ગદ્યસુર

જયની એકલ મુસાફરી - ભાગ -2

October 5, 2007 · 3 Comments

   મારાં પત્ની તો ભારત જવા ઉપડી ગયાં. અમે વીહંગને ઘેર લીલા તોરણે પાછાં ગયાં. આખી રાત અજંપામાં કાઢી. પણ મારો દીકરો વીહંગ ચાનકવાળો. તે તો ઈન્ટરનેટ પર મચી પડ્યો.  હું સવારે ઉઠ્યો ત્યારે તેણે કહ્યું;  “બાપુ, જય એકલો પાછો ડલાસ જાય તો? એરલાઈનવાળા 50 ડોલર વધારાના લે - એ જવાબદારી માટે. અને જયની રીટર્ન ટીકીટ તો છે જ. “

   હું તો ફફડી જ ગયો. આ ચાર વરસના ફુલને એકલું શી રીતે મોકલાય? હીમ્મત કરીને વીહંગે મારી દીકરી અને જમાઈ સાથે ડલાસ વાત કરી. આ નવા જમાનાના લોકો માળાં ભારે હીમ્મતવાળાં હોં ! એ બે જણા તરત જ  તૈયાર થઈ  ગયાં. મારી ભારતયાત્રા સંકેલવી પડે તે કોઈને પસંદ ન હતું.  હું રહ્યો જુના જમાનાનો માણસ. વળી અમદાવાદ પહોંચું; અને મારી ઘરવાળીના ડોળા કેવા મને ડારશે તેનો ભય પણ ખરો. હું ટસનો મસ ન થાઉં. હું તો ડલાસ પાછા જવાનું નક્કી કરીને જ બેઠો હતો.

       અથાક પ્રયત્નો પછી, એ ચારે જણ મને સમજાવવામાં સફળ રહ્યા. આ બધી વાત પાછી જયથી છાની કરવાની. નક્કી થયું એટલે વીહંગ તો એરલાઈનની ઓફીસે જવા ઉપડ્યો. પહોંચ્યા પછી એકાદ કલાકમાં તેનો ફોન આવ્યો ; ” બધું નક્કી થઈ ગયું છે. સાંજે પહેલાં જયને ડલાસ પાછા જવાનું અને પછી એક કલાકમાં તમારે અમદાવાદ જવાનું નક્કી કર્યું છે. જયની બધી જવાબદારી એર લાઈનવાળા લેશે.”   મારી દીકરી અને જમાઈ ત્યાં એરપોર્ટ પર જયને લેવા આવશે, તે પણ નક્કી કરી નાંખ્યું હતું.

     હવે સૌથી કઠણ કામ મારે ભાગે આવ્યું. જયને માનસીક રીતે, એકલા મુસાફરી કરવા માટે તૈયાર કરવાનો ને? મેં ધીરે ધીરે ભુમીકા ઉભી કરી.

     મેં કહ્યું : ” જય, બેટા! જો આ બધું થયું ને, એટલે બાની તબીયત અમદાવાદમાં બહુ ખરાબ થઈ ગઈ છે. આપણા ફ્લેટમાં એ એકલા જ છે. તેમને દવા કોણ આપે? કોણ ચા પાણી આપે? ”  

      આ ય બાપુ નાનો નાનો પણ રાઈનો દાણોને? એ કહે,” કેમ માલતી-માશી તો છે ને? “

      આપણે આ બધી દલીલોની તૈયારી રાખી હતી. મેં કહ્યું , ” માલતીમાસીના માસા(!) પણ બીમાર છે.” તેને યાદ હતાં તે બીજાં બધાં નામો તેણે યાદ કર્યાં. મેં દરેક માટે જુદું જુદું બહાનું આગળ ધરી દીધું. 

       છેવટે તેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું , ” દાદા, ચલો, આપણે બન્ને જઈએ.”

       મારું શસ્ત્ર પણ તૈયાર જ હતું ને?   ” પણ તારો પાસપોર્ટ તો મરી ગયો છે ને? “

       તે કહે, ” દાદા! કોમ્યુટરમાં નવો બનાવી દો ને? ! ” ( જોયું કોમ્પ્યુટરીયા  બાળકો કેવા હોય છે? )

        મેં કહ્યું , ” અરે દીકરા! આ તો બુશકાકાના માણસોએ જ બનાવવો પડે. તારા મમ્મી-પપ્પાએ બુશકાકાવાળાઓની ઓફીસમાં જવું  પડે, અને સાથે તારે પણ. અને પછી તારો નવો પાસપોર્ટ મળે. આમાં તો એક મહીનો થઈ જાય.”

         મને કમને, બેળે બેળે, એક કલાકની જીભાજોડી પછી, ભાઈ માન્યા. તેનો ચહેરો તો રડું રડું . અમારા બેયથી તે કદી છુટો પડ્યો ન હતો.  તેના નાનકડા દીમાગમાં આ અભુતપુર્વ ઘટના હતી. પણ બાળક આપણા કરતાં બહુ સરળ હોય છે, તેને મનાવવું એટલું મુશ્કેલ નથી;  જેટલું પુર્વગ્રહોથી ભરેલા આપણા જેવા માટે હોય.

        તે કહે ,” પણ , મારાં રમકડાં?”

         બસ હવે જંગ જીતાઈ ગયો હતો.

- વધુ આવતા અંકે

Categories: અમેરીકા · સ્વાનુભવ

3 responses so far ↓

  • DR. CHANDRAVADAN MISTRY // October 5, 2007 at 6:35 am

    BHAAG BIJO VANCHYO……INTERESTING…….SHALL READ THE 3 RD>>>>> CM MISTRY

  • મગજના ડોક્ટર // October 5, 2007 at 7:09 am

    CHILD KNOWS AND PROCESS THE INFORMATION WELL ONLY AFTER 10 YEARS LIKE AN ADULT.
    JAY IS LITTLE EARLY FOR THIS MATURITY FOR SEPARATION FROM LOVED ONCE!
    બાળક આપણા કરતાં બહુ સરળ હોય છે, તેને મનાવવું એટલું મુશ્કેલ નથી; જેટલું પુર્વગ્રહોથી ભરેલા આપણા જેવા માટે હોય.

    તે કહે ,” પણ , મારાં રમકડાં?”……
    SO, BHAI SURESH ,
    WE SURFERS ARE READY FOR PART 3…..

  • sunil shah // October 5, 2007 at 7:14 am

    માળું આ તો ખરું..! તમે તો સસ્પેન્શ વધારતા જાઓ છો..! કેટલે હપ્તે પુરું કરશો,,? જયાં રસ પડયો ત્યાં હીંદી સીરીયલની જેમ બ્રેક પાડી દીધો..!

Leave a Comment