મારો પુત્ર ઉમંગ અને હું, ટેક્સાસના પાટનગર ઓસ્ટીનથી થોડેક આગળ હાઈવે ઉપરથી કલાકના 60 માઇલની ઝડપે પુરપાટ પસાર થઈ રહ્યા હતા. સાંજનો આઠ વાગ્યાનો સમય હતો અને અમારે હજુ ચારેક કલાકનું ડ્રાઇવીંગ કરીને ટેક્સાસના છેક નૈરુત્ય છેડે પહોંચવાનું હતું. અમારી આગળ બીજી ચાર કારો પણ રસ્તા ઉપર પાણીના રેલાની જેમ દોડી રહી હતી. અમારી ગાડીના ટેપ રેકોર્ડરમાંથી મનહર ઉધાસના મધુરા ગીતો રેલાઈ રહ્યા હતા. અમે આ ગીતોને માણતાં આનંદથી મુસાફરી કરી રહ્યા હતા.
ત્યાં જ ઉમંગે અચાનક ગાડીને બ્રેક મારી. હું ગ્લવ કમ્પાર્ટમેન્ટની સાથે અથડાતાં રહી ગયો. ઉમંગ બ્રેકની ઉપર લગભગ ચોંટી જ ગયો હતો. આગળવાળી કાર ઘણી જ ઝડપે અમારી નજીક અને નજીક આવી રહી હતી. હું બોલી ઉઠ્યો, “ ઉમંગ ગાડી બંધ કર … જલદી… “. પણ ઘડીના છટ્ઠા ભાગમાં તો અમારી કારનો આગળનો ભાગ આગળવાળી કાર સાથે અથડાયો અને અમારી કાર એકદમ થંભી ગઈ.
મારું ધ્યાન રસ્તા ઉપર હતું જ નહીં, તેથી આમ કેમ બન્યું તેની મને કાંઇ જ ખબર પડી નહીં. હૃદયના ધડકારા થોડાક શાંત પડ્યા ત્યારે ઉમંગે મને કહ્યું- “ પપ્પા, આપણે બચી ગયા. “
મેં કહ્યું-“ અરે , પણ તેં આમ કેમ કર્યું?”
તેણે જવાબ આપ્યો –“ એક કાર આપણી કાર કરતાં ઘણી વધારે ઝડપથી આપણને ઓવરટેક કરીને આગળ જતી રહી, અને બીજી બધી કારો કરતાં પણ આગળ નીકળી ગઈ. પછી કાંઇક થયું અને આગળવાળી કારના ડ્રાઇવરે બ્રેક મારતાં આપણી ઘણી નજીક આવવા માંડી, એટલે મેં પણ તરત બ્રેક મારી, પણ આ ઝડપે અથડામણ ટાળી શકાય તેમ જ ન હતું.”
મેં કહ્યું-“ ભગવાનનો પાડ માન કે, આપણે સહીસલામત બચી ગયા.”
ઉમંગે કાર ચાલુ કરવા પ્રયત્ન કર્યો, પણ કંઈક વાસ આવવા માંડી. મેં કહ્યું.” ઉમંગ! આપણે કશું જ કરવું નથી. ચાલ આપણે કારમાથી બહાર નીકળી જઈએ. આગ લાગવાની શક્યતા છે.“
આથી અમે કાર બંધ કરી બહાર નીકળ્યા. અમારી કારનો આગળનો ભાગ ખાસ્સો દબાઈ ગયો હતો અને આગળ ચાર કારો પણ આડી અવળી થઇ ઊભી રહી ગઈ હતી. અમારી પાછળવાળી કાર થોડી આઘે હશે અને ફંટાઇ શકી હશે; એટલે અમે પાછળથી માર ખાવામાંથી તો બચી ગયા હતા! અમારી કારના નીચેના ભાગમાંથી પ્રવાહીનો રેલો સ્પષ્ટ રીતે વહેતો દેખાતો હતો. બીજી કારોમાંથી પણ માણસો બહાર આવી ગયા હતા.
