ગદ્યસુર

Entries from December 2007

જેલ લેગ

December 31, 2007 · 6 Comments

મારી પહેલી વાર્તા      

        પહેલી જાન્યુઆરીના સવારના આઠ વાગ્યા હતા. દીપક તેના નવા અભીયાનના ઉત્સાહમાં, તેની જેલમાં હસતે મુખે પ્રવેશ્યો. આગલો મહીનો કેવો રહેશે તેની અનેક કલ્પનાઓ તેના મગજમાં આકાર લઈ રહી હતી. તેની કોટડીમાં ચાર દીવાલો હતી અને બે બારણાં. એક પણ બારી આ ઓરડામાં ન હતી. એક બારણું બધી સુવીધાવાળી બાથરુમમાં ખુલતું હતું. આ બાથરુમને પણ કોઈ બારી ન હતી. તે જ્યાંથી આવ્યો હતો, તે બીજું બારણું એક લોબીમાં ખુલતું હતું. લોબીમાં પણ બહારનો પ્રકાશ ન પ્રવેશે તેની કાળજી લેવામાં આવી હતી.  તેના ઓરડામાં ટેબલ, ખુરશી અને સુવાની સરસ  પથારી હતાં.  એક ફ્રીજ પણ હતું.  પીવા માટેનાં તેનાં મનગમતાં પીણાં પણ ફ્રીજમાં રાખેલાં હતાં. ટેબલ પરના બે ત્રણ ડબ્બામાં તેને મનભાવતાં નાસ્તા પણ હતા. અરે, તેને ગમતા મુખવાસની બે ત્રણ ચીજો પણ ટેબલ પર મોજુદ હતી! આ ઉપરાંત ટેબલ પર તેની પસંદગીનાં પુસ્તકો, એક ટેપ રેકોર્ડર, તેને મનગમતાં ગીતોની સીડીઓ અને એક ઘડીયાળ હતાં. દીવાલ ઉપર સરસ કુદરતી દ્રશ્ય વાળું એક કેલેન્ડર હતું. એક સરસ પ્રકાશ આપતી લાઈટ અને નાઈટ લેમ્પ પણ હતાં. ટુંકમાં તેને જીવન જરુરીયાતની બધી ચીજો ત્યાં હાજર હતી.  દીપકને હસવું આવી ગયું. અહીં તેણે પોતે જ પોતાનો દીવસ અને પોતાની રાત સર્જવાનાં હતાં. લાઈટ ચાલુ કરે એટલે દીવસ અને બંધ કરે એટલે અંધારઘેરી રાત.

          હમણાં જ તેણે ત્રીવેદી સાહેબ સાથે ગરમાગરમ નાસ્તો અને ચા લીધાં હતાં. સાથે ત્રીવેદી સાહેબના બે આસીસ્ટન્ટો પણ હતા. તેને આ નવા પ્રયોગની બધી શરતો સમજાવવામાં આવી હતી. તે આ પ્રયોગમાં પોતાની રાજીખુશીથી  સ્વયંસેવક તરીકે જોડાયો હતો. તેણે 25 દીવસ આ જેલમાં રહેવાનું હતું. તેને બધી જ સુવીધાઓ ત્યાં પુરી પાડવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું.  બહારની દુનીયા સાથે  તેનો કોઈ સમ્પર્ક રહેવાનો ન હતો. કોઈ ટી.વી. , રેડીયો કે છાપાં તેને મળવાનાં ન હતાં. તેણે કોઈની સાથે મળવાનું ન હતું. દરરોજ ચાર વખત એક નોકર આવીને તેને ચા, નાસ્તો અને  જમણ આપી જવાનો હતો. તેના વાસી કપડાં લઈ જઈ નવાં કપડાં પણ તે જ આપી જવાનો હતો. તેને ખાસ કહેવામાં આવ્યું હતું કે તેણે આ નોકર સાથે કોઈ વાત કરવાની ન હતી. અને જો કરે તો પણ નોકર કોઈ વાત તેની સાથે કરવાનો ન હતો. તેને કોઈ ખુટતી ચીજ હોય તો તેની ચીઠ્ઠી તેણે નોકરને આપવાની હતી, અને તે તેને પુરી પાડવામાં આવશે તેવું તેને કહેવામાં આવ્યું હતું. તેનો સેલ ફોન ત્રીવેદી સાહેબે માંગી લીધો હતો. જેલની મુદત પુરી થયે તે તેને પાછો મળશે, તેમ તેને કહેવામાં આવ્યું હતું. આ પ્રયોગનો ઉદ્દેશ્ય તેનાથી ગોપીત રાખવામાં આવ્યો હતો.  પણ ત્રીવેદી સાહેબે તેને હૈયાધારણ આપી કે, પ્રયોગના અંતે આ બધું તેની સાથે મુક્ત મને ચર્ચવામાં આવશે. આ ગોપનીયતા પ્રયોગની સફળતા માટે બહુ  જરુરી છે, તેમ પણ તેને કહેવામાં આવ્યું.  વીજ્ઞાનના એક વીદ્યાર્થી તરીકે આ વાત તેણે શીસ્તભેર સ્વીકારી લીધી.

