Entries from January 2008
જીવન - 6 - સુર્યમુખી ભાગ - 2
January 30, 2008 · 4 Comments
ભાગ - 1 : ભાગ - 3
ધરતીની ગોદમાં, માટીની ચાદરમાં વીંટળાયેલું મારું અસ્તીત્વ ટુંટીયું વાળીને સુતું હતું. સ્વચ્છ આકાશમાં સુર્યનો કાળઝાળ તાપ સોળે કળાએ વીલસી રહ્યો હતો. બધું યથાવત્ હતું. કોઈ ફેરફાર નહીં. કશું જ નવું નહીં. અને ત્યાં ધીમે ધીમે વાતાવરણમાં કાંઈક નુતન આગમનના સંચાર થવા લાગ્યા. નૈરુત્યના પવન ઘટાટોપ, ઘનઘોર વાદળોને ખેંચી લાવ્યા. આકરો સુરજ આ ઘટામાં ઘેરાઈ ગયો. મોરની ગહેંક મેઘરાજાને સત્કારતી ગાજવા લાગી. કાળાં ડીબાંગ નભમાં વાદળો પાણીના જળભંડાર ભરીને આવી પુગ્યા. વીજળીના ચમકારા કોઈ નુતન ઘટનાના આગમનના અણસાર આપવા લાગ્યા.
અને બારે મેઘ ખાંગા બનીને તુટી પડ્યા. તપ્ત ધરતીનો પાલવ ભીંજાઈ ગયો. કાળઝાળ ગરમીથી તપેલી ધરતી શીતળતાનો આસ્વાદ કરી રહી. મેઘરાજા ફરી આવવાનું વચન દઈને વીદાય થઈ ગયા. અને સુરજના કીરણ ફરી સળવળી ઉઠ્યા. ભીની ધરતીની સોડમ અને આ ઉશ્માએ મારી અનંત નીદ્રામાં ખલેલ પાડી. હું તો સફાળી આળસ મરડીને બેઠી થઈ ગઈ. મારા રોમે રોમમાં જીવન જાગી ઉઠ્યું. મારે અંદર સુતેલા બ્લ્યુ પ્રીન્ટના પાનાં ફરફરવા લાગ્યા. અને આ સળવળાટના પ્રથમ ચરણમાં એક નાનકડો અંકુર મારા નાનાશા અસ્તીત્વના આવરણને ભેદીને ટપ્પાક દઈ કુદી આવ્યો. મારી અનંત પ્યાસ ફરી જાગ્રુત બની ગઈ. અને ધરતીના પડમાંથી આ અંકુર ઘટ્ટાક ઘટ્ટાક પાણી પીવા માંડ્યો. એ જળ મારી અંદરના સુકા પાર્શ્વભુમાં ફરી વળ્યું, અને મારી અંદર ધરબાયેલા કણે કણ આ જળમાં ઓગળી ઓગળીને પેલા નવા આગંતુકને પોશણ દેવા માંડ્યા. એ મુઓ તો આ બેય ધાવણ ધાવતો જાય અને વધતો જાય. દીવસે ન વધે એટલો રાત્રે વધે.
એની અંદરથી વળી બીજો અંકુર ફુટ્યો અને એણે તો સીધી આકાશ ભણી દોટ મેલી. પેલા તોફાનીનો વારસદાર ખરો ને! એ તો ધરતીની કુખને ફાડીને ખુશબુદાર હવાની લહેરખીમાં ઝુલવા માંડ્યો. મારું ધાવણ અને હવાનો પ્રાણ બન્નેના પ્રતાપે એ લીલો છમ્મ બની ગયો. એના કણે કણ એ હવાને શ્વસવા લાગ્યા. સુરજની ઉશ્મા, મારું ધાવણ અને હવાના પ્રાણ આ ત્રીપુટીના પ્રતાપે હવે એ તો માળો કમાતો થઈ ગયો! નવા કણોના ઢગલે ઢગલા મારા કુટુમ્બના ભંડારમાં ઉમેરાવા લાગ્યા. મારી અને આ બે અંકુરોની વચ્ચે જીવનરસ વહી જતી એક નાનકડી નદી વહેવા લાગી.
