ગદ્યસુર

પુલ ઉપર – એક અવલોકન

September 3, 2007 · 2 Comments

    ફરી પુલ ઉપરથી જવાનું થયું. બાજુમાં તકતી પર તેના બનાવ્યાની તારીખ લખેલી હતી. કદાચ પુલ બનાવવાનું કામ બે એક વર્શ ચાલ્યું હશે. તે પહેલાં લોકોને એક કાંઠેથી બીજા કાંઠે જવાની કેટલી મુશ્કેલી પડતી હશે? ગોળ, બહુ જ લાંબા અંતરનો ચકરાવો લેવો પડતો હશે, કે હોડીમાં પાણીની પાર જવું પડતું હશે. સામાન અદલાબદલી કરવો પડતો હશે. કેટલી બધી અને કેટલા બધાને મુશ્કેલી?

    કોઈએ પુલ બનાવ્યો અને અસંખ્ય લોકોને સુવીધા થઈ ગઈ. થોડા લોકોની ટુંકા ગાળાની મહેનત અને ઘણાંને હમ્મેશની રાહત.

————————————–

     બે કાંઠાને તો આમ જોડાય. અંતર અને તકલીફ ઓછાં થાય. 

     પણ બે મન વચ્ચે, બે માનવી વચ્ચે, આવા પુલ બનાવી શકાતા હોય તો? બે વીચારધારાઓ, બે માન્યતાઓ વચ્ચે આવા પુલ ન બનાવી શકાય? અને તેમાં તો કોઈ મહાભારત પ્રયત્નો કે ખર્ચની જરુર જ નથી. માત્ર અભીગમ જ બદલવાનો હોય છે, એકમેકનાં મન સુધી જ પહોંચવાનું હોય છે. કોઈ વચલો માનસીક પુલ જ બનાવવાનો હોય છે. થોડું આપણી રીતોમાં મામુલી સમાધાન જ કરવાનું હોય છે.
     આવા થોડા પુલો બન્યા હોત તો કેટકેટલાં યુધ્ધો, કેટકેટલી યાતનાઓ, કેટકેટલાં વેર ને ઝેર નીવારી શકાયાં હોત?

     પણ આ જ તો સૌથી વધુ દુશ્કર કામ છે ને?   શા માટે ?

Categories: અવલોકન