         આ પચીસ દીવસ તો ક્યાંય પસાર થઈ જશે એવી આશામાં દીપકે તેના પહેલા દીવસની શરુઆત કરી. સમયનું ભાન રહે તે માટે તેણે કેલેન્ડરમાં 1લી જાન્યુઆરીના દીવસ પર ટીક કરી.  તે એક આધુનીક યુવાન હતો. વળી હતો વીજ્ઞાનનો વીદ્યાર્થી  અને લગભગ નાસ્તીક કહી શકાય તેવી ધર્મભાવનાવાળો. તે કદી મંદીરમાં જતો નહીં, કે પ્રાર્થના કે ભજન પણ ન કરતો. તેને આ પ્રયોગમાં એક વીજ્ઞાની તરીકે રસ જાગ્યો હતો અને આથી તે આમાં સ્વેચ્છાએ જોડાયો હતો. તેને જાણવાની બહુ જ ઉત્કંઠા હતી કે, ત્રીવેદી સાહેબ આ પ્રયોગથી શું તારવવા માંગે છે.

***

        આજે સાતમો દીવસ હતો. તેણે જાતે નક્કી કરેલી દીનચર્યા પ્રમાણે તેણે આ અઠવાડીયામાં કસરત,  પુસ્તક વાંચન, સંગીત, અને દીવસમાં અનેક વાર ઓરડાની એક બાજુથી બીજી બાજુ વીસ વીસ આંટા મારવાનો ક્રમ જાળવી રાખ્યો હતો. ત્રણ ચોપડીઓ વંચાઈ ગઈ હતી. બીજી ત્રણ તેની ફરમાઈશ પ્રમાણે આવી ગઈ હતી. તેની સાથેની ગઝલો અને કવીતાની ચોપડીઓમાંથી તેણે છ નવી ગઝલો  અને ગીતો મોંઢે કરી લીધાં હતાં.

         પણ કંટાળો તેને ધીમે ધીમે ઘેરવા માંડ્યો હતો. સ્વજનો અને મીત્રોની ખોટ તેને બુરી રીતે સાલવા માંડી હતી. અરે કોઈક સાવ અજાણ્યું જણ પણ કાંઈક વાત કરવા મળી જાય, તે માટે તેનું દીલ તરસતું હતું. ભાતભાતનાં ભોજન હવે તેને અકારાં લાગવાં માંડ્યાં હતાં. ઓરડો તેને ખાવા ધાતો હોય તેમ તેને લાગવા માંડ્યું હતું.

***

         આજે બે અઠવાડીયાં પસાર થઈ ગયાં હતાં. હવે તે જીવ ઉપર આવી ગયો હતો. આ જેલની બધી સુવીધાઓ તેને અકારી લાગવા માંડી હતી. બે દીવસથી કોઈ ચોપડી તેણે વાંચી ન હતી.  હવે મનગમતાં ગીતો પણ અકારાં લાગતા હતાં. હજુ ગઈકાલે જ તેણે નોકર સાથે વાત કરવા નીશ્ફળ પ્રયત્ન કર્યો હતો. તેણે નક્કી કર્યું કે આજે ખાવાનું લઈને તે આવે, ત્યારે તેની સાથે જબરદસ્તી કરીને પણ તેનું મોં ખોલાવવું.

         અને તે આવી પહોંચ્યો. ફરી દીપકે તેની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો. પણ એ રામ તો એના એ. દીપકે તેને ધક્કો મારીને નીચે પાડી નાંખ્યો. તેની ઉપર તે ચઢી ગયો અને તેનું ગળું ભીંસી, તે નહીં બોલે તો તેનો શ્વાસ ઘુંટી નાંખવાની ધમકી આપી. પણ ઈશારાથી નોકરે સમજાવ્યું કે તે બહેરો અને મુંગો હતો. દીપકે હતાશાથી તેને છોડી દીધો. તેને આ પ્રયોગમાં સ્વયંસેવક થવાની પોતાની મુર્ખાઈ પર અફસોસ થવા માંડ્યો. ગુસ્સાના આવેશમાં તેણે ટેપ રેકોર્ડર અને ચોપડીઓ છુટ્ટા ઘા કરીને ફેંકી દીધાં. હજુ દસ કાળઝાળ દીવસો તેણે આ કાજળ કોટડીમાં પસાર કરવાના હતા.

