા’ તેના સળીયાના સીંહાસન પરથી તસુયે ખસ્યા હોય તો !  અમે કંટાળીને પાછું બધું યથાવત્ કરી દીધું.

     પછી અમે એક નવો અખતરો કર્યો. અમારા ઘરની એક બાથરુમ મોટી છે અને તેમાં પક્ષી ક્યાંય સંતાઈ શકે તેવી શક્યતા નથી, ત્યાં આ મહાશયને અમે લઈ ગયા. પાંજરાની નીચેની પ્લાસ્ટીકની ટ્રે, જાળી વી. કાઢી નાંખ્યા; અને પાંજરાને સાવ ઉંધું કરી દીધું. હવે તો તેને ઉડ્યા સીવાય છુટકો જ ન  હતો. તેણે રુમના જુદા જુદા ભાગોની ટુંકી સફર કરી. તેને બહુ ગમતા, પણ મોટ્ટા અરીસાઓની મુલાકાત લીધી. એકાદ કલાક પછી તેને પકડીને પાછું પુરી દીધું. પણ અમારું આ કૃત્ય તેને પસંદ ન આવ્યું. મને કરડવા પ્રયત્ન પણ કર્યો.

     બીજા દીવસે ફરી આ પ્રક્રીયાનું પુનરાવર્તન કર્યું. આ  વખતે તો કલાક પછી તેને ખબર પડી ગઈ હોય તેમ; તે જાતેજ પ્લાસ્ટીકની ટ્રેમાં બીરાજીને પુરાવા તૈયાર થઈ બેસી ગયું! મેં ઉપરથી પાંજરું સરકાવ્યું.  તેણે કોઈ અવરોધ કે ગભરાટ વીના એ બંદી અવસ્થા સહર્શ સ્વીકારી લીધી ! ફરી અમારા બજરીગર કુમાર તેમના મનગમતા સ્વદેશ - બેક યાર્ડમાં પહોંચી ગયા.  

—————

    આપણા જીવનની બંદી અવસ્થા;  આપણી બીબાંઢાળ, ન બદલી શકાય તેવી માન્યતાઓ;  આપણા રીતરીવાજ -  બધુંય આપણને કેવું માફક આવી ગયું  છે? તેમાં જરા જેટલોય ફેર આપણે સાંખી નથી શકતાં.

    મુક્ત થવામાં અસલામતી હોય છે; તે આપણે સારી રીતે જાણી ગયાં છીએ.

Categories: સ્વાનુભવ