मेरे गुलशनकी फीजाओमें बहार आ जाये
पहली तारीखसे पहले पगार आ जाये.
પહેલી તારીખની પગારદાર માણસ કેવી આતુરતાથી રાહ જોતો હોય છે? પે-સ્લીપ એ સામાન્ય માણસના જીવનનો સૌથી વધુ ગમતો કાગળ હોય છે. ઓફીસના ટેબલ પરના ઇન-બોક્સમાં આવતો તે સૌથી વધુ ચીત્તાકર્શક કાગળ હોય છે. પ્રીયતમાના પ્રેમપત્રની જેમ તેની આતુરતાપુર્વક રાહ જોવાતી હોય છે.
પણ જીવનનો પહેલો પગાર તો સૌથી સુખદ ઘટના હોય છે. અહીં મારા પહેલા પગારની વાત કરવાની છે.
મારી બાવીસ વરસની એ ઉમ્મર સુધી મને રુપીયા મેળવવાનો ખાસ અનુભવ ન હતો. બેસતા વરસની બહોણી કે, જન્મદીને ચાર આઠ આનાની બોણી કે, મામાને ઘેર શ્રાધ્ધનું જમવા ગયા હોઈએ ત્યારે ભાણીયાને દાનમાં અપાતા ચાર આઠ આના.. આ સીવાય પોતાની આવક શું કહેવાય તેનો કોઈ પ્રત્યક્ષ ખ્યાલ મને ન હતો.
હું મારા ભણતરના છેલ્લા વર્શની છેલ્લી પરીક્ષા આપીને મે વેકેશનની આરામદાયક પળોમાં લાયબ્રેરીની ચોપડી વાંચી રહ્યો હતો; ત્યાં રાજામુન્દ્રીથી મોટાભાઈનો તાર આવ્યો કે, ’પેપર મીલમાં સુરેશની નોકરી પાક્કી છે. તેને તરત અહીં મોકલી આપો.’ અને આપણે તો બાપુ ઉપડ્યા. એ મુસાફરીની વાત તો અગાઉ કરેલી જ છે. ( તે વાંચવા અહીં ‘ક્લીક’ કરો. )
પહેલી નોકરી મેળવવી કેટલી દુશ્કર હોય છે? પણ મને તો ભાઈની લાગવગથી, મારો કોઈ અનુભવ ન હોવા છતાં અને કોઈ અરજી કર્યા વીના નોકરી મળી ગઈ. આપણે તો બાપુ નોકરીયાત બની ગયા – અલબત્ત શીખાઉ તરીકે જ તો. કશું કામ કરવાનું હતું જ નહીં. નવી મીલ બની રહી હતી, અને હજુ તો સીવીલ કામ ચાલતું હતું. અમારું મીકેનીકલ મશીનરી ગોઠવવાનું કામ તો બે મહીના પછી શરુ થાય તેવી વકી હતી. એટલે અમે નવાસવા ચાર પાંચ શીખાઉઓને ફેક્ટરી અને મશીનરીના ડ્રોઈંગનો અભ્યાસ કરવાનું કહ્યું હતું. નવોસવો ધસમસતો ઉત્સાહ અને સરખે સરખાની સંગત. વસંતમાં ગુંજતા ભમરા જેવો તરવરાટ અમારા હોવાપણામાં છલકાતો હતો. વળી કંટાળીએ એટલે એકબીજાને ભાશા શીખવવાનું પણ માથે લીધું હતું. હું આન્ધ્રવાસીઓને હીન્દી શીખવતો, અને એ લોકો મને તેલુગુ.
પણ બધાના દીલમાં ખરેખરી આતુરતા હતી – પહેલો પગાર મેળવવાની. હું તો 31મી મેના દીવસે જોડાયો હતો. એટલે મને તો એમ કે, ‘થોડોજ એક દીવસનો પગાર મળે? આવતા મહીને જ મળશે’. એક બે જણ બે ત્રણ મહીનાથી જોડાયેલા હતા. અને છેવટે મારે માટે નસીબદાર એ સાતમી તારીખ આવી પહોંચી. હવે વાત જાણે એમ છે કે, અમારી એ મારવાડી કમ્પનીમાં પગાર પહેલી તારીખે નહીં પણ પછીના મહીનાની સાતમી તારીખે થતો. એટલે પહેલી તારીખ નહીં પણ સાતમી તારીખનો બધાને ઈંતજાર રહેતો. બીજા મીત્રો તો પગાર લેવા ઉપડ્યા. હું તો મારી ખુરશી પર બેસી રહ્યો હતો. ત્યાં એક અનુભવીએ કહ્યું ,” અલ્યા, જાની! ચાલ તનેય કદાચ પગાર મળશે.”
