ગદ્યસુર

ગરનાળું – એક અવલોકન

April 8, 2008 · 2 Comments

        અમારા પાર્કમાં રસ્તાની નીચેથી એક નાનું શું ઝરણું પસાર થાય છે. તે આગળ જઈ એક વહેળાને મળી જાય છે. રસ્તો તેને ઓળંગીને આગળ વધે તે માટે રસ્તાની નીચે પાંચેક ફુટ વ્યાસ વાળો એક પાઈપ મુકેલો છે પણ એની ઉપરવાસમાં, રસ્તાને અડીને જ એક ઠીક ઠીક મોટો ખાડો બની ગયેલો છે. કદાચ ઝરણાંએ તેને કોરી કોરીને ઉંડો અને પહોળો બનાવી દીધો છે. તેની ઉપરની બાજુએ ઝરણાંનો પટ માંડ ત્રણેક ફુટ હશે. નીચેની બાજુએ એ પહોળું બને છે , પણ ત્યાંય પટ સાતેક ફુટ્થી વધારે નથી. પણ આ ખાડા આગળ વીસ પચીસ ફુટ વીસ્તાર તેણે કાપી નાંખેલો છે. બધી માટી ધોવાઈ ગયેલી છે; અને મોટા મોટા પથ્થરો ખુલ્લા થઈને પડેલા છે. બાળકોને આ પથ્થરો પર કુદવાની મઝા આવે તેવી સંરચના થયેલી છે.

       તે દીવસે હું બાળકો સાથે આ જગ્યાએ ગયો હતો. બાળકો કુદંકુદીમાં મશગુલ હતા. મારું ધ્યાન એ પથ્થરો ઉપર કેન્દ્રીત થયું. કંઈ કેટલાય વરસોના ઘસારાના ચીહ્નો દેખાઈ આવતા હતા. પાણીની ગોળ ગોળ ઘુમરીઓએ તેમની તાકાતનો પરચો આ પાશાણોને કરાવી દીધો હતો. એક ધારી સતત પાણીની શીકરોએ તેમની આજુબાજુનું માટીનું આવરણ ઉશેટી દઈને, આ પથ્થરોને ચળાવી દીધા હતા. ગરનાળા નીચેથી ખળખળ વહેતું એ ઝરણું કેવું નીર્દોશ લાગતું હતું?

        પણ પથ્થર ઉપર તેના પ્રવાહથી કોરાયેલી આ લકીરો, સતત અને એકધારો પ્રયત્ન શું કરી શકે છે, તેનું બયાન પુરાવા સાથે આપી રહી હતી. મને કવી ડો. મહેશ રાવલ ની સવારે જ વાંચેલી ગઝલનો મક્તાનો શેર યાદ આવી ગયો.

“હો ખુમારી પર્વતોનાં ધ્વંસની
તો, ઝરણ ઈતીહાસ બદલાવી શકે!”

આખી ગઝલ વાંચવા અહીં ‘ક્લીક’  કરો

       ગરનાળું  ઉબડખાબડ જમીન અને આ ઝરણાંઓની વચ્ચેથી સરળ રસ્તો  બનાવવાની માણસની શક્તીનું પ્રતીક છે.

       ઝરણું સતત પ્રયત્નનું.

       માણસની તાકાત અને બુધ્ધી તો એ નાનકડાં ઝરણાં કરતાં ઘણી વધારે છે. જો ઝરણાંનું સાતત્ય એમાં આવે તો કેવાં મોટાં અને અસરકારક ગરનાળાં આપણે બનાવી શકીએ? બધા રસ્તા અને સંબંધો અને ઘણું બધું સરળ બનાવી શકીએ.

Categories: અવલોકન · સુરેશ જાની

2 responses so far ↓

  • pragnaju // April 8, 2008 at 8:37 am | Reply

    એક નાનું શું ઝરણું …વાત વાંચતા જ મન ગણ ગણ્યું
    થઈછે પ્રિત કઈઁ એવી સમુંદરથી નદીઓને
    કિનારાછે તમાશાબીન ઝરણને દોડતુઁ રાખે.
    કદી એ તૂર પર જઇને બને બેભાન મૂસાથઇ
    કદી મનસુર અનલહકમા ચરણને દોડતુઁ રાખે.
    અને
    પડેલા પથ્થરોમાં જે રીતે ઝરણાં જડી આવે,
    સ્મરણના રણમાં તારા જળમયી હરણાં મળી આવે.
    ઝરણાં અચાનક મળી ગયાં
    એકબીજાને ભેટ્યાં ને
    ભળી ગયાં.

  • Chirag Patel // April 8, 2008 at 9:20 am | Reply

    સરસ વાત કહી, દાદા. સતત પ્રયત્ન અને સાથેસાથે પ્રયત્નનાં પરીણામનું પૃથક્કરણ ફાઈન ટ્યુનીંગમાં સહાયરુપ બને છે, અને છેવટે જે મેળવવું છે એ મળી જ જાય છે.

Leave a Comment