દરરોજનો અનુભવ છે. આમ તો લાંબા અંતરે જવાનું હોતું નથી. દીકરીના દીકરાને નીશાળેથી બપોરે લઈ આવવાનું એ રોજનું કામ. પાંચ માઈલનો એ રોજનો રસ્તો. પણ એ પાંચ માઈલની મુસાફરી માટે પણ હાઈવેનો સહારો લેવો પડે છે. એ વીના પણ મુસાફરી થઈ તો શકે છે. પણ એ રસ્તો બહુ લાંબો પડે છે. તેની ઉપર ધીમી ગતીએ જવું પડે છે. વચ્ચે રુકાવટો પણ ઘણી આવે છે. ક્યાંક ટ્રાફીક સીગ્નલ તો ક્યાંક સ્ટોપ સાઈન. વળાંકો પણ ઘણા આવે. ક્યાંક તો રસ્તો સાવ નાનો હોય, બન્ને દીશામાં માત્ર એક એક જ લેન.
આથી દરરોજ એ હાઈવેનો સહારો અચુક લેવો પડે છે. અમારા ઘરની નજીકના મુખ્ય રસ્તા પરથી તેમાં પ્રવેશવાનું અને નીશાળની નજીકના નાનકડા રસ્તા પર પ્રવેશવા તેમાંથી નીકળી જવાનું. પાછા વળતાં આનાથી ઉંધી પ્રક્રીયા. આ બન્ને માટે એક્ઝીટનો સહારો લેવાનો.
હવે વાત એ કરવાની છે કે, જ્યારે એક્ઝીટ પરથી હાઈવેમાં પ્રવેશવાનું હોય ત્યારે ખાસ સતેજ રહેવું પડે. હાઈવે પર ચાલી રહેલી ગાડીઓનો પ્રવાહ દુર હોય ત્યારે જ એમાં પ્રવેશી શકાય. મોટા ભાગે તો જગ્યા મળી જ જાય. પણ કો’ક વખત લાંબી વણજાર આવી રહી હોય ત્યારે બહુ જ અસમંજસ રહે. ગતી વધારે પણ ન રાખી શકો અને ધીમી પણ નહીં. કદીક સાવ અટકી પણ જવું પડે અને ચાલ મળતાં ત્વરાથી ઝડપ વધારી હાઈવેની ઝડપ સાથે તાલ મેળવી લેવો પડે – કલાકના સાઠ માઈલ ! હાઈવે પર ચાલ મળી જાય ત્યારે હાશકારો થાય. ચાલો હવે નીરાંત – ઝડપથી લક્ષ્ય તરફ પહોંચી જવાશે.
હાઈવે પરથી બહાર નીકળતી વખતેય સતેજ તો રહેવું પડે, પણ પ્રમાણમાં તકલીફ ઓછી પડે. જેવા એક્ઝીટમાં પ્રવેશી જઈએ અને ઝડપ ઓછી કરવા માંડીએ એટલે પહોંચ્યાનો હાશકારો થાય. ધીમે ધીમે શહેરની કલાકના 35-40 માઈલની ઝડપ ઉપર આવી જઈએ. હવે અટકવાનું સરળ બની જાય. તાણ પણ ઓછી થાય.
બે હાશકારા – પણ બન્નેની અનુભુતી અલગ. એકમાં ઝડપ વધવાનો આનંદ; બીજામાં અટકી શકાવાનો આનંદ. પહેલામાં તાણના વધતા પ્રવાહ સાથે તાલ મેળવવાનો આનંદ, લક્ષ્ય સુધીનું અંતર હવે ઝડપથી કપાશે તે આશાનો આનંદ. બીજામાં તાણ ઘટી શકાવાનો આનંદ – લક્ષ્યની નજીક આવી ગયાનો આનંદ. પહેલાંમાં ઉપર ચઢવાનું તાણ. બીજામાં નીચે ઉતરવાની હળવાશ.
ઉપર ચઢવાનું હમ્મેશ વધારે શક્તી, વીશેશ ધ્યાન, વીશેશ સતર્કતા માંગી લે છે. એમાં વીશેશ જોખમ છે. નીચે ઉતરવાનું પ્રમાણમાં બહુ સરળ છે.
રસ્તો ટુંકો હોય તો આ ઉપર અને નીચે જવાના અનુભવોની એક આવ્રુત્તી થાય એટલે પત્યું. લાંબા રસ્તે જતાં હોઈએ તો આવા બે, ત્રણ કે વધારે ચઢાવ ઉતારમાંથી પસાર થવું પડે.
પર્વત ઉપર ચડવાનું અને ઉતરવાનું – એમાં પણ આ જ અનુભુતી દોહરાય છે. નાની ટેકરી હોય કે મસ મોટો પર્વત હોય.
જીવનમાંય આમ જ છે ને વારુ?
0 responses so far ↓
There are no comments yet...Kick things off by filling out the form below.
Leave a Comment