ગદ્યસુર

કરુણા – જિગીષ પરીખ.

September 28, 2007 · 8 Comments

        મારું હાલનું નીવાસસ્થાન  ટેક્સાસ રાજ્યની રાજ્ધાની ઓસ્ટીન છે. અને તે “હીલ કન્ટ્રી ઓફ ટેક્સાસ”  તરીકે નામે પ્રખ્યાત છે. આમ તો અમેરીકામાં ચોક્ખાઈ આંખે ઉડીને વળગે એવી હોય છે; પણ રાજ્ધાની હોવાના કારણે ઓસ્ટીનની રોનક કંઈ ઓર જ છે. આ ઓસ્ટીનમાં ઠેક-ઠેકાણે ‘ રનીંગ ટ્રેઈલ ‘ , એટલે કે દોડવા માટેના ખાસ નાના રસ્તા છે. શાંત અને રમણીય કોલોરાડો નદીના કીનારે બન્ને બાજુએ, શહેરના એક છેડેથી બીજા છેડે સુધી, દોડવાના આવા રસ્તા હોય છે; અને ઘણી જગાએ સરસ મજાના, ગીચ ઝાડોની વચ્ચેથી પસાર થતા હોય છે. પાછાં વચ્ચે વચ્ચે પીવાના પાણીના ‘ફાઉન્ટન ’ અને નહાવાના ‘ ઓપન શાવર’  પણ હોય.  દોડ્યા પછી પહેરેલ કપડે જ પાણીની ચકલી ચાલુ કરીને, નીચે ઉભા રહીએ, એટલે ઠંડક લાગે અને થાક ઉતરી જાય.

       મજાની વાત એ કે, દોડવું હોય ભલેને ૨ માઈલ; પણ એના માટે થઈને ૨૦ માઈલ દુરથી ગાડી ચલાવીને, ગેસ ( પેટ્રોલ!) બાળીને લોકો આવે. આટલી બધી સ્વાસ્થ્ય અંગે સભાનતા. અને પાછું બીજું એ કે, અહીં તમે ગમે તે રસ્તાની બાજુમાં દોડી ન શકો. અમુક રસ્તાઓ પર તો સ્પશ્ટ લખેલું હોય કે ‘ વોકીંગ, રનીંગ કે સ્કેટીંગ કરવા મંજુરી નથી. ભંગ કરનારની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. ‘ એટલું જ નહીં, પોલીસ તમને એ રસ્તા પર ચાલવા બદલ ટીકીટ ( કોર્ટમાં જવાની કંકોતરી! ) આપી શકે . અને હા, બધાય માળા દોડવા માટેના ખાસ ફીટમ્-ફીટ કપડાં પહેરીને જ આવે.

       આ મારા બેટા ધોળીયાઓ દોડે બહુ હોં !  મારી એક અમેરીકન મીત્ર ‘શાના’ એ મને આ દોડવાના ‘ ટ્રેઈલ ‘  બતાવ્યા. એ તો મારી બેટી, સતત ૧૦-૧૦ માઈલ દોડે. અંદાજે ૧૬  કીલોમીટર!  મને થાય કે, ‘ધન્ય છે આ દેશને, જ્યાંની સ્ત્રીઓ પણ આટલી મજબુત છે!’  આપણાં દેશમાં કદાચ છોકરાઓ પણ આટલું ના દોડે. વાંક એમનો નથી.  વાંક ઉછેરમાં રમત-ગમતને પુરતું પ્રાધાન્ય ન આપવાનો છે. મને યાદ છે - મારી મમ્મીએ મને ઘણી વાર ‘ હોમવકૅ બહુ છે; પતશે નહીં’  એમ કરીને સાંજે રમવા જવાની ના પાડી જ હોય. શીક્ષકો એક રમત રમીને ‘ સ્કોર કાર્ડ ‘ લાવવાનું  હોમવકૅ આપે તો કેવું ?! 

          હશે, એ વાત જવા દો.

          આ અમેરીકન ચીઝ મારા શરીરને બરાબર માફક આવી ગઈ છે. સાચું કહો તો, કોને માફક નથી આવતી ? ઈન્ડીયામાં ભરપેટ, અને વજનની ચીંતા કર્યા વગર, બીન્ધાસ્તપણે દેશી ઘી ખાનારા કંઈ એમને એમ અહીં આવીને કેલરી-કોન્શીયશ નથી થઈ જતા !એક’દી આ વણનોતર્યા મહેમાન એવા, ચરબીના થરને દુર કરવા, મેં નીયમીત રીતે દોડવા જવાનું નક્કી કર્યું.  શાનાએ મને સાથ આપ્યો. હું કે શાના દોડવામાં એક્લા નહોતા. બીજા સેંકડો લોકો પણ આ  ટ્રેઈલ પર દોડવા આવેલા હતા. 

