ગદ્યસુર

Entries from April 2008

આજનો સુવીચાર

April 30, 2008 · Leave a Comment

    આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે; તેઓ જ ખરેખર જીવે છે. બાકીના લોકો તો જીવતા કરતાં વીશેશ મરેલા છે.

- સ્વામી વિવેકાનન્દ

સાભાર – ચીરાગ પટેલ

Categories: સુવીચાર

ખીંટી – એક અવલોકન

April 30, 2008 · 5 Comments

         સામે દીવાલ પર ખીંટીના આધારે મોટી ફ્રેમમાં મઢેલું એક સરસ ચીત્ર લટકી રહ્યું છે. દીવાલની ગુંજાઈશ માત્ર ઉભા રહેવાની છે. છતને ટકાવી રાખવાની છે. એની સપાટીની આવા ચીત્રને લટકાવવાની સહેજ પણ ગુંજાઈશ નથી. એની ઉપર ખીંટી લગાવી અને ભીંતમાં છબી લટકાવવાની ક્ષમતા આવી. દીવાલ છતનો આધાર છે; તો ખીંટી છબીનો.

        જમીન પર એક પૈડું પડેલું છે, તેની ગુંજાઈશ નથી કે તે ગોળ ફરી શકે. તેને કોઈ ધરીના આધાર પર ટેકવી દો; અને તેનામાં ગોળ ગોળ ફરવાની ગુંજાઈશ આવી જશે. હતાશ પડેલું એ પૈડું એક કાર કે સાઈકલનો આધાર બની જશે.

        અરે ઘન પદાર્થની ક્યાં વાત કરીએ? પ્યાલો ન હોય તો પાણી ક્યાં રહે? એ એની ખીંટી. કાંઠા અને તળીયું છે તો નદી છે. તલાતલ પાતાળ છે તો દરીયો છે. ફરફરતો વાયરોય ધરતીનું ગુરુત્વાકર્શણ ન હોય તો ક્યાં જતો રહે? સમગ્ર પર્યાવરણ અને ભુમીતલની એ ખીંટી. એ બળ જ ન હોય તો?

        સમજુ અને શાણી માતા ઘરના વાત્સલ્યની આવી ખીંટી છે. એની ઉપર વ્હાલ અને મમતા લટકે છે. ઘરની સુખ શાંતીનો આધાર સમજુ અમે પ્રેમાળ મા છે. બાપ કમાઈને આજીવીકા લાવે છે. એનાથી બધાંના જીવનનો નીર્વાહ થાય છે. બાપ કુટુમ્બની આર્થીક ખીંટી છે.

        એમજ સારો શાસક સમાજની, કોઈ પણ સંસ્થાની, કોઈ પણ રાજ્ય કે દેશની ખીંટી છે.

       સુર્ય બધાય ગ્રહોની ખીંટી છે. તેના પ્રચંડ કદ અને વજનને કારણે તે બધા ગ્રહોને પોતાની આજુબાજુ ફરતા રાખે છે. એ ગ્રહમંડળની ખીંટી છે.

      એમ કહે છે કે, નીહારીકાના કેન્દ્રમાં ‘બ્લેક હોલ’ હોય છે. એમાં બધું સમાઈ જાય છે – પ્રકાશ પણ. આથી જ તેને સૌથી શક્તીશાળી દુરબીન વડે પણ જોઈ શકાતું નથી. પણ એની ખર્વાતીખર્વ ઘનતાને કારણે તે સુર્યથી અનેક ગણા મોટા એવા લાખો તારાઓને પોતાની આજુબાજુ ફરતા રાખી શકે છે. નહીં તો એ બધાય ક્યાંના ક્યાં ફેંકાઈ જાય.એય એક ખીંટી જ ને?  

       એક નાનકડા પરમાણુની અંદર તેના કદથીય અત્યંત નાનું કેન્દ્ર આવેલું હોય છે; જેમાં પરમાણુનું બધું દ્રવ્ય ( Mass ) સમાયેલું હોય છે. અને તે જ પોતાની આજુબાજુ ઘણા બધા ઈલેક્ટ્રોનોને પ્રચંડ વેગથી ફરતા રાખી શકે છે. એ પરમાણુની ખીંટી?

       આપણા રંગ, રુપ, વીચાર, વાણી અને વર્તનનો આધાર આપણી અંદર રહેલું જીવંત તત્વ. એ ન હોય તો આપણે શબ જ બની રહીએ ને? એ જીવ એ આપણા જીવનની ખીંટી.

       જાતજાતની ખીંટીઓ અને જાતજાતના આધાર.

       તમે જ કહો – કોઈ પણ આધાર વીનાની કોઈ પણ વસ્તુ હોઈ શકે ખરી?

Categories: અવલોકન · સુરેશ જાની

આજનો સુવીચાર

April 28, 2008 · Leave a Comment

જે લોકો હમ્મેશ
રડતા અને ફરીયાદ જ કર્યા કરતાં હોય
તેમનું કાંઈ જ ન સાંભળો.
એ ચેપી રોગ છે.

- ઓગ મેન્ડીનો

 

Categories: સુવીચાર

વોટર ફાઉન્ટન – એક અવલોકન

April 28, 2008 · 1 Comment

      પાર્કમાં પાણી પીવા માટે ઠંડા પાણીનો ફાઉન્ટન છે. મોટાં માટે ઉંચો. બાળકો માટે નીચો. અને પાલતુ કુતરાં અને બીલાડાં માટે સાવ જમીનની લગોલગ. બધાંની તરસ ત્યાં છીપાય. ચાલીને, દોડીને, કુદીને, રમીને થાક્યા હોય તે હંધાંય તરસ બુઝાવે અને હાશકારો કરે. બધાંને ત્યાં ઠંડું, ચોખ્ખું પાણી પીવા મળે.

       ધારોકે, આપણે રણમાં મુસાફરી માટે ગયાં હોઈએ. બહુ જ ચાલ્યાં હોઈએ. સાથેની મશક કે વોટરબેગમાંનું પાણી ખાલી થઈ ગયે પણ કલાક વીતી ગયો હોય. માથે ગરમી, પગમાં ચાલવાનો થાક હોય અને ગળું તરસથી સુકાતું હોય. મન આશરા માટે વલખાં મારતું હોય. અને ત્યાં દુર લીલી હરીયાળી અને ખજુરીના ઝાડથી ભરપુર અને નીલા સંગનું રણદ્વીપ નજરે ચઢે અને આપણે ત્યાં પહોંચી જઈએ. તો કેવી ટાઢક થાય? કેવો હાશકારો થાય?

       જીવન એને જીવ્યું કહેવાય જે સાથે ચાલનારને આવો હાશકારો આપી શકે. પછી તે સાથે ચાલનાર આપણો કે આપણી જીવનસાથી હોય, કે આપણો મીત્ર હોય કે પાડોશી હોય. ભલે ને તે સાવ અજાણ્યો હોય. કે અતીથી હોય. અરે! ભલે ને તે દુશ્મન હોય. દુશ્મનનેય દુશ્મની છોડવા મન થાય તેવા વોટર ફાઉન્ટન કે રણદ્વીપ બનવાનું વીચારીએ તો?

       અને એમ પણ બને કે, એ ફાઉન્ટન પાસે કોઈ આશાથી ભરેલું પહોંચે અને તેમાંથી પાણીનું ટીપુંય ન નીકળે. એ રણદ્વીપ તો દુરનું દુર જ રહે – એ તો હકીકતમાં માયાવી ઝાંઝવું જ હોય.

         અને એમ પણ બને કે આપણું જીવન પણ એવું જ વેરાન, એવું જ સુક્કું ભંઠ હોય. એમાં પોતાના કાંટાળા અસ્તીત્વ સીવાય બીજા કોઈને હાશકારો આપવાની ક્ષમતા જ ન હોય.

