ગદ્યસુર

નાસ્તીકતા – શ્રી. ગુણવંત શાહ

November 10, 2007 · 13 Comments

      ‘ નાસ્તીક હોવું તે જેવી તેવી વાત નથી… ‘ 

        વાંચીને ચોંકી ગયાને? નાસ્તીક હોવું એટલે સામ્પ્રત માન્યતાઓના પ્રવાહથી અળગા થવાની અને કેવળ સત્યની શોધ કરવાની  હીમ્મત કેળવવી.  આ અંગે માનનીય શ્રી. ગુણવંત શાહના વીચારો વાંચો -

- —————

          નાસ્તીક મનુશ્ય અધાર્મીક નથી હોતો. જો એને અધાર્મીક ગણીએ તો બુદ્ધ અને મહાવીરને ‘ અધાર્મીક’ ગણવા પડશે. નાસ્તીકતાનું અસલી સૌંદર્ય બુદ્ધ અને મહાવીર થકી પ્રગટ થયું. આસ્તીકતાનું ખરું સૌંદર્ય દયાનંદ, વિવેકાનંદ અને ગાંધી દ્વારા પ્રગટ થયું. બુદ્ધ આત્માના અસ્તીત્વને સ્વીકારતા ન હતા. મહાવીરના દર્શનમાં આત્માનો સ્વીકાર છે. બુદ્ધની કરુણામાં અને મહાવીરની અહીંસામાં ધર્મનો જયજયકાર થયો છે. કોઈ પણ નાસ્તીક અને રેશનલીસ્ટને ‘અધાર્મીક’ ગણવાનું આજથી બંધ!

          એક લોકપ્રીય ભ્રમ ઝટ છોડવા જેવો છે. નાસ્તીક મનુશ્ય પણ અંધશ્રદ્ધાળુ હોઈ શકે છે. એવા તો કેટલાય માર્ક્સવાદી નાસ્તીકો છે, જેમને સ્તાલીન પ્રત્યે આંધળી શ્રદ્ધા હોય છે. નાસ્તીકતા કેટલી ક્રુર અને માનવતાવીરોધી હોય તેનું સૌથી બીભત્સ ઉદાહરણ સ્તાલીને પુરું પાડ્યું છે. ….

            એક મુલાકાતમાં ચર્ચીલે સ્તાલીનને પુછ્યું,” ક્રાંતી થઈ તેમાં કેટલા ખેડુતોની કતલ કરવી પડી હતી?” સ્તાલીનનો જવાબ સાંભળો, “ એક કરોડ માણસોને મારી નાંખવા પડ્યા. એ થથરાવી મુકે તેવી બાબત હતી. ચાર ચાર વર્શ સુધી એ કતલ ચાલતી રહી. એ કામ ભુંડું અને મુશ્કેલ હતું. પણ જરુરી હતું.” ટી.વી. પર મુલાકાત આપનારા પશ્ચીમ બંગાળના સામ્યવાદી મીત્રોના ઓરડામાં ભીંત પર હજી સ્તાલીનની છબી જોવા મળે છે. સામ્યવાદીઓની આવી અંધશ્રદ્ધાને પણ ‘ ક્રાંતી’ કહેવી પડે કે? ચીન પ્રત્યે અખુટ અંધશ્રદ્ધા અને અમેરીકા અંધશ્રદ્ધાથી સતત પીડાતા સામ્યવાદી બીરાદરો નથી રેશનલ, નથી (ખરા) નાસ્તીક અને નથી સેક્યુલર…..

            અંધશ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા! એ ભગવા રંગની ધજા સાથે જોડાયેલી હોય કે લાલ વાવટા સાથે જોડાયેલી હોય. આપણી તકરાર કોઈ પણ જાતની અંધશ્રદ્ધા સાથે હોવી જોઈએ. દેશમાં આજે અંધશ્રદ્ધાનુ રાજકારણ ચાલે છે…..

