જુના ઘરના રસોડામાં ગેસનો ચુલો હતો. નવા ઘરમાં ઈલેક્ટ્રીકનો છે. અહીં એક નવી ઘટના જોવા મળી. ચાની તપેલી બરાબર મુકાઈ ન હોય તો, તેને ઈલેક્ટ્રીકલ કોઈલનો એકાદ જગ્યાએ જ આધાર મળે છે. આથી કો’ક વખત તપેલી મુકતાં જ થરકવા માંડે છે. તેની અંદર ગરમ થતા મીશ્રણમાં પેદા થતા પ્રવાહો કો’ક એવું બળ ઉત્પન્ન કરે છે; જે તેની આ થરકાટ અવીરત ચાલુ ને ચાલુ જ રાખે છે.
વીજ્ઞાન અને એન્જીનીયરીન્ગની ભાશામાં આને રેઝોનન્સ કહે છે. આનો યોગ્ય ગુજરાતી પર્યાય શું તે મને ખબર નથી. સામસામી દીશામાં ગતી કરાવતાં પરીબળો જ્યારે હકારાત્મક રીતે કામ કરતાં હોય, એકમકને પુરક થતાં હોય ત્યારે, ગતીનું સંવર્ધન થાય છે. પરીણામે ગતી સતત ચાલુ જ રહે છે. બીજી કોઈ અવસ્થામાં આ ગતી સતત વર્ધમાન પણ થયા કરતી હોય; એમ પણ બને. અને તે એટલી અમર્યાદીત બની જાય કે આવા પાત્રને ઉથલાવીને ફેંકી પણ દે. અમારે ત્યાં સાબરમતી પાવર સ્ટેશનમાં 15 મે.વો.ના એક જનરેટરનું રોટર તેના સ્ટેટરને તોડીને બહાર ફેંકાઈ ગયું હતું , અને બીજા ભાગો મકાનના છાપરાને તોડીને બહાર ફેંકાઈ ગયા હતા. આને તક્નીકી ભાશામાં ક્રીટીકલ રેઝોનન્સ કહે છે. મોટા મશીનોમાં આમ ન બને, તે માટે ખાસ રચના રાખેલી હોય છે. મશીનોની ડીઝાઈનમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
જાતજાતના રેઝોનન્સ થતા હોય છે. આ તપેલીમાં થાય છે, તેવા યાંત્રીક બળોના તો ખરા જ; પણ વીજળી અને ચુંબકીય બળોના ક્ષેત્રમાં; કે અવાજના ક્ષેત્રમાંય આવા રેઝોનન્સ થતા હોય છે. દા.ત. જેટ વીમાન જ્યારે અવાજની ઝડપની લગોલગ પહોંચે છે; ત્યારે આવી જ કો’ક ઘટનાને કારણે હવામાં દબાણની એક અભેદ્ય દીવાલ બની જાય છે. આ દીવાલ પોલાદથી પણ વધારે ક્ષમતા ધરાવતી હોય છે. જો જેટ વીમાનનો આગળનો ભાગ અણીદાર રાખવામાં ન આવે તો આ દીવાલ તેના ફુરચે ફુરચા બોલાવવા કાબેલ હોય છે. માટે જ સુપરસોનીક વીમાનો આગળથી અણીદાર હોય છે, જે આ દીવાલને ચીરી નાંખે; વીમાનને અવાજથીય વધારે ગતીએ ઉડવા દે. બીજા સંદર્ભમાં નુક્લીયર બોમ્બમાં થતી ચેઈન રીએક્શનના કારણે ક્ષણાર્ધમાં પ્રચંડ અણુવીસ્ફોટ પણ આમ જ સર્જાતા હોય છે. ટી.વી. અને રેડીયોમાં આપણે ચેનલ કે સ્ટેશન પકડી શકીએ છીએ, તે પણ ઈલેક્ટ્રીક્લ રેઝોનન્સને કારણે જ શક્ય બનતું હોય છે. આમ જાતજાતના રેઝોનન્સ હોય છે.
જીવનમાંય આવા પરીબળોના રેઝોનન્સ ક્યાં નથી થતા? જો બધાં પરીબળો હકારાત્મક હોય તો જીવન જેટ વીમાનની જેમ સુપરસોનીક ઝડપે પ્રગતી કરે. અને જો બધું વીરોધમાં હોય તો ? ચાલતી ગાડી પણ અટકી જાય!
