ગદ્યસુર

Entries from October 2007

આજનો સુવીચાર

October 31, 2007 · 6 Comments

જો દીવસ દરમ્યાન તમારે એક પણ પ્રશ્નનો સામનો કરવાનો ન આવે

તો જાણી લેજો કે, તમે ખોટા રસ્તે ચાલી રહ્યા છો.

- સ્વામી વિવેકાનંદ

Categories: સુવીચાર

પરપોટા સમુહ

October 31, 2007 · 1 Comment

     અમારા નવા ઘરમાં માસ્ટર બેડરુમના બાથટબમાં બબલર છે. ઈલેક્ટ્રીક મોટર અને બ્લોઅર વડે દસેક જગ્યાએ પાણીમાં હવા છોડાય છે. જાણે નાનું  અમથું જેકુઝી.

     એક’દી તેમાં નહાવા બેઠો. આટલા નાના જેકુઝીનો આ પહેલો અનુભવ હતો. હવાના પરપોટા ધીરે ધીરે ભેગા થવા માંડ્યા. તેમનો એક સમુહ બની ગયો; અને તે મોટો અને મોટો થવા માંડ્યો. ટબની કીનારી આગળ તે ઉપર ચઢવા માંડ્યો. પરપોટા ફુટતા જાય , પણ નવા એટલા બધા બને કે, એ ભેગા થઈને પોતાની એક વસાહત જેવું કાંઈક બનાવી દે! પણ અમુક વ્યાપથી આ વધી ન શકે. ઘણા બધા પરપોટા નાશ પામે અને પરપોટા સમુહ અમુક મર્યાદાથી વધારે મોટો  ન થાય.

    મેં તો પાણીમાં ફીણ થાય તેવો સાબુ ઉમેર્યો ન હતો – બાળકોની જેમ. પણ એમને તો વધતા જતા ફીણના ગોટેગોટામાં વીંટળાઈ જવાની બહુ જ મજા આવે.

   મને માનવસમાજની યાદ આવી ગઈ. માનવજીવનને આપણે પરપોટાની     ઉપમા આપતા હોઈએ છીએ. એક પરપોટાના જેવું જ મર્યાદીત આપણું જીવન હોય છે.  કોઈ પાણીમાં ચેતનાની હવા ફેંકી દે અને જીવન સર્જાય; અને તેની મર્યાદા આવતાં તે નાશ પામે. પણ આવા અનેક પરપોટા જેવાં જીવોનો સમુહ એક વસાહત, એક સંસ્કૃતી, એક સમાજ પેદા કરે. ધીરે ધીરે તે સમાજ વધતો જાય. પણ તેની પણ મર્યાદા આવતાં તે અમુક પ્રમાણથી ન વધે. તેની પણ વ્યાપશક્તી મર્યાદીત હોય છે.

   જો માનવ સમાજમાં સાબુની ચીકાશ જેવી પુખ્તતા હોય, સંતુલન હોય તો તે સમાજ વધતો જ રહે. તેનો વીકાસ થતો જ રહે. માનવજીવનનું આયુશ્ય પણ લાંબું અને તેમના સમુહનું પણ – સાબુના ફીણની જેમ.

    સંસ્કૃતીઓના ઉદ્ ભવ, વીકાસ અને વીલયનું એક વીહગ દર્શન મારી નજર સામે ખડું થઈ ગયું -  નાનકડા બાથટબમાં .

Categories: અવલોકન

અવલોકન કથા

October 30, 2007 · 5 Comments

         જ્યારથી આ અવલોકનો લખવાનું શરુ કર્યું છે, ત્યારથી અવારનવાર વાચકો અને મીત્રો પુછે છે કે તમને સાવ સામાન્ય ચીજો કે ઘટનાઓ પરથી આવા વીચાર શી રીતે અને કેમ આવે છે?

        આજે મને થયું કે લાવ ને, આજે આની ઉપર જ વીચાર કરું તો?

         7મી ઓગસ્ટે પહેલું અવલોકન પ્રસીદ્ધ કર્યું હતું .

         (  http://gadyasoor.wordpress.com/2007/08/07/ek_avalokan/  )  

          ત્યાર પહેલાં ય એ દ્રશ્ય તો ઘણી વાર જોયું હતું . સાવ સામાન્ય જ દ્રશ્ય હતું. તો આવો વીચાર શી રીતે આવ્યો ?

