ગદ્યસુર

એન. આર. આઈ એટલે શું? – ગુણવંત શાહ

November 17, 2007 · 11 Comments

     વીદેશમાં સેટલ થયેલા બારતીય પરીવારો સાથે વારંવાર રહેવાનું બન્યું, તેને પરીણામે મારા હૃદયમાં એન. આર. આઈ. જેવા ત્રણ અક્ષરો માટે ભીનો ભીનો પક્ષપાત રહે છે. દુર રહીને પોતાના માંહ્યલામાં ભારતીય સંસ્ક્રુતી માટે ઝુરતા રહેનારા અસંખ્ય પરીવારોમાં જળવાયેલી સુગંધંનો પરચો પામવામાં ધન્યતાનો અનુભવ થતો રહ્યો છે. પરદેશમાં એવાં કેટલાંય ઘરોમાં રહેવાનું બન્યું, જ્યાં મંદીરતા સાથે જોડાયેલી પવીત્રતાની અનુભુતી થઈ છે. પરદેશમાં વસનારા પ્રત્યેક ભારતીય હૃદયને સતત એવું લાગે છે કે, બધું છે છતાં કશુંક ખુટે છે.  એ ‘ કશુંક’ અત્યંત મુલ્યવાન છે.

     આજે વહેલી સવારે ઉઠ્યો ત્યારે મન પ્રસન્ન હતું અને હૃદય આનંદથી છલોછલ હતું. એ ક્ષણે કેટલાંક એવા વીદેશી પરીવારોનું સ્મરણ થયું, જ્યાં મેં ભારતીય ઢબની મહેનમાનગતી માણી હોય. એ ક્ષણે હૃદયમાં ઉગેલી પંક્તીઓ કોઈ જાતની કાપકુપ વીના અહીં ધરી દઉં છું.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

નથી કશુંય અશ્ટં પશ્ટં,
નથી કશુંય ગોળ ગોળ.નથી કોઈની શેહ શરમ,
નથી રે કોઈ ભેદભરમ.હૈયે તેવું હોઠે રે મીતવા,
લાગ્યું તેવું લખ્યું રે મનવા.
માંહ્યલો જેમાં બનતો કાજી,
રામજી તેમાં રાજી  રાજી.

ગરવા ગુણવંતા ગુજરાતી ભૈ!
સદાય રહેજે ઉજળો થૈ.

પ્રુથ્વી પર તું જ્યાં જ્યાં વસે,
મુખડું તારું મીઠું હસે.

         ભારતીય અસ્મીતાની માવજત કરવાની ગુજરાતી પરીવારોની તત્પરતા વંદનીય છે. ત્રણ બાબતે ચેતતા રહેવાનું છે :

  1. અંધશ્રદ્ધાથી બચવાનું છે.
  2. દાન ક્યાં ન આપવું તે સમજાય, તો દાન ક્યાં આપવું તે પણ સમજાય.
  3. નવું નવું વાંચવાની, વીચારવાની હઠ છોડવા જેવી નથી.

        આખરે એન. આર. આઈ. એટલે શું? ધર્મજ ગામે મળેલા એન. આર. આઈ. મીત્રોના વીશાળ સંમેલનમાં આ ત્રણ અક્ષરોનો મર્મ સમજાવવાનું બનેલું.  એન. આર. આઈ. એટલે બીનનીવાસી ભારતીય મનુશ્ય. જે ‘Normally Returns to India’ , જે દેહભાવે પરદેશમાં વસે છતાં મનોમન સતત ઈન્ડીયાને ઝંખતો રહે, તે એન. આર. આઈ.  કહેવાય. ઈન્ડીયામાં અસ્વચ્છતા છે. ઈન્ડીયામાં તુમારશાહી છે. ઈંડીયામાં ગરીબી છે. ઈન્ડીયામાં પારકી પંચાત છે.  આમ છતાં ઈન્ડીયામાં ‘ કશુંક’  એવું છે, જે બીજે ક્યાંય નથી. એક જમાનામાં ભારતથી અમેરીકા ગયેલો મુસાફર પાછો ફરે ત્યારે બેગ ફાટી જાય તેટલી ચીજો સામાનમાં ભરતો. આજે એ અમેરીકાથી શું લાવે? બધું જ અહીંના બજારમાં સસ્તું અને સારું મળે છે.  એન. આર. આઈ. મીત્રો નવેમ્બર, ડીસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઈન્ડીયા આવે ત્યારે કેવળ એક જ શબ્દ વજનદાર બની જાય છે : ‘શોપીંગ’.  મારી ભાણેજ ઈન્ડીયા આવી. મુંબઈ અને સુરતમાં ગાંડું શોપીંગ કર્યા પછી થોડાક કલાકો માટે  વડોદરા આવી, પણ શોપીંગ કરવામાં એવી તો ’Busy’  રહી કે મામાને મળવાનું પણ શક્ય ન બન્યું !