    તે રાત્રે તે સુતો અને બે એક કલાક પછી ઝબકીને જાગી ગયો. એરકન્ડીશન ચાલુ હોવા છતાં તે પસીને રેબેઝેબ થઈ ગયો હતો. એક દુઃસ્વપ્ન હમણાં જ પસાર થઈ ગયું હતું અને તેની ભયાનક યાદ હજુ તાજી હતી. તેણે કરેલા આક્રમણ માટે કોર્ટમાં તેની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેને દસ વરસની કેદ આ જ ઓરડામાં કરવામાં આવી હતી. તેણે આ સ્વપ્ન જ હતું તે માન્યતા મનમાં દોહરાવ્યા કરી.

***

     બીજા દીવસે તે નોકર ફરી આવ્યો, પણ તેના ચહેરા પર ભય અને અવીશ્વાસ ડોકીયાં કરતાં તેને જણાયા. તેને શંકા થવા માંડી કે રાતની વાત સ્વપ્ન હતી કે સત્ય. પણ આ ભ્રમણા તેને દરરોજ પીડવા લાગી.  

***

          આજે વીસમી જાન્યુઆરીનો દીવસ ઉગ્યો – કેલેન્ડરમાં! દીપકને અસમંજસ થયો, ‘ તે એક દીવસ ટીક કરવાનું ભુલી તો નથી ગયોને? !’ તેને સુર્ય અને ચંદ્રની ખોટ, પોતાનાં સ્વજનો અને મીત્રો કરતાં પણ વધારે સાલવા લાગી. કેલેન્ડરના બારે બાર પાનાનાં દ્રશ્યો તે અનેક વાર નીહાળી ચુક્યો હતો. હવે ઘાસનું એક તણખલું પણ જોવા મળે તે માટે દીપક લાલાયીત બની ગયો હતો. તેણે હવે અંતરથી પ્રાર્થના કરવા માંડી, ‘ એ સ્વપ્ન સ્વપ્ન જ રહે અને એ આશાભરી પચીસમી તારીખ આવી જાય!  ક્યારે માણસનો અવાજ તેને સાંભળવા મળે! ‘

           તે લગભગ ગાંડા જેવો બની ગયો હતો. અઠવાડીયાથી તેણે દાઢી પણ ક્યાં કરી હતી? અને છેલ્લું સ્નાન કર્યાને આજે ત્રીજો દીવસ હતો. આવા અમાનવીય પ્રયોગો કરવા માટે ત્રીવેદી સાહેબનો ટોટો પીસી નાંખવાની રાક્ષસી ઈચ્છા પણ તેને થઈ આવી. દસ વરસની જેલની ભ્રમણા હવે ભ્રમણા રહી ન હતી, પણ એક ક્રુર અને નક્કર વાસ્તવીકતા તેના મનમાં બની ચુકી હતી. કોર્ટના જજની  સાથે પણ નવી અદાવત ઉભી થઈ ગઈ  હતી. આખા જગતમાં તેને માટે હવે કોઈ આશાનું ચીહ્ન તેને દ્રશ્ટીગોચર થતું ન હતું. અસહાયતાની લાગણી તેને ઘેરી વળી હતી.  તેના દુર્દૈવ  માટે તે પોતાને કોસતો રહ્યો.

 ***

      અને તે સુભગ દીવસ આવી પુગ્યો. દીપકે લાઈટ ચાલુ કરી અને કેલેન્ડરમાં પચીસમી વાર તેણે નીરસ ભાવે ‘ટીક’ કરી.  આ પ્રવ્રુતી તેને સાવ નકામી લાગવા માંડી હતી. તેને બહાર લઈ જવામાં આવે તેવી કોઈ આશા તેના ચીત્તમાં હવે રહી ન હતી. રોજની જેમ તે નીરસ રીતે સામેની દીવાલ તરફ અર્થહીન રીતે તાકી રહ્યો હતો.  સવારના આઠ વાગ્યા અને બારણું ખુલ્યું. ત્રીવેદી સાહેબ જાતે તેમના મદદનીશો સાથે તેની કોટડીમાં પ્રવેશ્યા.