           આ બે વીકલ્પોમાંથી આપણે કયો વીકલ્પ પસંદ કરીએ,  એ આપણી પોતાની પસંદગી છે.

Categories: અવલોકન

આજનો સુવીચાર

April 27, 2008 · 2 Comments

તમે આખા વીશ્વને બચાવી ન શકો તો કાંઈ નહીં,
તમારા સમાજમાં સુધારા આણી શકો તો પણ ઘણું છે,

- લીસા લીન્ડસે

Categories: સુવીચાર

આજનો સુવીચાર

April 26, 2008 · 1 Comment

દોશ ન શોધો.
ઉકેલ શોધો.
ફરીયાદ તો કોઈ પણ કરી શકે છે.

- હેન્રી ફોર્ડ

Categories: સુવીચાર

જીવન – સરીતા, ભાગ – 1

April 26, 2008 · 4 Comments

      મારું નામ સરીતા.

     મારા સ્વરુપ ઉપર ભલભલા ફીદા છે. કેટકેટલી કવીતાઓ મારા વીશે લખાઈ છે. મારી નજીક આવતાં જ કોઈના પણ મનમાં શીતળતા અને અવર્ણનીય આનંદ છવાઈ જાય છે. કેટકેટલાં જીવો મારી ઉપર નભે છે. મારાથી પોશાય છે. તેમના જીવનનો આધાર મારા થકી છે.

      પણ હું બહુ વ્રુધ્ધ છું હોં! તમે મારી શું ઉમ્મર ધારો છો? જો કે, સાચું કહું? મને પણ ખબર નથી! જો જો, હોં, સ્ત્રીની સાહજીકતાથી હું ઉમ્મર છુપાવવા નથી માંગતી. ખરેખર મને મારી ઉમ્મર યાદ નથી. હા, પણ અંદાજે લાખેક વરસ તો હશે જ!

      કેમ, ચોંકી ગયા? એમ સમજ્યા કે આ બાઈ પાગલ છે? ના, હું તો છું સરીતા… નદી… અરે, ખરેખરી નદી. પાણીના શાંત જળ એ મારી દેહયશ્ટી છે. સામાન્ય સ્ત્રીને તો બે જ યૌવન કુંભો હોય અને થોડોક જ સમય એમાંથી સંતાન માટે ધાવણ ઝરે. મારા તો કણ કણમાં એ સ્તનની સુંદરતા છે અને એમાંથી સતત પોશણનો ઝરો વહે છે. કેટકેટલાય જીવ મારી અંદર જન્મ લે છે અને એ ધાવણથી પોશાય છે. મારું સમગ્ર હોવાપણું પુર્ણ નારીત્વથી છલકાય છે. એટલે જ તો બધા મારા સૌંદર્ય પર આટલા બધા ફીદા છે.

      પણ મારા ઉદ્-ગમ સ્થળ પાસે તો હું હજીય સાવ નાનકડી બાલીકા જ છું હોં! પર્વતાળ પ્રદેશની વરસાદની હેલીઓ મારી જનેતા છે. ખડકોની ઉપરથી એ બધીઓ ટપકી ટપકીને એક ઉંડા ખાડામાં ભેગી થાય છે; એ સરોવર મારું જન્મ સ્થાન. ત્યાંથી મારો સતત પ્રસવ થતો જ રહે છે! માંડ ખાલી થવા આવે ત્યાં બીજી હેલીઓ તેને ભરવા તૈયાર જ હોય છે ને? પણ ત્યાં મને નીહાળવા ક્યાં કોઈ આવે જ છે? બસ નીર્દોશ પંખીડાં અને રમતીયાળ ખીસકોલીઓ જ મારાં બાલસાથી હોય છે ને? તમારું દુર્ભાગ્ય કે તમે મને ત્યાં જોવા કદી આવતા નથી. નહીં તો મારી બાળસુલભ ચેશ્ટાઓ પર તમે આફ્રીન થઈ જાઓ. એ પર્વતાળ અને દુર્ગમ સ્થાનમાં તો મારું નામેય બદલાઈ જાય છે ને? મને ય એ ‘ઝરણા’ નામ બહુ ગમે છે. બસ સતત ખડકો ઉપર કુદતા રહેવાની મને બહુ જ મજા આવે છે. અને ત્યાં મને દુશીત કરવાય કોણ આવે છે? ત્યાં તો તળીયું દેખાય એવું પારદર્શક મારું રુપ હોય છે વારુ. અને ક્યાંય ને ક્યાંયથી મારી સહેલીઓ પણ મારી સાથે રમવા આવી જાય છે. અમે બધાં લીસા પથ્થરના પાંચીકા ઉછાળતાં રહીએ છીએ.

