ગદ્યસુર

પઝલ – એક અવલોકન

September 9, 2007 · 3 Comments

       અહીં બાળકો જોડે રમતાં જાતજાતની પઝલો જોડે પનારો પડ્યો. ચીત્રવીચીત્ર આકારોની પઝલો. જેમ આકારો વીચીત્ર અને પઝલના ટુકડા વધારે, તેમ પઝલ સુલઝાવવી વધારે મુશ્કેલ. કોઈ પઝલમાં સીધાસટ આકાર તો હોય જ નહી. સીધાસટ હોય તો તેને પઝલ જ ન કહેવાય!

       ટેન્ગ્રામની પઝલમાં સાત જ ટુકડા. અને સાતેય ટુકડા આમ તો માળા સાવ સીધાસટ. કોઈ પઝલમાં ન હોય તેવા- પાંચ ત્રીકોણ, એક ચોરસ અને એક શક્કરપારો. પણ એમાંથી હજ્જારો આકારો બનાવાય.

                                 tangram_1.jpg   -    ટેન્ગ્રામના સાત ટુકડા ( શડરીપુ જેવા ! )

—————————–

        જીવનમાં આપણે ફાળે આવતા પ્રશ્નો, મુશ્કેલીઓ, વ્યથાઓ આ પઝલ જેવા જ નથી હોતાં? કોઈ સીધાંસટ તો મળે જ નહીં. દરેક પઝલની પોતાની ગરીમા! આપણને નાણવાનો તેનોય કેવો સુક્ષ્મ અહમ્ ?! 
        ટેન્ગ્રામ જેવા જીવનના સાવ સામાન્ય કોયડાઓ તો ભારે બળુકા. જાતજાતની ઘટમાળ રચી આપે. મુળમાં તો સાત જ ( શડરીપુ જેવા? )   પણ કેવી કેવી માયાઓ રચી શકે? કેલીડોસ્કોપની જેમ જાતજાતના અને ભાતભાતના આકારો બનતા જ જાય. એના ભેદ શોધવામાં જ આખી જીંદગી પસાર થઈ જાય.

       પણ માળું,  આ પઝલનો ઉકેલ લાવવાનીય એક મઝા નથી હોતી? જીવનમાં આવી કોઈ પઝલ જ ન હોય, તો એમ ન બને કે જીવન સાવ નીરસ બની જાય ?  

Categories: અવલોકન