ગદ્યસુર

અમેરીકન બાઈસનનો મરણકુદકો

March 7, 2008 · 6 Comments

        અમેરીકન ભેંસના શીકારની આ હ્રદયદ્રાવક વાત અંગેનું પ્રકરણ (  ભાગ  -1-   :    ભાગ- 2  ) મેં વાંચ્યું ત્યારે આ ક્રુરતાથી હું ડઘાઈ ગયો હતો. અને આ તો માત્ર એક જ જગ્યાની વાત હતી. આવાં તો અનેક સ્થળોએ આવી ઘટનાઓ હજારો વરસથી, દર સાલ ઘટતી હતી. પણ તે પુસ્તકમાંનાં આગળનાં પ્રકરણો વાંચીને તો મને અરેરાટી થઈ ગઈ અને  સંસ્કારી ગણાતા સમાજોમાં અને સંસ્ક્રુતીમાં મારો વીશ્વાસ ડગી ગયો.  ઘાસના અડાબીડ પ્રદેશમાં રહેતી આ અસંસ્ક્રુત પ્રજાએ તો આવું ઘણું બધું જીવનના સાતત્ય માટે કર્યું હતું.  કોલમ્બસે નવી દુનીયામાં પગ મુક્યો, ત્યાં સુધી કુદરતમાં માનવવસ્તી અને આ ભેંસવસ્તી વચ્ચે એક સમતુલન જળવાયેલું હતું. છ છ હજાર વર્શ આ હત્યા ચાલવા છતાં, એક અંદાજ પ્રમાણે તે સમયે 50 થી 60 લાખ ભેંસો હતી.

      પણ યુરોપીયન પ્રજા પોતાની સાથે ઘોડા અને રાઈફલ લાવી, અને તે આ પ્રજાના હાથમાં તેમણે આપ્યાં. હવે આ શીકાર માત્ર જીવનના સાતત્ય પુરતો સીમીત ન રહ્યો; પણ સુધરેલી દુનીયાની ચામડાંની જરુરીયાત માટેનો એક સ્રોત બની ગયો. પગે ચાલીને થતા શીકારમાં હવે ઝડપ આવી અને શ્રમનું પ્રમાણ ઘટ્યું. જીવન જરુરીયાત માટે જ જે પ્રવ્રુત્તી થતી હતી તેમાં હવે વેપારનું તત્વ પણ ઉમેરાતું ગયું.  ગણતરીના સેન્ટના બદલામાં ત્રણેક ડોલરનો નફો કરી આપતો આ વ્યાપાર ખુબ વીકસ્યો. આમ છતાં હજુ શીકાર અને પ્રજોત્પતી વચ્ચેના સમતુલન પર ખાસ અસર થઈ ન હતી. આધુનીક થતી જતી શીકારની પધ્ધતી છતાં હજુ ભેંસોનાં ટોળાં પ્રેરીના બીડોને ખુંદતાં રહી શક્યાં હતાં.

        પણ આ કમનસીબ જાનવરોની નીયતી આટલા પુરતી જ મર્યાદીત રહેવા સર્જાઇ ન હતી. ઔદ્યોગીક ક્રાંતીના પગલે પગલે ચામડાં કમાવાની ઉત્પાદકતા ઘણી બધી ગઈ. હવે તો શક્તીશાળી રાઈફલો લઈને ધોળા શીકારીઓ બહુ આસાનીથી ભેંસોની નીર્મમ હત્યા કરતા રહ્યા. શોખ માટે પણ. સમ્પતીવાન લોકોનાં દીવાનખંડોની દીવાલો પર મસાલા ભરેલા ભેંસોના ડોકાં ટીંગાડવાની નવી ફેશન ચાલુ થઈ.

         રેલરોડના આગમન સાથે આ નીર્દોશ જાનવરોનાં ધાડાં અડચણ રુપ બની ગયાં. ચાલુ ટ્રેનની વચ્ચે આ ધણ આવી જતાં દુર વગડામાં ટ્રેનો પાટા પરથી ખડી પડવા લાગી.  તેમનું સમારકામ બહુ જ ખર્ચાળ અને સમયનો બગાડ સર્જતું બની રહ્યું. થોડી ઘણી માનવજાનની હાની પણ થતી. જો ડ્રાઈવર સમય સુચકતા વાપરી ટ્રેન અટકાવી દે તો, આવા મોટાં ધણોને પસાર થવા દેવા કદીક એક આખો દીવસ ટ્રેનને વગડામાં ખોટી પણ કરવી પડતી હતી. આવે સમયે માત્ર પોતાની શીકારની ચળ હળવી કરવા મુસાફરો સાથે લાવેલી રાઈફલોથી વીનાકારણ આ નીર્દોશ પ્રાણીઓની હત્યા કરતા. અમુક મુસાફરો ( સ્ત્રીઓ સમેત) માત્ર આ ઉદ્દેશથી જ ટ્રેનની મુસાફરી કરતા. રેલરોડના બાંધકામ વખતે પણ ઘણી હરકતો પહોંચતી. વળી રેલરોડ આવવાને કારણે ચામડાંની યાતાયત બહુ સરળ બની ગઈ. 1872-73 ના એક જ વરસમાં 32 લાખ ચામડાં ટ્રેનોમાં લઈ જવામાં આવ્યાં હતાં. અર્થહીન થતી હત્યાઓ અને ન વપરાય તેવાં ફેંકી દીધેલ ચામડાંઓ ધ્યાનમાં લઈએ તો  આ સંખ્યા ત્રણ ગણી થતી હશે એવો એક અંદાજ છે. અને આમ છતાં આ તો ભયાનક હત્યાકાંડમાં પાશેરાની પહેલી પુણી જ હતી.

