મેં સહેજ પણ સમય ગુમાવ્યા વીના, અમારા આગંતુક વીચ્છેદની તૈયારીઓ શરુ કરી દીધી. ચાર પેટીઓમાંથી જયની બે પેટીઓ જુદી અને મારી બે જુદી કરવાની જવાબદારીમાં તેને સહભાગી બનાવી દીધો. આ બધું પેકીંગ મારાં પત્નીએ કરેલું. મને કશી સમજ ન પડે કે, કયો સામાન કોને આપવા તેણે પેક કરેલો હતો. આપણું એ ડીપાર્ટમેન્ટ નહીં ! જે રમકડાં સગાંઓનાં , મીત્રોનાં છોકરાંઓને આપવા ભર્યાં હતાં, તે બધાં તેની પેટીમાં મુકવાં પડ્યાં. સદભાગ્યે આવી ચીજો એ પેટીઓમાં ઓછી હતી; કપડાં , સ્વેટરો વી, ભેટ આપવાની વસ્તુઓ જ વધારે હતી. આથી બહુ તકલીફ ન પડી.
છેવટે સુખરુપ ભાગલા પડી ગયા ! ભાઈ તો આટલાં બધાં રમકડાં તેને મળશે, તે ખયાલમાં ખુશીમાં આવી ગયા હતા. છુટા પડવાનું દુખ વીસરાઈ ગયું હતું. તેને એક નાની હેન્ડબેગ પણ બનાવી આપી, જેમાં પ્લેનની મુસાફરી માટે થોડો નાસ્તો, બે ચાર નાનાં રમકડાં અને ખાસ તો તેના ડોક્યુમન્ટ. તેને ખાસ સમજાવ્યું કે, જુનો પાસપોર્ટ ખોવાઈ જશે, તો નવો નહીં મળે. માટે તે સાચવીને રાખે.
આ બધી પળોજણમાં સમય ક્યાં ગયો તે ખબર જ ન પડી. થોડી વારમાં જ અમારો એરપોર્ટ જવાનો સમય આવી પુગ્યો. ઘડી ઘડી જય કહે,” દાદા, મારો નવો પાસપોર્ટ બનશે ને, પછી હું જાતે પ્લેન ઉડાડીને અમદાવાદ આવી જઈશ હોં!” આપણે તો બાપુ! પાવરફુલ હોંકારો ભણતા જ ગયા!
આ છે બાળકની દુનીયા. આશાઓથી, અરમાનોથી સભર. આ ક્ષણમાં જ જીવવાનું. ગયેલી કે આવનારી કાલની કોઈ ચીંતા નહીં. મસ્તી અને મજા જ મજા. દાદા- દાદીનો આવનાર વીયોગ ક્યાંય વીસરાઈ ગયો હતો. તેનો ઉત્સાહ હવે વધતો જતો હતો. તે બહાદુર થઈ ગયો હતો. ‘બીગ બોય’ બની ગયો હતો. એકલો પ્લેન ચલાવીને જવાનો છે, એવી કલ્પનાઓની દુનીયામાં તે ચકચુર અને મસ્ત હતો. કેટલાંય રમકડાંઓના કાલ્પનીક પ્લેનો તેના હાથમાં અને મનોમય જગતમાં ઉડી રહ્યાં હતાં.
તેના આ અમેરીકન સ્પીરીટ પર વીહંગ , જીજ્ઞાસા અને હું તો વારી ગયાં. આપણે ગુજરાતી/ ભારતીય લોકો બાળકોને આવો આત્મવીશ્વાસ કેળવવાની તક જ આપતાં નથી.
અમે એરપોર્ટ પર પહોંચી ગયાં. અમને એમ કે ત્યાં પહોંચીને ભાઈ ઠંડા પડી જાય તો શું કરવું? પણ ત્યાં એક એરહોસ્ટેસ ઠીક ઠીક સમય તેની સાથે રહી. ઘડીના છઠ્ઠા ભાગમાં તો બન્ને દોસ્ત બની ગયાં. હવે અમને શાંતી થઈ. તેના ગળામાં તેના સ્પેશીયલ ડોક્યુમેંટ એક પ્લાસ્ટીકની થેલીમાં મુકી ભરવી દીધા હતા. તેને સમજાવ્યું કે, આ થેલી તે શરીરથી જરાયે અળગી ન કરે. તેણે આ માટેની પુર્ણ જવાબદારી ઉપાડી લેવા પ્રોમીસ આપ્યું - અમેરીકન સ્ટાઈલમાં ‘હાઈ - ફાઈ’ કરીને !