            મહંત-મુલ્લા- પાદરીથી વણબોટાયેલી પરીશુદ્ધ ધાર્મીકતા સામે કોઈ ચુસ્ત સેક્યુલરીસ્ટને વાંધો ન હોવો જોઈએ. હીંદુઓના દુશ્મનો મુસલમાનો નથી, પણ મહંતો છે. મુસલમાનોના દુશ્મન હીંદુઓ નથી, પણ મુલ્લાંઓ છે. ખ્રીસ્તીઓએ પણ પાદરીઓથી બચવાનું છે. આજે તો જાણે દેશમાં પછાતપણાની હરીફાઈ ચાલી રહી છે. એ હરીફાઈને ગર્ભ રહે, પછી યોગ્ય સમયે હુલ્લડો થતાં હોય છે…..

             સ્તાલીને પરીશુદ્ધ નાસ્તીકતાને કલંકીત કરી હતી. ઓસામા બીન લાદેન પરીશુદ્ધ આસ્તીકતાને બદનામ કરી રહ્યો છે. બાકી નાસ્તીક હોવું એ જેવી તેવી વાત નથી.

             આસ્તીક જડતા અને નાસ્તીક જડતા વચ્ચે કોઈ પસંદગી ન હોઈ શકે. જે મનુશ્ય પોતાને નાસ્તીક રેશનલીસ્ટ ગણાવે તેની ધાર્મીક કક્ષા કોઈ પણ વૈશ્ણવજન કરતાં એક સેન્ટીમીટર જેટલી પણ નીચી ન હોઈ શકે. રેશનલીસ્ટની મુળભુત આસ્થા સત્યની શોધ પર હોય છે. સત્યની શોધ ઉપરછલ્લી ન હોઈ શકે. માન્યતાનું કે અભીપ્રાયનું સત્ય પણ આખરી કે અનવદ્ય ન હોઈ શકે. વીચારની જડતામાંથી ઝનુન જન્મે છે.

             ‘રેશનલ ઝનુન’ જેવી કોઈ ચીજ હોઈ શકે? એ તો ‘પતીવ્રતા ગણીકા’ જેવો વદતોવ્યાઘાત ગણાય. સત્યની શોધ મહાત્મા ગાંધીની માફક ખુલ્લા મનની વીશાળતા માંગે છે. સત્યશોધકને જુઠ્ઠું બોલવાનું, લુચ્ચાઈ કરવાનું, દંભ કરવાનું અને અંધશ્રદ્ધા રાખવાનું ન પોસાય. જેમ સમાજમાં બનાવટી સાધુબાવા હોઈ શકે, તેમ બનાવટી રેશનલીસ્ટો પણ હોઈ શકે છે.

               હે પ્રભુ! અમારા દેશને અંધશ્રદ્ધા ભગતોથી અને અંધશ્રદ્ધા માર્ક્સવાદીથી બચાવી લેજે. તારું અસ્તીત્વ હોય કે ન પણ હોય, પરંતુ અસ્તીત્વનું અસ્તીત્વ છે જ ! મહાન વીદુશી આઈન રેન્ડે સાચું કહેલું ,” Existance exists.  ”  

                 આટલું એક વાક્ય પુરતું છે.

                 ( ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રગટ થયેલ લેખ પરથી ટુંકાવીને – શ્રી. ગુણવંત શાહની મંજુરીથી. )

આ વીશયમાં મારા વીચારો વાંચવા અહીં ‘ક્લીક’  કરો.