અને ત્યાં જ તો માનવજીવનની ગરીમા ઉજાગર થતી જણાય છે. યાંત્રીકશાસ્ત્રના આવા બધા નીયમોને અતીક્રમીને કો’ક વીરલા બધા અવરોધો છતાં; અપ્રતીમ નીર્ણયશક્તી, ધૈર્ય, સહનશીલતા, પ્રચંડ જીજીવીશા અને અથાક પ્રયત્નો થકી ખાડે ગયેલા જીવનને એક નવો જ વળાંક આપી શકે છે. કો’ક નવાં જ દ્વાર ખોલી નાંખે છે. જ્યાં બધી કેડીઓ બંધ થતી હોય, જ્યાં અંધારઘેરા બોગદામાં આશાનું એક પણ કીરણ ન દેખાતું હોય; ત્યાં આવા વીરલા નવા રાજમાર્ગોનું નવસર્જન કરવા શક્તીમાન બને છે. જ્યાં માત્ર અંધકાર અને અધોગતી જ આવા નકારાત્મક નૈસર્ગીક પરીબળોના પરીપાકમાં શક્ય હોય; ત્યાં તેઓ નવો પ્રકાશ ફેલાવી શકે છે. નવાં કુસુમોનો પમરાટ ફેલાવી શકે છે. નીરાશાના અંધકારને ભગાડી; નવી આશાનો ઉજાસ ફેલાવી શકે છે.
આવા વીરલાઓના જીવનની આવી અપ્રતીમ ઘટનાને આપણે માનવ ચેતનાનું; કો’ક અજાણ્યા, અણદીઠા, અસ્પર્શનીય દીવ્ય તત્વ સાથેનું રેઝોનન્સ કહી શકીએ?
8 responses so far ↓
Chirag Patel // December 2, 2007 at 1:45 pm |
સરસ વાત કહી, દાદા. રેઝોનંસ શબ્દ સાથે જ ‘ગોલ્ડન ગેટ બ્રીજ’ અને ‘હાઈ ટેંશન લાઈન”નું સંગીત યાદ આવી જાય છે!
shivshiva // December 2, 2007 at 6:49 pm |
સારા અવલોકન સાથે સુંદર સમજ.
Jugalkishor // December 2, 2007 at 8:52 pm |
તમે, સુરેશભાઈ, હવે નવી દીશા ખોલીને એના પર સડસડાટ ગતી કરી રહ્યા છો. આટલી નાની બાબતને તમે ક્યાંથી ક્યાં લઈ ગયા !!
જીવનના એકે એક ક્ષેત્રે આવું પડ્યું છે. દ્રષ્ટી હોય અને વીચાર-ક્ષેત્ર સક્રીય હોય તો આવા પ્રસંગોમાંથી ભરપુર સર્જનો થતાં રહે. તમે તપેલી પરથી વીજ્ઞાન પર અને ત્યાંથી ટેકનોલોજીને સાથે રાખીને અધ્યાત્મની આરંભની રેખા સુધી લગભગ લઈ ગયા. તમને અભીનંદન આપીને ચીલાચાલુ પેરવી કરવા માંગતો નથી.
હવે આમ જ સુક્ષ્મતાને પકડતા-પંપાળતા-પ્રગટાવતા રહો !!!
ધુળધોયા વીષે કશું જાણો છો ? આવું જ કામ તેઓ પેટના ખાડા માટે કરે છે. તમે વીચારક્ષેત્રે પડેલા સામાન્યજનના ખાડાને પુરવાનું કરી રહ્યા છો. ધુળ જેવી લાગતી બાબતોનું પરીમાર્જન કરવાનું આ કાર્ય ઉજળી ક્ષીતીજો નીર્દેશે છે !!
સુનીલ શાહ // December 2, 2007 at 10:30 pm |
અદભુત નીચોડ કાઢયો છે..તે પણ સરસ મઝાના શબ્દોથી..સાવ સામાન્ય બાબત પરથી જીવનના ગંભીર અર્થો સુધીની તમારી વૈચારીક ઉડાન પ્રસંશનીય છે. બસ આમ જ લખતાં રહો..અર્ક વહેંચતાં રહો.
preeti mehta // December 3, 2007 at 11:19 am |
સરસ રીતે સમજાવ્યું છે.
http://mehtapreeti.blogspot.com/
નીરજ // December 4, 2007 at 11:35 am |
દાદા, ખૂબ જ સરસ અવલોકન.. સુંદર સમજુતી… દિવ્ય તત્વો સાથેનું રેઝોનન્સ જ જીવનને વળાંક આપે છે..
Harnish Jani // December 5, 2007 at 10:15 am |
Wonderful subject and wonderful interpretation–I learned something new–Great article.
pragnaju // December 11, 2007 at 1:35 pm |
“જીવનની આવી અપ્રતીમ ઘટનાને આપણે માનવ ચેતનાનું; કો’ક અજાણ્યા,અણદીઠા, અસ્પર્શનીય દીવ્ય તત્વ સાથેનું રેઝોનન્સ કહી શકીએ?”
કદાચ તેને તારા આગમનનો કોઈ અણસાર કહી શકીએ?
કૉઈ અજ્ઞાતનાં ભજનના શબ્દો આવાં છે
‘તારા આગમનનો ના કોઈ અણસાર
તને પામીને મુક્તિ મેળવાય
સંકલ્પો વિકલ્પો દૂર થાય
તારું આવવું અનિશ્ચિત છે
જીવન સંગે નો તારો પરિચય
મોટા જ્ઞાનીઓથી ના કળાય
તારું આવવું અનિશ્ચિત છે
તારા મહિમાની ચર્ચા થાય
સપ્રેમે જીવનનાં મોલ ભણાય