        રમતાં રમતાં અમે ક્યાં એકબીજામાં ભળી જઈએ છીએ; એની અમને ખબર પણ ક્યાં પડે છે? એ બધીય સહેલીઓ મારામાં ભળી જાય છે. કોઈ ડાબેથી આવે છે તો કોઈ જમણેથી. પણ હું એમની મોટી બહેન ખરીને; એટલે માન આપી પોતાનું સમગ્ર અસ્તીત્વ એ બધીઓ મને સમર્પીત કરી દે છે. ખરેખર જુઓને તો, અમે અલગ હોઈએ છીએ એટલું જ. ક્યાં અમારાં અલગ અલગ નામ તમે આપો છો? બધીય ઝરણાં જ તો ! અમને અમારા અલગ અસ્તીત્વનું કોઈ ગુમાન નથી. બસ રમતાં રહેવાનું, ઉછળતા અને કુદતા રહેવાનું અને એકમેકમાં ભળી જવાનું. સાચ્ચું કહું? મને તો મારી એ અવસ્થા જ સૌથી વધારે ગમે છે હોં !

       અને પુશ્ટ બનેલી હું યૌવનમાં પ્રવેશું છું. મારું રુપ બન્ને કાંઠે ખીલતું જાય છે. મારી કુદંકુદી હવે ક્યાં? પણ ઢોળાવવાળા માર્ગે તીવ્ર ગતીથી હું આગળ અને આગળ ધસમસું છું. હવે તો મારી બઈ, જુવાનીના મદમાં હું ઉછાંછળી અને ગાંડીતુર બની જાઉં છું હોં! મારા ધસમસતા પ્રવાહની કોઈ મીસાલ નથી. મારા એ નાચથી ભલભલા ખડક ઘસાઈ જાય છે ! તેમના દેહ ક્યાંક લીસ્સા તો ક્યાંક લચકીલા તો ક્યાંક લીસોટેદાર બની જાય છે. ક્યાંક તો હું તેમના ભાંગીને ભુક્કા બોલાવી દઉં છું. પણ મારે એમની શી પંચાત? મને ક્યાં નવરાશ છે, એમની જોડે ગપસપ કરવાની? હું તો યૌવનના મદમાં ગાંડીતુર બનીને દોડતી જ રહું છું. પાગલ બનેલા એમાંના કોક જુવાનીયા મારી સાથે જોડાય છે ય ખરા. ભલે ને આવતા. પણ મારી ચાલે એમનાથી ના દોડાય હોં! એમને તો અથડાતા, કુટાતા, હાંફતાં મારી પાછળ મંથર ગતીએ જ ઘસડાવું પડે. જેવું જેનું પોત. કઠણ અને જડ રહે તો એમ જ બને ને! મારી જેમ તરલ અને પારદર્શક હોય તો કાંઈ મેળ પડે! નહીં તો એ ઘસાતા જ રહે, અફળાતા જ રહે. અહીં કોણે કહ્યું‘તું કે મારા રુપમાં પાગલ બનો?