           વાત જાણે એમ છે – મારા ભાયું ને બેન્યું -  કે, તેની પહેલાં, છેક 2006 ના નવેમ્બર મહીનાથી દર અઠવાડીયે એક કવીતા લખવાનો મહાવરો પડ્યો હતો – ‘ સર્જન સહીયારું ‘ ના કારણે. દર વખત કોઈ એક વીશય પર કવીતા લખવાની હોય, એટલે તેને લગતા વીચાર કરવા પડે; છંદ મેળવવા પડે; બંધ બેસતી ઉપમાઓ શોધવી પડે. જો પ્રેરણા આવીને ટપકી પડે તો તો મજા આવી જાય – નહીં તો માથાનો દુખાવો ! પ્રેરણાથી કવીતા આવી પડી હોય તો ઓટોમેટીક તેનું પોત દીપી નીકળે, નહીં તો પ્રયત્નનો ભાર જણાઈ જ આવે.

          તે દીવસે ઘાસ પર ઝાકળ જોતાં એવો સદ્ વીચાર આવ્યો કે, આની ઉપમા વાપરી કવીતા લખી હોય તો? ઉંધી પ્રોસેસ ! પણ કોઈ કવીતા તો ન પ્રગટી પણ એક ઉપદેશ તરી આવ્યો. અને સાચ્ચું કહું ?  મને પોતાને બહુ જ મજા આવી – પેલી પ્રેરણાથી ટપકી આવતી કવીતાની જેમ. અને આપણે તો બાપુ! બ્લોગ પર ટપકાવી દીધું! બે ત્રણ વાર વાંચ્યું અને માળું ગમ્યું ય ખરું હોં! તમે કહેશો , ‘ એ તો સીદીભાઈને સીદકાં વહાલાં.’ પણ માળું બેચાર ભલા જણે વખાણ્યુંય ખરું. આપણે તો બાપુ! રાજાપાઠમાં આવી પુગ્યા. કવીતાના વીચાર માટે ઉપમા ન મળી તો કાંઈ નહીં- ઉપમા પરથી ઉપદેશ કે કોઈ સંદેશ. અને કેવું રુપાળું નામ પણ મળી જ્યું ! – એક અવલોકન !!!

          અને હવે તો આ મારા સ્વભાવમાં, મારી વૃત્તીમાં વણાઈ ગયું છે. જ્યાં જોઉં ત્યાં મને વસ્તુઓ, ઘટનાઓ જાણેકે આવીને ઉપદેશ આપી જાય છે, કાંઈક કહી જાય છે! અને કીબોર્ડ પર સીધી આંગળીઓ ફરવા માંડે છે, કોઈ સભાન પ્રયત્ન નહીં, છંદનું કોઈ બંધન નહીં. કોઈ નીયત વીશય પર લખવાનું નહીં, બસ કેવળ અવલોકન જ અવલોકન ; કેવળ નીજાનંદ. ઘણી વાર તો એક દીવસમાં આવી ત્રણ ચાર અવલોકન માતાઓ દર્શન દઈ જાય અને કંઈક પાઠ ભણાવતી જાય! આપણી ગદ્યસુરની ગાડી તો દોડી બાપુ હોં!

         જે કહો તે- આ છે મારાં અવલોકનોની કથા.

         તમને ગમી?

Categories: અવલોકન

આજનો સુવીચાર

October 30, 2007 · 2 Comments

દરીયાનાં મોજાં તેનાં તે જ હોય છે,
અને પવન પણ તેનો તે જ.
છતાં એક વહાણ એક દીશામાં આગળ ધપે છે,
અને બીજું તેનાથી વીરુદ્ધ દીશામાં.

કઈ દીશામાં વહાણ આગળ વધે છે,
તે પવન નહીં પણ
સઢ કઈ રીતે બાંધવામાં આવ્યા છે
અને કઈ રીતે તેમને મરોડવામાં આવે છે,
તેના પર આધાર રાખે છે.

આમ જ તમારું જીવન
કઈ દીશામાં ગતી કરે છે તે
ભાવી નકી નથી કરતું 
પણ તમે જીવનને કઈ રીતે જુઓ છો
અને તેને તમે કઈ દીશામાં
લઈ જવા માંગો છો
તેના પર નીર્ભર હોય છે.

