ગદ્યસુર

સાર્થ ગુજરાતી જોડણીકોશ

May 2, 2008 · 12 Comments

     આજનો દીવસ મારે માટે એક બહુ જ યાદગાર દીવસ છે. ભાવનગરની ‘પ્રસાર’ સંસ્થા દ્વારા સીમેઈલ વાટે -જેની હું બહુ આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યો હતો તે - ‘જોડણીકોશ’ મને મળી ગયો છે. સાથે જેમને માટે મને અત્યંત આદર છે; તેવા ફાર્બસ સાહેબ અને અન્ય વીભુતીઓના જીવનની માહીતી આપતું પુસ્તક ‘ ગુજરાતના ઘડવૈયા’ પણ મને મળ્યું છે. આ માટે ‘પ્રસાર’ નો અહીં જાહેર આભાર માનું છું.

      ઉંઝા આધારીત ‘ સરળ’ જોડણી અપનાવ્યા બાદ; અને આદરણીય શ્રી. રતિલાલ ચંદરયાના અથાક પ્રયત્નો થકી, વીનામુલ્યે, નેટ ઉપર જગતભરમાં ઉપલબ્ધ બનેલા ‘ લેક્સીકોન’ શબ્દકોશ બાદ; આ ગ્રંથની મને ખાસ જરુર નથી જ. પણ ગુજરાત અને ગુજરાતી માટે ગૌરવ ધરાવતા દરેક ખમતીધર ગુજરાતીના ઘરમાં આ ગ્રંથ એક ધર્મપુસ્તકની જેમ હોવો જોઈએ એમ હું માનું છું.

      મારા સદ્ ગત પીતાશ્રીએ તેમની ટાંચી આવક અને પાંચ પાંચ સંતાનો ઉછેરવાનો બોજો હોવા છતાં, અમારા ઘરમાં ‘ખીસ્સાકોશ’ વસાવ્યો હતો. તેમના કરતાં ઘણી બહોળી આવક ધરાવતો હોવા છતાં, અને અઠ્ઠાવન વરસ સુધીની જીંદગી અમદાવાદમાં વીતાવી હોવા છતાં; આ ગ્રંથ ઘરમાં વસાવવાની બાબતમાં હું ઉદાસ રહ્યો છું ; તેનું મને દુખ થાય છે. પણ એ અક્ષમ્ય ભુલ આજે નીવારાઈ છે.

       એ ભુતકાળ યાદ કરતાં એક હળવી યાદ પણ તાજી થઈ આવી છે. ‘ખીસ્સાકોશ’ તો ખીસ્સાકાતરુઓ માટે જ હોય (!) તેવી ન જાણે કેમ, પણ ખોટી છાપ મારા કીશોરમાનસમાં પડેલી હતી. આથી તેનો ઉપયોગ મેં કદી કર્યો નથી. ખોટું શું કામ બોલું? એ અવસ્થામાં કીશોરવર્ગમાં એકમેકને બહુ રસપુર્વક શીખવાડાતા અપશબ્દો તેમાં શોધવા જરુર પ્રયત્ન કર્યા હતા! અને તે ન મળતાં નીરાશા પણ થઈ હતી ! કદાચ આથી જ તેનો ઉપયોગ ટાળ્યો હશે?!

       આજે પહેલો જ દીવસ છે; અને તેની અનેક પ્રસ્તાવનાઓ વી. ઘણા બધા લેખ વાંચવાના બાકી છે. પણ પ્રારંભીક નજરે ઉડીને આંખે વળગે તેવી થોડીક વાતો અહીં રજુ કરવાનો લોભ જતો કરી શકતો નથી.