આપણે તો બાપુ! હરખમાં અને નવીસવી ઉત્કંઠાથી તેમની સાથે જોડાયા હોં! અમારું બધું હાઉસન જાઉસન ચીફ કેશીયર શ્રી. લાહોટીજીની પનાહમાં પહોંચી ગયું. અમે બધા લાઈનમાં ઉભા રહી ગયા. હવે ત્યાં એવી સીસ્ટમ કે, બધાને પગાર રોકડો જ મળે. ગમે તેવો મોટો ઓફીસર ના હોય! હા, જનરલ મેનેજર જેવાને લાહોટીજી જાતે તેમની ઓફીસમાં જઈને આપી આવે. પણ મારા ભાઈ જેવા ચીફ એન્જીનીયરને પણ એ લાઈનમાં ઉભા રહેવું પડતું.
લાહોટીજીની પ્રશંસા કરતા બધા લાઈનમાં ઉભા હતા. એક જુના જોગી બોલ્યા,” અરે, ભાઈ, નોકરી ભલે સોમાણીજીની કરીએ; પણ લક્ષ્મી તો લાહોટીજીની મહેરબાનીથી જ મળે.” લાહોટીજીને પણ આ પ્રશંસા બહુ જ ગમતી. અને ધીરજના અંતે મારો વારો આવ્યો. કપાળમાં મોટ્ટો ચાંલ્લો કરેલા લાહોટીજીએ તેમના નાકની છેક કીનારે ઉતરી આવેલા ચશ્માની ઉપરથી ચુંચી આંખે મારી તરફ નજર કરી; આ નવા નક્કોર પ્રાણીને ધ્યાનથી નીહાળ્યો અને વદ્યા,” वो सीवील ईन्जीनीयर जानी सा’बके छोटे भाई होते हो ना?!”
મેં ગભરાતાં ગભરાતાં ડોકું ધુણાવી હા પાડી. અને તરત લક્ષ્મીનારાયણ સોમાણીના એ સેવકે પગાર પત્રકમાં પહેલાં મારી સહી લીધી, અને પછી એક દીવસના પગારના બરાબર અઢાર રુપીયા પકડાવી દીધા. મારો એ પહેલો પગાર હાથમાં આવતાં વીજળીના તારને અડ્યો હોઉં એવી ઝણઝણાટી મારા અંગ પ્રત્યંગમાં વ્યાપી ગઈ. એ નવી નક્કોર નોટોનો સુંવાળો સ્પર્શ અને તેની મીઠ્ઠી સુગંધ મનને તરબતર કરી ગઈ. નોટો ગણવા જેવી ધીરજ જ ક્યાં હતી? હું તો લાઈનમાંથી બહાર જવા નીકળ્યો. તરત લાહોટીજીએ ટપાર્યો,” एय, लडके! हमेश रुपीया गीनना सीख.” બાપાએ શીખવાડેલું એ અમદાવાદી જ્ઞાન લાહોટીજીએ તાજું કરાવી દીધું.
અને મનમાં નક્કી કરી રાખ્યું હતું તેમ, પગારની આ માતબર રકમ ખીસ્સામાં ઘાલીને હું તો મીલના કમ્પાઉન્ડની બહાર આવેલી પોસ્ટ ઓફીસમાં પહોંચી ગયો. અમદાવાદથી નીકળ્યો ત્યારે મારા બાપુજીએ સુચના આપી હતી કે, પહેલો પગાર આવે તેમાંથી થોડીક રકમ બહેનો માટે મોકલજે. મેં પંદર રુપીયાનો મનીઓર્ડર મારી આ પહેલી કમાણીમાંથી બહેનોના નામે મોકલી આપ્યો. બાકી રહેલી રકમ ઘેર જઈ સીધ્ધી ભાભીના હાથમાં મુકી દીધી. મને ખીસ્સાખર્ચ કરવાની કોઈ જ ટેવ ન હતી. ઉલટાનું હવે ઘરખર્ચમાં ભાગીદાર થયાનું મને ગૌરવ હતું. ભાભીએ ના લીધા અને કહ્યું , “આમાંથી બજાર જઈ સાંજે આઈસક્રીમ લઈ આવજો.” અને એ જમાનામાં ત્રણ જણા ખાઈ શકે એટલો આઈસક્રીમ મળતો પણ ખરો.
