ગદ્યસુર

નવું મકાન

November 4, 2007 · 8 Comments

        અમે નવા મકાનમાં રહેવાં આવી ગયાં. બધો સામાન બેળે બેળે ગોઠવાઈ ગયો. દસ દીવસ વીતી ગયા છે. નવા મકાનની રચના અલગ છે. એટલે સામાનની ગોઠવણીમાં ય ખાસ્સો ફરક છે. ઘણું બધું બદલાઈ ગયું છે. જુના મકાનમાં દીવાનખાનું અને રહેવાનો ખંડ થોડા દુર હતા. અહીં તો તે સળંગ છે. વચ્ચે નામના વાસ્તે એક નાનકડી અડધી પડધી દીવાલ છે. જુના મકાનમાં બધા બેડરુમ એક જ માળ પર હતા. અહીં બે નીચે છે અને ત્રણ બીજા માળે છે. એક નવો ગેમ રુમ પણ છે.

      સામાન જુદી રીતે, નવા મકાનની બાંધણીને અનુરુપ ગોઠવવો પડ્યો છે. ચાર દી’ થોડી અગવડ પડી, પણ હવે આ નવા માહોલથી ટેવાવા માંડ્યા છીએ. હવે રાતે અંધારામાં હાથ યોગ્ય સ્વીચ ઉપર પડવા માંડ્યો છે! પહેલે દહાડે ભુલ ભુલામણીથી ભરેલું અને પારકા ઘર જેવું લાગતું આ મકાન ફરી અમારું ઘર બની ગયું છે.

          બધું બદલાઈ ગયું છે અને છતાં એનું એજ છે. એજ સોફા અને એ જ ડાઈનીંગ ટેબલ, અને એજ વાસણો – અને એનાં એજ માણસો. એજ જીવવાની રીત અને રસમ, એજ વાતો અને એજ ગમા અણગમા! નવી સુરાહીમાં એજ જુનો શરાબ!

          મકાન અને સરનામું બદલાયાં છે. ઘર તો તેનું તે જ છે. માટે જ તો એ ઘર છે, મકાન નહીં જ.

Categories: અવલોકન

આજનો સુવીચાર

November 4, 2007 · 1 Comment

જો આપણી સામે ઉભેલ અને દેખાતા માણસને આપણે ચાહી ન શકીએ તો,

ઈશ્વર કે જે કદી દેખાતો નથી, તેને શી રીતે ચાહી શકીએ?

- મધર ટેરેસા

Categories: સુવીચાર