ગદ્યસુર

શીયાળો – એક અવલોકન

March 5, 2008 · 11 Comments

     ઘરની આગળ અને પાછળ ઉગેલું ઘાસ હમ્મેશ ઉનાળામાં જ વાઢવાનું હોય. પણ અમારા બેકયાર્ડમાં સ્ટોરેજ માટેનો નાનો શેડ મુકવાનો હોવાથી અમારે શીયાળામાં ઘાસ કાપવું પડ્યું.  પીળું, ફીક્કું અને સુકું ઘાસ કપાવા માંડ્યું, અને અમારા આશ્ચર્ય વચ્ચે નીચેથી લીલાંછમ્મ  ઘાસે દેખા દીધી. આવનાર વસંત રુતુ માટે આ બધાં ત્રુણાંકુર તૈયાર બેઠેલા હતાં. સહેજ ગરમી અડે અને ટપોટપ સૌ પોતાની વીકાસયાત્રા ફરી શરુ કરી દે.

—–

     એક દી’ પાર્કમાં, આમ જ,  ઠંડીમાં મુરઝાયેલા એક ઝાડ તરફ નજર ગઈ. આમ તો તે યુવાન હતું. માંડ આઠેક ફુટ ઉંચું હશે. પણ તેનો દેખાવ જીંથરીયા બાવા જેવો હતો. ડાળીઓ  સખત ઠંડીથી તતડી ગયેલી હતી. જાણે કે, તે મરણપથારીએ પડ્યું હોય તેવો આભાસ પેદા થતો હતો. મેં તેની એક સાવ સુકી ડાળી તોડી જોઈ. પણ તે એકદમ કપાણી નહીં. સાથે અગળની થોડી છાલ પણ ખેંચાઈ આવી. અને મારા આશ્ચર્ય વચ્ચે લીલીછમ્મ ઝાંય ઉપસી આવી. અહોહો! આ જીંથરીયા બાવા પણ તૈયાર જ બેઠેલા છે. જેવી સુર્યકીરણોની ઉશ્મા મળે કે તરત જ આમની પણ વીકાસ યાત્રા પાછી શરુ…

——-

     પાર્કમાં એક બીજું વયોવ્રુધ્ધ ઝાડ નજરે ચડ્યું. સો વરસથી વધારે ઉમ્મરના ડોસાની લટકતી અને જીર્ણ શીર્ણ ચામડી જેવી તેની છાલ નજીક આવી રહેલા તેના અંતકાળની સાક્ષી પુરી રહી હતી. આજુબાજુ પવનના ઝપાટે તુટીને પડી ગયેલી તેની ડાળીઓ ઝાડને પણ જમીનદોસ્ત થવા આહ્ વાન આપી રહી હતી. પરંતુ ઉંચે નવી ડાળીઓ પર જીવન ધબકી રહ્યું હતું. હજુ દસેક વરસ તો આ દાદા કાઢી નાંખશે તેવી ચાડી એ ડાળીઓ ખાઈ રહી હતી.

——-

      એ ઝાડની નીચે એક સુકાયેલા ઝરણાંનું શબ સોડ વાળીને સુતેલું હતું. પ્રાણહીન પથરા, તુટી પડેલી મ્રુત ડાળીઓ અને સુકાં પાંદડાંથી ભરાયેલો તેનો નાનકડો પટ, શીયાળાના આ માહોલમાં સુસ્તતા અને શુશ્કતાના સામ્રાજયની સંગતમાં શોકગીતની કરુણ તરજો છેડી રહ્યો હતો.  કદીક આ વહેળામાંથી માતેલા સાંઢની જેમ ધસમસતું પાણી નદીને મળવાની આતુરતામાં દોડતું અને કુદતું ઉછળી રહ્યું હશે તેની સાક્ષી એ શુશ્ક પથ્થર પર સુકાઈને પડેલી લીલના કાળા ઓઘરાળા આપી રહ્યા હતા. પણ અહીંયે આવનાર વસંતનાં વધામણાં ગાવા એક રડીખડી, ભુલી પડેલી હોય તેમ જણાતી ખીસકોલી કોઈક આશા ભરેલો સંફેત  આપી , રમતમાં આમતેમ મહાલી રહી હતી.

—–

     જીવનના શીશીરમાં, સુસ્ત ઠંડીમાં થીજેલા સુશુપ્ત હોવાપણામાંય  વસંતનું આવાહન કરતા આવા કોઈ ઓરતા છુપાયેલા, ધરબાયેલા નથી હોતા?  નીરાશાઓના થોકે થોક પડળોની નીચે પણ આશાઓના અંકુર ઉંડે ઉંડે સળવળી રહ્યા નથી હોતા? જ્યાં સુધી  આવા ઓરતા   જીવંત છે, ત્યાં સુધી જીવનનું સાતત્ય પ્રસ્તુત નથી હોતું?

Categories: અવલોકન

આજનો સુવીચાર

March 5, 2008 · Leave a Comment

       કાર્ય કરવું એ ઘણું સારું છે. પરંતુ તે વીચારમાંથી આવે છે… માટે મસ્તીષ્કને ઉન્નત વીચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નીશ તમારી દ્રષ્ટી સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

- સ્વામી વિવેકાનંદ

Categories: સુવીચાર