ડ્રાય સોનામાં ઈલેક્ટ્રીશીયન - – એક અવલોકન
May 8, 2008 at 1:00 am | In અવલોકન, સુરેશ જાની |હું ડ્રાય સોનામાં તપાવા બેઠો હતો – પસીને રેબઝેબ. ત્યાં અંદર એક કામ કરવાની સીડી પડેલી હતી. થોડી વારમાં એક ઈલેક્ટ્રીશીયન અંદર આવ્યો. સીડી પર ચઢી તેણે નહીં ચાલતા વીજળીના દીવાની શેડ ખોલી, લેમ્પ બદલી નાંખ્યો. શેડ સાફ કરી તેણે ફરી પાછી લગાવી દીધી. દીવો ચાલુ કરી નાંખ્યો. પછી તેની બાજુમાં તાપમાન માપવા માટેનું થર્મોમીટર હતું, તે પણ દીવાલ પરથી તેણે ઉતાર્યું. તેને લટકાવવાનો સ્ક્રુ પણ કાઢી નાંખ્યો. અને પાછો પેલા દીવાની નીચે એ સ્ક્રુ ફીટ કરી દીધો. પાછું થર્મોમીટર લગાવી દીધું. આ બધી ક્રીયા તેણે સાદા ડીસમીસથી કરી. અહીં અમેરીકામાં તો બધા ડગલે ને પગલે પાવરથી ચાલતાં સાધનો વાપરે.
હવે મારાથી ન રહેવાયું. મેં કહ્યું, “ અરે, ભાઈ! તમે બરાબર મારા જેવા જ છો. હું પણ કામ કરું ત્યારે મને એ ઈલેક્ટ્રીક સ્ક્રુ ડ્રાઈવર વાપરવાનું ગમતું નથી. સહેજ બેધ્યાન રહીએ અને સ્ક્રુનું માથું ખરાબ થઈ જાય અને પછી એને કાઢતાં દમ નીકળી જાય. “
એ ભાઈ તો મારા આ વક્તવ્યથી એકદમ આનંદમાં આવી ગયા. તેના કંટાળાજનક કામમાં મારા જેવા ઘરાકે રસ લીધો તેનો આનંદ તેના મુખારવીંદ પર તરત જણાઈ આવ્યો. પછી તો અમે ઘણી બધી વાતો કરી. તેની એકધારી અને નીરસ કામગીરીમાં ઉપરી સીવાય કોઈએ તેની સાથે આજે વાતો કરી હતી.
સામાન્ય રીતે આવી વ્યક્તીઓ જાણે હોય જ નહીં; એમ આપણા પોતાનામાં જ આપણે ગુલતાન હોઈએ છીએ. કામ કરનાર માણસ એટલે નોકર; આપણાથી હલકો માણસ. એની સાથે તે વળી વાત કરાય? આમ જ તો બધા સમાજોમાં ઉંચા નીચાના ભેદ ઉભા થાય છે, વકરે છે. વર્ગ વીગ્રહ સુધી પહોંચી જાય છે. જેના થકી બધી વ્યવસ્થા સાંગોપાંગ ચાલી રહેતી હોય છે, તેવા આવા અદના માણસો મોટે ભાગે ઉપેક્ષીત જ રહે છે.
એ ભાઈની સાથે મેં થોડી આમ વાત કરી, તેનાથી તેને તો આનંદ તો થયો જ; પરંતુ મને પણ થયો. એક નાનકડા હકારાત્મક બીજનું વાવેતર થયું હતું. એક નાનકડી શુભેચ્છા પ્રગટી હતી.
1 Comment »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
ધુપસળી - આ નામનું પુસ્તક યાદ આવ્યું. માણસને પોતે જે કરે છે એનો ‘બીજા દ્વારા સ્વીકાર’ની ઘણી જરુર હોય છે. સામાજીક પ્રાણી તરીકેની એક સાહજીક ચેશ્ટા!
Comment by Chirag Patel — May 9, 2008 #