ગદ્યસુર

મુશક

September 19, 2007 · Leave a Comment

મુશક, ઉંદર, માઉસ….. 

      જો કે, છેલ્લા બે શબ્દો આપણી ભાશામાં હવે વધારે પ્રચલીત છે. ઉર્મીએ  ‘ સર્જન સહીયારું ‘   પર કવીતા લખવા ઈજન આપ્યું, પણ હવે મને ગદ્ય વધારે ફાવે છે, તો વીચાર્યું કે આ વીશય પર એક લેખ લખું તો?

      હીન્દુ ધર્મના આરાધ્યદેવ ગણપતીના વાહન તરીકે તે પુજ્ય છે. ચંચળ વૃત્તીઓનું તે પ્રતીક છે, જેને બહુ ડહાપણવાળા તે દેવ સંયમમાં રાખે છે; તેમ મનાય છે. ગણપતી તો બધા પુજનમાં પહેલા સ્થપાય. આમ ઉંદર પણ આપોઆપ સૌથી પહેલો આવે !

     તે જ ઉંદર ખેતરોમાં બહુ મોટો ઉપદ્રવ કરે છે. કહે છે કે, કરોડો રુપીયાનું ધાન્ય ઉંદરોના ઉદરમાં સ્વાહા થઈ જાય છે. તેના આ ઉપદ્રવને નાથવા કુદરતે બીલાડી અને સાપનું સર્જન પણ કર્યું છે. જો કે, ચીન, વીયેટનામ વી. દેશોમાં માણસોનો પણ તે વીના સંકોચે આહાર બને છે. સાહસીક સાગરખેડુઓની લાંબી સાગરયાત્રામાં બધો આહાર ખુટી પડે ત્યારે, જહાજની બીલાડીએ પકડેલા ઉંદરો પણ ક્ષુધાતૃપ્તી માટે વપરાયાના દાખલા નોંધાયા છે.

     પ્લેગના જંતુઓના વાહક તરીકે તેણે માનવ વસ્તીઓમાં બહુ મોટી તબાહી પણ સરજી છે. યુરોપનો તેરમી સદીનો ભયંકર પ્લેગ, એ યુરોપના પુનરુત્થાન (રેનેસાં) નું એક અગત્યનું પરીબળ હતો; તેમ ઈતીહાસ કહે છે.  ઉંદરભાઈઓએ તે પ્લેગમાં યુરોપની તે સમયની ત્રીજા ભાગની વસ્તીનો ભોગ લીધો હતો. 1996-97 ના સુરતના પ્લેગ બાદ જ સુરત સોનાની મુરત ફરીથી બન્યું છે. આડકતરી રીતે  આને ઉંદર મહાશયની પ્રચ્છન્ન  આશીશ  ( Blessing in disguise?) કહેવાય?!

     ફંફોસી, ફંફોસી; ફુંકી ફુંકીને કરડવાની તેની લાક્ષણીકતાને માણસોના એવા નીમ્ન પ્રયત્નો સાથે સરખાવવામાં પણ આવે છે. આવા જધન્ય પ્રયાસો હમ્મેશ નીંદનીય રહ્યા છે.  નકર્યા સ્વાર્થથી વેપારીઓ દ્વારા સમાજના થતા આવા શોશણ માટે ઉંદરની ઉપમા  યોગ્ય જ છે.

     આપણે કોમ્પ્યુટર વાપરનારાઓ તેના ઈ-રુપથી બહુ પરીચીત છીએ ! ‘માઉસની ક્લીકે’ ઘણાં બધાં કામો હવે તો થઈ જાય છે. હવે તે તત્ક્ષણતા અને ઝડપનું પ્રતીક બન્યું છે. માઉસને બદલે ટચ-પેડ વપરાય છે; પણ માઉસ એટલે માઉસ. મારા આ કોમ્પ્યુટરનું ટચ પેડ  બીચારું નીસાસા નાંખતું હશે, અને માઉસની   ઈર્શ્યા કરતું હશે !

    ઉંદર માણસ જાતની મહાન સેવા માટે પણ વપરાય છે  -  બહુ જ ક્રુર રીતે – મેડીકલ શોધખોળ માટેના માધ્યમ તરીકે. આપણને, અહીંસાપ્રેમીઓને બહુ આઘાત લાગે તેમ તેનો આ કામ માટે ઉપયોગ થાય છે. પરંતુ આવી પ્રવૃત્તી વૈજ્ઞાનીકો ન કરે તો ઘણી શોધખોળો શક્ય ન બની હોત, તે પણ એક હકીકત છે.

      પણ મારું અને મારી જેમ ઘણાનું  એ પ્રીય પાત્ર છે – કેટલાં ય વર્શોથી તેણે કેટકેટલી પેઢીઓનું મનોરંજન કર્યું છે – ‘મીકી’ ના નામે . અને સાથે તેની સહચરી ‘મીની’ પણ. આ એકવીસમી સદીમાં ય તે આખા વીશ્વના બાળકોનું પ્રીય પાત્ર છે જ. બીજાં ગમે તેટલાં કાર્ટુન પાત્રો નાના કે મોટા તખતા પર આવે. મીકી એટલે મીકી….. ડીઝની વર્લ્ડમાં તેના મપેટ સાથે હાથ મીલાવવા તે પણ એક લ્હાવો છે.

      આમ તો મેં એ મસ મોટા ઉંદર ભાઈ સાથે ફોટો પણ પડાવ્યો છે, પણ બીજા કોઈ ઉંદરભાઈ તેને કાતરી ગયા છે, માટે હાલ તે મારી પાસે ઉપલબ્ધ  નથી !

Categories: નીબંધ

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment