Entries from May 2008
પ્રકરણ -2 : ગુફાવાસીઓ
May 31, 2008 · 3 Comments
ગોવો જ્યાં રહેતો હતો, તે નદીની પેલે પારની જગ્યા બહુ પુરાણી હતી. ગોવાનો કબીલો પરાપુર્વથી ત્યાં રહેતો હતો. તેના વડદાદા પણ નદીના ઉપરવાસમાં આવેલાં કોતરોમાંની એ ગુફામાં રહેતા હતા. ત્યાંજ એમનો સ્વર્ગવાસ થયેલો ગોવાએ જોયો હતો. એ વડદાદાજી બહુ અનુભવી હતા; અને બધાંને એમના માટે બહુ માન હતું. એ બહુ વાતો કહેતા. એમની વાતો પરથી જ ગોવાને પોતાના પુર્વજો વીશે જ્ઞાન મળ્યું હતું. અત્યારે જે ‘આધુનીક’ (!) સ્થીતીમાં તેમનો કબીલો જીવતો હતો, તે માટે તેમના અનેક પુર્વજોના અથાક પ્રયત્નો જવાબદાર હતા. કંઈ કેટલીય વીટંબણાઓને પાર કરીને અત્યારની સ્થીતીએ સૌનું જીવન આવ્યું હતું. જ્યારે જ્યારે તેઓ જોગમાયાની પ્રાર્થના કરતા; ત્યારે અચુક એ પુર્વજોને યાદ કરી તેમનો આભાર સૌ માનતા.
કંઈ કેટલીય પેઢીઓ પહેલાં એમના વડવા છેક ઉપર પહાડ પરની ગુફામાં રહેતા. એ ગુફા આમ તો બહુ જ બંધીયાર હતી. પથ્થરના અનેક ઘા મારી એ ગુફા રીંછો પાસેથી તેમણે પડાવી લીધી હતી. એમ ન થયું હોત તો રીંછોના આક્રમણ સામે તેમની સાવ નાનકડી વસ્તી ક્યારનીય ખતમ થઈ ગઈ હોત. આકરા શીયાળાનો મરણતોલ માર પણ એ ગુફા વીના એ પુર્વજો ક્યાંથી જીરવી શક્યા હોત? ગુફાના મુખ આગળ ઝાંખરાં અને નાના પથ્થરો રાખી એમણે દરવાજો પણ બનાવ્યો હતો, જેથી માત્ર કબીલાના સભ્યો જ અંદર આવી શકે. એની બાજુમાં કલકલ કરતું ઝરણું વહેતું હતું; જેમાંથી કબીલાના સભ્યો માટે પુરતું પાણી મળી રહેતું. આ રીત તેમના વડવાઓ પાસેથી દુર દુરની ટોળીઓ પણ શીખી ગઈ હતી અને બધે માનવજીવન એવી ગુફાઓમાં જ જીવાતું. હમ્મેશ નવા શીકારની શોધમાં જુવાનીયાઓ દોડતા રહેતાં. કબીલાની સ્ત્રીઓ ફળ અને સુકામેવા વીણવા જતી.
પણ વસ્તી વધતાં એ ગુફા ઘણી નાની પડવા માંડી હતી. વધી ગયેલી વસ્તી માટે શીકાર પણ પુરતો ન પડતો, ત્યાં વારંવાર રીંછનો ભો તો હજી પણ રહેતો હતો. રીંછોને માટે હવે બીજી કોઈ ગુફા નજીકમાં બાકી રહી ન હતી. વળી પેલાં ઝરણાંનું પાણી પણ હવે બધાંને પુરતું પડતું ન હતું - ખાસ તો નહાઈ ધોઈને ચોખ્ખા થવા માટે. આથી પાણીની બહુ તકલીફ પડતી હતી.
આથી વડદાદાના દાદા આખા કુટુમ્બને નદીના કીનારે આવેલાં આ કોતરોમાં લાવ્યા હતા. વધેલી વસ્તી માટે અહીં જગ્યા ઘણી હતી. નદીના પાણીનો અખુટ ખજાનો પણ સાવ નજીક હતો. રીંછ પણ આટલે નીચે આવવાની હીમ્મત કરતાં નહીં. આ ઉપરાંત જંગલી જાનવરોના આક્રમણનો મુકાબલો કરવા તેમની પાસે વધુ ઘાતક શસ્ત્રો પણ હવે હતાં. ચીકણા પથ્થરને ધાર કાઢી લાકડાંય ફાડી શકે તેવી કુહાડીઓ પણ તેમની પાસે હવે હતી. નાના તેજદાર પથ્થરોને ધાર કાઢી, તેની છરીઓ પણ તેઓ હવે હાથવગી રાખતા. જંગલી જાનવરો સાથેના હાથોહાથના મુકાબલામાં આ છરીઓના એક બે ઘા પ્રાણીને મરણ-શરણ કરવા સક્ષમ હતા. વળી આવી મોટી છરીઓ લાંબી લાકડીઓના છેડે લગાવી, પ્રાણઘાતક ભાલા પણ તેમણે બનાવ્યા હતા. આ ભાલા જાનવરોનો મુકાબલો દુરથી જ કરવાની ક્ષમતા આપતા હતા. કબીલાના અસ્તીત્વ અને વીકાસ માટે આ શસ્ત્રો અણમોલ હતા. જ્યારે વાર્ષીકોત્સવમાં બધા ભેગા થઈ પેલી જુની ગુફામાં આવેલ જોગમાયાની આરત કરવા જતા; ત્યારે આ શસ્રોની પુજા પણ અચુક કરવામાં આવતી.
છ પેઢીથી એ કોતરોમાં એમનો કબીલો રહેતો હતો. પણ રહેવાસ બદલાયો હતો એટલું જ. શીકાર, ઝાડ પરનાં ફળો અને સુકા મેવા એજ એમનો આહાર હતો. બાપદાદાની જુની ગુફામાં બીરાજમાન જોગમાયાની કૃપાથી અને નવાં શસ્ત્રોના કારણે આ સામગ્રી ઓછા કષ્ટથી મળતી - એટલું જ. એ માટે હવે થોડું ઓછું ઝઝુમવું પડતું હતું. પણ સામેના કીનારે અઢળક ઘાસમાં અસંખ્ય પ્રાણીઓને બીન્ધાસ્ત ચરતાં જોઈ, બધાંના મોંમાંથી લાળ ટપકતી. પણ નદી શી રીતે ઓળંગવી? પાણીથી એ સૌ બહુ ડરતા. હમણાં બે માસ પહેલાં જ નદીકીનારે રમતાં છોકરાંઓમાંથી એક છીછરા પાણીમાંથી દોડીને ઉંડા ધુના બાજુ ગયો હતો અને એમાં જ ગરી ગયો હતો. જો કોઈ પુખ્ત વ્યક્તી પણ આમ કરવા ગઈ હોય તો તે કદી પાછા આવી શકી ન હતી. આથી નદી ઓળંગવી એ બહુ મોટું પાપ મનાતું. એ આમન્યાનું ઉલ્લંઘન કરે એનો કાળભૈરવ કોળીયો કરી જતો - એમ મનાતું.
શીયાળાની હાડ થીજવી દે તેવી ઠંડી ખાળવા બધાં શરીર ઉપર ચામડાં વીંટાળતાં. સૈકાઓથી આ રસમ અપનાવવામાં આવી હતી. હવે વડવાઓની જેમ નીર્વસ્ત્ર ફરવું શરમજનક ગણાતું. હવે એ લોકો કાચું માંસ પણ નહોતા ખાતાં. પથ્થર અફળાવી તણખા પેદા કરી, સુક્કા ઘાસ અને પાંદડાંમાં આગ પેદા કરવાનું તેમને આવડી ગયું હતું. ઝાડની પાતળી ડાળીઓ અને પછી પાતળાં થડમાં આ આગ ફેલાવી એની ઉપર શીકાર રંધાતો.
નવરાં પડે ત્યારે બે ચાર આધેડ વયનાં સ્ત્રી પુરુષ જોગમાયાની ગુફાની મરામત કરી આવતાં. દર સાલ એમાં નવાં રંગરોગાન કરવાં પડતાં. માતાજી પ્રસન્ન થાય એના ઉપર જ એમના જીવનનો આધાર રહેતો. એ મોટી ગુફાની જોગમાયા સામે સળગતી ચીતાની ચોગરદમ, ઢોલના ધબુકે નાચવાનું સૌને બહુ ગમતું.
