પાર્કમાં લોકો ફરવા આવ્યા હતા. ઘણાં તેમનાં પાળેલાં કુતરાં સાથે લાવ્યા હતા. કોઈ સાવ નાના, બચોળીયા જેવા. કો’ક મોટા ડાઘીયા જેવા. કો’ક ઉંચા અને પાતળા. કો’ક નીચા, લાંબા અને સાવ ટુંકા પગવાળા. કો’ક જાફરીયા વાળવાળા. કો’ક બની ઠનીને મ્હાલતી રુપાળી લલના જેવા. કો’ક લાલ તો કો’ક સફેદ દુધ જેવા; કો’ક કાળામસ તો કો’ક સફેદ ચામડા પર કાળા કાળા બુટ્ટા વાળા. કો’ક કાબરચીતરા તો કો’ક સાવ કદરુપા. કો’ક જે સામે આવે તેની તરફ ભસ્યા કરતા. કો’ક આમતેમ સતત બધું સુંઘ્યા કરતા. કો’ક તમારા પગ ચાટવા આતુર. કો’ક અલ્શેશીયન, તો કો’ક પોમેરીયન. કો’ક બુલડોગ. કો’ક ડાલમેશીયન. કો’ક વીપેટ. કો’ક ગ્રેહાઉન્ડ. કો’ક ચુવાવા. કો’ક લાબ્રાડોર. જાતજાતના અને ભાતભાતના કુતરા. રંગ અને રુપ ભલે જુદા હોય, પણ કુતરા તો કુતરા જ.
અહીં તો માણસોય કેટલી બધી જાતના. કો’ક ગુલાબી ગોરા. કો’ક કાળા સીસમ જેવા. કો’ક ઘઉંવરણા. કો’ક પીળી ઝાંય અને ચુંચી આંખવાળા. કો’ક કબરમાંથી ઉઠીને આવ્યા હોય તેવા સફેદ પુણી જેવા. કો’ક જાડી કોઠી જેવા. કોક પાતળા સોટા જેવા. કો’ક ઉંચા તાડ જેવા. કો’ક બટકા. કોક ગુંચળીયા વાળવાળા. કો’ક તાલીયા. કો’ક અંગ્રેજી તો કોઈ સ્પેનીશ બોલે. કો’ક મારા જેવા ગુજરાતી કે હીન્દી બોલે. કો’ક મેંડેરીન તો કો’ક વીયેટનામી. તો કો’ક ફારસી. કો’ક ખ્રીસ્તી, કો’ક મુસ્લીમ. કો’ક બૌધ્ધ. કો’ક હીન્દુ. કો’ક યહુદી. જાતજાતના અને ભાતભાતના માણસો. રંગ, રુપ, ધર્મ, ભાશા જુદા હોય; પણ માણસ માણસ હોય છે ખરા?
કુતરા ઈ કુતરા અને માણસ ઈ માણસ . કુતરો કુતરાપણું જાળવી રાખે. પણ માણસ માણસાઈ જાળવે ખરો?
કે પછી સદાય ચાલ, હાલ અને વ્હાલ બદલતો રહે તે માણસ?
1 response so far ↓
Chirag Patel // April 14, 2008 at 6:37 pm |
દાદા, છેલ્લું વાક્ય ‘માણસ’ની સચોટ વ્યાખ્યા છે.
મને ડૉબરમૅન, જર્મન શેફર્ડ અને લાબ્રાડૉર ગમે છે.