અમારા ઘરની આગળ એક નાનું સરખું ઝાડ છે. લગભગ બાર ફુટ ઉંચું હશે. કો’ક વાર નવરો પડ્યો હોઉં ત્યારે મકાનની આગળ ટહેલવાનું ગમે. એક દીવસ આ ઝાડની બાજુમાં ઉભો હતો. થડના નીચેના ભાગમાં નાની, કુમળી ડાળીઓ ફુટેલી હતી. બધી ચુંટી કાઢી. આમ ન કરીએ તો ઝાડના મુળમાંથી આવતો રસકસ આ નવી કુપળો વાપરી નાંખે, અને ઝાડ મોટું ન થાય. અમને બે ત્રણ વરસ પહેલાં આવું જ્ઞાન ન હતું; પણ એક સજ્જન પાડોશીએ અમને આ શીખવ્યું હતું. ત્યારથી હું હમ્મેશ આનું ધ્યાન રાખતો રહું છું.
આ ડાળીઓ ચુંટ્યા પછી નજર કરી તો એક નાનો શો ઘેરા રંગનો, બીંદુ જેવડો ડાઘ દેખાયો. બેત્રણ દીવસ પછી ફરી જોયું તો તે ડાઘ એક નાની ફોલ્લી જેવો બની ગયો હતો. બીજા દીવસે તો તેમાંથી વાગે તેવી એક નાની અણી નીકળી આવી હતી. પછી તો એકાદ અઠવાડીયું ખાલી ગયું. પણ વળી એક વાર નજર પડી તો એક નાની ડાળી તે અંકુરમાંથી ફુટી આવી હતી. અને તેને ચાર પાંચ પાંદડાંય આવી ગયા હતા.
——————————————
આપણા જીવનમાંય આમ જ બને છે ને? આપણી મોટા ભાગની શક્તીઓ વ્યર્થ બાબતોમાં જ વપરાઈ જાય છે. વીકાસને અવરોધતી આવી બાબતો જ આપણો બધો રસકસ ચુસી લે છે. પછી જીવનવૃક્ષ શી રીતે મોટું થાય? તેને સાચી દીશામાં વીસ્તારવું હોય તો, આવા વ્યર્થ પ્રયત્નોને કાપવા જ રહ્યા, ભલે ને તે પ્રેય હોય.
વળી દરેક વસ્તુની શરુઆત પેલા નાના ડાઘાથી જ થતી હોતી નથી? આપણી માન્યતાઓ, આપણા પુર્વગ્રહો, આપણી કુટેવો, આપણી માન્યતાઓ, આપણા ગમા- અણગમા એ સૌના મુળમાં તો એક નાનીશી શરુઆત જ હોય છે. આ બધા શ્રેય નથી હોતા. જો તેમને પ્રયત્નપુર્વક ચુંટી નાંખવામાં ન આવે; તો તે મસ મોડી ડાળી પણ બની શકે છે. પછી તે ડાળીને ચુંટી શકાતી નથી. તેને કાપવા તો મજબુત કાતર કે કુહાડી જ વાપરવા પડે છે.
આપણે અંતર્મુખી બનવાની જરુર નથી લાગતી ; જેથી આવા વીશાંકુર આપણી નજરે પડે? આપણે તેને ચુંટી શકીએ તેવા મજબુત મનોબળવાળા બનવાની જરુર નથી લાગતી?
અને પેલા સજ્જન પાડોશી જેવા કોઈ પથદર્શક મળે; અને આપણે તેમની સલાહને અમલમાં મુકીએ તો કેવું સારું થાય ?