મારા પુત્ર ઉમંગે આપેલ આધારભુત માહીતીને ધ્યાનમાં રાખીને
મુળ પોસ્ટમાં ફેરફારો કર્યા છે.
————————————————————————————-
ચોંકી ગયા? ભડકી ગયા? એવી જ આ વાત છે. સાવ સત્યકથા. ઈદી અમીનના યુગાન્ડા કે આફ્રીકા કે ન્યુગીની/ પપુઆ જેવા પ્રદેશોમાં રહેતા જંગલી લોકોની આ વાત નથી. આ વાત તો આધુનીક દેશમાં રહેતા ચુસ્ત રોમન કેથોલીક લોકોની છે.
- વેબ સાઈટ
આ વાત છે ઉરુગ્વેની એક રગ્બી ટીમની. એર ફોર્સના ચાર્ટર પ્લેનમાં આ ટીમ તેમના કુટુમ્બીજનો અને અમુક મીત્રો સાથે રગ્બીની મેચ રમવા ચીલી જઈ રહી હતી. વાતાવરણ બહુ જ ખરાબ હતું, ઘેરું ધુમ્મસ પથરાયેલું હતું. વીમાન તેની સામાન્ય ઉંચાઈથી ઘણી ઓછી ઉંચાઈએ એન્ડીઝની પર્વતમાળા પરથી ઉડી રહ્યું હતું. બધા પર્વતો પર બરફ છવાયેલો હતો. બે પર્વતોની વચ્ચેના રોજના જાણીતા માર્ગ પરથી પાઈલોટ વીમાન ઉડાવી રહ્યો હતો.
પણ તેનો અંદાજ ખોટો પડ્યો. વીમાનની ઓછી ઉંચાઈને કારણે સામેના ઉંચા પર્વત સાથે વીમાન ટકરાયું. પાંખ તુટી અને વીમાન એક પ્રચંડ આંચકા સાથે નીચેની ખીણમાં ચકરાવા ખાતું પડ્યું. તેના બે ત્રણ ટુકડા જુદી જુદી જગ્યાએ પડ્યા. મુસાફરોની કેબીન એક જગ્યાએ પડી. ત્રણ ચાર મુસાફર તો તત્કાળ મૃત્યુ પામ્યા. ઘણા ઘવાયા. બેટરી અને સંદેશાના સાધનો બીજે ક્યાંક ફેંકાયા.
અત્યંત ઠંડી હતી. ચારે બાજુ બરફ છવાયેલો હતો. માત્ર નાસ્તા માટે રાખેલું ખાવાનું બહુ જ મર્યાદીત પ્રમાણમાં બચ્યું હતું. બળતણ માટેની કોઈ સામગ્રી હાજર ન હતી. એક દીવસ તો સૌએ ઠુંઠવાતાં વીતાવ્યો. નાસ્તો તો ક્યાં વપરાઈ ગયો તે ખબર જ ન પડી. વીમાનની કેબીનના બળી શકે તેવા ભાગોથી તાપણું કરી ગરમી મેળવી અને પીગાળેલા બરફનું પાણી મેળવ્યું. પણ ભુખ કહે મારું કામ. અમુક જણાએ તો સાથે લાવેલી ટુથપેસ્ટ ખાવાય પ્રયત્ન કર્યો.
બીજા દીવસે ભુખના દુખમાં એક જણને રાક્ષસી વીચાર સુઝ્યો. મરી ગયેલામાંથી બે જણા સાવ અજાણ્યા હતા. બરફના કારણે તેમનાં શબ જેમના તેમ રહ્યાં હતાં. તેણે ચાકુથી એક શબના હાથનો એક ટુકડો કાપ્યો, અને કંપતા હાથે અને દીલે મોંમાં નાંખ્યો. થુ થુ કરીને એક વાર તો ઉલટી પણ થઈ ગઈ. પણ કલાકે’ ક બાદ કટાણું મોં કરી માંસનો એ ટુકડો ગળેથી ઉતારી ગયો. કાંઇક શાતા વળી. તેની હીમ્મત જોઈ બીજા બે જણ પણ આ જધન્ય કાર્યમાં જોડાયા.