        પણ મારા આ ગર્વનો પછી અંજામ પણ એવો જ આવે ને? મારી ધસમસતી એ દોડમાં ક્યાં હું એક દુર્ગમ અને ઉંડી ખીણના નાકે આવીને ઉભી છું તેનું મને ભાન જ નથી રહેતું. અને પછી બીજું શું થાય? વીનીપાત જ અનીવાર્ય હોય ને? એ પ્રચંડ પ્રપાતના ઘુ ઘુ ઘોશમાં મારી ચીસ ક્યાં કોઈનેય સંભળાય છે? એ પછડાટ, એ ફીણ, એ ઘુમરીઓ, એ અસંખ્ય છંટકાવની હેલીઓ, એ મારા શત શત ટુકડાઓ. સદીઓથી આ પતન ચાલ્યા જ કરે છે; ચાલ્યા જ કરે છે. બીજી ત્રણ ચાર જગ્યાએથી મારા જેવી બીજીયો ય અહીં ભુલી પડેલી છે. અને એય આ પતનમાં મારી ભાગીદાર છે. ઉંચી નજરે અમારા શૈશવની એ પર્વતાળ ભુમીને યાદ કરી કરીને અમે શોકમગ્ન બની ગયેલાં છીએ. અમારા એ પાગલપનની, અમારી એ મસ્તીની ગૌરવગાથાઓ યાદ કરતાં કરતાં અમે સમદુખીયાં ખીણમાં પડ્યાં પડ્યાં પોશ પોશ આંસુ વહાવીએ છીએ. એકમેકનાં આંસુ લુછીયે છીયે. પણ……

      ते हि न दिवसो गताः।

     પણ ક્યાં કોઈને ય ઠરીઠામ થઈને બેસવાનો સમય છે. પડ્યાં નથી ને પાછાં હેંડ મારા રામ. ફરી ચલતી પકડવી જ પડે. બેસી રહેવાનું, બંધીયાર રહેવાનું, રડતાં રહેવાનું મારા સ્વભાવમાં જ નથી. ભલે ને પાણીનો અખુટ ભંડાર મારી પાસે હોય ને. આંસું સારતાં રહે તે બીજા. હું તો પહાડ જેવા સીપાઈની બચ્ચી! હવે હું સરીતા બની. હવે તો મને તમે કોઈ રુપાળું નામેય આપ્યું. લપસણા અને ઢોળાવવાળા પ્રદેશો બધા પાછળ રહી ગયા.

કેવા શુકનમાં પર્વતે, આપી હશે વીદાય?
નીજ ઘરથી નીકળી નદી, પાછી નથી વળી.
- ખલીલ ધનતેજવી

       હવે સપાટ મેદાનોમાં હું પ્રવેશું છું. અહીં મને ફાલવા ફુલવાની બહુ મોકળાશ છે. મારી દોડવાની એ રમતીયાળ ગતી હવે ધીમી પડી છે. મારું નવું ઘર મોટ્ટું છે હોં ! ઉપર પર્વત બાપના ઘેરથી લાવેલી બધી સંપદા અહીં હું ઠાલવવા માંડું છું. બેય બાજુ ક્યાંક મેં તોડી તોડીને એકઠી કરેલી રુક્ષ શીલાઓ કે ક્યાંક પાંચીકા જેવા ગોળ મટોળ અને લીસ્સાલસ પથ્થર તો ક્યાંક સુંવાળી રેતી. બસ ઢગલા ને ઢગલા હું ખડક્યે જ જાઉં છું.

     ખાલી થવામાં જ ખરી મજા છે ને?

વધુ આવતા અંકે….

Categories: વાર્તા · સુરેશ જાની

આજનો સુવીચાર

April 25, 2008 · 1 Comment

     જગત જે રીતે છે,
તે તમને પસંદ ન હોય તો,
તમારે તેને બદલવા પ્રયત્ન કરવા જોઈએ.
કદાચ તમારી એ નૈતીક ફરજ બને છે.
પણ તમે એક સાથે એક જ પગલું આ બાતમાં આગળ વધો.

