ગદ્યસુર

રામજીકાકા – જીગ્નેશ અધ્યારુ

January 11, 2008 · 1 Comment

        આ વાત છે – ૧૯૮૫ ની આસપાસના વખતની. હું ત્યારે ઘણો નાનો હતો, માંડ બીજા ધોરણમાં હોઇશ. પોરબંદરના કડીયા પ્લોટમાં આવેલી સરકારી શાળામાં ભણતો. ત્યારની સંઘરાયેલી ઘણી યાદોમાં મુખ્ય યાદગીરી રામજીકાકાની છે. પોરબંદર કડીયા પ્લોટમાં તે સમયે રહેનારા માટે રામજીકાકા અજાણ્યા નથી. ડીલે અંગરખુ,  નીચે પોતડી અને ખભે પાણીની ડોલ ભરેલ કાવડ સાથેના એ  રુશી સમાન લાગતા.

        અમને શાળાની રીસેસમાં તે કાયમ બહારના ઓટલા પર મળતા. ચાર પાંચ મટકા ભરીને પાણી એ ઓટલાની આસપાસ  ગોઠવેલ હોય; ઓટલાના કીનારા પર હારબંધ પ્યાલા ગોઠવ્યા હોય, અને રીસેસનો બેલ વાગે એટલે રામજીકાકા જેમ યુધ્ધ લડવા સૈનીક તૈયાર થાય, એમ સજ્જ થઈ જાય. બધા પાણી પીવા દોડે એટલે  એ હાથમાં લોટો લઇને ઉભા થઈ જાય. બધાને હારબંધ ઉભા રાખે, અને પછી ‘ જય રામજીકી’ બોલતા જાય. સામે જવાબ મળે એટલે એ પાણી આપે. કોઇ ‘જય રામજીકી’ ના બોલે તો એ ગુસ્સે ના થાય; પણ પાછું ‘જય રામજીકી’ બોલે અને બોલાવે.

         શાળામાં નળ હતા, પણ મને યાદ નથી કે મેં કોઈ દીવસ ત્યાં પાણી પીધું હોય. રામજીકાકાના ઓટલે ઠંડા પાણી સાથે એમની મીઠી વાતો સાંભળવા મળતી. કોઈનું રીઝલ્ટ ખરાબ આવે  તો, રામજીકાકા એને પ્રેમથી ભણવા માટે સમજાવે. કોઈ  તોફાન કરે તો રામજીકાકા એને પાણી ના આપવાની ધમકી આપે. પોતાના માબાપનું કહેલું ના કરતા છોકરાઓ રામજીકાકાનું કહેલું માનતા. અમારા બધા માટે તો એ જાણે ભાઇબંધ હતા. શાળા છુટ્યા પછી પણ અમે  એમની પાસે બેસતા અનૅ રામાયણ અને અરજણ ના ઉદાહરણો એમની ગામઠી ભાશામાં માણતા. શાળાની બાજુમાં જાણે જીવન-ઘડતર ની બીજી શાળા હતી.

        રામજીકાકાનું બીજું જમાપાસું તે એમનો ગાયો પ્રત્યેનો પ્રેમ. તે સમયે કાઠીયાવાડમાં ગાયોને પાણી પીવડાવવા લોકો ટાંકીઓ બનાવડાવતા. પણ એકવાર બની ગયા પછી તેની સફાઇ કરવાનું ધ્યાન કોઈ ના રાખતું.  કડીયા પ્લોટમાં આવેલી ગાયોને પાણી પીવડાવવાની ટાંકીઓ જાણૅ રામજીકાકાની મીલ્કત. તે  બધી ટાંકી વારાફરતી ખાલી કરીને  સાફ કરતા. તેમના ખભે કાવડ ભરાવતા અને એને બન્ને છેડે બે ડોલો  ભરાવતા. કુવેથી પાણી ભરી કાવડથી એ ટાંકી ભરતા. ગાયો એમને જોઈ એટલી ખુશ થતી; જેટલી કદાચ પુરાતનયુગમાં કાનુડાને જોઈને  થતી હશે. ગાયોને પાણી પીતી જોઇ એમની આંખો ઠરતી.

      સમયની સાથે અમે વડોદરા આવી વસ્યા. વરસે  એકાદ વાર પોરબંદર જતા. પણ મને રામજીકાકા ન મળતા. એમની યાદ ધીરે ધીરે ભુંસાતી ગઈ. મેં એમને શોધવાના પ્રયત્નો પણ ના કર્યા. હું એન્જીનીયર થઇ ગયો અને હવે પોરબંદર જવાનું પણ ઓછું થઈ ગયું. એકવાર મારા એક સંબંધીના પ્રસંગે જવાનું થયું; અને એ લગ્ન યોગાનુયોગ એ  શાળાના મેદાનમાં જ હતા.  લગ્નમંડપમાંથી અચાનક મારું ધ્યાન રામજીકાકાના ઓટલા પર ગયું,. એ ત્યાં હજી પાણી આપતા હતા. હું લગભગ દોડીને એમની પાસે ગયો. 

      “રામજીકાકા…..જય રામજી કી, કેમ છો? ”

       “કોણ? અરે …ગોરનો દીકરો?”

        “હા….તમે કેમ છો ? ક્યાં હતા આટલો વખત? મેં તમને ઘણી વાર શોધ્યા.”

         “અરૅ દીકરા હું બીમાર પડ્યો હતો. મને કેન્સર છે દીકરા.  દાગતર મહીનાઓ દવાખાનામાં રહેવાનું કહે છે.”

         “પણ ઇલાજ તો કરવો જ પડેને? ”

        “પૈસા તૉ મહાજન આપવાનું કહે છે,  પણ મારા વાલુડાંને પાણી કોણ પાશે?”

        “પણ કાકા……”

         “અરૅ દીકરા, હું જીવી જીવીને કેટલું જીવીશ? મને મારું કામ કરતાં કરતાં મરવા દો;  મને મારા કાનુડાના ધામ જાવું છે. મને ના રોક દીકરા, આ જ મારી મીલ્કત છે.”

        તે કોઈનું ના માન્યા અને કાવડ લઇને  ફરતા રહ્યા…પાણી પાતા રહ્યા.

        આ વાતના બે  જ દીવસ પછી રામજીકાકા વહેલી સવારે તેમના ઓટલા પર ઢળી પડેલા મળ્યા – મુખ પર એ જ સંતોશ અને પરમાનંદ સાથે  એ કાનુડાના  લોકમાં પહોંચ્યા હતા. અને હજી એમની આસપાસ ઉભેલી ગાયો જાણે એમના કાનુડાને  શોધતી હતી.

- જીગ્નેશ અધ્યારુ

તેના બ્લોગ   અધ્યારુ નું જગત -   1 ઓગસ્ટ, 2007 ની ટપાલ

————————————————————

આ માનવતા એજ સાચો ધર્મ. આ એકવીસમી સદીમાં સગવડો અને સમ્રુધ્ધી વધ્યાં છે, પણ આ ભાવના ઘટતી જાય છે.

  

Categories: સત્યકથા

1 response so far ↓

  • bhupendra // April 8, 2008 at 3:31 pm | Reply

    uncomon in days no need to worship in tample for those who sacrifises hislife for children and cows

Leave a Comment