  • 1929 માં પહેલી આવ્રુત્તી માત્ર 500 પ્રત સાથે પ્રગટ થઈ હતી. એ કાળમાં વીદ્યા અને શીક્ષણનો અલ્પ પ્રસાર અને ટાંચી વસ્તી જોતાં આ કદાચ સમજી શકાય. પણ ગાંધીજીની ચકોર નજરમાં આ બાબત ચઢેલી હતી, એ તેમની પ્રસ્તાવનાના  ઉપરછલ્લા વાંચન પરથી માલુમ થયું.
  • પહેલા પાને જ ગાંધીજીનું વાક્ય ‘ હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર નથી.’ ઉડીને આંખે વળગે છે. આની સામે 80 વરસ બાદ પણ સુશીક્ષીત વ્યક્તીઓ દ્વારા થતી જોડણીની ભુલો જોઈ પારાવાર દુખ થાય છે. કાબેલ પ્રુફરીડરો વીના કેટલાં પુસ્તકો સાચી જોડણીમાં પ્રકાશીત થાય; તે છાપાંઓની જાહેરખબરો, સરકારી પરીપત્રો અને બ્લોગ પરનાં શીક્ષીત લોકોનાં લખાણોના વાંચન પરથી તરત દેખાઈ આવે છે.
  • સાથે એટલું જરુર ઉમેરીશ કે એ સત્યના પુજારી અને સમર્થ સુધારકે કદી સુધારાઓનો વગર વીચાર્યે વીરોધ કર્યો ન હતો. એમણે કહેલું બીજું વાક્ય પણ આ સાથે યાદ આવી ગયું કે - ” હું મારા મનના ઘરની બધી બારીઓને ખુલ્લી રાખીશ જેથી બધી બાજુના વીચારો તેમાં મુક્ત રીતે પ્રવેશી શકે.
  • ત્યાર બાદ લગભગ 80 વરસ વીત્યાં છતાં બધી આવ્રુત્તીઓ અને પુનર્મુદ્રણને ગણતાં પણ, આ કોશની કુલ 54,100 નકલો જ છાપવામાં આવી છે. અત્યારે તે લગભગ અપ્રાપ્ય છે. વીશ્વભરમાં ગુજરાતીઓની છ કરોડ જેટલી હાલની વસ્તી નજરમાં રાખીએ તો આ સંખ્યા હાસ્યાસ્પદ છે. આની સામે ભાગ્યેજ કોઈ એવું શીક્ષીત ગુજરાતી કુટુમ્બ હશે, કે જેમાં અંગ્રેજી શબ્દકોશ નહીં હોય. કેટલાં ઘરોમાં ગુજરાતી શબ્દકોશ હશે? મારા ઘરમાં તો નહોતો જ. માત્ર એક ટકા સમ્રુધ્ધ અને શીક્ષીત ગુજરાતીઓ જ તે વસાવે, અને ઘર દીઠ પાંચ જણની વસ્તી ગણીએ તો પણ 1,20,000 પ્રતો ખપવી જોઈએ. દરેક પુસ્તકાલય, શાળા અને કોલેજમાં તો આની ઓછામાં ઓછી પાંચ પ્રત હોવી જોઈએ. આની સામે 80 વરસમાં 54,000 નો આંક જાણી મસ્તક શરમથી ઝુકી જાય છે. આ માટે મારી અંગત બેજવાબદારી અને ભાશાની ઘોર અવજ્ઞા કર્યાની જાહેર કબુલાત પણ કરું છું. એક પ્રજા તરીકે આપણે જેમાં વીચારીએ છીએ; જેમાં આપણે સ્વપ્નો જોઈએ છીએ;  તે ભાશા માટે આપણને કેટલો આદર છે : તે દર્શાવવા આ એક જ ઉદાહરણ પુરતું છે.
  • પુરતી માંગના અભાવે 2006 ના છેલ્લા પુનર્મુદ્રણમાં તેની માત્ર 3,000 નકલો જ છાપવામાં આવી હતી. એકવીસમી સદીમાં આ આંકડો એક ‘મહાજાતી ગુજરાતી’ ને ગૌરવ અપાવે તેવો તો નથી જ. આનું પણ પુનર્મુદ્રણ થાય તો ઠીક!  
  • સાધન-સમ્પન્ન ગુજરાતીઓ અને એનારાઈઓ સુખ સગવડ અને મોજશોખ માટે જે રકમ ખર્ચે છે; તેની સરખામણીમાં તેની અત્યારની કીમ્મત માત્ર 250/- રુ.  હોવા છતાં, આ ગ્રથની માંગ લગભગ નહીંવત્ છે. આની સામે અંગ્રેજી શબ્દકોશ ગુજરાતમાં ઠેર ઠેર વેચાતો આપણે જોઈ શકીએ છીએ. આજની તારીખમાં એક સામાન્ય વ્યક્તી આ રકમની કીમ્મતના,  પગમાં પહેરવાના, જોડા  ખરીદતી હશે!
  • પાંચમી આવ્રુત્તી છેક 1967 માં પ્રગટ થઈ હતી. ત્યાર બાદ અનેક નીર્ણયો છતાં, નાણાં અને પુરતા પ્રયત્નોના અભાવે નવી આવ્રુત્તી પ્રસીધ્ધ કરાઈ નથી.
  • 2006 માં માત્ર 74 પાનાંની પુરવણી અલગ વીભાગમાં કરવામાં આવી છે. તેમાં ઘણા અંગ્રેજી શબ્દો સમાવવામાં આવ્યા છે. અંગ્રેજીનો વ્યાપ અને લોકપ્રીયતા જોતાં આ પ્રયત્ન સ્તુત્ય છે. પણ જ્ઞાન, વીજ્ઞાન અને શીક્ષણના વ્યાપને નજરમાં રાખતાં આ 74 પાનાં પુરતાં નથી જ. ઘણા સંશોધન અને સતત પ્રયત્નો આ માટે આવશ્યક છે.
  • આ પુરવણી મુળ કોશની અંદર જ સમાવી લેવાની બહુ આસાન તકલીફ પણ લેવામાં આવી નથી; જે અક્ષમ્ય છે. જો  કોઈ શબ્દ શોધવો હોય તો બે જગ્યાએ શોધવું પડે તેમ છે. જગતની કોઈ ડીક્શનેરીમાં આમ હશે ખરું?

