ગાડી ચલાવતાં સવારે અને સાંજે ખાસ્સી તકલીફ પડે છે. સવારે પુર્વમાં જવાનું હોય; અને સાંજે પશ્ચીમમાં જવાનું હોય તો ન ગમે. બન્ને વખતે સુર્યનાં પ્રખર કીરણો આંખને દઝાડે છે. પણ સુર્યોદય કે સુર્યાસ્ત સમય બહુ જ મધુર લાગે. સુર્ય કાં તો સાવ બાળક હોય; કે એકદમ ક્ષીતીજે આથમતો વૃદ્ધ. બન્નેના રુપ આંખને શાતા આપે છે.
અને તેમના આ સ્વાભાવીક સૌંદર્ય અને આહ્લાદકતાને ઉશા અને સંધ્યાના રંગો અનુમોદન આપે છે. ગાડી ચલાવતાં સુર્યની આ બે મધુર અભીવ્યક્તીઓ જો કોઈ ઉંચા મકાનની આડે ઢંકાઈ જાય તો આપણને કઠે. ક્યારે એ મકાન દુર થાય અને પાછા સુરજદાદા ડોકીયું કરી તેમનો મધુર નજારો આપણને ફરી બતાવી જાય એમ મનમાં થયા કરે. ભલેને આ આહ્ લાદકતા થોડીક મીનીટો માટે જ રહે, પણ તેની મીઠી યાદ આપણને સતાવતી રહે.
માનવજીવનની ય આ બે અવસ્થાઓ કેટલી મધુરી હોય છે – નહીં વારુ?