એરલાઈનની આવી પરીસ્થીતી માટેની પુર્વતૈયારી અને સીસ્ટમ બેમીસાલ હતાં. આ જ તો આ લોકોની ખુબી છે ને. દરેક જાતની પરીસ્થીતીમાં શું કરવું તેનું બધું આયોજન પહેલેથી તૈયાર જ હોય. કોઈ ગભરાટ, ધમાલ કે અવ્યવસ્થા નહીં. અમને છેક પ્લેનની તેની સીટ સુધી, ખાસ કેસ તરીકે જવા દેવા માટેનો બોર્ડીંગ પાસ પણ આપ્યો. તેમાં ‘ચાઈલ્ડ એસ્કોર્ટ ‘ એમ છાપેલું તૈયાર હતું.
અમારા જયભાઈ તો રાજાપાઠમાં હતા. ચાર જ વર્શની ઉમ્મરે એકલા પ્લેનની મુસાફરી કરનાર પ્રથમ (!) બાળક તરીકેનું તેનું આત્મગૌરવ અને સ્વાભીમાન ચહેરા પર પ્રતીબીંબીત થતા હતા. તેનો ચાલવાનો ઠસ્સો અનેરો હતો. તેની બાજુની સીટ ઉપર કોઈ કમ્પનીની મેનેજર બાઈ આવીને બેઠી. અમારો હીરો તો તેની સાથે પણ પોતાની ગૌરવ-કહાણી કહેવા માંડ્યો. તે બાઈ પણ બહુ સારી સન્નારી હતી. તેને બાળમાનસનો સારો પરીચય અને અનુભવ હતો. તે બન્નેને વાતો કરતાં જોઈ, અને એર હોસ્ટેસની માયાળુતા અને ફરજ માટેની સભાનતા જોઈ અમને હૈયે ટાઢક થઈ.
અમે એરપોર્ટ પર પાછા ફર્યા; તેનું પ્લેન ટેક ઓફ થયું; મેં પણ મારી મુસાફરી માટે પ્રસ્થાન કર્યું.
બે કલાક પછી જ્યારે મારું ભારત જવાનું પ્લેન એરબોર્ન થયું હશે ત્યારે, જયભાઇ ડલાસના એરપોર્ટ પર વીજયના ગૌરવથી ડગ મુકી રહ્યા હતા. તેને લેનારો કાફલો તો ક્યારનોય હાજર જ હતો. પછી એક અપુર્વ ઘટના બની. અઠવાડીયા પછી પેલી મેનેજર બાઈએ જયની મમ્મીને સરસ મજાનો કાગળ લખ્યો હતો. જયની ચાલાકી, સમયસુચકતા અને બહાદુરીનાં બહુ જ વખાણ કર્યાં હતાં. આ અમેરીકન સજ્જનતા અને વીવેક પર અમે સૌ વારી ગયાં.
આમ તો આ પ્રસંગ સાવ નાનો જ છે, પણ જયના ચાર વર્શના દીમાગમાં આ અનુભવે જે બીજ રોપ્યું, તેણે તેને ઘણો નીડર બનાવી દીધો. પછીના અમારા કુટુમ્બજીવનના નાના પ્રસંગોમાં તેના વ્યક્તીત્વમાં આવેલું પરીવર્તન અમે બહુ સ્પશ્ટ રીતે નીહાળી શક્યા છીએ.
આમ છેવટે સૌ સારાં વાનાં થયાં.
આંબે આવ્યા મોર; વાત કહેશું પોર.
4 responses so far ↓
sunil shah // October 7, 2007 at 12:17 pm
નાનકડો પણ મઝાનો પ્રસંગ બાળમાનસનો સરસ રીતે પરીચય કરાવી ગયો. જયભાઈનો જય હો!
DR. CHANDRAVADAN MISTRY // October 7, 2007 at 4:02 pm
HAPPY TO READ THE ENDING OF THE STORY…..
AAMBE AAVYA MOR
VAARTAA KARASHU POR
2008ma MALISHU ?
TO SHU TYARE BIJI VAARTAA VANCHISHU ?
DR. MISTRY
Harnish Jani // October 8, 2007 at 6:45 am
You are very good writer-Nice story teller.
pragnaju // October 8, 2007 at 11:07 am
અમારું અહીં અમેરિકા આવવાનૂં એક કારણ પૌત્રોનો ઉછેર.
તેથી પહેલેથી આ વાત ફરી વાંચી.તે કુટૂંબમાં પણ કરી.આટલી નાની ઉંમરે નહીં પણ કોઈની દેખરેખમાં મોકલાય તેવી -અમારો પૌત્ર બફેલોથી એકલો આવ્યો.તેનો કબજો છોડાવતા ઓળખવિધિ સહી વિ.માં થોડી વાર લાગી.તેની તેને શરમ લાગી.તેને જ્યારે પાછા મૂકવા ગયા ત્યારે તેણે થોડી ઉંમર વધારે કહી આવી દેખરેખમાંથી મુક્તિ મેળવી.હવે તો તે અમારી દેખરેખ રાખે તેવો એનારબર યુનિ.નાં બીજા વર્ષમાં છે.આ વર્ષની શરુઆત નવા વિદ્યાર્થીઓના મેન્ટોર તરીકે કરી…
Leave a Comment