આવો નાચ ચાલતો હોય ત્યારે ગોવો બાજુએ બેસી રહેતો. તેનું ચીત્ત પરાક્રમી વડવાઓ પ્રત્યે આભાર અને અનુગ્રહની લાગણીથી અભીભુત બની જતું. તેને આવે વખતે એ પરાક્રમી વડવાઓના પગલે નવાં પરાક્રમો કરવા બહુ મન થતું. જોગમાયાની શક્તી પોતાનામાં આવે અને નદીની ઓલી પાર એ ક્યારે ડગ મુકી શકે, એનાં શમણાંમાં જ ગોવો ડુબેલો રહેતો.
****
વહેલી સવારના પવનની લહેરખીએ ગોવાને હલબલાવ્યો. અતીતનાં આ બધાં શમણાંમાંથી એ ઝબકીને જાગ્યો. ગોવાના મોંમાંથી એક નીસાસો સરી ગયો. એ બધાં શમણાં નીરર્થક થવા સર્જાયાં હતાં. તેની નીર્બળ દશામાં તે અહીં પરાયી ભોમમાં ભુખે ને તરસે ખપી જવા; રાની પશુઓનો ખોરાક થવા સરજાયો હતો. કદાચ નદીનું પુર ફરીથી ચઢી આવે; તો તે ક્યાંયનો ક્યાં તણાઈ જવાનો હતો. કાળભૈરવના ખપ્પરમાં તે ચપટીમાં હોમાઈ જવાનો હતો. તે પ્રતાપી વડવાઓનું નામ બોળનાર કપાતર હતો - ગોવો ‘ગાંડીયો’, અક્કલ વગરનો, ચઢતા પુરમાં પ્રવાહની સામે ધસી જનાર મહા મુર્ખ. આ બધા વીચારોની પશ્ચાત-ભુમાં ભુખનું દુખ તેને સતાવી રહ્યું હતું. પેટમાં વીણાંચુંટાં થતાં હતાં. કોઈ સાધન કે શક્તી વીના પેટપુજાય શેં કરવી? થોડું આ ઘાસ ખવાય છે? અને તેનામાં તો ઉભા થઈ ચાલવાની તાકાત પણ ક્યાં રહી હતી ?
અને ત્યાં જ તેની આંખ સામે રેતીમાં તરફડતી એક માછલી દેખાઈ. ઘસડાઈને તે માછલી કને પહોંચ્યો. જોગમાયાની કેવી અનહદ કૃપા હતી? સામે ચાલીને શીકાર આરોગાવા ઉપસ્થીત થયો હતો. કાચી ને કાચી માછલીને મને કમને પેટમાં પધરાવી, પાણી પીધું ત્યારે એના જીવમાં જીવ આવ્યો. થોડી વારે તે ઉભો થયો અને સામા કીનારા પર આવેલા માદરે વતનની સામે તે પ્રેમથી નીહાળી રહ્યો. તેનાં મા બાપ, તેના ગોઠીયાઓ – બધાં યાદ આવી ગયાં. તેણે આજુબાજુ નજર કરી. પણ ક્યાંય તેનું વજન ઝીલી શકે તેવું ઝાડનું એકેય ઠુંઠું તેની નજરે ન ચડ્યું. જે રીતે તે નદીની આ પાર આવ્યો હતો તે રીતે પાછા જવાની કોઈ શક્યતા ન હતી. અહીં જ જીવન ગાળવું બહુ દોહ્યલું હતું. નદીના પાણીમાં ખાબકવાનું દુસ્સાહસ તેના કોઈ બાપદાદાએ કર્યું હોય તેમ તેને સાંભરતું ન હતું.