-અજ્ઞાત

Categories: સુવીચાર

આજનો સુવીચાર

April 24, 2008 · Leave a Comment

જીવન જીવંતો માટે છે.
જે જીવે છે, તેણે પરીવર્તન માટે તૈયાર રહેવું જોઈએ.

- જોનાથન વુલ્ફગેન્ગ વોન ગેટે

Categories: સુવીચાર

ચા – એક અવલોકન

April 24, 2008 · 4 Comments

        તપેલીમાં ચા બનાવવા પાણી લીધું છે. એકદમ નીર્મળ પાણી. તળીયું દેખાય એવું પાણી. એને ગરમ કરવા મુકીને તેમાં તમે આદુ કચરીને નાંખો છો. પછી ચા નાખો છો. હલાવો છો. અને ધીમે ધીમે પાણીનો રંગ કાળાશ પડતો કથ્થાઈ થવા માંડે છે. ઉભરો આવતાં સુધીમાં તો એ લગભગ કાળું બની જાય છે. ચાની તીવ્ર સોડમ એમાંથી આવવા માંડે છે. પછી તમે એમાં માપથી દુધ રેડો છો અને ચાનાં પીણાંનો રંગ ઉભરી આવે છે. પછી માપથી તેમાં ખાંડ ઉમેરો છો અને એમાં મીઠાશ ઉમેરાય છે. બીજો ઉભરો હવે આવવાની ઘડીઓ ગણાય છે અને તમે એમાં છેલ્લા ઉમેરણ તરીકે ચપટીક ઈલાયચીનો પાવડર ભેળવો છો. લ્યો! છેવટનો ઉભરો પણ આવી ગયો અને તમને મનભાવતી સોડમદાર, કડક મીઠ્ઠી ચા તૈયાર.

         હવે જે મુળ પાણી હતું એનાં તો નામોનીશાન દ્રશ્ટીગોચર થતાં નથી. તમે એ મજાની, ખુશ્બોદાર ચા પીઓ છો. કોણ એને હવે પાણી કહે?

       પણ ભાયા! તમે જે પીણું પી રહ્યા છો એમાં પંચાણું ટકા તો મુળ પાણી જ છે. એમાં માત્ર રંગ, રુપ, ગંધ અને સ્વાદ ઉમેરાયાં છે – એટલું જ. થોડાક કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, ક્ષાર અને વીટામીન વીગેરે છે. એ બધાં થઈને બાકીનાં પાંચ ટકા. અને જ્યારે એ તમારી જઠરમાં જશે ત્યારે બાકીના એ પાંચ ટકાનો બહુ નાનો હીસ્સો જ તમારા લોહીમાં ભળવાનો છે, અને તે પણ પુરું પાચન થયા બાદ. અને પાણી તો તરત જ શોશાવા માંડશે. એને કોઈ પાચનશક્તીની જરુર જ નથી.

          હવે તમે જ કહો કે, તમે ચા પીધી કે પાણી? માટે તો પાણીને ‘જીવન’ કહ્યું છે. ચા વીના ચાલશે……… પાણી વીના નહીં. બીજી રીતે જોઈએ તો : એમાં નાનકડો એક ટકો જ ચાનું ‘ચા’ પણું છે! એને માટે જ આપણે ચા બનાવીએ છીએ અને પીએ છીએ!

          જીવનનું જે સત્વ કે, તત્વ છે; તે તો આ એક ટકા જેટલું પણ નથી. અરે માપ અને દ્રશ્યતાના પરીપ્રેક્ષ્યમાં તો તે સાવ શુન્ય જ છે. અને છતાં એ છે, તો જ જીવન છે. નહીં તો એ શબ માત્ર.

Categories: અવલોકન · સુરેશ જાની