ગદ્યસુર

પુનર્લેખન અને સંપાદનની માયાજાળ – ધીરુબહેન પટેલ

February 9, 2008 · 2 Comments

     મુંબઈ સમાચારમાં આ લેખ દ્વારા આપણા સન્માનનીય લેખીકા ધીરુબહેન પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. સાહીત્યજગતને ગુજરાતી સાહીત્ય પરીશદનાં પ્રમુખ રહી ચુકેલાં  ધીરુબહેનનો પરીચય આપવાનો ન હોય.

———————————————————————-

      સંગીતક્ષેત્રે રીમીકસની બોલબાલા છે તો સાહીત્યમાં કેમ નહીં ? એ માટે જોઇએ ફકત સાહસવ્રુત્તી. તમે જે કંઈ  કરો તેને વાહ! વાહ!થી વધાવી લેનારા ચાર, ચૌદ કે ચોવીસ કાંધીયા  જોઇએ. બસ સવારી ઉપડી. આડુંઅવળું જોવાની, જરીકે થંભવાની કે પાછળ ઉડતા ધુળના ગોટા ગણવાની કશી જરુર નહીં. આત્મનીરીક્ષણ અને એવી તેવી નમાલી પંચાતમાં પડો જ નહીં.  બસ..આગે બઢો.  દુનીયા તમારો જયજયકાર કરશે.

       પ્રેરણા, પ્રતીભા અને પ્રચંડ પુરુશાર્થથી જે સાહીત્યકૃતી જન્મી તેનું પુનર્લેખન કરતાં વાર કેટલી ? થોડી કાપકુપ કરો, ભાશાના વાઘા બદલો, કોઈ દયાળુ પ્રકાશક શોધી કાઢો. બસ બેડો પાર. હવેથી એ કૃતી તમારી. એના પર સમગ્ર અધીકાર તમારા. મુળ લેખક કયા ખુણામાં બેઠો બેઠો ઝોકાં ખાય છે; એ જોવાનું કામ તમારું નથી. પુનર્લેખન કેવો જાદુઇ શબ્દ છે! આહા! જેને એ કળા આવડી તેને વીક્રય અને વીતરણ આપોઆપ આવડે જ. અરે, ભાઈ, પેલા દળદરી મુળ લેખકને પનારે પડી રહી હોત તો એ ક્રુતી સફળતાના આવા ઉંચા આભને સ્પર્શી શકી હોત ? તમે તો પરાક્રમ કર્યું છે;  પરોપકાર કર્યો છે.  મુળ લેખકનું નામ ખોવાઈ જાય એમાં કશો વાંધો નહીં. સાહીત્યકારને વળી કીર્તીનો મોહ હોતો હશે ? એનું મન ધનમાં નહીં, લેખનમાં જ અટવાયેલું રહેવું જોઇએ. વેરાગીની કંથામાંથી તમે એકાદ બે ચીંદરડી ખેંચી લીધી એમાં કશો દોશ નથી. આટલું તમારી જાતને અને જગતને સમજાવી દો એટલે બસ. મામલો પતી ગયો. મગદુર છે કોઇની કે તમારી સામે આંગળી ચીંધે ?

          આ કામ તમે ધારો છો તેટલું મુશ્કેલ નથી. કારણકે, પ્રકાશકો પણ તમારા જેવા ઉદ્યમી અને અંતરાત્માની ખટપટ વીનાના લહીયા – સોરી! લેખકોની શોધમાં જ હોય છે. એમને એમનો વ્યાપાર ચાલુ રાખવાનો હોય છે. એટલે માલની અછત પાછી પરવડે નહીં. તેથી કેટલીક વાર તેઓ પોતે જ અંગુલીનીર્દેશ કરતા હોય છે કે, કઈ નધણીયાતી જમીનમાં ખોદકામ કરવાથી કીમ્મતી ધાતુ મળી આવશે. પ્રકાશકો જાણતા હોય છે કે, લેખકોને તેમના વીના ચાલવાનું નથી. તેથી તેમની શરતો મોટે ભાગે મંજુર થઈ જતી હોય છે.