સુજ્ઞેશુ કીમ્ બહુના?

Categories: નીબંધ · ભાશા · સુરેશ જાની

મુર્તીપુજા

May 2, 2008 · 19 Comments

      “2500 વર્શ જુના પવીત્ર યાત્રાધામ દ્વારકામાં આવેલ પૌરાણીક દ્વારકાધીશ મંદીરનો રુ. સાડા સાત કરોડના ખર્ચે જીર્ણોધ્ધાર કરી તેની કાયાપલટ કરવાનું આયોજન ગુજરાત સરકારના પ્રવાસન વીભાગે કર્યું છે…… દરરોજ દસ હજાર ભાવીક યાત્રીકો આ ધામની મુલાકાત લે છે. જન્માશ્ટમી સહીતના ખાસ તહેવાર પ્રસંગોએ આ આંકડો લાખો ઉપર પહોંચે છે. આ મંદીરની 2007-2008માં રોકડ આવક રુ. ત્રણ કરોડ, પંદર લાખ હતી. આ ઉપરાંત સાડા છ લાખ જેટલાં સોનાચાંદીના દાગીનાની આવક પણ નોંધાઈ છે. મંદીરની આવકમાંથી 2 ટકા રકમ ચેરીટી કમીશ્નરની કચેરીમાં જાય છે; 15 ટકા દેવસ્થાન સમીતીને મળે છે અને બાકીના 83 ટકા હીસ્સાને પુજારી પરીવારો વચ્ચે વહેંચી દેવામાં આવે છે.”
- એક સમાચાર ( ગુજરાત ટાઈમ્સ – ન્યુયોર્ક : 18 - એપ્રીલ – 2008 )

————————————————————————
      આ છે મુર્તીપુજાની એક ઝલક. હું જન્મે માનવ પણ કુટુમ્બ અને સામાજીક સંસ્કારે હીન્દુ છું. મને જીવનની હીન્દુ ફીલસુફી માટે અનહદ માન છે. પણ મુર્તીપુજાનો આ નગ્ન ચીતાર મને કઠે છે.

