ગદ્યસુર

પંજાબી ડ્રેસ- નિકુલ પટેલ

September 11, 2007 · 22 Comments

       આ સ્વાનુભવની ઘટના મુળ વડોદરાના, પણ હાલ ચેન્નાઈમાં કામ કરતા શ્રી. નિકુલ પટેલે ટાઈપ કરીને મોકલી છે. અહીં ’ઘરે બાહીરે’ આ પહેલી જ રચના છે !  
      સૌ વાચક મીત્રોને પણ બધાને રસ પડે તેવા, તેમના અનુભવો ગુજરાતી વાચકો સાથે વહેંચવા પ્રેમપુર્વક ઈજન છે. મુળ વાત અંગ્રેજીમાં મોકલશો તો પણ ચાલશે.

———————————————————- 

         ચાલો, આજે એક પ્રસંગની વાત કરું. એક ઘટના, જે ઘટી હતી આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં……..

         અમે પાંચ મીત્રો -  અમર, સુહાસ, ભાવેશ, ગૌરવ અને હું.  બધા એક જ નાવના મુસાફરો (એક જ બેચના, એક જ કંપનીમાં કામ કરતા, અને  હૈદરાબાદ-સીકન્દરાબાદ સ્થીત અમારાં 2BHK  ફ્લેટના રુમ પાર્ટનર). કંપનીમાં શરુઆતની ટ્રેઇનીંગ પછી, અમે બધા પહેલી જ વાર ગુજરાત પાછા જવાના હતા. કોલેજ પછી તરત લાગેલી નવી નવી નોકરી, નવોસવો મીઠાઈ જેવો પગાર, અને પાછું ગુજરાત ઘેર પાછા જવાનું; એટલે અમે ઘરનાં લોકો માટે કંઇક ભેટ લઇ જવાનું નક્કી કર્યું.

          અમરે જણાવ્યું કે એને બહેન માટે પંજાબી સુટ લેવો છે. હવે અમારા પાંચમાંથી એક પણ જણે પહેલાં કદી એકલા લેડીઝ ડ્રેસ ખરીદેલા નહી. ભાવેશ,અમર અને ગૌરવને બહેનો ખરી. પણ એમને પણ કદી એવો પ્રસંગ આવેલો નહીં. અને મારે અને સુહાસને બહેનો જ નહી, એટલે આ અનુભવ થવાની શક્યતા ક્યાંથી હોય? 

           જો જો હોં ! સાચ્ચું કહું છું …. કમભાગ્યે અમારામાંથી કોઇને Girl Friends  પણ નહોતી! હવે સાઇઝ વિશે તો અમરને પણ ખબર નહી. ઘેર તો બહેનને પુછાય નહી, નહી તો ઘરમાં બધાંને ખબર પડી જાય – અમારા Surprise ની. એટલે, અમે સુટની જગ્યાએ ડ્રેસ મટીરીયલ લેવાનું નક્કી કર્યું.

            એક સાંજે અમે પાંચ પાંડવો યાહોમ કરીને નીકળી પડ્યા -  લેડીઝ ડ્રેસની અમારા બધાની સૌ પ્રથમ ખરીદી માટે. રહેવાનું રાણીગંજમાં એટલે અમે M.G. રોડ પર ચાલતા ચાલતા નીકળ્યા. રોડ પર લેડીઝ કપડાંની દુકાન શોધતા અમે ગાંધી સર્કલ પાસેની એક દુકાનમાં જઈ ચડ્યા. હવે અમારામાંથી કોઇને તેલુગુ આવડે નહીં; એટલે કોઈ કાંઈ પુછે એ પહેલાં જ અમે કહી દીધું. “પંજાબી ડ્રેસ મટીરીયલ”  - ના કોઇ વાક્ય, ના કોઇ વ્યાકરણ,  બસ ભીન્ન ભાષી વ્યક્તીઓ વચ્ચે, શબ્દસમુહો વડે થતો વાર્તાલાપ ! અમે આવી થોડી  આદત પાડેલી, હૈદરાબાદ જઈને.

        “પંજાબી ડ્રેસ મટીરીયલ” લેવા કે જોવા આવેલા, પાંચ લબરમુછીયાઓને જોઇને કાઉન્ટર પરની  સેલ્સગર્લ  થોડી ગભરાયેલી  લાગી. ‘એક મીનીટ’   કહીને એ તો ગઈ; અને અમને મદદ  કરવા એક ભાઈને મોકલી આપ્યા. નવા સેલ્સમેન પર પણ એજ નુસખો. તેના આવતાંવેંત જ અમે કહી દીધું . “પંજાબી ડ્રેસ મટીરીયલ”.

        પછી એ ભાઇએ તેલુગુમાં કાંઈક પુછ્યું; પણ અમને એ ગુડગુડમાં શેની કશી સમજ પડે?  એટલે મેં કીધું – “તેલુગુ રાદુ. હીન્દી માટલાડુ” (‘તેલુગુ નથી આવડતું, હીન્દી બોલો.’  તેલુગુમાં માટલાં !!!! ) માત્ર આ બે તેલુગુ વાક્ય અમે રટી કાઢેલાં. જેના વડે હજુ પણ ખેંચે રાખીયે છીયે ! ) હવે પેલા ભાઈને હીન્દી ના આવડે. એટલે એમણે ભાંગી તુટી અંગ્રેજીમાં પુછ્યું - “Range, Colour ?”. અમે એના એકશબ્દી જવાબ આપ્યા. પેલા ભાઈએ એક પછી એક મટીરીયલ બતાવવા માંડ્યાં. ભાંગીતુટી અંગ્રેજીમાં દરેક કાપડ વીશે કાંઈક કહેતા પણ જાય.