          હવે સંચયનો વીચાર કરીએ.  કુશળ મુકાદમ જેમ મજુરોને પકડી લાવે છે; અને સાંજ પડયે દનીયું આપીને રવાના કરી દે છે ; તેમ સંચયકાર કેટલાક લેખકોને શોધી કાઢે છે; અને પ્રકાશકો દ્વારા પાંચ પચાસનું ફરફરીયું અને છપાયેલી ક્રુતીની એકાદ નકલ મોકલી આત્મસંતુશ્ટી અનુભવે છે. અહીં એક વીદ્વતાપુર્ણ પ્રસ્તાવના લખવાનો શ્રમ લેવો પડે છે. પણ બદલામાં પોતાની જીવનઝરમરમાં બે ચાર નવા પુસ્તકોના નામ ઉમેરાય છે; તે ફાયદો કંઇ જેવો તેવો છે ? આખરે તો યાદી જેટલી લાંબી તેટલા તમે મહાવીદ્વાન! જો કે, આ સંચયકારો પાપ કરતાં પાછું વાળીને જોવાના સંપ્રદાયના છે. તે લેખકોના નામનો સમુળગો લોપ થવા દેતા નથી. કદાચ એ નામોનાં ઉંજણ વડે તેમની ગાડી સડસડાટ દોડે છે.

          સંપાદન એટલે સંચયના કાકાનો દીકરો.   કુળ એક;  મુળ એક;  પ્રથમાક્ષર એક. અને એને માથે મુકાતું મીંડુ એક. કોઈ કહેશે કાળગ્રસ્ત થઇ ગયેલ ક્રુતીઓ શોધી,  એના હાલી ગયેલ હાડકા- પાંસળા ઠીક કરી, એમાં રહેલ સાહીત્યતત્વ તરફ ધ્યાન દોરવું અને હાલના વાચકો તથા લેખકોને એના અમુલ્ય વારસાથી અવગત કરવા એ શું સારું કામ નથી ?  છે..સાડી સાત વાર છે. પણ આમાં શબ્દ બદલાઈ જાય છે. અલબત્ત આમાં ત્રણ સ્થાને ‘સ’  બીરાજે છે. અને તે પણ બીંદુરુપી મુગટ સાથે.

          પરંતુ ‘સંશોધક’ નામ પડતાંની સાથે આપણો અભીગમ બદલાઈ જાય છે. આ તો વીદ્વાનો છે. એમની પ્રીતી ભાશા પ્રત્યે, સાહીત્ય પ્રત્યે અને દીવંગત લેખકો પ્રત્યે છે. પોતાની કીર્તીના વીસ્તાર પ્રત્યે નહીં. તેઓ પરીશ્રમ કરી જાણે છે. અને એકાગ્રતા એ તેમનો સ્વભાવ છે. આપણે તેમને પ્રણામ કરીએ અને એમનું પ્રદાન મુલવતાં શીખીએ.

     આપણે ચેતતા રહેવાનું છે; તે સુંઠને ગાંગડે ગાંધી થઈ બેસેલા સંચયકારો અને સંપાદનકારોથી. આપણે ઓળખી લેવાના છે પુનર્લેખનના કલાધરોને. જો આપણે વેળાસર નહીં જાગીએ તો આપણી રસાળ, ફળદ્રુપ જમીન પર આ વીરાટ સ્ટીમ રોલરો ફરી વળશે અને એક વખત એવો આવશે કે આનંદ, આંસુ ,રુધીર અને એકલતાથી રચાયેલ સર્જનાત્મક સાહીત્યના રાજમાર્ગને સમજુ માણસો દુરથી જ નમસ્કાર કરી દેશે. અને જીવવા માટેના અનેક શાણપણ ભર્યા વીકલ્પોમાંથી એકાદ પસંદ કરી લેશે. આપણને એ પોસાશે?

-    ધીરુબહેન પટેલ

( સાભાર :  નીલમબેન દોશી )

Categories: ધીરુબહેન પટેલ

2 responses so far ↓

  • Chirag Patel // February 9, 2008 at 7:43 am | Reply

    આવું થતું જ હશે અને એ ખરેખર દુઃખની વાત છે. અહીં કાવ્યાનો અમેરીકામાં બહુ ગાજેલો કીસ્સો યાદ આવ્યો. આમાં જેટલી જવાબદારી લખનારની છે એટલી કે વધુ પ્રકાશકની છે.

  • ધીરુબેન પટેલ, Dhiruben Patel : // February 9, 2008 at 7:47 am | Reply

    [...] અવારનવાર દેખા દે છે……  “ #  તેમનો એક લેખ #  તેમની ત્રણ વાર્તાઓ #  તેમની એક [...]

Leave a Comment