        આ બધી અડચણોને કારણે હવે તો આ જંગલી જાનવરો સામે અમેરીકન સરકારે રીતસરનું યુધ્ધ જ જાહેર કરી દીધું. ભેંસના શીકાર માટે ઈનામો અપાવા લાગ્યા. અને માંસ કે ચામડાની જરુરીયાત વગર પણ આ અબુધ પ્રાણીઓનો શીકાર એ મોટો વ્યવસાય બની ગયો. અને છેવટે તો આ પુણ્યકામ (!) માટે લશ્કર ઉતારવામાં આવ્યું. બંદુકની જગ્યાએ હવે તોપો આવી ગઈ; અને રણગાડીઓ પણ. અમેરીકા અને કેનેડાની સક્ષમ સંહારશક્તી આ કામે લગાડવામાં આવી. 

       અમેરીકન ભેંસની આખી જાતી ખલાસ થઈ જવાના આરે આવી ગઈ. આખી જાતીનું નીકંદન નીકળી ગયું. માંડ ક્યાંક રડી ખડી કો’ક ભેંસો અને સાંઢ નજરે ચઢતા. માત્ર પ્રાણી સંગ્રહાલયો અને કો’ક ખાનગી રેન્ચોમાં જ આ પ્રાણીઓ સચવાયાં. સેંકડો માઈલમાં પથરાયેલાં પ્રેરીનાં બીડ ભેંસો વીના સાવ ભેંકાર બની ગયાં.

         પણ બધી ધોળી પ્રજા નીર્દય હતી; તેવો ચુકાદો આપણે ન આપી શકીએ. જીવદયા અને પ્રક્રુતીના રક્ષણ માટે સજાગ એક નાનકડો વર્ગ પણ હતો. આ લોકોએ અને ખ્રીસ્તી પાદરીઓએ આ નીર્મમ હયાકાંડની સામે ઝુંબેશ આદરી. ખાસ કરીને અતીસમ્રુધ્ધ અને નેવીનાં વહાણો બનાવનાર  એક ઉદ્યોગપતીના પુત્ર  હેન્રી બર્ગ ને નીર્દોશ પ્રાણીઓ માટે બહુ જ પ્રેમ હતો. તેણે આ ભેંસોની જાત ધરતી પરથી અદ્રશ્ય ન બની જાય તે માટે ઝુંબેશ આદરી.  તેણે સ્થાપેલી સંસ્થા ( ASPCA- American Society for the Prevention of Cruelty to Animals ) આજે પણ કાર્યરત છે. પણ એ અરણ્યરુદન કોણ સાંભળે? કોઈ પ્રેસીડેન્ટ આવું રાશ્ટ્રીય દ્રશ્ટીએ બીનજરુરી પગલું ભરવા તૈયાર ન હતો.

( હેન્રી બર્ગ વીશે વધુ વાંચવા અહીં ‘ક્લીક’ કરો :    -   1   -   :   -   2   -  )

       છેક થીયોડોર રુઝવેલ્ટના સમય સુધી આ અવગણના ચાલુ રહી.   પોતે શીકારનો શોખીન હોવા છતાં રુઝવેલ્ટ પર્યાવરણ અને વન/ જીવસ્રુશ્ટીના સંરક્ષણ અને સંવર્ધનનો ચુસ્ત  હીમાયતી હતો. તેના અને અમેરીકન કોંગ્રેસના સજાગ સેનેટરોના પ્રયત્નોને કારણે છેક 1918ની સાલમાં અમેરીકન ભેંસની જાતીને બચાવી લેવાનું અભીયાન શરુ થયું. કેનેડા પણ આ બાબતે સજાગ બની ગયું. કેનેડા અને અમેરીકામાં બધુ થઈને માત્ર 500 ભેંસો જ બચી હતી, અને તે પણ માત્ર ઝુ અને ખાનગી ખેતરોમાં જ. વન્ય જાનવરો તો નામશેશ બની ગયા હતા.

  bison_ys_park.jpg 

- યલોસ્ટોન નેશનલ પાર્કમાં પુનર્વસીત અમેરીકન બાઈસન

          સદભાગ્યે આ પ્રયત્નોના કારણે ક્રમશઃ અમેરીકન ભેંસની વસ્તી વધવા માંડી અને હાલમાં તે બે લાખ સુધી પહોંચી છે. પણ પ્રેરીના બેતાજ બાદશાહ જેવા આ જાનવરનો સુવર્ણકાળ આવી કથાઓનો વીશય માત્ર જ બની રહ્યો છે. માનવ સંસ્ક્રુતીની વીકાસયાત્રા કેટલી લોહીયાળ અને ક્રુર રહી છે તેનું આ સમગ્ર પ્રકરણ એક નાનું જ ઉદાહરણ છે. માનવજાતની ભવ્ય સંસ્ક્રુતીના પાયામાં આવાં કરોડો અબુધ જીવોનું શોણીત સીંચાયેલું છે, એ સત્ય આપણે ન વીસરીએ.

Categories: અમેરીકા · ઈતીહાસ

આજનો સુવીચાર

March 7, 2008 · Leave a Comment

     બાલ્યકાળથી જ એમનાં મસ્તકમાં નીશ્ચીત, દ્રઢ અને સહાયક વીચારોનો પ્રવેશ થવા દો. આવા વીચારો પ્રત્યે તમારી જાતને અભીમુખ કરો, જીવનને કમજોર અને નીષ્ક્રીય બનાવે એવા વીચારો પ્રત્યે નહીં.

- સ્વામી વિવેકાનંદ

Categories: સુવીચાર