કોમ્પ્યુટરની ભાશાનો પાયાનો મણકો. કોમ્યુટરમાં જે કાંઈ સમાય તે બધું બાઈટમાં મપાય. કીલોબાઈટ, મેગાબાઈટ, ગીગાબાઈટ અને ટેરાબાઈટ … હજુય આગળ બીજા ‘મોટા’ બાઈટ આવશે ! ગમે તે માહીતી હોય; કે કોમ્પ્યુટરને કામ કરવાની સુચના હોય - બધું બાઈટની પરીમીતીમાં આવી જાય. બાઈટની લંબાઈ માહીતી પર આધાર રાખે. માહીતી જેટલી મોટી, તેટલા વધારે બાઈટ જોઈએ.
બાઈટની અંદરેય જવાય. તેના બે જ ઘટક – 0 અને 1. આ સીવાય કશું જ નહીં. સંખ્યા હોય કે ભાશાનો કોઈ શબ્દ હોય – દુનીયાની કોઈ પણ ભાશાનો – કોઈ પણ લીપીનો; અરે સંગીતની તર્જ હોય કે કોઈ ચીત્ર કે ચલચીત્ર હોય – બધુંય બાઈટમાં જ તે સમજે. કોમ્પ્યુટર 0 અથવા 1 સીવાય કશું જ સમજી ન શકે.
કેટલું સરળ દીમાગનું છે, આ મશીન? ! આપણા જેટલું તે ચાણક્ય નથી! આપણે તો શુન્ય અને એક્ને કોઈ વીસાતમાં નથી ગણતા. આપણી ગણતરીઓ મોટી - વીશદ, પંડીતાઈથી ભરેલી. જાતજાતનાં વીજ્ઞાનો, શાસ્ત્રો અને ભાશાઓ. જાતજાતની સંવેદનાઓ, જાતજાતના મતમતાંતરો, માન્યતાઓ, પુર્વગ્રહો, ગમા- અણગમા, શંકા- કુશંકા. કેટલું વીલક્ષણ છે આપણું મગજ?
કોમ્યુટર બે જ વાત સમજે – 0 અને 1 – હોવાપણું અને નહીં હોવાપણું ! સ્વીચ ચાલુ છે કે બંધ !
અને આપણને આટલી નાની વાત સમજતાં જન્મારો નીકળી જાય, અને તોય આપણી વીશદતા, આપણી અધુરી સમજણ વચ્ચે નડે – આ નાનીશી વાત સમજતાં ! આપણને બાઈટ કરતાં આવડે ( કરડતાં! ) ; ગણતાં ન આવડે.
ભણ્યા, પણ ગણ્યા નહીં. બાઈટ જ ન સમજ્યા.