સવારમાં ઉઠી નીત્યકર્મ પતાવી, રસોડામાં પ્રવેશ અને રશ અવર શરુ. ( આનો ગુજરાતી પર્યાય શું?) શરની જેમ વીંધી નાંખતો આ રશ!
રાતના ધોયેલાં વાસણ ડીશ વોશરમાંથી કાઢી, યથાસ્થાને ગોઠવવાનાં. પછી બધાં માટે ચા બનાવવાની. મોટા પૌત્રને માટે પ્લાસ્ટીકના પ્યાલામાં દુધ. નાનાને માટે વાડકામાં સીરીયલ અને દુધ. નાનાને માટે સ્કુલનું લંચબોક્સ તૈયાર કરવાનું અને તેના બેકપેકમાં મુકવાનું. ચમચી અને પેપર નેપકીન પાછાં ભુલાય નહીં. નહીંતર તો બપોરે તે આવે ત્યારે કકળાટ! પુત્રવત્ જમાઈ ચા સાથે બ્રેડ લે છે, તે તૈયાર કરવાની. દીકરી તો પોતાની જાતે જ પોતાનો નાસ્તો લઈ લે છે; એટલે એની તો શાંતી. માંડ માંડ મારી પોતાની ચા પીધી નથી; ત્યાં તો મોટાની સ્કુલ બસની રાહ જોવાની અને તે આવે એટલે ભાઈને વીદાયગીરી આપવાની. હવે એક પછી એક બધી ગાડી વીદાય થવા માંડી. મારી ઈવડી ઈ તો હજુ ઘોરે છે! પણ હજુ મારે ક્યાં નીરાંત છે? સવારના થયેલા વાસણ માંજવાના. હાશ, હવે બપોર સુધીની શાંતી. કોમ્પ્યુટર ખોલ્યું અને ઈમેલોની વણઝાર શરુ. બસ, હવે રશ અવર પતી ગયો. ત્યાં તો ઈવડી ઈની બુમ પડી,” આ કોમ્પ્યુટર છોડો અને ન્હાવા જાઓ! ”
આ જ ઘટમાળ પાછી સાંજે. રાતે સુતા, ન સુતા અને વીચારોનાં વાવાઝોડાં મનની શાંતીને હરી લે. માળું, ભજન કે જપ પણ શાંતી નથી આપતા! અને પાછી આ મોટી ઉમ્મરની અનીદ્રા. લખાણોનો રશ અવર શરુ!
આમ જ વહેલી સવારથી સુમસામ રસ્તાઓ ધબકી ઉઠે. ધીરે ધીરે ગાડીઓની વણઝાર વધતી જાય. રશ અવરમાં તો બમ્પરથી બમ્પર ટ્રાફીક. અને ક્યાંક કોઈકની ગાડી ક્યાંક અડી ગઈ, અને જો થઇ છે! બધા અકળાયેલા ગાડીમાં સમસમીને બેસી રહે. રશ અવરમાં સામેથી આવી પડેલી આ શાંતીય ન ખમાય !
અરે, ભાઈ! આ રશ અવરનો કદી અંત આવશે? મધુરું બાળપણ માંડ માંડ ડગમગતું પગભેર થયું નથી ને રશ અવર શરુ. નર્સરી અને કે.જી.; સ્કુલ અને કોલેજ; નોકરી ધંધો અને પરીવાર. અરે ઘડપણમાંય લથડતી તબીયત અને અનીદ્રાના હુમલા ચાલુ જ. આખી જીંદગી રશ અને રશ જ. કાંઈ રસ જ નહીં!
પણ રશ અવર પતી જાય અને ચીર શાંતીમાં પોઢવા મળે, એ આપણને સ્વીકાર્ય છે ખરું?
ના, ભાઈ ના. આ રશ જ આપણું જીવન છે. એમાં જ રસ લઈએ. થોડી પળ પગ લાંબા કરી હાશ! કરી લઈએ.