    તેમણે દીપકને કહ્યું, ” ચાલ, દીપક! પ્રજાસત્તાક દીને તને આ જેલમાંથી મુક્તી આપતાં મને આનંદ થાય છે.”

    દીપક વીચારમાં પડ્યો. તેને સમજ ન પડી.તે માંડ માંડ બોલી શક્યો, ” સાહેબ! મારી સજાનું શું? ”  

   ત્રીવેદી સાહેબ બોલ્યા,  ” શેની સજા? તારું મગજ ઠેકાણે લાગતું નથી.”

   દીપકને જીંદગીમાં પહેલી વાર ભગવાન જેવું કંઈક છે તેમ લાગ્યું. ત્રીવેદી સાહેબ તો ભગવાનનો અવતાર જ તેને જણાયા.

   કેલેન્ડર સામે જોઈ તે બોલ્યો, ” પણ આજે તો પચીસમી તારીખ જ થઈ છે ને? “

    ત્રીવેદી સાહેબ બોલ્યા, ” ના,  આજે છવ્વીસમી થઈ છે. લે, આ તારા સેલફોનમાં જોઈને ખાતરી કરી લે.  તારા ઓરડાની ઘડીયાળમાં થોડી જ તારીખ આવે છે? તારો દીવસ તો તેં જ નક્કી કરેલો છે. આ ઓરડાનો દીવસ! “

    ત્યારે મોડા મોડા દીપકને ખબર પડી કે ‘ સમય સાપેક્ષ હોય છે. ‘  તે સાબીત કરવા માટે તેની અને તેને સેવા આપતા નોકરની ઘડીયાળો  દરરોજ એક કલાક મોડી પડે તેમ સેટ કરેલી હતી! તેના જીવનમાંથી  આખ્ખો એક દીવસ, સાવ વપરાયા વગર વીતી ચુક્યો હતો.  એકલતામાં તેના મનોભાવોમાં થયેલા ફેરફારોને આનુશંગીક વર્તનની છુપી વીડીયો ફીલ્મ પણ ત્રીવેદી સાહેબને મળી ગઈ હતી.  આ ફીલ્મ તેને પણ બતાવવામાં આવી અને તે પોતે પોતાના વર્તન માટે વીચારતો થઈ ગયો.

     જેલ લેગ (!) ના  અને એકલતાના આ નવતર પ્રયોગના પ્રથમ ગીનીપીગ બન્યાનું ગૌરવ હવે તે અનુભવી રહ્યો હતો.  

Categories: વાર્તા

આજનો સુવીચાર

December 31, 2007 · Leave a Comment

મને નીશ્ફળતાનો ભય ત્યાં સુધી જ રહ્યો,
જ્યાં સુધી મને ભાન ન થયું કે,
હું પ્રયત્ન ન હોતો કરતો ત્યારે
અવશ્ય નીશ્ફળ જતો હતો.

Categories: સુવીચાર

આજનો સુવીચાર

December 30, 2007 · Leave a Comment

જ્યાં સુધી મારી જાતને ચાહવાની આવડત મેં ન કેળવી;
ત્યાં સુધી  જ એકલા પડી જવાનો મને ભય રહ્યો.

Categories: સુવીચાર

સમતુલા અને પ્રમાણસરતા – ભાગ -2 , રશ્મીકાન્ત દેસાઈ

December 30, 2007 · 7 Comments

         એક ખાસ જોડકા વીશે વધુ વીચારવા જેવું છે, આત્મા અને દેહ.  શ્રીકૃષ્ણએ ભલે દેહને ઉતારી પાડ્યો હોય, તે પણ આત્મા જેટલો જ મહત્ત્વનો છે. ન તો ઓછો, ન વધારે. જેટલો નકામો આત્મા વગરનો દેહ છે તેટલો જ નકામો દેહ વગરનો આત્મા (ભુત?) પણ છે. દેહનું કશું જ મહત્ત્વ ન હોત તો, નવ નવ વખત અવતાર લેવાની (દેહ ધારણ કરવાની) જરૂર કેમ પડી? નીર્ગુણ પરમેશ્વર નીર્ગુણ અવસ્થામાં જ દુશ્ટોનો વીનાશ અને સજ્જનોનું પરીત્રાણ કેમ ન કરી શકે? જેના ‘બહૂની’ જન્મો થયા છે તેના જન્મદીનો ઉજવવા માટે ઘણા દીવસો ન જોઈએ? દર વર્ષે શ્રાવણ વદ આઠમને દીવસે જે ઉજવીએ છીએ, તે દેવકીને પેટે કંસના કારાગારમાં જન્મેલા નશ્વર દેહનો નહીં તો શું તેના આત્માનો જન્મ હતો? જો જન્મનો આનંદ ઉજવીએ તો મરણનો શોક ન થાય એમ કેમ બને? સ્વયં શ્રીકૃષ્ણના મુખેથી ગીતાનો ઉપદેશ સાંભળનાર અર્જુનને અભીમન્યુના મૃત્યુનો શોક થયો; તેનાથી શું પુરવાર નથી થતું કે, તે ઉપદેશ પાળી શકાય તેવો છે જ નહીં?

        આત્મા અને શરીર વચ્ચેનો સંબંધ કંઈ શરીર અને કપડા વચ્ચેના સંબંધ જેવો છીછરો (superficial) નથી. આત્મા અને શરીર વચ્ચે એકએકસંગતતા (one-to-one-correspondence) હોય છે. એક આત્મા એક જ શરીરમાં વસી શકે, એક શરીરમાં એક જ આત્મા વસી શકે. જ્યારે એક શરીર જુદા જુદા કપડા પહેરે, એક કપડું કાઢી નાંખી, ધોવાયા બાદ ફરી પાછું પહેરે. શરીરો એક બીજાના કપડાં પહેરી શકે, આત્માઓ એક બીજાના દેહ ધારણ ન કરી શકે. આમ આ બે સંબંધો જરા પણ સરખા નથી. તેથી શરીરની વસ્ત્ર સાથેની સરખામણી (ભગવદ્ગીતા ૨.૨૨) વ્યર્થ છે. તેમ ન હોત તો પ્રહલાદ નામના નાશવંત શરીરને હીરણ્યકશીપુ નામના નાશવંત શરીરના દુઃખમાંથી બચાવવા નરસીંહ નામનું કામચલાઉ શરીર ધારણ કરવાની ફરજ વીશ્ણુને પડી ન હોત.

      અહીં જ પ્રમાણસરતાની જરુર પડે છે. કોઈ સ્વજન કે સ્નેહીના દેહાંતનો શોક તો થાય જ. અને તેમાં કશું ખોટું નથી. શોક ન જ કરવો તે એક આત્યંતીકતા (extremism) થઈ. બીજે છેડે શોકનો અતીરેક એવો થાય કે આપણો કે આપણા જીવીત સ્વજનોનો વ્યવહાર સાવ ઠપ્પ થઈ જાય. બંન્ને પ્રતીક્રીયા અનુચીત છે. મરનારની વય તથા મરણના સંજોગો અનુસાર વધતોઓછો પ્રમાણસર શોક કરવો જોઈએ.

       તેવી જ પ્રમાણસરતા બીજા ભાવો અંગે પણ જાળવવી જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પણ આપણા નૈસર્ગીક ભાવો છે;  શત્રુઓ નહીં. તેમને સાવ નીર્મુળ કરવાની જરુર નથી. જો તેમને યોગ્ય દીશામાં વાળવામાં આવે તો (channelize કરવામાં આવે તો)  પર્યાપ્ત પ્રમાણમાં તેઓ પણ ઉપયોગી નીવડી શકે. જેમકે દ્રશ્ટી સમક્ષ અત્યાચાર થતો હોય; ત્યારે ક્રોધ કરવામાં કશું ખોટું નથી. બીજી તરફ પ્રેમ, દયા, ઇત્યાદી સારા ગુણોનો અતીરેક પણ યોગ્ય નથી.

          આજકાલ ઘણા લોકો ધ્યાન ધરતા થઈ ગયા છે; અથવા તેવો દાવો કરે છે. સારી વાત છે. તેથી પણ વધારે અગત્યની વાત ધ્યાનના સમય સીવાયના સમયમાં આપણે કેવું વર્તન રાખીએ છીએ તે છે. ધ્યાન તો દીવસમાં થોડા કલાક જ ધરી શકાય. બાકીના સમયનું શું? એવા પણ ‘ધ્યાની’ઓ હોય છે કે, વચગાળાના સમયમાં દુશ્ક્રુત્યો કરતા હોય.  તેથી ‘ધ્યાન રાખવા’નું મહત્ત્વ વધારે છે. એટલે કે જે કાંઈ કર્મ કરીએ તેમાં ધ્યાન રાખીએ કે, તે ઈશ્વરપ્રીત્યર્થે જ કરવાનું છે. કદાચ આપણી મનોવૃત્તી એવી ધાર્મીક પ્રકારની ન હોય. આપણા સ્વાર્થ માટે જ કર્મ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે, તેનાથી બીજાનું હીત ભલે ન થાય, પણ અહીત તો ન જ થવું જોઈએ. પરમાર્થનું કામ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે, તેનાથી આપણું પોતાનું, આપણા સ્વજનોનું કે ત્રાહીતનું અહીત ન થાય. પ્રત્યેક પળે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઈશ્વરથી આપણી કોઈ પ્રવૃત્તી અજાણી નથી.