      આ માત્ર એક મંદીર કે હીન્દુ ધર્મ પુરતું મર્યાદીત નથી. દરેક પ્રજા, દરેક ધર્મ, દરેક જાતી, દરેક દેશમાં, કોઈ ને કોઈ પ્રકારે અને સ્વરુપે; કોઈક દેવ કે દેવદુત કે પથ્થર માટે આમ જ બનતું આવ્યું છે. આ ‘અંતરની વાણી’ ની બીભત્સ અભીવ્યક્તી છે. અંતરના, ગંગાજળ જેવા પવીત્ર ભાવનો ચીતરી પમાડે તેવો દેખાડો અને વ્યાપારીકરણ છે. સામાન્ય માણસ માટે એ પોતાની ધાર્મીકતાનું પ્રદર્શન છે; અનેક પુજારી કુટુમ્બો માટે એ આજીવીકાનું સાધન માત્ર છે. સરકાર માટે એ આવકનો સ્રોત છે. એ શહેર કે ગામના વેપારીઓ માટે રળવાનું એક બહાનું છે. આ એક ધર્મના ઓઠા હેઠળ વકરેલી, કેવળ આર્થીક અને સામાજીક પ્રવ્રુત્તી છે. એમાં ક્યાંય ભક્તી નજરે પડતી નથી.

     હું મુર્તીપુજાનો વીરોધી નથી. અમારા એક જાણીતા સંબંધી કુટુમ્બમાં નસીબસંજોગે બાળક થયું ન હતું. બહેને બજારમાંથી એક લાલજી ખરીદ્યા હતા. એ લાલજીનું નાનકડું મંદીર, નાનકડું પારણું અને નાનકડી શય્યા પણ રાખ્યાં હતાં. પોતાનું જણેલું સંતાન હોય, એવા ભાવથી એ બહેન પોતાના એ લાડીલા લાલજીનું લાલન-પાલન કરતાં હતાં. લાલજીને જમાડે, રમાડે, ન્હવડાવે, વસ્ત્ર પહેરાવે, હીંચોળે, સુવાડે. એનાં ગીતો અને ભજનો ગાય. એની સાથે કાલી ઘેલી વાતો કરે. માતાના અધુરા રહેલા, અવ્યક્ત પ્રેમની એ અભીવ્યક્તી હતી. ઘરના એકાંત, ભાવભર્યા અને હુંફાળા વાતાવરણમાં પાંગરેલી એ ભાવ-નીતરતી, પ્રેમથી સભર ભક્તી હતી. મને એ બહેનની એ પુજા, એ વાત્સલ્ય, એ ભાવવીભોર અવસ્થા બહુ જ ગમતાં. કોઈ પણ ભક્તી કે પુજા કેવળ ‘અંતરની વાણી’ ની અભીવ્યક્તી હોવી ઘટે. આ બહેનની ભક્તી આવી અભીવ્યક્તીનું નીતાંત, સર્વાંગ સંપુર્ણ,પ્રશંસનીય સ્વરુપ હતું.

      ભક્તી તો સાવ અંગત વાર્તાલાપ હોવો જોઈએ. આપણા હોવાપણાના પાયામાં રહેલા પરમ તત્વ સાથેનો સંવાદ; ભાશા કે કોઈ પણ માધ્યમ વીનાની કેવળ આંતરીક ગોઠડી. બહુ બહુ તો એ સ્વગત પ્રાર્થના હોઈ શકે કે; પેલાં બહેન જેવી સાવ અંગત, નીર્મળ, પ્રેમલક્ષણા ભક્તી.

