ગદ્યસુર

વીયેટનામ યુદ્ધની એક સત્યકથા

November 14, 2007 · 3 Comments

“I thank my God every time I remember you. 

      ચાર્લ્સ પ્લમ્બ અમેરીકાની નવલ એકેડેમીમાંથી સ્નાતક થયેલો એરફોર્સના કોમ્બેટ મીશનનો અધીકારી હતો. વીયેટનામના યુદ્ધમાં તે લડાયક જેટ બોમ્બર વીમાનનો પાઈલોટ હતો. ત્યાં 75 લડાયક ઉડ્ડયનો બાદ, તેનું પ્લેન તુટી પડ્યું હતું. છેલ્લી ઘડીએ  તેણે પેરેશ્યુટ વડે ઉતરાણ કર્યું હતું. દુશ્મન  સૈનીકોએ તેને પકડી લીધો હતો અને વીયેટનામની જેલમાં તેણે છ વર્શ ગાળ્યા હતા. આ દારુણ ઘટનામાંથી તે સાંગોપાંગ પાર ઉતર્યો હતો. હવે તે તેના યુદ્ધના અનુભવોના આધારે ઘણાં વ્યાખ્યાનો આપે છે.

     એક દીવસ ચાર્લ્સ તેના આ અનુભવ અંગે એક વ્યાખ્યાન આપી રહ્યો હતો. ત્યારે એક સાવ અજાણ્યો માણસ તેની સમક્ષ આવ્યો અને તેને કહ્યું – ” તમે કદાચ મને નહીં જાણતા હો, પણ જે પેરેશ્યુટ વડે તમે ઉતરાણ કર્યું હતું, તે મેં પેક કરી હતી. મને બહુ જ આનંદ થાય છે કે, તેણે બરાબર કામ કર્યું અને તમે બચી ગયા.”

      તમે કદાચ એ નહીં જાણતા હો પણ એ હકીકત છે કે, પેરેશ્યુટ પેક કરવાનું કામ કોઈકે હાથથી જ કરવું પડતું હોય છે. આ કામ બહુ જ  ઝીણવટ,  કાળજી અને ચોકસાઈ માંગી લે છે. જો સહેજ પણ ગફલત કે  ઉતાવળ કરવામાં આવે; તો અણીની વખતે પેરેશ્યુટ બરાબર ન ખુલે અને સૈનીક ભાગ્યેજ બચી શકે.

    ચાર્લ્સ તો આભારની લાગણીથી ગદગદીત થઈ ગયો. તેણે તે અજાણ્યા માણસનો હાથ આભારની ભરપુર લાગણીથી થપથપાવ્યો અને કહ્યું, ” જો તમે તે બરાબર પેક ન કરી હોત તો, હું અહીં આ ભાશણ આપવા જીવતો ન રહ્યો હોત.”  

    ત્યાર બાદ આ પ્રસંગ તેણે ઘણા વ્યાખ્યાનોમાં વર્ણવ્યો અને હમ્મેશ કહેતો રહ્યો કે,

   ” આપણે એ સાવ ભુલી જઈએ છીએ કે, કેટકેટલી અનામી વ્યક્તીઓના પ્રયત્નોથી આપણા જીવનની સુખ સગવડો અને સલામતી સચવાતાં હોય છે. જો આવા કો’ક અનામીએ નીશ્ઠા અને પ્રતીબદ્ધતાથી કામ ન કર્યું હોત તો; આપણી નનામી ક્યારની નીકળી ચુકી હોત.”

    ચાર્લ્સનું આ વક્તવ્ય બહુ જ વખણાયેલું છે.  

    આપણે પણ કદી એ ન ભુલીએ કે આપણા સમગ્ર અસ્તીત્વ, સુખાકારી, સલામતી, શાંતી અને સમૃદ્ધીની પાર્શ્વભુમીમાં આવાં કેટકેટલાં અનામી મનુશ્યોનાં મહેનત, પસીનો અને નીશ્ઠા ધરબાઈને પડેલાં છે. પાયાની ઈંટની જેમ.

     આપણી દરેક પ્રાર્થનામાં આપણે આ ભાવની હમ્મેશ અને સતત અનુભુતી કરીએ તો?     

Categories: સત્યકથા

આજનો સુવીચાર

November 14, 2007 · 1 Comment

આજે જીવો.
આવતીકાલ માટે સ્વપ્ન સેવો.
ગઈકાલ પાસેથી શીખો.

Categories: સુવીચાર