તમને થશે કે, ‘લો, વાત પુરી થઈ.’ પણ ખરી મજાની વાત તો હવે મારા બીજા (!) પહેલા પગારની કરવાની છે.
પેપર મીલમાં છ માસ નોકરી કર્યા બાદ મને અમદાવાદમાં જ નોકરી મળી ગઈ – અંગ્રેજ કમ્પનીમાં, ઘર આંગણે, કોઈ તાલીમ માટે નહીં પણ સીધી નીમણુંક અને લટકાના પાંત્રીસ રુપીયા વધારે પગારથી. ત્યાં પણ હું 30મી નવેમ્બરે જોડાયો. પણ આ થોડી દેશી મારવાડી પેઢી હતી? બધા ફટાફટ અંગ્રેજીમાં જ વાત કરે. અને મારા જેવા મગન માધ્યમમાં ભણેલાને તો બહુ લઘુતા લાગે. કોઈની જોડે વાત કરવાની પણ હીમ્મત નહીં. એક વાક્ય અંગ્રેજીમાં બોલતાં ફેં ફેં થઈ જાય.
અહીં તો ડીસેમ્બરની સાતમી તારીખ પસાર થઈ ગઈ; પણ પગારની કોઈ વાત જ નહીં. કોઈને પુછાય પણ શી રીતે? હું તો બાપુ મનમાં અમે મનમાં મુંઝાઉં. મારી નીમણુંક કમ્પનીના મોટા સાહેબો બેસતા હતા તે માળ ઉપર ટેક્નીકલ આસીસ્ટન્ટ તરીકે થઈ હતી. મારા જેવા નાનાં મગતરાં ત્યાં કોઈ ન હતાં. મને બહુ જ મુંઝારો થતો.
હવે તો છેક સત્યાવીસમી તારીખ પણ આવી ગઈ. મને મળતી ટપાલમાં સરસ ટાઈપ કરેલી પે સ્લીપ આવી ગઈ. પણ પગાર પત્રકમાં સહી ક્યારે કરાવશે અને ક્યારે નવી નક્કોર નોટો મારા હાથમાં મળશે, તે ઉચાટ. કોને પુછું? છેક જાન્યુઆરીની સાતમી તારીખ આવી ગઈ; પણ માળા કોઈ પગાર આપવાની વાત ન કરે. મને થયું, ‘આના કરતાં પેલા બાપની ગરજ સારે તેવા, દેશી લાહોટીજી સારા.’
છેવટે હીમ્મત કરીને અમારી ઓફીસનો પટાવાળો ચા આપવા આવ્યો હતો, તેને બીતાં બીતાં મારી હરકત જણાવી. એ તો બાપુ હસી પડ્યો.
તેણે મને કહ્યું,” અરે, સાહેબ! તમે તો ઓફીસર કહેવાઓ. તમને થોડો અમારી જેમ કવરમાં રોકડો પગાર મળે? એ તો ગયા મહીનાની પચીસમી તારીખે તમારી બેન્કના ખાતામાં જમા થઈ ગયો હશે.”
હું તો આ વાત માની જ ન શક્યો. પહેલી તારીખની પહેલાં પગાર પચીસમીએ – પાંચ દીવસ વહેલાં? મને તો ‘ન ભુતો ન ભવીશ્યતી’ અથવા ‘ કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના.’ જેવી આ વાત લાગી.
જેવી બપોરની રીસેસ પડી કે તરત ઓફીસની બાજુમાં આવેલી મારી બેન્ક્માં હું તો પહોંચી ગયો. તપાસ કરી તો ખરેખર પટાવાળાએ કહ્યું હતું, તેમ ડીસેમ્બરની પચીસમી તારીખે મારો પગાર જમા બોલતો હતો. મનમાં થયું, ‘ ભઈ, વીલાયતી ઈ વીલાયતી!’
મને ખુશી તો થઈ. પણ લાહોટીજીના હાથેથી મળેલા એ અઢાર રુપીયાનો સ્પર્શ ક્યાં; એ સુગંધ ક્યાં; અને એ બાપની મમતા જેવી સલાહ ક્યાં? પછી તો હજારો રુપીયાના પગાર સુધી પહોંચ્યો પણ … એ પહેલો પગાર તે પહેલો પગાર , એની કોઈ મીસાલ જ નહીં.