      ગુરુઓ કહે છે કે અહમ્ છોડો. પણ પોતાના આધ્યાત્મીક ચડીયાતાપણાના અભીમાન વગર ગુરુ બની શકાતું નથી. કોઈ એક આત્મા અને તેના તે સમયના શરીરની એક વીશેશ ઓળખાણ હોય છે. જેમકે જેના ‘બહૂની’ જન્મો થયા તે કૃષ્ણ તેના મીન કે વરાહ અવતારથી સાવ નોખા હતા. તેમ ન હોય તો બધા જ અવતારને એક જ નામથી ન બોલાવીએ? અથવા તેમના ક્રમાંકથી, જેમ કે રામને સપ્તમ અને કૃષ્ણને અષ્ટમ કહીએ તો કેવું લાગે? આમ આપણી વીશીશ્ટતા સાચવવા અહમ્ બહુ જ જરુરી છે. તેનો સદુપયોગ કરી શકાય કે દુરુપયોગ કરી શકાય. સદુપયોગ જ કરવો જોઈએ. પણ તેને નીર્મુળ કરવાની સલાહ સાવ ખોટી છે. આપણે કંઈ એક ક્રમાંક (નંબર) નથી.  જીવતા, જાગતા, વીચારતા માનવો છીએ. આપણું આગવું વ્યક્તીત્વ ભુલાવી દેવાથી આપણું, પરમેશ્વરનું કે પછી સમાજનું શું ભલું થઈ શકે? કદાચ શીશ્યોને દબાયેલા રાખવા માટે ગુરુઓને તે જરૂરી જણાતું હશે.

      હવે આપણે પહેલા ફકરામાં પુછેલા પ્રશ્નનો ઉત્તર આપી શકીશું. આપણી વર્તણુંક સુધારવામાં સૌથી મોટો અંતરાય હતો બીનજરુરી અને અશક્ય આદેશોનો. જેવા કે ‘બ્રહ્મચર્ય પાળો’,  ’શોક ન કરો’,  ‘અહમ્ છોડો’ વગેરે. આને લીધે જે શક્ય અને જરુરી હતા અને છે; તે સીધા અને સરળ નીયમો -  જેવા કે ‘સાચું બોલો’, ‘દયા રાખો’ વગેરે - પણ દબાઈ ગયા અને ભુલાઈ ગયા.

      ન પાળી શકાય એવા સો નીયમો કરતાં પાળી શકાય એવા દસ નીયમો સારા.

web site  –   http://tatoodi.googlepages.com/home

Categories: રશ્મીકાંત દેસાઈ

સમતુલા અને પ્રમાણસરતા – ભાગ -1 , રશ્મીકાન્ત દેસાઈ

December 29, 2007 · 1 Comment

       ગુરુઓ અને બીજા પ્રવચનકારોનાં ભાશણો અને લખાણોની ભરમારમાંથી છેવટે તાત્પર્ય શું નીકળે છે? આ બધા ઉપદેશો આચરણમાં મુકી શકાય એવા છે? હોય તો તેમની ફલશુતી શું? ન હોય તો શું? ‘સાક્ષાત્પરબ્રહ્મો’ની પુજાનો કશો ફાયદો સમાજને થાય છે? ધર્મનો ઉદ્દેશ આપણી વર્તણુંક સુધારવાનો છે; એમ કહેવામાં આવે છે. તો તે હજારો વર્શો પછી પણ કેમ ફળ્યો નથી? આપણે સામાન્ય માનવીઓ શું કરી શકીએ?