પણ હવે તેની જીજીવીષા જાગૃત બની ગઈ હતી. ફરી જોગમાયાનું એ સત અને વડવાઓનાં પરાક્રમનો ગર્વ એના ચીત્તને ખળભળાવી રહ્યો હતો. કોઈ નવા જ ભુતે તેના મનનો કબજો લઈ લીધો. તેની અવસાન પામેલી સ્વ-ગરીમા પુનઃ પ્રતીષ્ઠીત થઈ હતી. બધો નીર્વેદ, બધી હતાશાઓ, બધી વેદનાઓ ભસ્મીભુત બની ગઈ હતી. મા જોગમાયા સાક્ષાત તેના તનબદનને, તેણે કદી અનુભવી ન હતી તેવી તાજગી અને ખુમારી બક્ષી રહ્યાં હતાં. તે યુગ પરીવર્તન કરનાર, સમરાંગણનો યોધ્ધો હતો. તેના વહાલા કબીલાનો ઉધ્ધારક હતો. હવે તેને મરવું પોશાય તેમ ન હતું.
એક આવેશ, એક ધસમસતું જોમ, નસોમાં ધમધમતું ગરમ ગરમ શોણીત - અને પાણીનો બધો ભય કોરાણે મેલીને ગોવાએ નદીના પાણીમાં ઝુકાવ્યું. આ પાર કે પેલે પાર….
- વધુ આવતા અંકે
Categories: નવલકથા · સુરેશ જાની
આજનો સુવીચાર
May 30, 2008 · No Comments
વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર - 8
માણસોમાં રહેલી સારપને જુઓ અને તેમને મદદ કરો.
હું માણસોના સારા ગુણો જ જોઉં છું.
હું પોતે દોશોથી પર નથી,
માટે બીજાના દોશો જોવાનું વીચારી ન શકું.
Categories: સુવીચાર
સુધાકરે શું કર્યું?
May 30, 2008 · 14 Comments
પ્રોફેસર હેન્રીચે નીરાંતનો દમ લીધો.
સ્વીટ્ઝરલેન્ડથી મુંબાઈની …… યુની.માં એકાદ મહીના પહેલાં એ વીઝીટીંગ પ્રોફેસર તરીકે આવ્યા હતા. એક જ વીષયના અભ્યાસી હોવાના નાતે અને સ્વભાવનો મેળ પડવાને કારણે આટલા ટુંકા ગાળામાંજ પ્રોફેસર સુધાકર સાથે તેમની ગાઢ મીત્રતા થઈ ગઈ હતી. બન્ને ઘણી વખત સાથે ફરવા જતા. પોતે એક સારા અને સાચા ખ્રીસ્તી હોવાનો હેન્રીચને ગર્વ હતો. મધર ટેરેસાએ દરીદ્રનારાયણની કરેલી સેવાથી તેઓ ઘણા પ્રભાવીત હતા. ભારતમાં ગરીબોની હાલત જોઈ તેમને ઘણું દુખ થતું. પોતે આ બાબતમાં શું કરી શકે તેનો હમ્મેશ તેમને વીચાર આવ્યા કરતો.
અને એક દીવસ તેમને આ બાબતમાં આગળ ધપવાનો મોકો મળી ગયો. તે દીવસે સુધાકર સાથે તેઓ મુંબાઈના ….. વીસ્તારમાં ચાલવા નીકળ્યા હતા. શ્રીમંત અને ઝાકઝમાળ વીસ્તારોની પાછળ આવેલી એક ઝુંપડપટી તરફ બન્નેના પગ ઉપડ્યા. ગંદકીના ઢગલે ઢગલા ચારે બાજુ દેખાતા હતા. માથું ફાડી નાંખે તેવી બદબુથી બચવા બન્નેએ નાકે હાથ દઈ દીધા હતા.
ત્યાં એક બાઈનો ઉંચા સાદે અવાજ સંભળાયો. મરાઠીમાં તે પોતાની દીકરીને વઢી રહી હતી. હેન્રીચને જાણવાનું મન થયું કે, શી બાબત હતી. તેણે સુધાકરને પુછ્યું. સુધાકરે તેને જણાવ્યું કે, છોકરીથી પાણીની બાલટી ઢોળાઈ ગઈ હતી; માટે તે ગુસ્સે થઈ હતી.
હેન્રીચે કહ્યું :” એમાં શું? દીકરી હવે ઉમ્મર લાયક છે. નળ ઉપર જઈને ભરી આવે.”
સુધાકર : “ અરે! હેન્રીચ. અહીં ક્યાં કોઈ નળ જ છે?”
હેન્રીચ : “ અરે! આટલી બધી વસ્તી અને પાણીનો નળ જ નહીં?”