હવામાં ફેલાયેલા મારા લીલા અને કથ્થાઈ ફરજંદો અને ધરતીમાં કેલાયેલા મારા સફેદ સંતાનો આ નદીના કાંઠે વસવા લાગ્યા; વીલસવા લાગ્યા; વધવા લાગ્યા. અને આ પક્રીયા દીનરાત, પ્રચંડ વેગે વર્ધમાન થતી રહી. નવાં લીલાં પર્ણો અને નવા સફેદ મુળો નવી નદીઓને વહેવડાવતા કાંઠા સર્જતા ગયા. વીકાસની આ વણથંભી વણજાર ધરતીની અંદર અને ઉપર મુક્ત હવામાં વધતી જ રહી, વધતી જ રહી. પોઠોની પોઠો ભરીને નવા ફરજંદો સર્જાવા લાગ્યા. મારું કુટુમ્બ હજારો અને લાખો કણોમાં ફેલાતું ગયું.
પણ હવે હું ક્યાં? મારું શું અસ્તીત્વ? મારો કયો દેહ? અરે! હું કોણ? મારું કોઈ સ્વતંત્ર અસ્તીત્વ જ હવે ક્યાં હતું? હું તો ફેલાઈ ગઈ. એ કણેકણમાં પથરાઈ ગઈ.
મારામાં લખાયેલી એ બ્લ્યુ પ્રીંટનું શીર્શક હતું ‘ સુર્યમુખી’
- વધુ આવતા અંકે
Categories: વાર્તા
આજનો સુવીચાર
January 30, 2008 · 1 Comment
આપણે પથ્થર ફેંકી શકીએ,
તેમના વીશે ફરીયાદ કરી શકીએ,
તેમનાથી ઠોકર ખાઈ શકીએ,
અથવા
તેમને વાપરીને મકાન પણ બનાવી શકીએ.
- વીલીયમ આર્થર વોર્ડ
Categories: સુવીચાર
પાનખર – 2
January 28, 2008 · No Comments
હાઈવે પરથી હું પસાર થઈ રહ્યો હતો. શહેરની બહારનો ભાગ હતો. રડ્યાં ખડ્યાં જ કોક ઘર હતાં. સાવ વગડો જ હતો. બધાં ઝાડ પાનખર પછી બોડાં થઈ ગયેલાં હતાં. જમીન પર એક તણખલું પણ લીલું દેખાતું ન હતું. નીર્દય શીયાળો પુર બહારમાં હતો. સદા લીલાં રહેતાં સ્થીતપ્રજ્ઞ જેવાં કો’ક કો’ક ઝાડ જ ઠંડા સુસવતા પવનની સામે ટક્કર લઈ રહ્યાં હતાં. બીજા કોઈની મગદુર ન હતી, કે મોસમના આ સીતમની સામે બે હરફ પણ ઉચ્ચારી શકે!
અને ત્યાં એ દેખાયું. લાલચોળ પાંદડાંઓથી એ તરત નજરે ચઢી આવે તેવું હતું. કદાચ એના કેલેન્ડરમાં હજુ હમણાંજ પાનખર આવી હતી. એણે છેક ઉત્તરાયણ સુધી શીયાળા સામે ટક્કર ઝીલી હતી. વસંતનો આ છેલ્લો સૈનીક હતો. એની શોભા અને એનો નીખાર ઉડીને આંખે વળગે તેવાં હતાં. સુક્કી ભઠ્ઠ ડાળીઓવાળાં પાડોશીઓ વચ્ચે એના કીરમજી વાઘા એને કેસરીયાં કરનાર એકલવીર સુભટની પદવી જાણે કે આપી રહ્યાં હતાં.
—————-
સમાજમાંય આવા રડ્યાખડ્યા એકલવીર ક્યારેક, ક્યાંક શમશેર લઈને જુલ્મગારોની સામે ઝઝુમી નથી પડતા? એમની જ તો ખાંભીઓ રચાય છે ને? એમના નામની શૌર્યકથાઓ જ સદીઓ સુધી ગવાતી હોય છે ને?
Categories: અવલોકન
આજનો સુવીચાર
January 28, 2008 · No Comments
જો તમે જે કામ કરતા હો તેને ચાહો
તો તમે સફળ અને સુખી બનશો.