         હું જ્યારે પહેલી વખત ગયો’તો ત્યારે, ઘરમાં પહેરવાનું ધોયેલું ટી-શટૅ અને બરમુડા ચડ્ડી પહેરીને ગયો હતો. આપણને એમ થાય કે  ‘માળું હારું; દોડવા માટે કંઈ મુળાના પતીકા જેવા, મોંઘા પાડનાં ૪૦-૫૦ ડોલરના  કપડાં તે લવાતાં હશે ?  એટલામાં તો દેશમાં ઘરમાં બધાને સારું એક-એક જોડ દીવાળીનાં કપડાં આવી જાય !  ‘

        પણ ભાઈ,દેશ એવો વેશ, અહીં રહેવું તો અહીંનાંની જેમ રહેવું. તો જ તમે હળી મળી શકો; નહીં તો એકલા અટુલા પડી જાઓ.

        એક દીવસ દોડતાં દોડતાં એક નાનો પ્રસંગ આંખે ચઢી ગયો, અને યાદ રહી ગયો.

         એક જુવાન સ્ત્રી-પુરુષ રસ્તાની બાજુમાં ઉભા હતા. પતી-પત્નીના બદલે સ્ત્રી-પુરુષ શબ્દ હું સમજીને વાપરુ છું.  કારણકે અહીંની સંબંધોની સીસ્ટમ, આપણી સમજની બહારની હોય છે. જ્યાં સુધી પાકે-પાયે ખબર ના હોય ત્યાં સુધી પતી-પત્ની કરતાં, સ્ત્રી-પુરુષ કહેવું વધુ ઉચીત ગણાય !  બન્ને જણાએ રનીંગ સુટ પહેરેલાં હતાં.  સ્ત્રીને જોતાં જ જણાઈ આવતું હતું કે તે ગર્ભવતી  હતી. પુરુશના હાથમાં પટ્ટો હતો; અને એના બીજા છેડે એક નાનું કુતરું બાંધેલું હતું. નાનું એટલે કેવડું?  ત્રણ વેંતથી વધારે નહીં હોય.  વજન બે કીલોગ્રામ તો હદ થઈ ગઈ! 

       હવે બન્યું એવું કે બન્ને જણા વાતોમાં મશગુલ થઈ ગયા હશે, તે એ ભાઈશ્રીની પટ્ટા પરની પકડ ઢીલી થઈ ગઈ.  કુતરાભાઈ માટે તો ‘ ભાવતું’તું ને વૈદે કીધું’  એના જેવો ઘાટ થયો.  તે તો પકડ છોડાવીને ફટાક કરતા દોડ્યા રસ્તા પર. માંડ ૫૦ ફુટ દુરથી એક ગાડી ખાસ્સી ઝડપથી આવતી હતી,. અહીં તો પાછા બધા માઈકલ શુમાકરના પીતરાઈ ભાઈઓ નહીં? ! પેલા ભાઈ દોડયા કુતરાને બચાવવા. સમયસર ઉંચકીને તેને બીજી જ ક્ષણે બાજુ પર ખસી ગયા. કુતરા પર ખીજ કાઢવા માટે એને જોરથી બે ત્રણ ટપલીઓ મારી દીધી. 

           મારી બાજુમાં ઉભેલી શાના કહે, “પુઅર ડોગ,આઈ ફીલ સોરી ફોર હીમ.”

           બરાબર એજ વખતે મારી નજર પેલી સ્ત્રી ઉપર પડી. જ્યારે એનો મીત્ર પેલા કૂતરાને બચાવી રહ્યો હતો,  ત્યારે એણે ખીસ્સામાંથી સીગારેટ કાઢીને સળગાવી. મને થયું – ‘ આ અમેરીકન માતાને એના ઉદરમાં ઉછરતા બાળકની ચીંતા નહીં થતી હોય?’  મેં શાનાને આ વાત કહી. અને પછી ઉમેર્યું -  “આઈ ફીલ સોરી ટુ ફોર ધ ચાઈલ્ડ.”

           અને શાનાએ હકારમાં માથું ધુણાવ્યું.

           હતી તો બન્ને કરુણા જ – એક ભારતીય અને એક અમેરીકન.

- જિગીષ પરીખ

     જિગીષ ૨૪ વર્ષીય, ઈલેક્ટ્રીકલ એન્જીનીયર છે. (મારો ધંધાકીય પીતરાઈ! ) એક મીત્રની પ્રેરણાથી તેણે પોતાના જાત અનુભવનો આ પ્રસંગ ટાંક્યો છે. અમેરીકન સમાજ અને રહેણીકરણી વીશે આપણે દેશમાં બહુ ઓછું જાણીએ છીએ. અને જે જાણીએ છીએ, તે પણ ઘણા પુર્વગ્રહો અને ખોટી માહીતીના આધાર પરથી હોવાને કારણે બહુ સીમીત હોય છે.

      આવા પ્રસંગો વધુ વાંચવા મળે તે બહુ જરુરી છે. બીજા મીત્રોને પણ પોતાના અનુભવો સૌની સાથે વહેંચવા ઈજન છે. 

Categories: અમેરીકા · જિગીષ પરીખ · સ્વાનુભવ