     આદરણીય મોરારીબાપુ અને રમેશભાઈ ઓઝા જેવા કથાકારો વીદેશોમાં જાય ત્યારે થોડું થોડું ભારત લેતા જાય છે.  તેઓ માત્રુભાશાને વીદેશોમાં જીવતી રાખે છે. અને લાખો પરીવારોમાં ભારતીય સંસ્કારને જાળવી રાખવાની પ્રેરણા પણ આપે છે. કેટલાંક પરીવારો નીર્વ્યસની બને છે અને માંસાહાર ત્યજે છે.

        આ બહુ મોટી વાત છે. દુર દેશાવર રહીને પોતાનાં મુળીયાં (Roots) કપાઈ ગયાની લાગણીમાંથી વતનઝુરાપો (Nostalgia) જન્મે છે.  ભારતીય સંગીત, સાહીત્ય અને ફીલ્મી જગત હવે પરદેશના ડ્રોઈંગરુમમાં હાજરાહજુર હોય છે. ‘ ભારતીય’ હોવાનો અર્થ સતત ખોળવાનો હોય છે. હવે દુનીયા એટલી નાની બની ગઈ છે કે, અંતર ખરી પડ્યું છે. સેલફોન અને ઈન્ટરનેટ  પ્રુથ્વીને ચણીબોર જેવડી બનાવી મુકે છે. વીદેશી ભારતીયો હવે ભારતથી ઝાઝા છેટા નથી.  અરે! અહીં ભારતમાં એવા તો કેટલાય લલ્લુઓ વસે છે, જેઓ અહીં છે, છતાંય ભારતથી જોજનના જોજન દુર છે. એવા લોકો કરતાં તો ઘણા એન. આર. આઈ.  ભારતની પરીવારો આજે પણ ભારતની વધારે નજીક છે. હે એન. આર. આઈ. મીત્રો! ત્યાં જે અઢળકતા છે તેનો ભરપુર લાભ લેજો. તમારા હૃદીયામાં ગુજરાતને અને ભારતને સતત જીવતું રાખજો. અબ્રાહમ લીન્કનને સમજવાનું રાખશો તો ગાંધીજીને પણ વધારે સારી રીતે પામશો.   વોલ્ટ વ્હીટમેનની કવીતા વાંચવાનું રાખશો તો પ્રેમાનંદ પણ આપોઆપ સમજાશે. થોરો કે ઈમર્સનને વાંચશો તો મનુભાઈ પંચોળી ( દર્શક ) જરુર ગમશે. વીચારવાની ટેવ કદી પણ છોડશો નહીં. થોરો, ઈમર્સન આલ્ડસ હક્સલી અને ટી.એસ. ઈલીયટ જબરા ગીતાપ્રેમી હતા. તમે જો જાગ્રત રહેશો તો હીન્દુત્વ થકી જરુર મનુશ્યત્વનો પરચો પામશો. તમારા દેશમાં ગાંધીનો જાદુ કેવો તે તમે અનુભવે જોયો હશે. તમે ગાંધીજીની ‘ આત્મકથા’ વાંચી છે? તમે તમારાં સંતાનોને એનો અંગ્રેજી અનુવાદ ‘ હેપી બર્થ ડે ‘ કહીને ભેટરુપે આપ્યો છે? જો તમે આવું કશુંય ન કર્યું હોય તો માનજો કે તમે ડોલર નહીં પણ ઠીંકરાં ભેગાં કર્યાં છે.   

 - ગુણવંત શાહ

[  'ગુજરાત ટાઈમ્સ'ની 'સપ્તક' પુર્તી - 30 માર્ચ - 2007 માંથી સાભાર.]

Categories: ગુણવંત શાહ

આજનો સુવીચાર

November 17, 2007 · Leave a Comment

       જીવન ગંજીફાના પાનાં જેવું છે. આપણે આ રમત શોધી ન હતી; કે પત્તાંની ભાત આપણે પસંદ કરી ન હતી. તેના નીયમો પણ આપણે બનાવેલા ન હતા. આપણને કયા પત્તાં આપવામાં આવ્યાં છે; તેની ઉપર પણ આપણું કોઈ નીયમન હોતું નથી. આપણને માત્ર રમવા માટે પત્તાં જ આપવામાં આવ્યાં છે – તે સારાં હોય કે ખરાબ….

      પણ આપણે તે રમત સારી રીતે રમી શકીએ કે ખરાબ રીતે. જાણકાર ખેલાડી ખરાબ પત્તાં આવ્યાં હોય તો પણ પોતાની કુશળતાથી રમત જીતે તેવી શક્યતા હોય છે. આની સામે પત્તાં સારાં આવ્યાં હોય તો પણ, અણઘડ ખેલાડી રમતનો દાટ વાળી શકે છે.

     જીવન શક્યતા અને પસંદગીની એક રમત છે. આપણે ઘટનાઓને કદાચ બદલી ન શકીએ; પણ તે ઘટનાઓ તરફનાં  આપણાં અભીગમ અને મુલ્યાંકન જરુર બદલી શકીએ. અને આમ કરીને આપણે ફાળે આવેલી મુશ્કેલીઓનું તક અને શક્યતાના સ્વરુપમાં રુપાંતર જરુર કરી શકીએ

     અહીં અને અત્યારે જ જીવવાનું શરુ કરી શકીએ.

Categories: સુવીચાર