પ્રકાશ અને અંધકાર – બે અવલોકનો
March 27, 2008 · 3 Comments
તમે રાતે તમારી પથારીમાં સુતા છો અને તમારે બાથરુમ જવું પડે તેમ છે. તમે લાઈટ ચાલુ કર્યા વીના આછા ઉજાસમાં ત્યાં પહોંચી જાઓ છો. રોજના મહાવરાથી અને આછા ઉજાસના કારણે તમને કોઈ તકલીફ પડતી નથી. બાથરુમની લાઈટ તમે ચાલુ કરો છો. હાજત પતાવી, લાઈટ બંધ કરી તમે પાછા તમારી પથારી તરફ પાછા વળો છો.
અને આ શું? બધું ધબોનારાયણ ! હવે તમે કશું જોઈ શકતા નથી. પુર્ણ અંધકાર તમને ઘેરી વળ્યો છે. તમે બેળે બેળે અંધ વ્યક્તીની જેમ હેમખેમ પહોંચી જાઓ છો. જો આંખો ખુલ્લી રાખીને બાથરુમની બહાર એકાદ મીનીટ ઉભા રહ્યા હોત તો ગુમાવેલી દ્રશ્ટી પાછી મેળવી શક્યા હોત.
….
તમે સડસડાટ કાર ચલાવી રહ્યા છો. સાંજનો સમય છે અને આગળનો રસ્તો પશ્ચીમ દીશા તરફ જઈ રહ્યો છે. તમારી આંખો તેજસ્વી સુર્યપ્રકાશથી અંજાઈ જાય છે, અને તમે દ્રશ્ટી ગુમાવો છો. સન સ્ક્રીન પાડીને માંડ માંડ તમે આ તકલીફથી છુટકારો મેળવો છો.
…
લે કર વાત! આમાં શું વળી. આમ તો રોજ બધાંને થાય.
પણ આપણી જોવાની શક્તીની મર્યાદાઓ આ બેય ઘટનામાં છતી થાય છે. આપણું મન સાતત્યથી ટેવાયેલું હોય છે. એકદમ થતા પરીવર્તન માટે તે તૈયાર નથી હોતું. બદલાયેલ પરીસ્થીતી માટે તેને તૈયાર થતાં વાર લાગે છે. કોઈ પણ પરીવર્તન માનસીક તૈયારી માંગી લે છે.
હમ્મેશ અંધકારમાં રહેવું અથવા અજવાળામાંથી અંધારામાં જવું પ્રમાણમાં સહેલું હોય છે. પણ અંધારામાંથી તીવ્ર અજવાળામાં જવું બહુ વેદનાકારક હોય છે.
અને કહે છે કે કેવળ સત્યનો પ્રકાશ એટલો તીવ્ર હોય છે કે, તેનાથી કાયમી વીચાર અંધાપો આવવાની શક્યતા હોય છે. સત્ય પચાવવા બહુ મોટી માનસીક તૈયારીની જરુર હોય છે.
Categories: અવલોકન · સુરેશ જાની