ગદ્યસુર

ઝાડીઓમાં એક સાહસ

February 4, 2008 · 5 Comments

        ગઈકાલે મારી દીકરી, તેના દીકરાઓ અને હું બધા સાથે પાર્કમાં ગયા હતા. આમ તો સામાન્ય અને નાનો પાર્ક જ હતો. પણ ખુલ્લી અને રમવાની જગ્યાથી થોડે દુર ઠીક ઠીક મોટી ઝાડીઓ હતી. બધાને તેની અંદર જવાનું મન થયું. નવા અજાણ્યા પ્રદેશોમાં પ્રવેશવાનું કુતુહલ બાળકોના મનમાં હતું.

       અમે બધાં તે તરફ ઉપડ્યા. અંદર પેંસવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. નરદમ ઝાડી જ હતી. અમે તો આગળ અને આગળ તેની કીનારી પર આવેલા જોગીંગ ટ્રેક પર આગળ ચાલ્યા. એક જગ્યાએ છીંડું દેખાણું! કોઈએ થોડી ઝાડી કાપી એક જણ ચાલી શકે તેવી કેડી બનાવી હતી. અમે તો અંદર પેંઠા. થોડેક આગળ ગયા અને એ કેડી તો બંધ થઈ ગઈ. પણ કાંટાળી ઝાડીઓની વચ્ચે વચ્ચે પ્રેરી ઘાસ ઉગેલું હતું. મેં હાથથી સાતેક ફુટ લાંબા સુકાયેલા ઘાસની એક સોટીને ખેંચી જોઈ. તે તો તરત મારા હાથમાં આવી ગઈ,

      હવે અમને અમારી પોતાની કેડી બનાવવાની રીત આવડી ગઈ. હવે તો બેય છોકરાંવને પણ સોટીઓ ખેંચી કાઢવાની મજા આવવા લાગી. ક્યાંક ઝાડીની કાંટાળી ડાળીઓ વચ્ચે નડતરરુપ હતી. પણ તેને મેં સાચવીને વાળી લીધી. અથવા બહુ સુકાયેલી અને પાતળી હોય તો તે કાપી પણ શક્યો. અથવા થોડા નીચા નમીને તેને અમે પાર કરી શક્યા. બસ, અમારી કેડી અને અમારી ટોળી તો આગળ ધપતી રહી. થોડેક આગળ આમ જવાયું.

      ત્યાં અમારો નાનકો જય, જે કોલમ્બસની અદાથી સૌથી આગળ ચાલતો હતો તે બરાડી ઉઠ્યો,” દાદા! આગળ ક્રીક (વહેળો) છે.” અમે બેળે બેળે તેને કાંઠે પહોંચી ગયા. ગંદા પાણીની એ તો નાની શી નીક જ હતી. પણ અમને તો તે મોટી નદી જેવી લાગી. હવે આને ઓળંગવી એ અમારો યુગધર્મ બની ગયો! એક પડકાર અમારી સામે ઉભો થઈ ગયો હતો.

      અમે તો આ નીકને કાંઠે કાંઠે આગળ આગળ ચાલ્યા. પાછા અમારા નાનકા નેતાજીએ બાતમી આપી. આગળ એક પુલ પણ છે. અમે જોયું તો એક સુકાયેલું ઝાડ નીકની ઉપર તુટી પડેલું હતું. વચ્ચે બે એક જગાએ પકડવા માટે ઠીક ઠીક જાડી ડાળીઓ પણ ઉપરવાળાએ અમારી પર મહેરબાની કરીને રહેવા દીધી હતી. મારી દીકરી અને હું એવા નીશ્કર્શ પર આવ્યા કે, આને ઓળંગવામાં મસ મોટું જોખમ છે. નીક આમ તો ચાર પાંચ ફુટ જ પહોળી હતી, અને ખાસ ઉંડી પણ ન હતી. પણ પાણી ગંદું હતું. આથી અમે નેતાજીને વાર્યા. પણ સાહસનું ઝનુન તેના દીલોદીમાગ પર સવાર હતું. ઘેર ટી.વી. પર જોયેલી કાર્ટુન સીરીયલનો પ્રતાપ જ ગણોને!

