બંધ બારી બારણાં અને આગળ પાછળ ઘાસના કારણે અમેરીકાનાં ઘર તો ચોખ્ખાં ખરાં જ; પણ – અહીંની બાથરુમો પણ ચોખ્ખી. પાણીનો છાંટો પણ ન પડે એવી કાળજી રાખીને એની રચના કરેલી હોય. આપણે ત્યાં દેશમાં તો નીચે બેસીને લોકો ન્હાય; અથવા શાવર લે, તો પણ આખી બાથરુમમાં પાણી છંટકાઈ જાય. પછી બીજું કોઈ, બીજા ઓરડામાંથી આવે એટલે સાથે ધુળ લેતું આવે અને ફર્શ પગલાંથી ચીતરાઈ જાય.
એક શાવર કર્ટન ( છાંટ પડદો?!) માત્ર લટકાવી દીધો અને શાવરના પાણીનો બધો છંટકાવ સરીને નાની જગ્યામાં જ પડે અને તરત ખાળ વાટે ગટરમાં વીદાય થઈ જાય. અહીં તો પાછાં બાથટબ પણ હોય , એટલે પાણી બહાર ફેલાવાની શક્યતા સાવ નહીં જેવી. બાકીની બાથરુમ સાવ કોરી કટ રહી શકે.
………
એક જ શાવર કર્ટન અને કેવી ચોખ્ખાઈ? અરે, ભાયું ને બ્હેન્યું! આપણા વાણી અને વર્તનથી આપણી આજુબાજુના વાતાવરણને ડહોળી શીદ નાંખીએ? એક પડદો લગાવી આપણા વીચાર અને માન્યતાઓ આપણા પુરતા જ મર્યાદીત રાખીએ તો?
હા! કોઈ સુધારાજનક, પ્રગતીશીલ અને સર્વજનહીતાય વીચાર હોય તેના અમલીકરણ અને પ્રસાર માટે વીચાર વીનીમય કરવો પડે; એ વાત અલગ છે. ત્યાંય પડદા જ પડદા રાખીએ તો એક જ જણ નહાઈ શકે. એના માટે તો સ્વીમીંગ પુલમાં જઈને નહાવું જ સારું; જેથી સામુહીક સ્નાનની મજા માણી શકાય અને એ સદવીચારનો વ્યાપ થાય.