તે દીવસે ઘાસમાં બેઠો હતો. સરસ શીતળ તેનો સ્પર્શ હતો. ત્યાં નજર બાજુમાં પડેલાં ઝાડની છાલના એક છોડીયાં પર પડી. તેને હાથમાં લીધું. બહુ જુના ઝાડના થડમાંથી તે છુટું પડેલું હશે. તેની રુક્ષ સપાટીનું અવલોકન કરતાં જણાયું કે તેમાં ચાર પડ હતાં. એક પડ હલકા રંગનું, એક જરા મધ્યમ અને બે પડ ઘેરા રંગના જણાયા. ઘેરા રંગનાં પડ બહુ કરચોળીવાળાં હતાં. પણ બધામાં ઝીણા ઝીણા રેસાઓ સ્પશ્ટ રીતે જણાઈ આવતા હતા. ઝાડના થડની ઉપરની સપાટીએ વરસો વરસ વેઠેલાં વાતાવરણની આ પડ ચાડી ખાતાં હતાં. જ્યારે ઝાડની ડાળી નવાંકુર હશે ત્યારે આ જ છોડીયું સાવ સુકોમળ બાળ જેવું હશે. તેના રેસાઓમાંથી ઝાડનો જીવનરસ વહેતો હશે. તે આવું રુક્ષ તે સમયે નહીં હોય; રસાળ અને દર્શનીય હશે. તેને મોટી મસ ડાળી બનવાના અરમાન હશે.
અને હવે તે સાવ નીર્જીવ હતું. તેમાં કોઈ પ્રાણ ન હતો. તે ઝાડથી ફંગોળાઈ ગયું હતું. જ્યારે તે ઝાડની ઉપર લાગેલું હશે; ત્યારે પણ તેમાં કોઈ જાન નહીં હોય. તે ઝાડના થડની રુક્ષતાનો એક ભાગ જ હશે. તેમાંથી તે વખતે પણ કોઈ રસ વહેતો નહીં હોય. અને છતાં તે અવસ્થામાં પણ તે ઝાડની અંદરના કોમળ રેસાઓનું બહારના જાલીમ વાતાવરણથી રક્ષા કરતું હશે – નીર્વ્યાજ પ્રેમથી.
અને અત્યારેય તેના શબ જેવા અસ્તીત્વની ક્ષમતા છે – ઈંધણું બનવાની. પ્રકાશ અને ગરમીના એક નાના સ્રોત બનવાની. ઝાડના આ નાચીજ છોડીયાંનીય એક ગરીમા છે.
જીવનનો અંત નજીક હોય ત્યારે બોજ જેવા લાગતા આપણા હોવાપણાને આ સાવ નીર્માલ્ય દેખાતું છોડીયુંય કેટકેટલા અમુલ્ય સંદેશ આપી જાય છે?
1 response so far ↓
pragnaju // November 8, 2007 at 3:15 pm |
” જીવનનો અંત નજીક હોય ત્યારે બોજ જેવા લાગતા આપણા હોવાપણાને આ સાવ નીર્માલ્ય દેખાતું છોડીયુંય કેટકેટલા અમુલ્ય સંદેશ આપી જાય છે?”
તેથી આપણે જીવનના અંત અંગે આવી કલ્પના કરી છે.
ફળ પરિપક્વ થતાં વૃક્ષની ડાળી ઉપરથી ડીંટાથી ભિન્ન પડી જમીન પર ખરી પડે છે જમીન પર પડતું ફળ ડીંટાને સહેજ પણ દુઃખ કે ત્રાસ આપતું નથી. તેવી જ રીતે આયુકર્મ સમાપ્ત થતાં જીવ વર્તમાન દેહનો ત્યાગ કરી દેહથી ભિન્ન પડીને ચાલ્યો જાય છે.
વૃક્ષ પર પાકેલું ફળ સહજ રીતે વૃક્ષની ડાળીનો ત્યાગ કરી જમીન પર પડી માટી સાથે ભળીને નવું જીવન શરૂ કરવાની તૈયારી કરે છે તેમ, મનુષ્યે પણ પોતાના વર્તમાન ભવને સાર્થક કરી પોતાનું કાર્ય પુરૃં કરીને સહજ રીતે વર્તમાન દેહને ત્યાગવાની ભાવના ભાવવી જોઈએ, અને અધૂરા રહેલા આત્મ કલ્યાણના કાર્યને પૂર્ણ કરવા તદ્અનુરૂપ માનવ દેહની પ્રાપ્તિની ઝંખના કરવી જોઈએ. અન્ય શબ્દોમાં એમ કહેવાય કે આપણે અનાસક્ત ભાવે વર્તમાન દેહનો ત્યાગ કરવાની ભાવના ભાવવી જોઈએ. આ પ્રકારનું મરણ છેલ્લી ઘડીએ અચાનક થતું નથી. તેના માટે ઠીક ઠીક સમય આગળથી તૈયારી કરવી પડે છે. આ માટે જગતના ભોગ્ય પદાર્થોની વ્યર્થતા જાણી તેમનાથી ભાવાત્મક રીતે ભિન્ન પડી નિજ આત્માના કલ્યાણ પ્રતિ જાગૃતિ લાવવી પડશે.