       સાધક હોવાનો દાવો કરવાનો ખાસ ફાયદો એ છે કે, પછી નોકરીધંધો કશું જ કરવું ન પડે, સમાજ જ આપણું ભરણપોશણ કરે. તેમ છતાં બધાં સ્ત્રીપુરુશો કંઈ ‘મુમુક્ષુ’ બની ‘સાધના’ કરી શક્તા નથી કે કરવા ઈચ્છતા નથી. બધાં જ બ્રહ્મનીર્વાણ પામે તો ઈશ્વરના નાનાં કામો કોણ કરે? ઘડીઘડી અવતાર થોડા જ લેવાય છે? સાચા ઈશ્વરપ્રેમીઓ તો અનેક જન્મોમાં તેના કાર્યો કરવા તત્પર રહે, મોક્ષ ન વાંછે.

      એક કવિ (મનસુખલાલ ઝવેરી?) એ કહ્યું છે.

“ને દીઠું મેં જીવન ધર્મ્ય એક.
સામાન્યોના રાગ ને દ્વેષ વચ્ચે
રાખી હૈયાપાંખડીને અડોલ
આત્મા કેરી વર્ષવી સત્કલાને.”

     આમ કરવા માટે જરુર હોય તો તે સમતુલા અને પ્રમાણસરતા કેળવવાની, બહુ મોટી આધ્યાત્મીક સાધનાની નહીં. સમતુલા બે પ્રકારની હોય છે, નીશ્ક્રીય અને સક્રીય. આપણે સુતા હોઈએ ત્યારે તો કમાલની સમતુલા હોય; પણ બેસીએ, ઉભા થઈએ તેમ સમતુલા જાળવવા વધારે ધ્યાન રાખવું પડે. પછી ભલે તે આપોઆપ થતું હોય.

      ચાલવા માટે સક્રીય સમતુલા જાળવવી પડે. આ પ્રક્રીયા સમજવા જેવી છે. કઈ દીશામાં જવું તે માટે આંખો વાપરવી પડે. પણ ગતી  તો પગ વડે જ કરી શકાય. એક પગ આગળ જાય ત્યારે બીજો પગ પાછળ રહે પણ તે બાજુનો હાથ આગળ જાય. વારાફરતી બંને પગ તથા હાથ આગળપાછળ થયા કરે. પણ એક સાથે નહીં. બન્નેની લંબાઈ તથા મજબુતાઈ પણ સરખા જ હોવા જોઈએ. બીજી પણ એક વાત જરુરી હોય છે. તે છે – જે સપાટી પર ચાલવું હોય તેનું ઘર્શણ અને પ્રતીક્રીયા. તે ન હોય તો લપસી પડાય. ઘર્શણ અને પ્રતીક્રીયા પહેલી નજરે ખરાબ જણાય; પણ ગતી માટે તે પણ આવશ્યક છે. હવે આનો ઉપયોગ જીવનગતી સમજવા કરીએ.

        કેટલાક લોકો કેવળ બુદ્ધીને મહત્ત્વ આપે છે, બીજા કેટલાક કેવળ ભાવનાને.  ડાબાજમણા પગની જેમ આ બન્ને આવશ્યક છે. બન્નેને અવરોધો પણ આવે; પણ તેમની મદદથી આગળ વધવું જોઈએ. બેમાંથી એક ઓછું હોય તો જીવનયાત્રા ખોડંગાતી ચાલે. આવા જ બીજા પણ દ્વંદ્વો (જોડકાઓ) ઘણા છે જેવા કે શ્રધ્ધા અને તર્ક, વીદ્યા-અવીદ્યા, સંભુતી-અસંભુતી, હીંસા-અહીંસા, ભક્તી-કર્મ, આધ્યાત્મીકતા-ભૌતીકતા વગેરે. તે બધાનું વીશ્લેશણ કરવાની જરુર નથી. દરેક વાંચક પોતપોતાની રીતે તેમને સમજીને તે પ્રમાણે વર્તી શકે છે.   