Categories: ગુણવંત શાહ

શ્રી. ગુણવંત શાહની કલમે…

November 10, 2007 · 1 Comment

        આધુનીક ગુજરાતી સાહીત્યના સીદ્ધહસ્ત લેખક અને વીચારક શ્રી. ગુણવંત શાહનો એક લેખ આ સાથે અહીં પ્રસીદ્ધ કરતાં આનંદ થાય છે. નાનાં મોટાં સૌ હોંશે હોંશે તેમના લેખો વાંચે છે. ચીલાચાલુ વીચારધારાને બાજુએ મુકી, રેશનલીસ્ટ અભીગમને પુશ્ટી આપી સામ્પ્રત ગુજરાતી સમાજની તેમણે બહુ મોટી સેવા કરી છે.  

        આદરણીય શ્રી. ગુણવંતભાઈએ તેમનાં લખાણો અહીં પ્રસીદ્ધ કરવા અનુમતી આપી છે. આ માટે તેમનો હૃદયપુર્વક આભાર. હવેથી અવારનવાર તેમના વીચારો અહીં પીરસવામાં આવશે.  

[ તેમની જીવનઝાંખી વાંચવા અહીં ' ક્લીક ' કરો.  ]

Categories: ગુણવંત શાહ · સમાચાર

નાસ્તીકતા

November 10, 2007 · 5 Comments

        ‘અંતરની વાણી’ માં નાસ્તીકતાને સ્થાન છે ખરું? બહુ જ ચર્ચાસ્પદ બાબત છે.

        મારા વીચાર જણાવું તો …  હોઈ શકે.  જરુર હોઈ શકે.

         આત્માનો અવાજ.  અંતરની વાણી. એને આસ્તીકતા સાથે શો સંબંધ? જ્યારે અંતરનો  અવાજ સાંભળી પરમ તત્વ સાથે ગોઠડી સાધીએ ત્યારે એ જરુરી નથી કે આપણે ઈશ્વરની પરીકલ્પનામાં માનતા  થઈ જઈએ.  જે કશુંક આપણી અંદર હોય છે, તેની સાથે ભાવાત્મક એકતા સધાય એટલું જ.  તેને નામ કે રુપ આપવું, કે તેનાં ગુણગાન ગાવાં, કે તેની પુજા કે સ્તુતી કરવી તે તો બધી બાહ્ય બાબત છે. આચાર છે. પદ્ધતી છે.

       આવું કશું ન કરીએ તે પણ એક પદ્ધતી હોઈ શકે. માત્ર સંવાદની પ્રામાણીકતા હોવી ઘટે.

       નાસ્તીક એટલે ભૌતીકતામાં રાચતી વ્યક્તી; તે ચીલાચાલુ માન્યતા ખોટી છે. તે જ રીતે નાસ્તીક વ્યક્તી શ્રદ્ધા કે અંધશ્રદ્ધાથી પર હોય તે માન્યતા પણ એટલીજ ભુલભરેલી છે!   આદરણીય શ્રી, ગુણવંત શાહનો લેખ  આ વાતને પુશ્ટી આપે છે. ખરું કહું તો એ લેખ વાંચીને જ આ વીચારો વ્યક્ત કરવાની પ્રેરણા મળી.  

       ઈશ્વરના અસ્તીત્વને માનવું કે ન માનવું તે તો એક બહુ જ ગૌણ બાબત છે. મુખ્ય વાત તો એ છે કે, આપણે આપણા અંતરની સાથે પ્રમાણીક છીએ ખરા? શું આપણે તે અવાજને સાંભળવા તૈયાર છીએ ખરા?

      જો નાસ્તીક વ્યક્તી આ અવાજને સાંભળવા સક્ષમ હોય; અથવા તેની તે માટે તૈયારી હોય તો તે સાચો વૈશ્ણવજન છે.

Categories: આધુનીક ભારતીય · ગદ્ય/ અછાંદસ · મારા વિચારો · સુરેશ જાની

આજનો સુવીચાર

November 10, 2007 · 1 Comment

બધાની વાત માનવી એ બહુ જોખમકારક ચીજ છે.

પણ કોઈની વાત ન માનવી તે વધારે જોખમકારક છે.

- અબ્રાહમ લીન્કન

Categories: સુવીચાર