Categories: સુવીચાર

ખાલી ઘર

October 29, 2007 · 5 Comments

        એક નવું, તરોતાજા ઘર બન્યું છે. અથવા જુના ઘરને સમારકામ કરી, રંગરોગાન કરી વેચવા કાઢ્યું છે. અથવા ખરીદાઈ ગયેલું એક ઘર છે, જેમાં નવાં વસનારાં રહેવા જવાનાં છે. તેની ચોખ્ખાઈ અને ઉજાસ આંખે ઉડીને વળગે તેવાં છે. અહીં ખાલીપો તો છે, પણ આશાઓ છે, એક નવું ઘર બનવાનો ઉન્માદ છે. અહીં હમણાંજ નવું નક્કોર ફર્નીચર ગોઠવવાવાનું છે; સોડમવાળી રસોઈ બનવાની છે. સંગીતની સુરાવલીઓ રેલાવા માંડવાની છે. અહીં દેવની પુજા કરીને મંગળગીતો ગવાવાનાં છે. અહીં થોડા જ વખતમાં બાળકોની કીલકારીઓ અને કલશોર થવાનાં છે. અહીં પ્રણયની મસ્તી અને શ્રુંગારની મદીરા છલકાવાની છે. અહીં હવે નવું જીવન જીવાવાનું છે, અને આ ઘર તે માટે તલપાપડ થઈને બેઠું છે.

       બીજું પણ એક ઘર છે, જે હમણાંજ ખાલી થયું છે. તેમાં વસનારાં, તેને તજીને બીજે રહેવાં જતા રહ્યાં છે. બચેલો, કોઈ કામ વીનાનો સામાન, ગાભા, ડુચા, નકામા કાગળો, ખસી ગયેલા ફર્નીચર પાછળથી હવે ડોકીયાં કરતાં કરોળીયાનાં જાળાં, ફર્શ ઉપર ભેગાં થયેલાં ધુળ અને કચરો અને ખાસ તો વીદાય થઈ ગયેલાં જીવતરના અભાવના ઓથારથી ભરાતાં ડુસકાં અને ડુમો – આ ખાલી ઘરના સમસ્ત અસ્તીત્વને ઘેરું અને સોગીયું બનાવી રહ્યાં છે.અહીં ખાલીપો છે, જે નજીકના ભવીશ્યમાં ભરાવાનો નથી. અહીં કેવળ નીરાશા અને એકલતા છે.  અહીં હવે કોઈ જીવન નથી. એ માત્ર ખાલી મકાન જ છે. ઘર નથી.
———————-

      આ એક મકાન હોઈ શકે. એક નવો સંબંધ હોઈ શકે. એક નવો રસ્તો હોઈ શકે. એક નવો વીચાર, એક નવી અનુભુતી હોઈ શકે. એ સંગીતકારની મસ્તીમાં હમણાં જ પ્રગટેલી, સંગીતની લયબદ્ધ સુરાવલી પણ હોઈ શકે. અંતરના ઉંડાણમાંથી હમણાં જ પ્રગટેલી, પણ હજુ નહીં વંચાયેલી; ભાવથી છલકાતી અને છંદબદ્ધ કવીતા પણ હોઈ શકે. હમણાં જ ફુટેલી એક કળી કે તે કળી જેવું બાળક કે નવયૌવના પણ હોઈ શકે.

       અને એ ખાલી થયેલું મકાન પણ હોઈ શકે. વીજેતાના ક્રુર ઘણથી ખંડીત થયેલો અને ગયેલી સમૃદ્ધીને યાદ કરીને વલવલતો રાજાનો મહેલ પણ હોઈ શકે. હુલ્લડ પછી, કરફ્યુના અમલમાં સોરાતો, તુટેલા સ્વપ્નો અને જીવનો માટે આંસુ સારતો અને વલવલતો, નીસ્તેજ અને નીર્જન રસ્તો પણ હોઈ શકે. કે ટુંપાઈ અને નંદવાઈ ગયેલો સંબંધ પણ હોઈ શકે. અભરાઈએ મુકેલી પસ્તી જેવી બુઠ્ઠી લાગણીઓ કે વીચારશુન્યતા પણ હોઈ શકે. એ કેવળ ‘સ્વ’માં જ જીવાતું જીવન પણ હોઈ શકે કે સ્વજનની હમ્મેશની વીદાયથી ભેંકાર બનેલું એકલતાભર્યું અસ્તીત્વ પણ હોઈ શકે.