સુધાકર : “ આ બધી વસ્તી ગેરકાયદેસર છે. જમીનના માલીકને જ પાણીનું કનેક્શન મળે. અને તે પણ મોટી રકમ આગોતરી ચુકવે તો. ”
હેન્રીચ : “દોસ્ત, સુધાકર! ચાલ આ માટે હું રકમની વ્યવસ્થા કરીશ. થોડા હું આપીશ અને બાકીના સ્વીટ્ઝરલેન્ડના મારા જેવા વીચારો ધરાવતા મીત્રો પાસેથી એક્ઠા કરીને તને આપીશ. પણ આટલી બધી વસ્તીને પુરતું થાય એટલું પાણી અને એટલી સંખ્યામાં નળ નંખાવા જોઈએ. આ બાઈ અને તેની દીકરી જેવી બધી દુખીયારીઓ માટે આટલું નાનું કામ થશે તો મને ટાઢક થશે.”
સુધાકર તો તેના આ ઉદાત્ત વીચાર ઉપર ફીદા થઈ ગયો.
બીજા દીવસે સુધાકર એક પ્લમ્બરને ત્યાં લઈ ગયો; અને મ્યુનીસીપાલીટીની મેઈન લાઈનથી પાણીનો પાઈપ અને ત્રણ ચાર ઠેકાણે નળ નાંખવા માટેના ખર્ચનો અંદાજ આપવા કહ્યું. પ્લમ્બરભાઈ તો મચી પડ્યા. આટલું મોટું કામ મળવાની આશામાં તેમનું તો મોં પહોળું થઈ ગયું. બધે ફરીને સાંજે તેમણે સુધાકરને ઘેર જઈ, 50,000 રુપીયાનો અંદાજ પણ આપી દીધો. બીજા દીવસે સવારે કોલેજમાં હેન્રીચને આ માહીતી આપશે ત્યારે હેન્રીચ કેટલો ખુશ થઈ જશે; એ ખયાલથી સુધાકરનું મન પ્રફુલ્લીત બની ગયું. તેણે પોતાની પત્નીને આ વાત કરી. પણ એ બાઈને આ વાત કાંઈ જામી નહીં. સ્ત્રીની છઠ્ઠી ઈન્દ્રીય કોને કહેવાય?
એ કહે, ” તમે બન્ને પ્રોફેસર છો – પ્રોફેસર. આમાં તમારું કામ નહીં. કોંગ્રેસ, શીવસેના કે ભાજપના કાર્યકરનું આ તો કામ. તમે એ કરી રહ્યા.”
સુધાકરને પત્ની પર ગુસ્સો આવ્યો. અને ત્યાં જ ફોનની ઘંટડી રણકી.
સુધાકરે ફોન ઉઠાવ્યો. સામેથી તોછડી ભાષામાં કોઈ બોલ્યું ,” અબે, પ્રોફેસર! અપુનને સુના હૈ કી તુમ ચાલીમેં પાનીકા પાઈપ લાવણેવાળા હૈ. ક્યા યે બાત સચ હૈ?”
સુધાકર તો ખુશીમાં કુદી પડ્યો. વાહ! પબ્લીકને પણ આ મહાન કામની ખબર પડી ગઈ. તેને પત્નીની મુર્ખતા પર હસવું આવ્યું અને પોતાની મુસ્તાકી પર ગર્વ. તેણે તો ખુશીના માર્યા હા પાડી.
અને ત્યાં સામેથી બોમ્બ ધડાકો થયો. “ તેરી સાન ઠીકાને હૈ કી, નહીં? યે સબ ફાલતુ બકવાસ બંદ કર, ઔર તેરી ચોપડી સમાલકે બેઠ.”
સુધાકર ,” અરે , તમે કોણ છો? તમારે તો ખુશ થવું જોઈએ. “
સામેથી ,” દેખ, પ્રોફેસર ! મૈ … દાદા હું. વો ચાલી મેરે ટેન્કરકા પાની પીતી હૈ. અગર તુ યે પાઈપ લાયા તો મેરા ટેન્કર બંદ કરાનેકા તેરા ઈરાદા હૈ? તેરા થોબડા તુડવાનેકી ઉમ્મીદ રખતા હૈ? યા ફીર તેરે શાહજાદેકી ટાંગ તુડવાની હૈ? ”
સુધાકર શું બોલે? માત્ર તેને પોતાની પત્નીની સુઝ પર અનહદ માન ઉપજ્યું અને ચાલીવાળી પબ્લીક અને હેન્રીચ માટે દયા.
