ગદ્યસુર

જેકુઝી – એક અવલોકન

September 26, 2007 · 1 Comment

        ફરી પાછી સ્વીમીંગ પુલની વાત!

         અમારા પુલની એક બાજુએ સરસ મજાનું જેકુઝી છે. ગરમ પાણીનું ટબ. ચાર ફુટ ઉંડું અને બાજુ અને નીચેથી ઘણી બધી જગ્યાઓએ ઘણા બધાં કાણાંમાંથી દબાણપુર્વક હવા છુટતી હોય. એમાં ચારે બાજુ, એક સાથે વીસેક જણા બેસી શકે તેવી પાળી પણ છે.

         મારી બધી કસરત અને તરવાનું  પતે એટલે છેલ્લે હું આ જેકુઝીમાં પાંચ-સાત મીનીટ બેસું , અને બધો થાક ઉતરી જાય. આખી સપાટી હવાના પરપોટાઓથી ખળભળતી હોય. શરીરને સરસ મજાનો મસાજ પણ થઈ જાય. રોજની આ મજા અને રોજનો આ અનુભવ.

     એક’દી આ જણને મનમાં થયું -

    હવાનો એક પરપોટો, કેવો ક્ષુદ્ર, કેવો નાચીઝ !  તેની હસ્તી શું, તેની ક્ષમતા શું અને તેનું આયુશ્ય કેટલું ? એક ક્ષણમાં તો તે ઓગળીને હવામાં ભળી જાય. તેની તાકાત પણ કેટલી? “

    પણ આવા બધા અનેક પરપોટાઓ ભેગા થાય અને,  આટલા મોટા જેકુઝીની સપાટીને, તેના અંતસ્તલને, આપણા સ્નાયુઓને ખળભળાવી નાંખે.

     જો તે બધાંયને કોઈ કોમ્પ્રેસર વડે શક્તી આપવામાં આવે, તો તે શક્તીમાન હવા, મસ મોટી શીલાઓને પણ તોડી ફોડી નાંખે.

    આ તાકાત છે – સંઘબળની, સામુહીક પ્રયત્નોની. બધા પ્રયત્નો એક જ  દીશામાં હોય, સંચીત શક્તીથી અભીભુત હોય તો, કેટલાં આશ્ર્યર્યજનક  પરીણામો અને પરીમાણો હાંસલ થઈ શકે છે? ભારતની ગરીબ, રાંકડી પ્રજામાં આવા જ એક કોમ્પ્રેસરે એવી તો તાકાત ભરી દીધી કે, ત્રીસ જ વરસમાં રાક્ષસી વીશ્વસત્તા ધરાવતી અંગ્રેજ હસ્તીને ઉચાળા ભરી જવા પડ્યા.

     

Categories: અવલોકન

કારના વીન્ડ સ્ક્રીન પર પાણી – એક અવલોકન

September 26, 2007 · 1 Comment

       એક દીવસ કાર પાર્ક કરીને બેસી રહેવું પડ્યું. બહાર ઠીક ઠીક વરસાદ આવતો હતો, અને મારી પાસે છત્રી ન હતી. હું વાઈપર ચલાવીને કાચ સાફ રાખતો હતો. જેવો કાચ સાફ થાય કે તરત જે જે ટીપાં ઠીક ઠીક મોટાં હતાં તે હીમ્મતભેર નીચે સરકવા માંડતાં. બે ટીપાં ભેગાં થઈ જાય અને એક મોટું ટીપું બને, તેની નીચે સરકવાની ઝડપ પણ વધે. આમ નીચે જતાં કોઈ જુનો રેલો મળી જાય તો ટીપું પોતાનું અસ્તીત્વ ગુમાવી તેના પ્રવાહમાં ભળી જાય.

      વળી એ રેલો નીચે જતાં બીજા રેલામાં ભળી જાય અને એક મોટો રેલો બને – જાણે એક વહેળો. પછી નીચે તો આવા વહેળા  આપણે જુદા પણ ન પાડી શકીએ. જાણે એક જ નાનો શો જળરાશી!

    સતત, એકધારી આ પ્રક્રીયા ચાલુ ને ચાલુ જ. પણ તેમાંય કેટલું બધું વૈવીધ્ય? કયું ટીપું ક્યાં, ક્યારે અને કેવો આકાર લેશે; કયો માર્ગ ગ્રહણ કરશે, તેના કોઈ નીયત નીયમ જ નહીં. હર ક્ષણે  જુદી જુદી ગતી અને જુદી જુદી દીશા.

    ફરી પાછું વાઈપર ચાલુ કરું અને આખી ઘટના નવેસરથી શરુ.  જાણે ધરતીના ઉંચા નીચા સ્તરો ઉપર વાદળ વરસતાં થતી પાણીની અખંડ લીલાની નાની શી પ્રતીકૃતી મારી કારના વીન્ડ સ્ક્રીન પર આકાર લઈને કાંઈક કહી રહી હતી.

——————————————-

        કુદરતની ઘટના, નાની હોય કે મોટી – કશુંક તત્વ સામાન્ય નથી હોતું?  જ્યાં સુધી કાળચક્રનું વાઈપર ન ચાલે  ત્યાં સુધી આ ઘટમાળ ચાલુ જ રહે. વરસાદની માત્રા અને દીશા બદલાતી હોય; એ જ રીતે પવનનું પ્રમાણ અને દીશા પણ બદલાતાં રહે.   ઘટનાનું સ્વરુપ ભીન્ન ભીન્ન હોય પણ સતત વહેતો પ્રવાહ એ એક સામાન્યતા.

     પર્વતો, નદીઓ,  સરોવરો, સમુદ્ર, વાદળ, પવન, વરસાદ – વર્શો વર્શ એ જ ઘટમાળ. અને કોઈ ક્ષણે કોઈ પ્રચંડ ધરતીકંપ અને બધું રમણભમણ. નવા પર્વતો, નવી નદીઓ, નવું પર્યાવરણ.  

     સુર્ય, ગ્રહો, તારાઓ, ધુમકેતુઓ, નીહારીકાઓ – એજ હર ક્ષણ વીસ્તરતું વીશ્વ. અને કોઈ ક્ષણે કોઈ પ્રચંડ વીસ્ફોટ ( Big Bang)  અને બધું જ તહસ નહસ; નવી જ સૃશ્ટીની શરુઆત.  

      જીવનનો પ્રવાહ, જીવની ઉત્પત્તી, બે જીવોનું ભળવું , એકાકાર થઈ જવું, કોઈ નવા જીવનું પ્રાગટ્ય, અને કોઈક અજાણ્યા, બળીયા પ્રવાહમાં તેનું વીલીન થઈ જવું.  એને મૃત્યુ  પણ કહી શકાય અથવા પરમ ચૈતન્યના એક ભાગ જેવું  એક નાના બીદુ જેવું જીવન.  

     વીન્ડ સ્ક્રીન પરનાં પાણીનાં ટીપાં હોય કે પૃથીનું પર્યાવરણ હોય કે અતી વીશાળ બ્રહ્માંડ હોય કે એક નાનકડું જીવન હોય …..  

    વાત તો એની એ જ.

    અંતે તો હેમનું હેમ હોયે.

Categories: અવલોકન