ગદ્યસુર

આજનો સુવીચાર

March 17, 2008 · Leave a Comment

       માનવજાતીના સારાયે ઈતીહાસમાં તમામ મહાન સ્ત્રીપુરુષોના જીવનમાં સૌથી વધુ પ્રવર્તક જો કોઈ શક્તી હોય, તો તે આત્મશ્રદ્ધા છે. પોતે મહાન થવા માટે નીર્માયા છે એવી જન્મજાત સભાનતાને કારણ તેઓ મહાન થયા.

- સ્વામી વિવેકાનંદ

Categories: સુવીચાર

ધુમ્મસ – એક અવલોકન

March 17, 2008 · 1 Comment

      આજે સવારે ઉઠ્યો અને બહાર નજર કરી તો બધે ધુમ્મસ છવાયેલું હતું. સામેનાં ઘર માંડ દેખાતાં હતાં. દુરથી આવતું વાહન તો દેખાય જ નહીં. ટ્રાફીક સાવ ધીમી ગતીનો બની ગયો હતો. હીલ સ્ટેશન (ગીરી મથક?) જેવો દેખાવ સર્જાઈ ગયો હતો.

    વાતાવરણમાં ભેજનું પ્રમાણ સો ટકા થઈ જાય અને ઠંડી પડે એટલે વધારાનો ભેજ નીતરી નીતરીને ધુમ્મસ પેદા કરે. દ્રશ્ય સારું દેખાય, પણ વાહન વ્યવહાર માટે મોટી અડચણ ઉભી થઈ જાય. એ તો દેખાવનું જ સારું.

……..

       આપણા જીવનમાંય એમ જ બને છે ને? સંકુચીત વીચારધારાના પ્રતાપે વીચારોની મર્યાદા આવી જાય; કશુંય વીશેશ મનમાં પ્રવેશ કરી ન શકે; ત્યારે વીચારોની ઝાંખ અને ધુમ્મસ. બધું ધુંધળું ધુંધળું જ દેખાય. છતી આંખે આંધળાં. દુરનું તો કશું નજરે જ ન ચડે. દ્રશ્ટી સાવ સીમીત બની જાય. આપણી માન્યતાઓ અને પુર્વગ્રહોથી બનેલું દ્રશ્ય આપણને એટલું તો મનોહારી લાગે કે, દુરથી આવી રહેલો સત્યનો પ્રકાશ પણ આપણે ભાળી ન શકીએ. અને બધો વ્યવહાર ઠપ્પ થઈ જાય; બધી ગતી સીમીત બની જાય!

       ધોળા દીવસે અંધકાર અને ઝાંખપ!

Categories: અવલોકન