ત્યારે ખબર પડી કે, પેલી કાર કે, જેણે અમને બધાને ઓવરટેક કરીને આગળ જવા પ્રયત્ન કર્યો હતો, તે એક જુવાન જેવો માણસ ચલાવતો હતો.. તેની કાર અમારી લેનમાં સૌથી આગળ દાખલ તો થઈ. પણ તેની થોડેક જ આગળ બીજી કાર જઈ રહી હતી. તેથી તેણે એકાએક બ્રેક મારવી પડી. આથી બધી કારો એકબીજા સાથે અથડાય તેમ થયું. ત્રણેક સેકંડમાં આ બધી ઘટના બની ગઈ અને અમે રસ્તા પરના એક મોટા અકસ્માતના ભાગીદાર બની ગયા. અમારી કારથી આગળની ત્રીજી કાર તો રસ્તાની સાવ કાટખુણે થઈ ગઈ હતી. તેમાંથી બહાર નીકળેલી એક મેક્સીકન જેવી લાગતી બાઇને ગળાના ભાગમાં ઘણી ઈજા થઈ હોય તેમ લાગતું હતું.
અમારામાંથી કોઈકે સેલફોનમાંથી 911 નંબર લગાવી પોલીસને ફોન કર્યો હશે, એટલે ત્રણેક મીનીટ પણ નહીં થઈ હોય અને, રંગબેરંગી લાઈટોના ઝબકારા મારતી બે પોલીસકારો પુરઝડપે આવી પહોંચી અને અમારી કારની પાછળ આવીને ઉભી રહી ગઈ. તેમાંની એકમાંથી એક પોલીસમેન બહાર આવ્યો અને તેણે સૌથી પહેલાં અમને પુછ્યું કે, અમે સલામત છીએ કે નહીં? ત્યાર બાદ એક પછી એક બધી કારના માણસોને તે પુછી વળ્યો કે, કોઇને કાંઈ ઈજા થઇ છે ખરી? પેલી મેક્સીકન બાઇને તેણે આશ્વાસન આપ્યું અને કહ્યું કે ચીંતા ન કરે.
આ દરમ્યાન તેની સાથેના બીજા પોલીસમેને ટ્રાફીક કંટ્રોલ કરવાના પગલાં લઈ લીધાં હતાં. નારંગી અને સફેદ રંગના પટાવાળા ડઝન જેટલા શંકુ આકારના સાઈન બોર્ડો લગાવી, તેણે અમારી લેન ઘણી આગળથી બંધ કરી દીધી હતી. બેય જણાએ કોઈ ખોટા ઉશ્કેરાટ વગર પોતપોતાનું કામ પતાવી દીધું હતું. બીજી પોલીસકારે ભાગી રહેલા પેલા ગુનેગાર જુવાનીયાને પકડી લીધો હતો અને તેને હાથકડી લગાવી દીધી હતી.
આટલી વાત પાચેક મીનીટ માંડ ચાલી હશે, ત્યાં તો પુરઝડપે ઝબકારા મારતી બે એમ્બ્યુલન્સ વાનો આવી પહોંચી. સાથે એક લ્હાયબંબો પણ હતો. પોલીસની બીજી ત્રણ કારો પણ હતી. એકની ઉપર ‘શેરીફ’ નું નામ ચીતરેલું હતું. તેમાં કોઈ મોટો અમલદાર બેઠેલો હતો..અમારી કારની પાછળ આ બધું હાઉસન જાઉસન ખડું થઈ ગયું.
પહેલી એમ્બ્યુલન્સમાંથી પ્રાથમીક સારવારના નીશ્ણાત જણાતા ત્રણ માણસો પેલી બાઈની પાસે તરત પહોંચી ગયા અને તેને પ્રાથમીક સારવાર આપવાની શરુઆત કરી દીધી.