………………..
ટમ્પા-ફ્લોરીડા પાસે આવેલા ગેઈન્સવીલેના ડો. દિનેશ શાહ આજે ડલાસ આવી રહ્યા છે; ત્યારે તેમણે જણાવેલી; આપણા ચીત્તને હતપ્રભ કરી નાંખે તેવી આ સત્યકથા પ્રકાશીત કરું છું.
ડો. દિનેશભાઈ શાહ મોલેક્યુલર બાયોલોજી ના તજજ્ઞ તો છે જ. પણ માનવતાથી, કરુણાથી છલકાતા નખશીશ સજ્જન પણ છે. આ વાત તેમણે મને બહુ હ્રદયદ્રાવક સંદેશામાં જણાવી હતી. આવી અગણીત કથાઓ ભારતમાં દરરોજની ઘટના છે, તે આપણે જાણીએ છીએ? અને જો જાણતાં હોઈએ તો કેમ આપણા પેટનું પાણીય હાલતું નથી?
હવે તમે જ કહો. સુધાકરે શું કર્યું હશે? આવતા શુક્રવારે વીવીધ શક્યતાઓ રજુ કરવામાં આવશે; અને સુધાકરે ખરેખર શું કર્યું તે પણ…
તમારા વીચાર જણાવશો તો આનંદ થશે.
Categories: સત્યકથા · સુરેશ જાની
આજનો સુવીચાર
May 29, 2008 · No Comments
વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર - 7
સાતત્ય જાળવી રાખો.
પહેલાં એ લોકો તમારી ઉપેક્ષા કરશે,
પછી તમને હસશે.
પછી તમારી સાથે લડશે.
પછી તમે જીતશો.
Categories: સુવીચાર
આજનો સુવીચાર
May 28, 2008 · No Comments
વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર - 6
‘ દરેક જણ એક માનવ છે. ‘
હું એ કબુલ કરું છું કે, હું એક સાવ સામાન્ય માણસ છું, અને કોઈ પણ જીવીત માણસની જેમ મારી પણ ભુલ થઈ શકે છે. પરંતુ, મારી ભુલ કબુલ કરવા જેટલી નમ્રતા, અને ખોટે રસ્તેથી મારાં પગલાં પાછાં માંડવાની હીમ્મત મારામાં હોવાં જોઈએ.
6. Everyone is human. “I claim to be a simple individual liable to err like any other fellow mortal… I own, however, that I have humility enough to confess my errors and to retrace my steps.”
Categories: સુવીચાર
સ્વીમીંગપુલની સપાટી – એક અવલોકન
May 28, 2008 · 2 Comments
સ્વીમીંગપુલના કાંઠે હું ઉભો છું. નીર્મળ કાચ જેવી તેની સપાટીમાંથી છેક નીચેના તળીયાનો પટ ચોખ્ખો દેખાય છે. અંદરની પાઈપમાંથી આવી રહેલા પાણીના પ્રવાહને કારણે, અને થોડી ઘણી હવાની અસરને કારણે થતી, સાવ નાનકડી લહરીઓ સીવાય પાણીની સપાટી સાવ શાંત છે.
અને હું પહેલું પગથીયું ઉતરી પાણીમાં પગ મુકું છું. અને વમળો શરુ. જેમ જેમ હું પાણીમાં વધારે ઉતરતો જાઉં છું તેમ તેમ આ વમળો વધતાં જાય છે. હવે હું તરવાનું શરુ કરું છું; અને વમળો મોજાં જેવાં તીવ્ર બની જાય છે. મારી નજર પુલના તળીયા પર પડે છે. જે સાવ સ્પષ્ટ દેખાતું હતું; તે તળીયામાં વમળો અને મોજાઓનાં પડછાયા દેખાવા માંડે છે. તેજસ્વી અને આમ તેમ ઘુમરીઓ ખાતાં પડછાયા ! એને બીજું નામ પણ શું આપવું? આ તો પાણીનાં વમળ અને મોજાંના પડછાયા !