      પણ ઉપરોક્ત સમાચારમાં એ ભાવ, એ ભક્તી, એ પુજા બજારમાં બીકાઉ ચીજ બની ગયાં છે; એ મને કઠે છે.

       જ્યારે માનવજાતે વૈચારીક ક્ષેત્રમાં મહાભીનીશ્ક્રમણ કહી શકાય તેવી સફરના અનેક જોજનો કાપી નાંખ્યા છે; જ્યારે જ્ઞાન અને જાગ્રુતીના અનેક સ્તરો ઉકેલાઈ ચુક્યા છે; જ્યારે અજ્ઞાનનો અંધકાર ક્યારનોય ભેદાઈ ચુક્યો છે - ત્યારે માનવજાતની પથ્થરયુગી પ્રાથમીકતાના આ આદીમ સ્વરુપનું વરવું પુનરાવર્તન મને કઠે છે.

       અને ખાસ કરીને ભારત દેશમાં : જ્યાં કરોડો ભુખ્યાં બાળકો સુકા રોટલા માટે ટળવળે છે; જ્યાં ચાંગળું પાણી અને રોટલો ઘડવાનું બળતણ મેળવવા રોજ લાંબી સફર આદરવી પડે છે; જ્યાં કુદરતી હાજત માટે છેક ગામને છેવાડે પુગવું પડે છે; જ્યાં કોઈ અજાણી પ્રતીભા નાણાં, તક અને સવલતોના અભાવે પાંગરતાં પહેલાં જ કરમાઈ જાય છે; જ્યાં કેટલાંયને માટે આકાશની છત જ સહારો છે; જ્યાં ગરીબીના કારણે રુપ સરેઆમ વેચાય છે - એવી મારી જન્મભુમીમાં છપ્પન છપ્પન ભોગ ભોગવતો એ કાનુડો મને કઠે છે.

       અને પેલાં બહેનની લાલજીસેવાનું ચીત્ર ભલે ભાવ અને ઉર્મીથી સભર હોય; પણ તેમણે પોતાની મુર્તીપુજાની માન્યતાને કોરાણે મુકીને કો’ક અનાથ, અબુધ, પ્રેમના ભુખ્યા, ધુલકા ફુલ, લાલજીની જીવંત સેવા અપનાવી હોત તો એ નીરર્થક પ્રવ્રુત્તી કેટલી સાર્થક બનત? તેમના જીવનનો ખાલીપો પણ કેટલો ભરાયો હોત?

Categories: આધુનીક ભારતીય · ગદ્ય/ અછાંદસ · સુરેશ જાની

લો …. લટક્યા ….

May 2, 2008 · 5 Comments

      તે દીવસે એક વીશીશ્ટ અનુભવ થયો. અમે અમારા શહેરના પાર્કમાં ગયા હતા. મને એમ કે, હવે હું બાંકડે બેસીશ અને બન્ને બાળ ગોપાળ પ્લેગ્રાઉન્ડમાં રમશે. સાથે લાવેલી, મને બહુ ગમતી પંદરમી સદીના સાગરખેડુઓની, લાયબ્રેરીની ચોપડી હું વાંચીશ. પણ મારા દોહીત્રોનો પ્લાન કાંઈક અલગ જ હતો. એમના ડેડી જોડે અગાઉ આવેલા ત્યારે તેમણે કરેલ પરાક્રમ મને બતાવવાનો તેમને ઉમંગ હતો! હું જે વાંચવા માંગતો હતો, એ સાહસ તો ભુતકાળનું અને બીજા કો’કનું હતું. આ તો ઠોસ વર્તમાનના, નીજી સ્વાનુભવની રસસમાધી મળવાની હતી! મારી અનીચ્છા એ ચઢતા લોહીના ધસમસતા પ્રવાહની આગળ ક્યાં સફળ થવાની હતી?