      સાચ્ચું કહું ? સાવ સ્વલક્ષી, સહીશ્ણુતા, અનુકંપા, કે જીવનના ઉત્સાહ વીનાનાં; સંવેદનશીલતાના અભાવમાં સાવ ચાડીયા જેવાં લાગતાં જીવન મને તો ખાલી ખંડેર જેવાં ઘર જ લાગે છે.

      જાતજાતનાં ખાલી ઘર. ખાલીપણાં ય કેવાં જાતજાતનાં અને ભાતભાતનાં ?

Categories: અવલોકન · નીબંધ

આજનો સુવીચાર

October 29, 2007 · 3 Comments

આપણે જે કાંઈ છીએ
તે આપણા ભુતકાળના કાર્યોને કારણે છે.
આપણે જે કાંઈ બની શકીએ
તે આપણે અત્યારે શું કરીએ તેના પર આધારીત છે.

આપણે જે છીએ તે માટે
માત્ર આપણે જ જવાબદાર છીએ.
આપણે શું બનવું છે
તે માટે આપણે શક્તીમાન છીએ.

Categories: સુવીચાર

લીલું આદુ – એક અવલોકન

October 28, 2007 · 1 Comment

    લીલું આદુ હોય? હા, હોય !

    વાત જાણે એમ છે કે મારું રોજનું મહાન કામ – અમદાવાદી મસાલાવાળી ચા બનાવવાનું. પણ હું તેમાં તૈયાર મસાલો નથી નાંખતો. કચરેલું આદુ અને ઈલાયચી વાળી ‘ સુરેશ ‘ બ્રાન્ડ ચા પીવા તમારે આર્લીંગ્ટન-ડલાસ આવવું પડે !

     તમે કહેશો ‘ આમાં લીલું આદુ ક્યાંથી આવ્યું? ‘  અરે ભાયું ને બેન્યું , આ તો વાતમાં થોડું મોણ નાંખીએ તો વાત જામે ને? ! તો વાત ઈમ સે કે , સ્ટોરમાંથી મારા જમાઈ આદુ લાવ્યા હતા; તે સાવ પાતળું હતું. મેં તે શમાર્યું તો અંદર ખાસી લીલી ઝાંય દેખાણી. પહેલાં તો મને થયું કે, ‘માળું આ ઝેરી તો નહીં હોય?’  પછી હીમ્મત કરીને ગરમ થતા પાણીમાં સાંડસીથી કચરીને પધરાવી દીધું. ચાના રોજના સ્વાદમાં તો કાંઈ ફરક ન પડ્યો , પણ ….

    આદુ તેના છોડના મુળમાં કંદમુળના પ્રકારે પેદા થાય છે. બરાબર પાકટ આદુ હોય તો તો તે પુશ્ટ બનેલું હોય, અને તેનું આદુત્વ બરાબર પાંગરેલું હોય ! પણ આ જનાબ તેના મુળ છોડના મુખ્ય થડની બહુ નજીક હશે એટલે, તેનામાં ડાળીના ગુણોનો પ્રભાવ રહી ગયો હશે. પાંદડાઓએ બનાવેલા રસમાં તેમનું લીલાપણું બાકી રહી ગયું હશે, જે આ આદુભાઈ પુરું પચાવી ગયા નહીં હોય ! આમ લીલી ઝાંય કપાતા પહેલાં રહી ગઈ હશે.

    આપણે બાળપણ વીતાવી પુખ્ત બનીએ ત્યારે આવી મધુરી લીલી ઝાંય ગુમાવી દેતા હોઈએ છીએ. નાના હોઈએ ત્યારે આ લીલાશ થોડી થોડી બાકી રહી ગઈ હોય છે. અને એટલે તો એ મધુરું બચપણ સૌને હમ્મેશ સતાવતું હોય છે.

वो फागजकी कश्ती, वो बारिशका पानी !

     પણ એમ ન બને કે પુખ્ત બનીએ અને એ લીલી ઝાંય વીદાય લઈ લે  તો પણ , પુખ્ત આદુની જેમ આપણે રસકસથી ભરપુર જ રહીએ? સુંઠના ગાંગડા જેવા ચીમળાયેલા વૃદ્ધ ન બની જઈએ?

  મારી સીગ્નેચર કવીતા વાંચશો? મજા આવશે ….

બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.