       અડધો કલાક આ વીધી ચાલી. કાઉન્ટર પર કપડાંનો મોટો ઢગલો થઇ ગયો. કોઈનો કલર પસંદ ના પડે, તો કોઇની ડીઝાઇન, તો કોઈનું કાપડ. એમાં પાછા અમારા પાંચેયનાં માથાં અલગ અલગ ધુણે ! ( એમ તો અમારાં પાંચમાંથી કોઇને પણ કોટન અને ટેરીકોટન કપડાં વચ્ચે ફરક કરતાં આવડે નહી! અમે બધા કાપડ હાથમાં લઇને આવડે એવાં નામ આપતા’તા! 

         આમ કાપડ જોતાં મારી નજર એક પુતળીને પહેરાવેલા ડ્રેસ પર પડી,  જે  દુકાનના ઉપરના માળેથી નીચે ટીંગાડેલી હતી.  મને એ ડીઝાઇન અને કલર ગમ્યાં. મેં બધાને એ ડ્રેસ બતાવ્યો. પણ અમને એટલી ખબર કે, શોમાં મુકેલા ડ્રેસ મોટેભાગે દુરથી જ સારા દેખાય. એટલે અમે પેલા ભાઈ ને પુતળી બતાવી અને પહેલાં કીમ્મત પુછી.  રખે ને માલ કઢાવીએ અને પછી બજેટની બહાર જાય. એમ પણ એ હવે થોડા ચીડાયા’તા. (ચીડાય જ ને. એક ડ્રેસની ખરીદી માટે પાંચ પાંચ છોકરાઓ અડધો કલાકથી આ નહીં ને પેલું કરાવતા હતા !)

      કીમ્મત તો અમારી Range માં હતી. અમે એ ડ્રેસ બતાવવા કહ્યું. પેલા ભાઈએ એજ પેટર્નનું બીજા રંગમાં કાપડ બતાવ્યું, જે અમને જરાય પસંદ ના આવ્યું. એણે પુતળી તરફ આંગળી કરી જણાવ્યું કે – “લાસ્ટ પીસ. “  હવે અમે પણ ભુરાંટા થયા’તા. માંડ માંડ એક પીસ પસંદ આવ્યો, અને એ પણ લાસ્ટ  પીસ?  હાથના ઈશારા વડે એ પુતળીને અમે નીચે ઉતારવા કહ્યું.

      એક મોટું સ્ટુલ અને મોટી લાકડી વડે ભારે જહેમત બાદ અમારાં ડ્રેસવાળાં પુતળીબેનને સુરક્ષીત નીચે ઉતારવામાં આવ્યાં.

      ડ્રેસ સાથે એ પુતળી અમારા પાંચેના હાથમાં ફરી વળી.  અંતે બધાને એ મટીરીયલ(કાપડ, કલર અને ડીઝાઇન) ગમ્યું. પુતળી નહીં હોં ! અને ખાસ તો અમરને સૌથી વધારે પસંદ પડ્યું. અમે આપસમાં વાત કરી કે, ‘લાસ્ટ પીસ છે,  શું કરવું છે ? ‘ બધા એકમત પર આવ્યા કે ‘ આ દુકાનમાંથી આજે ખાલી હાથે તો  પાછા નથી જ જવું.’ (આખરે અમારી પણ ઈજ્જતનો સવાલ હતો ને! )

       અમે પેલા ભાઈને જેમતેમ કરીને સમજાવ્યું કે, અમારે આજ પીસ જોઇએ છે. તેને સમજ પડતાં આનાકાની કરવા મંડ્યો. અમે એના માલીક તરફ ઈશારો કરીને કહ્યું, “Ask Him”. પેલાએ માલીક જોડે ગુફ્તગુ કરી અને બીજી સેલ્સગર્લને પુતળી આપી પેક કરવા જણાવ્યું. ( આ બધું અમે ખાલી હાવભાવ અને વાતના વલણ પરથી તારવી શક્યા. )

       આખરે અમે પાંચ પાંડવો એ પુતળીનું પંજાબી ડ્રેસ મટીરીયલ લઈને જ જંપ્યા. મટીરીયલ પેક થઇને આવ્યું. બીલ ચુકવીને અમે સીધા ઘર ભણી સીધાવ્યા. તે દીવસ માટે આ એક જ ખરીદી બહુ થઇ ગઇ’તી !

       ઘરે પહોંચીને જે અમે હસ્યા છીએ,  કે ના પુછો વાત.

       આજે અમે પાંચેય જણ વીખરાઇ ગયા છીએ. અમર અને સુહાસ યુ.એસ.માં; ગૌરવ લગન પછી લંડનમાં; ભાવેશ દીલ્હી-નોઈડામાં અને હું ચેન્નાઇમાં. પણ આજેય કોઇ દુકાનમાં સજાવેલી પુતળી જોઇએ ત્યારે અમને બધાને આ પ્રસંગ અચુક યાદ આવી જાય છે.

Categories: નીકુલ પટેલ · સ્વાનુભવ