અમારે ત્યાં ડલાસમાં ખાસ સ્નો પડતો નથી. શીયાળાની મોસમમાં એકાદ બે દીવસ એ હાજરી પુરાવવા ઠોઠ નીશાળીયાની જેમ પધારી જાય! અને એકાદ બે દીવસ એ છીછરો સ્નો માંડ ટકે. હમણાં ત્રણેક દી’ પહેલાં રહી રહીને, મોસમમાં પહેલી વાર, આછો સ્નો પડી ગયો. સવારે ઉઠયા અને બધે સફેદ ચાદર – જમીન પર અને છાપરાંઓ પર. જોઈને મન હરખાઈ ગયું. છોકરાંઓ બપોરે નીશાળેથી આવશે અને સ્નોમાં રમવા લઈ જઈશું; એમ વીચાર્યુ.
પણ બપોર સુધીમાં તો સુરજદાદાના તાપે એ બધા ય ધોળીયાંઓ ગાયબ થઈ ગયા! માત્ર જ્યાં બપોરે છાંયડો રહેતો હતો; ત્યાં જ થીજેલો બરફ ઓગળ્યો નહોતો. લાકડાની વાડ અને મકાનની દીવાલની આડશમાં એ ટકી રહ્યો હતો. પણ એનાથી થોડું જ રમાય છે? એ તો સખત, માથામાં વાગે એવો બરફ હતો.
…….
આપણા જીવનમાંય રક્ષણ મળે તો અસ્તીત્વ રહે : ખરું ને? પ્રખર તાપમાં તો ભલભલા ઓગળી જાય. અને જે કોઈ ટક્યા એ હંધાય કઠણ બની જાય. એ રમતીલા જીવન માટે કશાય કામના નહીં.