હવે પેલા પોલીસ ઓફીસરે આ બનાવ શી રીતે બન્યો તેની વીગતવાર તપાસ કરવાની શરુઆત કરી. બધાને શાંતીથી સવાલો પુછવા માંડ્યા અને કાગળોમાં લખવા માંડ્યું.
આટલાંમાં તો ઉપર એક હેલીકોપ્ટર આવી પહોંચ્યું અને અમે ઉભા હતા તેની આજુબાજુ આકાશમાં ચકરાવા લેવા માંડ્યું. તેમાંથી અત્યંત તીવ્ર ઉજાસ વાળી સર્ચલાઈટ વડે તેણે અમારા આખા વિસ્તાર પર જાણે કે, મધરાતે સુરજ ઉગ્યો હોય તેવો પ્રકાશ પાથરી દીધો. પણ નીચેની પેલી એમ્બ્યુલન્સમાંથી કોઈએ તેને ખબર આપી હશે કે, ઘવાયેલી વ્યક્તીની હાલત ખાસ ગંભીર નથી, એટલે તે હેલીકોપ્ટર પાછું જતું રહ્યું.
પેલી બાઈને સ્ટ્રેચર ઉપર સુવાડી, ઓક્સીજનના બાટલાના નાળચાથી તેને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરી, તેને એમ્બ્યુલન્સમાં લઈ ગયા. તેની સાથેના માણસોને પણ સાથે બેસાડી દીધા. તરત જ પુરઝડપે તે એમ્બ્યુલન્સ હોસ્પીટલ જવા ઉપડી ગઈ.
થોડીક વારમાં તો નુકશાન પામેલી કારોને પોલીસ સ્ટેશન લઈ જવા માટે ત્રણેક ટો કરવાની ટ્રકો પણ આવી પહોંચી. ત્યાર બાદ બીજી બધી કાયદાકીય વીધી પતાવતાં કલાકેક થયો હશે. અમને બધાંને વીમા માટેના જરુરી કાગળો અપાઇ ગયા. અમને કહેવામાં આવ્યું કે, જેમની કારો ચાલી શકે તેમ નથી તેમને આપેલા કાગળો બતાવતાં, કાર રેન્ટલ એજંસીમાંથી વીના મુલ્યે, અને કોઈ તકલીફ વગર અવેજીની કારો મળી જશે.
ઓસ્ટીનના ઉપનગરમાં રહેતા ઉમંગના સાળાને અમે ફોન કર્યો હતો. તે ઘટના સ્થળે આવી ગયા અને અમને રેન્ટલ એજન્સી સુધી લઈ ગયા. અને અમને નવી નક્કોર કાર દસેક મીનીટની વીધી પતાવ્યા બાદ મળી ગઈ.
* * * * * * *
સૌને થશે કે સમૃદ્ધ દેશમાં આવું બધું તો હોય – તેમાં શી નવાઈ?
પણ આખી ટોળીની શીસ્તબદ્ધતા, અને કોઇ જાતના ગભરાટ કે ઉશ્કેરાટ વગરનું તેમના કામોનું આયોજન દાદ માગી લે તેવું હતું. અને પેલા સૌથી પહેલાં આવેલા પોલીસમેને બીજું કશું જાણવાની પંચાત કર્યા વગર, અમે સલામત તો છીએ કે નહીં – તે જ્યારે પુછ્યું ત્યારે અમને એ દેવદૂત જેવો લાગ્યો હતો.
2 responses so far ↓
સુનીલ શાહ // September 4, 2007 at 7:56 am |
અદભુત.! વાહ અમેરીકા..!
સુ.ભાઈ, તમારા વર્ણન પરથી મને સ્વામી સચ્ચીદાનંદે લખેલ પુસ્તક ‘વીદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો’ યાદ આવી ગયું. મારા ભારતમાં આવું ક્યારે બનશે..?
Harnish Jani // September 6, 2007 at 7:26 am |
In my 37 years of driving-I must have avoided this kind of situation by Keeping the enough distance–Distance according to the speed of the car–Do you know why Umang has no hit from the back ? That driver was smart enough to keep his distance-