Categories: સુવીચાર
આજનો સુવીચાર
January 27, 2008 · No Comments
સ્મીત એવો વળાંક છે
જે ઘણી મુશ્કેલીઓને સીધી કરી નાંખે છે.
Categories: સુવીચાર
જીવન -5 - સુર્યમુખી ભાગ - 1
January 26, 2008 · 9 Comments
ભાગ - 2 : ભાગ - 3
હજુ થોડા દીવસ પહેલાં તો મારો જન્મ થયો હતો. એક પ્રગાઢ નીદ્રામાં હું પોઢેલી હતી. મારામાં કશુંય સળવળતું ન હતું. કોઈ સંચાર ન હતો. કોઈ વીચાર ન હતો. બસ એક અનંત નીદ્રામાં મારું સમગ્ર હોવાપણું પર્યાપ્ત હતું. એ પ્રગાઢ નીદ્રામાં સુશુપ્ત હોવાપણાના અંતરતમ ખુણે કોઈ પ્રછ્છન્ન અભીપ્સા ટુંટીયું વાળીને સુતેલી હતી. તે અભીપ્સાને કોઈ દેહ ન હતો; પણ કશુંક બનીને મ્હાલવાની, વીસ્તરવાની, વીકસવાની એક કલ્પના માત્ર હતી. એ તો એક ખ્યાલ જ હતો. શું થવું છે, અને શું બનવું છે, તેની ક્યાં મને કશીય જાણ જ હતી? એક લાંબા, સ્નીગ્ધ, ઉંડા બોગદાના તળીયે ધરબાઈને, લપાઈને મારું સુક્ષ્માતીસુક્ષ્મ હોવાપણું સોડ વાળીને સુતેલું હતું. મારી બાજુમાં મારા જેવી ઘણીય સખીઓ પણ મારી જેમ જ સુતેલી હતી. અમારી નીચે મીશ્ટ જીવનરસનો ઝરો વીલસી રહ્યો હતો અને અમને પ્રેમથી તરબતર કરીને એકમેક સાથે તે ચીપકાવી રહેલો હતો. એ મીશ્ટ જળની સુંવાળી પથારીમાં અમે બધાં એકમેકની હુંફમાં આમ પોઢેલાં હતાં.
અને ત્યાં તો એ બધા આવી પહોંચ્યા. અમારાથીય અતી સુક્ષ્મ એ બધા હતા. પણ તેમનો સ્વભાવ અમારાથી સાવ વીપરીત હતો. એ સૌ તરવરાટથી ભરપુર હતા. સાવ નાનકડા હતા પણ અત્યંત ચંચળ હતા. એક ઘડી શાંત બેસી રહે એવા એ ન હતા. સુવાનું કે આરામનું તો નામ જ નહીં. ચીકણા બોગદામાંથી સડસડાટ લપસીને, નીચે આવીને એ બધા અમને ઘેરીને ઘોંઘાટ કરવા લાગ્યા. એમના તરવરાટનું ગુંજન મારી અગાધ શાંતીના શાંત સરવરજળમાં વમળો પેદા કરવા લાગ્યું. મારી એ પ્રગાઢ નીદ્રામાં કોઈના સ્વાગતનો ઢોલ જાણે પીટાઈ રહ્યો હતો. એક વીપ્લવ સર્જાઈ ગયો. અને એ ઢોલના ધબુકે મારા સુશુપ્ત હોવાપણામાં કોઈક અજાણી જાગ્રુતી આવી ગઈ. આળસ મરડીને મારામાં કશુંક સળવળાટ કરવા લાગ્યું. એ બધા ઘોંઘાટીયાઓએ કોઈકને મળવાની, તેની સાથે એકાકાર બની જવાની, કશુંક બનવાની, વીસ્તરવાની, મહાલવાની, મારામાં સુતેલી અભીપ્સાને જગાડી દીધી.
