ગદ્યસુર

પહેલો અમેરીકન જાસુસ, ભાગ -2

November 25, 2007 · 4 Comments

ભાગ -1  

                                      nathan-hale_1.jpg

       હેઈલની વળતી મુસાફરી તે આવ્યો હતો, તે જ માર્ગે હતી. તેણે જ્યાંથી સ્ટીમબોટ પકડવાની હતી તે સેડર્સ નામની જગાએ તે 21મી સપ્ટેમ્બરની વહેલી સવારે પાછો આવી ગયો. હજુ તેને સામે કાંઠે લઈ જાય તેવી સ્ટીમબોટ આવવાને વાર હતી. બ્રીટીશ રાજને વફાદાર એવી નાની એક વીશીમાં તે કાંઈક પેટપુજા કરવા રોકાયો. ત્યાં તેને એક જાણીતો ચહેરો દેખાયો, પણ તેને યાદ ન આવ્યું કે, તે કોણ હતો. હેઈલે ખાવાનું શરુ કર્યું અને બીજા અજાણ્યા માણસો સાથે વાતચીતમાં પરોવાયો.

       ત્યાંજ પીરસનારી બાઈએ બુમ પાડી કે, ” બારામાં સ્ટીમબોટ આવી પુગી છે.”

       હેઈલને એમ કે, તેની બોટ આવી પહોંચી. તે વીશીની બહાર નીકળ્યો ન નીકળ્યો અને દસેક બ્રીટીશ સૈનીકો તેને ઘેરી વળ્યા અને તેને પકડી લીધો. આ ટુકડીમાં પેલો જાણીતા જેવો લાગતો માણસ પણ તેને દેખાયો. હવે તેને ખ્યાલ આવ્યો કે, તે સેમ્યુઅલ હેઈલ નામનો, બ્રીટીશ રાજને વફાદાર, તેનો દુરનો એક પીતરાઈ ભાઈ જ હતો. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. નથન માટે હવે છટકવું અશક્ય હતું.

        સૈનીકોએ તેની ઝડતી લીધી અને થોડીક જ વારમાં તેના જોડામાંના ગુપ્ત દસ્તાવેજો પકડાઈ ગયા. તેને ન્યુયોર્ક પાછો મોકલવામાં આવ્યો અને જનરલ હોવે પાસે રજુ કરવામાં આવ્યો.   જનરલ હોવે ઉપર હેલની હેસીયત, આવડત, કાર્યદક્ષતા અને ચાલાકીની ઘણી અસર થઈ.

        જનરલ હોવેએ કહ્યું,” હેઈલ! જો તું અમારા જાસુસ તરીકે કામ કરવા તૈયાર હો; તો હું તને સમ્પુર્ણ માફી બક્ષવા તૈયાર છું. તને રાજા તરફથી કામ કરવા માટે બહુ મોટું વળતર હું અપાવીશ.”

        પણ હેઈલે ઘસીને ના પાડી. તેની મા જેવા સંસ્થાનોની ગદ્દારી કરવા તે હરગીજ તૈયાર ન હતો, બીજા દીવસની વહેલી સવારે તેને ફાંસી આપવા જનરલ હોવેએ હુકમ આપ્યો. તેની જ પાસે એક ઝાડની નીચે, તેના પોતાની કબરનો ખાડો ખોદાવવામાં આવ્યો.

          બીજા દીવસના મળસ્કે જેલની કોટડીમાંથી નથન હેઈલને તે જગ્યાએ લઈ જવામાં આવ્યો. તેને કાંઈ છેલ્લો સંદેશો આપવો હોય તો તે જણાવવા કહેવામાં આવ્યું.

         હેઈલે તેનો બહુ જ પ્રસીદ્ધી પામેલો સંદેશ કહ્યો,” મને બહુ જ અફસોસ છે, કે મારા વતનને માટે કુરબાની આપવા, મારી પાસે માત્ર એક જ જીંદગી છે.”

         22મી સપ્ટેમ્બર, 1776ના દીવસે 21 વરસનો નથન હેઈલ માત્રુભુમી કાજે શહીદ બની ગયો. તે અમેરીકાનો પહેલો જાસુસ હતો, જે તેની કામગીરીમાં કામીયાબ નીવડ્યો ન હતો; પણ તેનું નામ અમેરીકાના ઈતીહાસમાં પહેલા જાસુસ તરીકે સુવર્ણાક્ષરે લખાયેલું છે.

          તેની યાદમાં યુ.એસ.એ.ની જગવીખ્યાત સંસ્થા સી.આઈ.એ. ના, વોશીંગ્ટન ડી.સી. ની નજીક આવેલા મુખ્ય મથકના મુખ્ય પ્રવેશદ્વારની બહાર તેનું એક બાવલું મુકવામાં આવેલું છે.

—————————————————–

         જાસુસ અને જાસુસી, એ બહુ જ વગોવાયેલા શબ્દો હજુ પણ છે. પણ આપણે એ ન ભુલીએ કે, આવા અજ્ઞાત દેશભક્તો  કોઈ પણ દેશની લશ્કરી કામગીરીની સફળતાની પાર્શ્વભુમાં, એક પાયાની ઈંટની જેમ ધરબાયેલા પડેલા હોય છે.

 

નથન હેલ વીશે વધુ વાંચો :     -  1  -  :  - 2 –  :  -  3  -

Categories: સત્યકથા

આજનો સુવીચાર

November 25, 2007 · 1 Comment

 હું ‘કદાચ’ ની શોધ કરીશ.

Categories: સુવીચાર