( આખી કવીતા વાંચવા અહીં ‘ ક્લીક ‘  કરો. )

લીલું આદુ પણ હોય અને આનંદ કરતા, લીલા સોટા જેવા ડોસાજી પણ હોય !!!!!!!

Categories: અવલોકન

આજનો સુવીચાર

October 28, 2007 · 1 Comment

જીવનનો સહુથી મુશ્કેલ ભાગ
એ નથી હોતો કે જ્યારે  
લોકો તમને સમજે નહીં.

તે ત્યારે હોય છે, જ્યારે
તમે તમારી જાતને સમજતા નથી હોતા.

Categories: સુવીચાર

આજનો સુવીચાર

October 27, 2007 · 2 Comments

તમે જે કાંઈ ગુમાવ્યું છે,
તે બીજું કશુંક થઈને
તમને પાછું મળશે.
તમે જે કાંઈ મેળવ્યું છે
તે માટે તમારે કશુંક ગુમાવવું જ પડશે.

બધો આધાર તમારા અભીગમ પર છે  
તમારે શોકગ્રસ્ત થવું કે આનંદથી સભર.   

Categories: સુવીચાર

ગ્રોસરી સ્ટોરમાંથી પાછા આવીને

October 27, 2007 · 2 Comments

         રસોડામાં ચીજો ખુટવા આવી હોય ત્યારે લીસ્ટ બનવા માંડે. એ લીસ્ટ સાથે સ્ટોરમાં પહોંચી જઈએ. બધી વસ્તુઓ ખરીદી પાછા ઘેર આવીએ. બધા ડબ્બા ભરાઈ જાય; શાકભાજી ફ્રીજમાં મુકાઈ જાય. પાછું ઘર ભર્યું ભાદર્યું બની જાય. કશાની કદી કમીના ન રહે.

          લે, કર વાત ! આમાં તે શી મોટી ધાડ મારી? બધાય ઘેર આમ જ તો હોય ને?

————————

        પણ કદી આપણે એ વીચાર્યું છે કે. અસંખ્ય કુટુમ્બો એવાં છે, જ્યાં આટલાં લાંબાં લીસ્ટ બની શકતાં નથી. અને બનતાં હોય, તો પણ તે કલ્પનામાં જ બને છે. જ્યાં બે જ હાંલ્લામાં બધી ઘરવખરી આવી જતી હોય; જ્યાં સાંજનો રોટલો મળી જાય, તોય તૃપ્તીના ઓડકાર આવી જાય; જ્યાં બાળકોને ભણાવવાવી પણ ત્રેવડ હોતી નથી – એવાં પણ ઘર હોય છે. ગ્રોસરી સ્ટોરની જળાંહળાં થતી સમૃદ્ધી આ દુર્ભાગી જનો માટે નથી હોતી. ત્યાં તો સુકો રોટલો મળી રહે તો ય સૌભાગ્ય ગણાય છે. ગોળની કાંકરી તેમને માટે મીશ્ટાન્ન હોય છે. ભગવાન માટે ઘીનો દીવો નહીં, પ્રદીપ્ત જઠરાગ્ની જ પર્યાપ્ત હોય છે. એમને માટલું પાણી ભરવાય ગાઉ બે ગાઉ પગ ચલાવવા પડે છે. એમને રસોઈ પકાવવાનું ઈંધણું લાવવાય વલવલવું પડે છે. રસ્તાની બાજુમાં ત્રણ ઈંટના ટુકડા અને માટીની ઠીબમાં તેમનું આખું રસોડું આવી જાય છે.

         અને એ બધાના પસીનાના પાયા પર તો આપણી બધી મ્હેલાતો ઉભેલી છે. એ ગ્રોસરી સ્ટોરની દરેક ચીજ કોઈના પસીનાની પેદાશ જ છે ને.

         આપણા ચોખાના ભંડારમાંથી ચપટીક ચોખા, કે લોટના ડબામાંથી પાવલું લોટ આવા દુર્ભાગી લોકોને માટે જુદાં તો ન કાઢીએ, પણ એવું કાંઈક ન કરીએ કે, તેમને પસીનાનું વ્યાજબી વળતર મળી રહે?

          જેમને આવો પસીનો પાડવાની ય તક ન મળતી હોય તેમને રોજગારી પુરી પાડતી, કે રોજગારી મળી શકે તેવી કામગીરી શીખવાડતી સંસ્થાઓને યથાશક્તી મદદ કરીએ તો?

Categories: અવલોકન