            શ્રીકૃષ્ણએ ભલે કહ્યું (ભગવદ્ગીતા ૨-૩૮) પણ સુખ-દુઃખ, લાભ-અલાભ, કે જય-પરાજયને સરખા ગણી શકાય જ નહીં. તેમણે પોતે પણ છ સાત વાર પાંડવોનો વીજય કરાવવા માટે ગેરરીતી અપનાવી હતી. બધું જ સરખું ગણવાનું હોય તો પછી ‘સાધુ’ઓનું પરીત્રાણ અને દુશ્ક્રુતોનો વીનાશ શીદ કરવો? એટલા માટે કે દુર્જનો સજ્જનોને (‘સાધુ’ એટલે ‘સારા’ નહીં કે ભગવા વસ્ત્રધારી) ત્રાસ અર્થાત્ દુઃખ આપતા હોય છે. હવે જો સુખ્-દુઃખને સરખા જ ગણવાના હોય તો પરમેશ્વર સજ્જનોને તેવો ઉપદેશ આપીને સંતોશ ન માને? અવતાર શા માટે લે? આપણે પણ આરતીમાં ‘દુઃખ વિનશે મનકા, સુખ સંપતિ ઘર આવે, કશ્ટ મીટે તનકા’ ગાઈએ છીએ તે શું ગીતાના ઉપદેશની વીરુધ્ધનું નથી? સ્પશ્ટ છે કે, સુખ અને દુખને સરખા ગણી શકાય જ નહીં. એ ખરું કે પરમેશ્વર કંઈ સુખદુખનો ડીપાર્ટમેન્ટલ સ્ટોર નથી ચલાવતો કે, આપણી પસંદગી પ્રમાણેના સુખદુખ આપે. તે તો તેની અકળ સ્વયંસંચાલીત વ્યવસ્થા પ્રમાણે મળ્યા કરે.

web site  –   http://tatoodi.googlepages.com/home

————————–

ભાગ – 2 વાંચો આવતીકાલ   તા. 30 ડીસેમ્બર ના રોજ….

Categories: રશ્મીકાંત દેસાઈ

આજનો સુવીચાર

December 29, 2007 · Leave a Comment

સુખ આપણી મીઠાશ જાળવી રાખે છે.
કસોટીઓ આપણને શક્તીમાન બનાવે છે.
શોક આપણને માનવ બનાવે છે.
નીશ્ફળતાઓ આપણને નમ્ર બનાવે છે.
સફળતાઓ આપણને ઓજસ્વી રાખે છે.
પણ…..
આપણો અભીગમ  અને વીશ્વાસ જ
આપણને ચાલતા રાખે છે.

Categories: સુવીચાર

આજનો સુવીચાર

December 28, 2007 · Leave a Comment

આપણાં સ્વપ્ન
આપણને લઈ જાય
ત્યાં આપણે જઈ શકીએ છીએ.

Categories: સુવીચાર

આજનો સુવીચાર

December 27, 2007 · Leave a Comment

એક વૃક્ષની જેમ
ઉછરવા અને ડાળીઓ પ્રસરાવવા
આપણે યોગ્ય જગ્યા શોધવી જોઈએ.

Categories: સુવીચાર

ધ્વની એક શ્રવણ

December 27, 2007 · Leave a Comment

         હું જેકુઝીમાં સ્નાન કરવાની મઝા માણી રહ્યો હતો. ગરમ ગરમ પાણીમાં હોજની દીવાલોમાંથી હવા છોડાઈ રહી હતી, અને પરપોટાઓના ઢગના ઢગ ખડકાઈ રહ્યા હતા, આનો આછો આછો રવ સંભળાઈ રહ્યો હતો. મેં ડુબકી મારી. સ્વાભાવીક જ આ પરપોટા સમુહની હવાથી પાણી ડહોળાયેલું તો લાગતું જ હતું. પણ જેટ એંજીનમાંથી આવે તેવો ઘુઘવાટાભર્યો અવાજ સંભળાવા લાગ્યો. મને નવાઈ લાગી. પરપોટાઓનો આટલો બધો અવાજ? ફરી માથું બહાર કાઢ્યું, તો રવ ફરી આછો થઈ ગયો.

        વીજ્ઞાનનો નીયમ તરત યાદ આવી ગયો. જેમ માધ્યમ વધુ ઘટ્ટ તેમ અવાજની ઝડપ વધારે. કદાચ હવા છોડતા પાઈપની ધાતુ આગળ કાન માંડી શકીએ, તો વધારે ઘેરો અવાજ સંભળાય. અને વચ્ચે શુન્યાવકાશ હોય તો ? અવાજ સાવ જ ઓગળી જાય.

         માણસ માણસ વચ્ચેના સંવાદોમાંય માધ્યમ બહુ મોટો ભાગ ભજવે છે. જો તે સાનુકુળ હોય તો વાત બરાબર સંભળાય. અને બે વ્યક્તી વચ્ચે શુન્યાવકાશ હોય તો? બે કાન શા માટે ભગવાને આપ્યા છે?!

         તકવાદી શ્રવણ કે અશ્રવણના દાખલા સહેજે શોધવા પડે તેમ નથી!

Categories: અવલોકન

આજનો સુવીચાર

December 26, 2007 · Leave a Comment

પથ્થરની ચટ્ટાનો વચ્ચેથી
પાણી વહી જાય એ સફળતા છે.
 

Categories: સુવીચાર