એમાંનો એક તો ભારે બળુકો નીકળ્યો. મારી દીવાલને તેણે ભેદી નાંખી. આળસ મરડીને બેઠેલા મારા હોવાપણાના સુક્ષ્માતીસુક્ષ્મ કણના બધાયે અંશોમાં તે તો ફરી વળ્યો. એક પ્રભંજન જેમ પાંદડાને ઉડાડી મુકે તેમ, મારો પ્રત્યેક કણ જાગી ઉઠ્યો. અને એ શુભ પળે એ તોફાની નાચણીયાની સાથે હું એકાકાર બની ગઈ. વીશ્વના અનંત રાસની એક સાવ નાનકડી પ્રતીક્રુતી મારી અંદર જાગી ગઈ. મારી સુતેલી ઇચ્છા આળસ મરડીને પોતાની અંગભંગીઓને આ રાસના તાલે તાલે નર્તન કરાવી રહી. કશુંક બનવાનો એ ખયાલ હવે મુર્ત સ્વરુપ ધારણ કરી ચુક્યો હતો.
અને કદી નહોતું બન્યું તેવું કાંઈક બનવા લાગ્યું. આ રાસના પ્રભાવે મારામાં નુતન જીવનનો સંચાર થયો. ધીમે ધીમે મારા હોવાપણાએ વીસ્તરવાની શરુઆત કરી દીધી. મારી એ પ્રછ્છન્ન અભીપ્સા હવે જાગી ચુકી હતી. કોઈક નવા ભવીતવ્યની એક રુપરેખા મારામાં ઘડાવા લાગી. કોઈક નવા જ સ્વરુપવાળા જીવનો આકાર મારા કણકણમાં ઘડાવા લાગ્યો. બીજો કોઈ આવો તોફાની આ વીસ્તરણમાં ખલેલ ન પહોંચાડે, એ માટે મારી દીવાલ હવે સખત થવા માંડી. મારું કદ પણ સાથે સાથે વધવા લાગ્યું. મારા નીવાસસ્થાન એ બોગદાના તળીયેથી આવી રહેલા જીવનરસના ઝરાના જળને હું તરસ્યા હરણાંની જેમ ઘટક ઘટક પીવા લાગી. મારી એ ત્રુશાનો જાણે કે કોઈ અંત જ ન હતો. મેં જોયું કે, મારી બાજુની સખીઓના પણ આ જ હાલ હતા. અમે બધીઓ આ રાસમાં રમમાણ હતી. અને એ રાસની પ્રત્યેક હીંચે અમે વધુ ને વધુ પુશ્ટ થતાં જતાં હતાં.
બધાંની સતત વર્ધમાન એવી આ તરસ થકી પેલો ઝરો તો ધીમે ધીમે સુકાવા લાગ્યો. અને કાળક્રમે અમે એટલાં બધાં વધી ગયાં અને અમારી તરસ પણ એટલી બધી વધી ગઈ કે, એ ઝરો અમારી તરસને સંતોશી શકે તેમ ન રહ્યું. અને તે સુકાઈ ગયો. અમારી ન સંતોશાઈ શકે એવી પ્યાસ માટે એ ઝરાનું જળ હવે પર્યાપ્ત ન હતું. અને અમે બધાં સુકાં અને ફરી પાછાં સુશુપ્ત થઈ ગયાં. એક નવી નીદ્રામાં અમે પાછાં સમેટાઈ ગયાં. અમારું નીવાસસ્થાન એ બોગદું પણ સુકું ભંઠ બનીને ખરી પડ્યું. અને પવનના એક ઝપાટે અમે સૌ ફંગોળાઈ ગયાં. અથડાતાં, કુટાતાં અમે ધરતીની ધુળમાં ઢબોરાઈ ગયાં. વીખરાઈ ગયાં. બધી સખીઓ છુટી પડી ગઈ. વાયરાએ અમને ક્યાંના ક્યાંય ફંગોળી દીધાં. એ ગંદી, ગોબરી નવીન વસ્તી હવે મારું નવું નીવાસસ્થાન બની.
પણ મને ક્યાં આની કશી ખબર જ હતી? એક નવી નીદ્રામાં મારું નવું હોવાપણું, નવી પ્રછ્છન્ન અભીપ્સાઓને લઈને ફરી ટુંટીયું વાળીને પોઢી ગયું હતું. એક નવા હોવાપણાના, એક નવા જીવનના એક નવા અધ્યાય પહેલાંની આ એક નવીન રાત્રી હતી. પણ હવે મારી અંદર કોઈ અમુર્ત ખયાલ ન હતો, હવે તો એક અતી મહાન હોવાપણાની બ્લ્યુ-પ્રીન્ટ મારી અંદર છપાઈને આકાર લઈ ચુકી હતી.