હું એક લંબાઈ પુરી કરી પાછો ફરું છું. ત્યાં એક છ ફુટ ઉંચો અને પહાડી કાયા ધરાવતો યુવાન પાણીમાં ડુબકી મારીને તરવા પડે છે. એક મોટું મોજું આકાર લે છે. પણ તે ભાઈ તો પાણીની અંદર તરનારા છે. એ તો પાણીની અંદર રહીને જ પેલે પાર પહોંચવાની ક્ષમતા ધરાવે છે. અને ઘડીકમાં એ મોટું મોજું શાંત પડી જાય છે. એમની વીશાળ કાયા અને તેમનો તરવાનો તીવ્ર વેગ પાણીની સપાટીને વીક્ષુબ્ધ નથી કરતાં.
મારી નજર હવે મારી બાજુમાં, પુલની દીવાલની મ્હાલીપા આવેલા, પાણી અંદર લાવવાના, કાણાં પર પડે છે. પાણીનો જોરદાર પ્રવાહ અંદર આવી રહ્યો છે. પણ થોડેક દુર સુધી – માંડ એકાદ ફુટ સુધી જ તેની અસર હાથને વર્તાય છે. પછી તે તો જળરાશીમાં સમાઈ જાય છે - એકાકાર બની જાય છે. તેની હાજરી સહેજ પણ વર્તાતી નથી.
માંહી પડ્યા તે મહાસુખ માણે , દેખણહારા દાઝે જોને.
આપણું મન પણ આ પુલની સપાટી જેવું જ છે ને? સહેજ અણસાર થયો, અરે! એક નાની અમથી કાંકરી જેવો વીચાર કે સંજોગ આવ્યો અને વમળો - મોજાં શરુ. બધું ખળભળી ઉઠે. પારદર્શક શાંતી ક્યાંય ન ભળાય. અરે અંતસ્તલમાં ય એ હંધાંય પડછાયા પાડ્યાં જ કરે. અંદર સર્જાતા પ્રવાહો, ચીંતનો પ્રમાણમાં ઘણા શાંત હોય છે - એ અંતસ્તલને ખલેલ નથી પાડતા. જે અંદરના મનોરાજ્યમાં ભળી જાય, એની સાથે એકાકાર બની જાય; તેના મનની સમતા જળવાઈ રહે છે.
પણ એમ કહે છે કે, સ્થીતપ્રજ્ઞની ચૈત્ય અવસ્થા તો આનાથી પણ વધુ સમતાવાળી હોય છે. તેનું મન તો બહારથી થતા કાંકરીચાળા જેવા વીકારો - અરે ! ઝંઝાવાતો હોય તો પણ સ્થીર રહે છે. એની સમતા, તુટી જાય એવા કાચની સપાટી જેવી જડ નથી હોતી. તે પાણીની જેમ અત્યંત સંવેદનશીલ હોવા છતાં પણ તેમાં કોઈ પ્રતીક્રીયા થતી નથી. એ અવસ્થામાં વ્યક્તી સતત સમતામાં જ રમમાણ હોય છે. એને પેલા કુશળ તરનારાની જેમ અંદર ડુબીને, એકાકાર બનીને પેલે પાર જવાનું પણ નથી હોતું. એવી અવસ્થામાં બહાર, અંદર, ક્રીયા, પ્રતીક્રીયા, તરવું, ડુબવું એવા કોઈ ભેદ રહેતા નથી.
આવું આ યાત્રાનો પ્રવાસ કરી ચુકેલા કહે છે.
Categories: અવલોકન · સુરેશ જાની
આજનો સુવીચાર
May 27, 2008 · No Comments
વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર - 5
‘ આ ક્ષણનો પુરો ઉપયોગ કરો.’
હું ભવીશ્યની કલ્પના કરવા નથી માંગતો. મને તો આ ઘડીની જરુરીયાત સમજવાની વધારે પડી છે. આ પછીની ઘડીમાં શું થવાનું છે, તેની ઉપર મને કોઈ નીયમન પરમાત્માએ આપ્યું નથી.
5. Take care of this moment. “I do not want to foresee the future. I am concerned with taking care of the present. God has given me no control over the moment following.”
