ગદ્યસુર

ભરેલો ખટારો – એક અનુભવ

November 6, 2007 · 2 Comments

       મારા બેય દીકરાઓની સાથે હું રસ્તાની બાજુના લોનના એક નાના ટુકડા પર બેઠો હતો. સામે ઘરના સામાનથી ભરેલો ખટારો પ્રસ્થાનની તૈયારીમાં ઉભેલો હતો. બન્ને દીકરાઓએ બહુ પ્રેમપુર્વક ઘર ખાલી કરવાના વ્યથાજનક પ્રયત્નોમાંથી મને મુક્તી આપી હતી. એક ખુરશી પર મને બેસાડી દીધો હતો. અને હવે તે ખુરશી પણ ખટારામાં પહોંચી ગઈ હતી. અમારું બધું રાચરચીલું, બધો સામાન હવે અમારા ભોગવટાથી કામચલાઉ રીતે અમારાં રહ્યાં ન હતાં. હવે બધું જ પેક થઈ ગયું હતું.

       કોણ જાણે કેમ અસહાયતાની એક લાગણી મારી અંદર ઉભરી આવી. જાણે હવે અમે મધદરીયેથી ફંગોળાઈ એક ટાપુ ઉપર બેઠા હોઈએ તેમ લાગવા માંડ્યું.  રોબીન્સન ક્રુઝોને પેલા અજ્ઞાત અને નીર્જન ટાપુ પર થઈ હશે તેવી લાગણી. હવે અમારી પાસે થોડાંક ફદીયાં, ખટારાની અને નવા/ જુના ઘરની ચાવીઓ, ક્રેડીટ કાર્ડ વી. સીવાય કશું જ ન હતું. સાવ રસ્તા પર અમે બેસી પડ્યા હતા.

          પણ બીજી જ ક્ષણે એક બીજો જ ભાવ ઉપસી આવ્યો. અરે! આ તો બે ચાર કલાકની જ અસહાયતા છે. પછી તો નવા ઘરમાં જીવન પાછું શરુ થવાનું જ છે ને?    અને બીજો એક વધુ બળવત્તર ભાવ પણ ઉપસ્યો. ધારોકે દુર્દૈવથી ખરેખર અમારી સ્થીતી તે નીરાશામય ભાવ જેવી થઈ જાય, તો પણ શું? એ ફદીયાં, એ ક્રેડીટ કાર્ડ, એ ચાવીઓ, એ ખટારો, એ નવું ઘર કે કશુંય ન રહે તો પણ શું?

          સાથે હાડ, હૈયું અને હામ તો છે ને?

          અને રમણભાઈ નીલકંઠની મને બહુ જ ગમતી રચના માનસપટ પર ઉભરી આવી -

જાઓ ભલે જીવનઆશ સર્વે
ઉત્પાત થાઓ, ઉપહાસ થાઓ,
થાઓ તિરસ્કાર, વિનાશ થાઓ,
ન એક થાજો પ્રભુ-પ્રીતિ નાશ.

Categories: સ્વાનુભવ

આજનો સુવીચાર

November 6, 2007 · 1 Comment

હું એમ નહીં કહું કે,

હું હજાર વખત નીશ્ફળ ગયો છું.

હું તો એમ કહીશ કે, 

કઈ હજાર રીતે નીશ્ફળ જવાય

 તેની મને ખબર પડી છે.

- થોમસ આલ્વા એડીસન 

Categories: સુવીચાર