- વધુ આવતા અંકે………
Categories: વાર્તા
ફુલ - ‘ઓશો’
January 26, 2008 · No Comments
બીજને ખબર નથી કે શું થવાનું છે. તેને ફુલ વીશે કાંઈ ખબર નથી. તે કદી કલ્પી પણ નથી શકતું કે, તે પોતે એક સુંદર ફુલ થવાની ક્ષમતા ધરાવે છે. મુસાફરી લાંબી છે અને તે શરુ નહીં કરવાનું હમ્મેશ સલામત હોય છે. કારણકે, તે રસ્તો સાવ અજાણ્યો હોય છે અને કશાની કોઈ ખાતરી હોતી નથી. આવી કોઈ ખાતરી આપી પણ શી રીતે શકાય?
બીજ તો સખત છે; અને અંકુર બહુ કુમળો જ. અને તેના અસ્તીત્વ માટે અનેક ભયો હોવાના જ.
જીવનના ઝંઝાવાતો સામે લડવાનો, તેમને અવગણવાનો કે નકારવાનો કોઈ અર્થ જ નથી. એ બધા તો છે જ. બીજનું આ બધામાંથી આપોઆપ પસાર થવું, એ તો એની નીયતી છે.
ફુલની માફક, તમે જે બનવા સરજાયા છો; તે બનવાની હીમ્મત કેળવો.
- ઓશો
Categories: ઓશો
પતંગીયું - જેમી સેમ્સ
January 24, 2008 · 1 Comment
તમે એમ માની શકો કે, બદલાવ ( Change) બહુ અશક્ય છે. તમે જુની ટેવોના આરામદાયક માહોલને ટકાવી રાખવા, તેને સાવ નકારી પણ શકો છો. પણ આમ બદલાવની શક્યતાને નકારીને તમે એક પતંગીયાની હીમ્મત ગુમાવો છો.
પતંગીયું હીમ્મતનું પ્રતીક છે; કારણકે, કોશેટાની બહારનું જીવન સમ્પુર્ણ રીતે ભીન્ન હોય છે. આ નવા જીવનમાં સુશુપ્ત જ રહેવાની જાણીતી વાસ્તવીકતા પ્રસ્તુત રહેવાની નથી. આ નવું જીવન તેને મળેલી નવી પાંખો વાપરવાનું અને મુક્ત ગગનમાં ઉડવાનું આહ્વાન આપે છે.
- જેમી સેમ્સ
Categories: જેમ્સ સેમ્સ
એકલતારક
January 24, 2008 · 2 Comments
સવારના સાડા છનો સુમાર હતો. હજુ સુર્યદેવની પધરામણી થઈ ન હતી. સમગ્ર આકાશમાં પુનમના ચન્દ્રનું સામ્રાજ્ય હજુ કાયમ હતું. ઉશાના આગમને તેની રાજસભાના બધા તારાઓએ વીદાય લઈ લીધી હતી. માત્ર એક શુક્ર જ એને સાથ આપીને અવીચળ ઉભો હતો. ચન્દ્ર-શુક્રની આ જોડી વીભાવરીની છેલ્લે સુધીની સાથી હતી. અંધકારમાં આશા સીંચનારા આ બે પ્રહરીઓ પ્રકાશના દેવની છડી પુકારી રહ્યા હતા. ઘેરા વાદળી રંગના આકાશમાં આ બેના સાહચર્યનો નીખાર અલગ જ હતો.
બે ચાર દીવસ પહેલાં તો આ સમયે ચન્દ્ર પણ વીદાય લઈ ચુક્યો હતો. માત્ર રાંકની મુડી જેવો શુક્ર જ રાત્રીનો એક માત્ર સાથી હતો. એ એકલ તારક (Lone Star) તો અમારા ટેક્સાસ રાજ્યના ધ્વજનું ચીહ્ન છે ને?
—–
ઈતીહાસમાં પાછળ નજર કરીએ તો; સમાજ જ્યારે ઘોર અંધકારમાં સબડતો હોય, ત્યારે પ્રકાશના પ્રહરી, એકલતારક જેવા કો’ક વીરલા નજરે પડે જ છે ને?
Categories: અવલોકન