ગદ્યસુર

આજનો સુવીચાર

November 20, 2007 · 4 Comments

પર્વતના ઢોળાવ પરથી
ઉપર જવા કરતાં નીચે જવું ખચીત સરળ છે;
પણ સુંદર દ્રશ્ય તો પર્વતની ઉપરથી જ મળે છે.

Categories: સુવીચાર

પાર્કનો રસ્તો

November 20, 2007 · 1 Comment

       અમારા ઘરેથી દુર આવેલા એક પાર્કમાં જતા હતા. દુર હોવાને કારણે હાઈવે પકડ્યો હતો. હાઈવેની લીસ્સી સપાટી પર પાણીના રેલાની જેમ ગાડી પસાર થઈ રહી હતી. પાર્ક નજીક આવ્યો એટલે અમે એક્ઝીટ લીધો. આ એપ્રોચ રોડની સપાટી એટલી સારી ન હતી. તરત ગાડીનો અવાજ બદલાયો અને તે હખળ ડખળ ચાલવા માંડી. પાર્કની અંદરના રસ્તો તો વધારે જર્જરીત હતો. ગાડી પાર્ક કરીને અમે એક ટ્રેલની કેડી પકડી. અહીં તો માંડ બે જણ બાજુ બાજુમાં ચાલી શકે એટલી જ જગ્યા હતી. આગળ ચાલીને અમે એક કાચી કેડી પકડી. અમે હવે સાવ અડાબીડ વ્રુક્ષો અને છોડવાઓની વચ્ચેથી ચાલી રહ્યા હતા. માંડ એક જણ ચાલે તેવી કેડી જ હતી.

       અને મન વીચારે ચડ્યું.

        અહીં સો બસો વરસ પહેલાં આવી કેડી પણ નહીં હોય. અરે! પેલા ચકચકીત હાઈવેની જગાએ પણ આવી કેડી નહીં હોય. જંગલી જાનવરો કે આદીવાસી લોકો સીવાય કોઈ અહીં ચાલતું નહીં હોય. ધારોકે બસો વરસ પહેલાંના એ સમયમાં અમે જીવતા હોત તો, ઘેરથી આ જગ્યાએ શી રીતે અને કેટલા સમયમાં પહોંચ્યા હોત? કેટકેટલી વીટંબણાઓથી ભરેલું જીવન હોત?

         બરાબર રસ્તો મળી જાય એની જ બધી કરામત છે ને? બસ! સાચો અને સારો રસ્તો મળી જાય એટલે ભયો ભયો.

Categories: અવલોકન