ત્રીજા દીવસે એક બે જણને બાદ કરતાં સૌ સ્વબચાવની, જીજીવીશાની આ મજબુરીમાં જોડાયા. બીજું એક શબ પણ વપરાઈ ગયું. હવે બાકી રહેલા બે શબ તો તેમની જાણીતી વ્યક્તીઓનાં હતાં. ઘણી મનોવ્યથા બાદ આ બે શબ પણ વપરાવા માંડ્યા. અત્યંત ઘવાયેલ એક વ્યક્તીએ સૌને આખરી સંદેશામાં કહ્યું કે તેના મરણ બાદ, કોઈ પરહેજી કે સુગ રાખ્યા વગર તેના શરીરનો પણ બધા ઉપયોગ કરે. તે વ્યક્તી તો બધાની બહુ જ જાણીતી પણ હતી. સૌની આંખોમાં સંજોગની વીવશતા, શરમ અને અપરાધીભાવ ડોકીયાં કરતાં હતાં.
છેક 72 દીવસ પછી કુમક આવી. બચેલા સૌ સલામત રીતે નીચે પહોંચી ગયા. મુળ 45 વ્યક્તીઓમાંથી માત્ર 16 જ બચ્યા હતા.
આ વાત છાની તો શી રીતે રહે ? મોટો ઉહાપોહ મચી ગયો. છાપાંઓમાં લાંબા ચર્ચાપત્રો છપાયા. ચુસ્ત ખ્રીસ્તી લોકોના આત્મા કકળી ઉઠ્યા. આ કૃત્ય કરનાર મુસાફરોની શરમ, લાંછન અને અપરાધીભાવની લાગણીનું તો પુછવું જ શું?
પણ તે શહેરના સૌથી મોટા રોમન કેથોલીક પાદરી આ મુસાફરોની વહારે ધાયા, અને જાહેર કર્યું કે જીવ બચાવવા તેમણે કરેલું આ કૃત્ય જધન્ય નહીં પણ સાવ વ્યાજબી હતું; અને ઈશ્વર તેમને જરુર માફ કરશે. આમ ચર્ચાનો અંત આવ્યો. મરી ગયેલ અને બીજાઓને જીવાડી ગયેલ શહીદોની યાદમાં સરસ સ્મારક પણ રચવામાં આવ્યું.
બહુ જ ટુંકાણમાં લખેલ આ વાત એક સત્યકથા ઉપર આધારીત છે. વીગતો નથી કારણકે, સત્યવીગતો વાળું પુસ્તક મારી પાસે અત્યારે હાજર નથી. મુળ સ્પેનીશ પુસ્તકના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતીમાં લખાયેલ પુસ્તક મેં 95-96 માં વાંચ્યું હતું. ફોટા, નકશા અને સાવ સાચી વીગતો તેમાં આપેલી હતી.
—————————————————————
હવે તમે અભીપ્રાય આપો કે આ માનવ-માંસાહાર હીંસક ગણાય કે અહીંસક? યોગ્ય કે અયોગ્ય ? અને આ કૃત્યને તમે જધન્ય કહેશો કે મજબુરી ?
————————————————-
બીજી વાત, જ્યારે આ પુસ્તક મેં વાંચ્યું ત્યારે તો નહીં, પણ આજે જ એક વીચાર આવ્યો.
વાનરજાતી ઘાસ નથી ખાતી, તે મોટેભાગે ફળાહારી છે. તેમાંથી ઉતરી આવેલ માનવજાત પણ ફળાહારી જ ને? આથી માનવ માત્રનું પાચનતંત્ર, મોં , દાંત, નખ વી. વાનરોને જ મળતા આવે. તેમાં ઘાસ પચાવવાની કોઈ ક્ષમતા નથી. શબને ચીરવા માટે જરુરી નહોર અને રાક્ષી દાંત પણ નથી જ.
આવી આદીમ માનવજાત ફળોની અછત સર્જાતાં, કે વસ્તી વધારાને કારણે, કે ફળોના છોડ કે વૃક્ષોમાં કોઈ રોગ લાગવાને કારણે, કે દુશ્કાળની પરીસ્થીતીમાં, ખોરાકની તીવ્ર અછતમાં ફસાઈ હશે. ઘાસ ખાય તોય તે પચે તો નહીં જ ને? અને છેવટે આ જ રીતે, ભુખનું દુખ સહન ન થતાં, સ્વ-બચાવ માટે માંસાહાર પર ચડી હશે. પછી તો શીકાર કરી ભુખ સંતોશવાનું તેમને વધારે સરળ જણાયું હશે. કદાચ માંસાહાર તેમને વધારે સ્વાદીશ્ટ પણ લાગ્યો હોય, અને ચસકો પણ ચડી ગયો હોય.
આમ જ કદાચ માણસોમાં માંસાહારની શરુઆત થઈ હોય એમ બને. બાકી માનવશરીરની રચના ફળાહારી પ્રાણીઓ જેવી જ છે.