      એ બાળહઠ આગળ નમતું જોખીને હું તો એ બે જણાની સાથે પાર્કના ટ્રેઈલ પર નીકળી પડ્યો. પેલા બે તો ધસમસતા ઉત્સાહથી આગળ ઉછળતા અને કુદતા જાય. પાછળ મારું રગશીયું ગાડું – પાંસઠ વરહની ઝુકતી, લબડતી ચાલમાં મંથર ગતીએ હાહ લેતું ખેંચાતું જાય. પેલી એક્સપ્રેસ ટ્રેન વારે વારે મને ઝડપ વધારવા ટકોરતી જાય. ” કમ ઓન દાદા! “. રસ્તે ચાલનાર બીજાં પણ આ ગલઢા ટાયડા અને પેલા તરવરીયા તોખાર વચ્ચેનો મીઠો ગજગ્રાહ જોતાં જાય અને મુછમાં મલકાતાં જાય.

      છેવટે અમારું હાઉસન જાઉસન એ મહાન જગ્યાએ પહોંચી ગયું. ‘સમગ્ર વીશ્વમાં આનાથી વધારે ચમત્ક્રુતી અને સનસનાટીવાળી બીજી કોઈ જગા હોઈ જ ન શકે.‘ ; એવો પરમ વીશ્વાસ એ ટુકડીને હતો ! મને આખી પરીસ્થીતીનો ઝડપથી ચીતાર આપવામાં આવ્યો; અને જે નવીન સાહસનો હું સાક્ષી બનવાનો હતો તેનું વીહંગાવલોકન મને કરાવવામાં આવ્યું. આમ તો આ ટ્રેઈલ પર આ જગ્યાએથી અમે ઘણી વાર પસાર થયા હતા. પણ આજની વાત જુદી હતી. હું વીસ્ફારીત નેત્રો સાથે આ મહાન દુસ્સાહસની શક્યતા, અશકયતા, જોખમ ( રીસ્ક ફેક્ટર ! ) વીગેરે વીશે વીચારતો થઈ ગયો. મારા ગણતરીબાજ અમદાવાદી મગજે આ બાલીશ ગાંડપણને તરત આગળ વધતું રોકી લેવાનો નીર્ધાર કરવા માંડ્યો.

       લ્યો, તમે કહેશો : “ વાતમાં મોણ કાં નાંખો? જલદી કહો ને, વાત શી હતી? “

       તો ચાલો મુળ મુદ્દા ઉપર આવું. આ જગ્યાએ રસ્તાની બાજુમાં બેસીને પીકનીક કરવાની લોખંડની એક પાટલી (બેન્ચ) હતી. તેની પાછળ દસેક ફુટ દુર એક ઉંચું ઝાડ હતું. લગભગ ત્રીસેક ફુટ ઉંચું તો હશે જ. આ એક વીશીશ્ઠ ઝાડ હતું. આપણા દેશી વડની યાદ અપાવે તેવું; પણ ઘણું જુદું. વડ કરતાં એ ઘણું વધારે ઉંચું હતું. એની ઉપરથી કો’ક જગ્યાએ વડવાઈઓ જેવા વેલા લબડતા હતા. બાજુના આવા બીજા ઝાડ પરથી લબડતા આવા વેલાઓએ તો જમીનમાં મુળ નાંખીને પોતાની અલગ વીકાસયાત્રા પણ શરુ કરી દીધેલી હતી. પણ આ વેલાને કોઈએ નીચેથી કાપી નાંખેલો હતો. આથી તે જમીનથી એકાદ ફુટ ઉપર રહે તેમ ઝુલતો હતો. અને તેનો બીજો છેડો ઝાડની છેક ઉપરની મજબુત ડાળી પરથી લટકી રહ્યો હતો. ઝાડ આપણા વડ જેટલું ઘટાદાર ન હતું. પણ આ વેલો ખાસ્સો જાડો હતો, એનો વ્યાસ ઓછામાં ઓછો દોઢેક ઈંચ તો હશે જ. તે બરડ નહીં પણ ચીકાશવાળો અને મજબુત હતો. ત્રીસેક ફુટ ઉંચેથી લબડતા આ મજબુત વેલાએ એક નવા જ સાહસને શક્ય બનાવ્યું હતું.

