ગદ્યસુર

મીત્રતા

November 18, 2007 · 2 Comments

એક બહુ જ ગમેલો વીચાર -

મીત્રતા એક સુવાસીત લ્હેરખી જેવી હોય છે.  તમે તેને પકડી, સુંઘી કે ચાખી નથી શકતા. એ ક્યાંથી આવે છે, તે પણ તમે જાણી નથી શકતા. પણ તમે હમ્મેશ તેને અનુભવી શકો છો. એ હોય તો તમને તરત ખબર પડી જતી હોય છે કે, તે છે.

એ તો આવે અને જતી પણ રહે. પણ એ જરુર પાછી આવશે. 

કોઈ પાછા વળીને નવેસરથી શરુઆત કરી શકતું નથી.

પણ…

આજની આ પળથી શરુ કરીને તમે એક સાવ નવી શરુઆત કરી શકો છો.

Categories: આધુનીક ભારતીય · ગદ્ય/ અછાંદસ · સુરેશ જાની

ક્ષીર સાગર

November 18, 2007 · 1 Comment

        અરે ભાઈ! આ કોઈ પુરાણકથા નથી. મારું એકદમ નવલું અવલોકન છે. નવા ઘરમાં ગયા પછી, જુનું જીમ બહુ દુર પડતું હતું. એટલે તેની શાખા આ નવા શહેરમાં શોધી કાઢી. અને તેના નાના અમથા જેકુઝીનો આજે પહેલ વહેલી વાર લાભ લીધો. હવે માળું અહીંની સીસ્ટમ એવી છે કે જેકુઝીમાં થોડું અમથું ફીણ થાય તેવું પ્રવાહી નાંખતા લાગે છે. જેવું બબલર ચાલુ કરીએ કે તરત ફીણ વળવાનું ચાલુ થઈ જાય. થોડીક વારમાં તો ફીણના ગોટે ગોટા વળવા માંડે.

        જેકુઝીમાંથી નીકળતાં નીકળતાં એક વીચાર આવ્યો. ચહેરાને આ ફીણનો સ્પર્શ કરાવું તો? અને ધીરે ધીરે શરીર નીચે ઉતારતો ગયો. હવે પાણીની સપાટીની લગોલગ મારા હોઠ આવી ગયા હતા.  અને સ્પર્શની એક અજીબો ગરીબ અનુભુતી થઈ ગઈ. ફીણના ગોટાના આધાર જેવા પરપોટાની કુમાશ અનુભવવા મળી. અનેક પરપોટા મારા હોઠને અડીને ચાલી જતા હતા, કો’ક હળવાશથી ફુટી પણ જતા હતા. હીલસ્ટેશન ઉપર વાદળાં તમારી આસપાસ તમને વીંટળાઈ વળે તેમાં દર્શનની એક નુતન અનુભુતી મળે તેમ અહીં સ્પર્શ ભાવની એક અજાયબ અનુભુતી ચીત્તને પ્રાપ્ત થઈ. મન પ્રસન્ન થઈ ગયું.   

        હજુ ઈન્દ્રીયોથી પ્રાપ્ત આવા અનેક અનુભવોથીય આપણે અજ્ઞાત અને અળગા રહેલા છીએ; તો ઈન્દ્રીયાતીત અનુભવો કેવા હશે?

Categories: અવલોકન

આજનો સુવીચાર

November 18, 2007 · 2 Comments

જગતમાં શાંતી હો, અને તેની શરુઆત મારાથી થાઓ.

Categories: સુવીચાર