Categories: સુવીચાર
આજનો સુવીચાર
May 26, 2008 · 2 Comments
વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર - 4
‘ કામ કર્યા વગર તમે ક્યાંય પહોંચી ન શકો. ‘
આચરણનો એક ઔંસ ઉપદેશોના અનેક ટન કરતાં વધારે અસરકારક છે.
Categories: સુવીચાર
કરાનું તોફાન – એક અવલોકન
May 26, 2008 · No Comments
એક દીવસ વાતાવરણ ઘેરાયેલું હતું. ઘનઘોર, કાળાં ડીબાંગ વાદળોથી આકાશ છવાયેલું હતું. આમ તો હવામાં ખાસ ઠંડી ન હતી. પણ જ્યારે વરસાદ તુટી પડ્યો ત્યારે પાણીનાં ટીપાં કરતાં મોટા કરા વધારે પડી રહ્યા હતા. કદાચ વાદળાની ઉંચાઈએ સખત ઠંડી હશે. તડાતડ કરા પડતા હતા, અને સખત અવાજ થતો હતો. બારી ઉપર અથડાઈને, છાપરાં ઉપર અફળાઈ અફળાઈને બહુ જ મોટો અવાજ થતો હતો. બધાં છોકરાં ભયભીત બનીને શાંત બની ગયાં હતાં; અને બારીમાંથી દેખાતા તોફાની કરાઓના આ અટકચાળાને વખોડી રહ્યાં હતાં.
થોડી વારે કરાનું આ તોફાન - ‘હેઈલ-સ્ટોર્મ’ સમાપ્ત થઈ ગયું. પાછી શાંતી સ્થપાઈ ગઈ. રાબેતા મુજબનું જીવન શરુ થઈ ગયું. પણ હવે તો રાત પડી ગઈ હતી, અને સુવાનો સમય થઈ ગયો હતો.
બીજે દીવસે સવારે હું મારા નીત્યક્રમ પ્રમાણે ટહેલવા, અને કુંડાઓમાં ઉગી રહેલા નવા છોડવાઓની ખબર કાઢવા પાછળના યાર્ડમાં ગયો. કોન્ક્રીટની છો ઉપર કાળા રંગનો કચરો જામેલો હતો. મેં સાવરણી લઈને તે સાફ કરવાનું શરુ કર્યું. અને જોઉં છું તો બહુ જ કકરી કાંકરીઓ ભેગી થયેલી હતી. મને થયું : ‘ આવો કચરો ક્યાંથી આવ્યો?’ એક માત્ર છાપરું જ કાળા રંગનું અને કકરું હતું. ત્યારે ખ્યાલ આવ્યો કે પેલા તોફાની કરાઓએ છાપરા પરની સંરક્ષણાત્મક સપાટીનો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. કોલટાર અને જાડી રેતીના મીશ્રણમાંથી બનાવેલા મજબુત સંરક્ષણ કવચને ઘણું નુકશાન થયું હતું.
આ હતી નાનકડા કરાની તાકાત. નાનો નાનો પણ રાઈનો દાણો. કેટલી ઉંચાઈએ પાણીનાં કેટકેટલાં બીંદુઓ ભેગાં થઈ, ઠરીને કઠણ બરફ બન્યાં હશે. અને પડતાં પડતાં એ મોટો કરાનાં ગાંગડાં બન્યાં હશે. અને નીચે આવતાં તેમની ગતીને કારણે તેમનામાં આ સંહાર કરવાની તાકાત આવી હશે.
આપણા મનોરાજ્યમાં પેદા થતા વીકારો પણ આ કરા જેવા હોય છે. તેમના સર્જનની શરુઆત તો સાવ નાનકડી જ હોય છે. પણ એ બધા તોફાને ચઢીને, સાગમટે કેવો સંહાર કરી શકતા હોય છે? એમણે કરેલું એ નુકશાન કાયમી હોય છે, અપરીવર્તનશીલ હોય છે. એ સંહારની અસરને નાબુદ કરવા બહુ ખર્ચ અને પ્રયત્નો જરુરી બની જતા હોય છે. અરે! એમણે પેદા કરેલો કચરો દુર કરવા પણ ઘણી મહેનત કરવી પડે છે.
Categories: અવલોકન · સુરેશ જાની