      એ ભાઈ તો સાવચેતીથી આ મળી આવેલા કુદરતી પુલ ઉપર ધીરે ધીરે આગળ વધ્યા. ઓલ્યા કોલમ્બસનેય એટલાંટીક ઓળંગતાં આવી જ અનુભુતી થઈ હશે – થોડા મોટા પાયા પર ! બે ત્રણ મીનીટ, અને નેતાજી નીક ઓળંગી ગયા. એના મુખ ઉપર એક નવું સાહસ પાર પાડ્યાની વીજયી મુદ્રા અંકાઈ ગઈ. બેળે બેળે હવે અમે બાકીના ત્રણ પણ આ પુલ ઓળંગીને પેલે પાર પહોંચી ગયા.

       આગળ ખાસ ઝાડી પણ ન હતી. મોટે ભાગે પ્રેરી ઘાસ જ હતું. હવે કેડી પાડવી આસાન હતી. થોડેક આગળ ગયા અને પાર્કનો છેડો દેખાણો. આગળ રહેઠાણના મકાનો અને પાકો રસ્તો દેખાતાં હતાં. અમે હવે પાછા જવાનું શરુ કર્યું અને થોડીક મીનીટોમાં જ પાર્કમાં પાછા આવી ગયા.

       પણ નવી કેડી પાડવાનું; અજાણ્યા અવરોધો પર હાજર તે હથીયાર જેવા પુલો વાપરવાનું અને ધ્યેય સીધ્ધ કરવાનું ગૌરવ સૌના મનને એક નવી જ તાજગી બક્ષી ગયું.

Categories: સ્વાનુભવ

5 responses so far ↓

  • મગજના ડોક્ટર // February 4, 2008 at 9:31 am | Reply

    “IT IS EASY TO BE BRAVE FROM A SAFE DISTANCE”

  • સુરેશ // February 4, 2008 at 10:29 am | Reply

    અરે ડોક્ટર મોશાય …
    તમે પર્વતારોહણ કરી આવ્યા .. પણ ન્યાં કણે તો આવાં શુરાતન (!) કરીને જ બાળકોને તાલીમ આપી શકાય ને?! શહેરનાં છોકરાંવ આટલું કરે તોય બવ !!!

  • pragnaju // February 5, 2008 at 2:24 pm | Reply

    …” પણ નવી કેડી પાડવાનું; અજાણ્યા અવરોધો પર હાજર તે હથીયાર જેવા પુલો વાપરવાનું અને ધ્યેય સીધ્ધ કરવાનું ગૌરવ સૌના મનને એક નવી જ તાજગી બક્ષી ગયું.”પ્રેરણાદાયી સાહસ ગમ્યું.વિડલો પણ બાળક જેવા થઈ જાય તે ઈચ્છનીય છે.તેમા ન કેવળ બાળમાનસ જાણવાની સરળતા રહે પણ આધ્યાત્મીક ક્ષેત્રે પણ સગુણાત્મક પિરવર્તન કરવાની અનુકૂળતા રહે.આમાં કાંઈ જાહેરાત કરવાની કે બાલીશતા કરવાની જરુર નથી પણ બાળક જેવી સહજતા-સરળતા રાખી શરણાગતી ભાવ તરફ આગળ વધવાનું છે…

  • Harnish Jani // February 9, 2008 at 8:09 pm | Reply

    I m very lucky to be a son of a Farmer-and spent my childhood-Tekario(Hills) and Khetaro (farms)-Your story reminded me my lots of stories– Thank you.

  • Nilesh Vyas // February 10, 2008 at 12:59 am | Reply

    trully adventureous

    it reminds my childhood at DG, i did the same with my frinds, we hv discovered one waterfall at forest of DG, that was the bigest adventure of my childhood, but later we come to know, it was very old even my father enjoyed the same in his childhood !!!

Leave a Comment