       અમારો નાનકડો વીર તો એ વેલો ઝાલીને પેલી પાટલીની ઉપર ચઢી ગયો. લગભગ દસેક ફુટ એ વેલાનો છેડો ખેચાયો હશે. હું તેને વારું તે પહેલાં તો તેણે એ વેલો પકડીને પાટલી પરથી ઝુકાવ્યું. ટારઝનની યાદ અપાવે તેવી અદાથી તે તો વીસેક ફુટ દુર ફંગોળાયો. જેવો એ વેલો બીજી તરફ પહોંચ્યો અને તેની વળતી યાત્રા ચાલુ થઈ કે, તરત અમારા શુરવીરે તેને છોડી દીધો અને પોતાની ગતીની સાથે તાલ મીલાવી થોડુંક દોડીને તે સફળતાપુર્વક ખાસ્સો દુર જઈ અટકી ગયો. મારી તરફ વીજયી મુદ્રાથી તેણે નીહાળ્યું. હવે મારા જાનમાં જાન આવ્યો. પેલા અમદાવાદી નીર્ધારને દબાવી મેં તેને આ નવા આવીશ્કાર અને સાહસ માટે બીરદાવ્યો. પછી તો એ ભાઈ ક્યાંય ઝાલ્યા રહે? હું ‘ના - ના’ કરતો રહ્યો અને તેણે આ નવી રમત પાંચ છ વખત મને કરી બતાવી; અને મને પણ એ પરમ અને અવર્ણનીય અનુભુતીનો આસ્વાદ માણવા દબાણ કરવા માંડ્યું.

      અને ખરી વાત તો હવે આવે છે; ભાયું ને બેન્યું! બધી ગણતરીઓ, ભય, ઉમ્મરની અશક્તીઓ અને મજબુરીઓ બાજુએ મેલીને હું પણ એ પાટલી પર આરુઢ થયો અને વેલો પકડી લટક્યો અને સફળતાપુર્વક બીજી બાજુ પુગી પણ ગયો – પડ્યા કર્યા વીના હોં ! અને પછી આ નાનકડા સાહસના રંગ અને રસમાં લીન બની ત્રણેક વખત મેં આ ટારઝની પરાક્રમની લીજ્જત માણી હોં! દીકરાઓ મારી ઉપર ઓવારી ગયા. મેં પણ મારો પોતાનો બરડો થાબડી લીધો.

      ક.મા. મુનશીને યાદ કરી લીધા - ‘વાહ, રે મેં વાહ!’ હવે આખા કુટુમ્બના મોટ્ટા ઓડીયન્સ સમક્ષ આ સરકસનું ક્યારે પ્રદર્શન કરવું અને તેની વીડીયો બનાવી ટી.વી.વાળાઓને આપવી કે કેમ, એની યોજનાઓ ઘડતાં અમે પ્લેગ્રાઉન્ડ તરફ પાછા જવા નીકળ્યા !

       આમ આ ડોહા જીવનમાં પહેલી વાર ટારઝનની કની અમેરીકી વેલા પરથી લટક્યા !

Categories: સુરેશ જાની · સ્વાનુભવ

આજનો સુવીચાર

May 2, 2008 · No Comments

       પ્રેમ કદાપી નીશ્ફળ જતો નથી બેટા; આજ નહીં તો કાલે કે યુગો પછી, સત્યનો જય થશે જ! પ્રેમની જીત થવાની જ છે. શું તમે તમારા માનવબન્ધુઓને ચાહો છો?

- સ્વામી વિવેકાનન્દ

સાભાર - ચીરાગ પટેલ 

Categories: સુવીચાર